Get The App

મંદિરમાં હિંડોળાના અને ઘરમાં ડોળાના દર્શન

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
મંદિરમાં હિંડોળાના અને ઘરમાં ડોળાના દર્શન 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કાળી ચૌદસમાં મહિલાઓ કકળાટ કાઢે જ્યારે કેટલીક મહિલાઓ કારણ વગર કકળાટ કરી ધણીને કાઢે. કાળી ચૌદસમાં ચોકમાં વડાં મૂકાય જ્યારે કેટલીક મહિલાઓ ઘરના 'વડા'ને ચોકમાં કાઢે.

પથુકાકાના ઘરમાં કકળાટ ક્વીન (હો)બાળાકાકી રાડારાડ કરતાં હતાં અને પથુકાકાને ચોકમાં જઈ રિક્ષા લઈ આવવાનું કહેતાં હતાં. કાકાના પેટનું પાણીય નહોતું હલતું. એ તો ટેસથી હિંચકા ઉપર બેસી બિલોરી કાચથી છાપું વાંચતા હતા. કાકીની ધીરજની હદ આવી ગઈ એટલે ડોળા કાઢીને રાડ પાડી કે, 'હવે છેલ્લી વાર કહું છું, મંદિરે જવા માટે રિક્ષા નહીં લાવોને તો હું મંદિરે જવાનું માંડી વાળીશ.'

છેલ્લા વાક્યની જાદુઈ અસર થઈ. (હો)બાળાકાકી મંદિર જવાનું માંડી વાળે એના કરતાં મંદિર ભેગાં થાય તો સારું એમ માની કાકા ઊભા થયા અને ચોકમાં જઈ રિક્ષા લઈ આવ્યા. કાકી ગયા પછી મારે ઘરે આવીને બેઠા અને હાશકારો કરતાં બોલ્યા, 'તારી કાકી કકળાટ કરતી કરતી માંડ મંદિર ગઈ.'

મેં પૂછયું, 'આજે વહેલાસર મંદિરે જવાનું કારણ શું?'

પથુકાકા બોલ્યા, 'તારી કાકીને મંદિરમાં હિંડોળાના દર્શન કરવાં હતાં એટલે મને વઢીને ડોળાના દર્શન કરાવીને ગઈ.'

મેં પૂછયું, 'કાકા, કાકી હિંડોળાના દર્શન કરવા માટે તમને ડોળાના દર્શન કરાવીને ગયાં એ તો જાણે બરાબર, પણ તમે બિલોરી કાચથી કેમ છાપું વાંચવા માંડયા?'

સવાલ સાંભળી કાકા બોલ્યા, 'મારાં ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં એટલે શું કરું? છાપું વાંચ્યા વિના પેટ સાફ ન આવે એટલે બિલોરી કાચથી વાંચતો હતો.'

મેં કહ્યું, 'તો સ્પેર ચશ્માં કેમ નથી રાખતા?'

કાકા બોલ્યા, 'જો મારી પાસે ત્રણ જોડી ચશ્માં છે. એક નજીકનું જોવાનાં, એક દૂરનું જોવાનાં અને એક ચશ્માં પેલાં બન્ને ચશ્માં ખોવાઈ જાય ત્યારે ગોતવા માટેનાં છે. આમાં ગઈકાલે બાલ્કનીમાં એક વાંદરો આવ્યો હતો એ એક જોડી ચશ્માંં ઉપાડી ગયો અને બે જોડી ચશ્માંં હિંચકા ઉપર રાખીને નાહવા ગયો એટલી વારમાં તારા કાકી આવી ચશ્માંં ઉપર ધબ્બ કરતાં બેઠાં એમાં બન્ને જોડી તોડી નાખી. અમારી જોડી અતૂટ રહી પણ ચશ્માંંની જોડી તોડી નાખી એટલે પછી બિલોરી કાચથી વાંચવાનો વારો આવ્યો બોલ! એટલે ચશ્માંંને ગમે તેટલા ધરામાં સાચવો પણ ઘરમાં તારા કાકી જેવાં અ-ઘરા હોય એ ગમે એટલા મજબૂત ધરાનો ભૂક્કો બોલાવી દે.'

મેં કહ્યું, 'કાકા ચશ્માંં સાચવવાની ઝંઝટને બદલે તમે કોઈ ચશ્મેશાહી બાબાની વાત કરતા હતા ને કે એ ચશ્માંં ઉતારી દે છે? તો એની પાસે જાવને?'

પથુકાકા હાથ જોડી બોલ્યા, 'એ ચાલુ, ચાપ્ટર અને ચલતા પૂર્જા જેવા ચશ્મેશાહી બાબાનું નામ ન લેતો. એણે મને પણ છેતર્યો.'

મેં કહ્યું, 'કેવી રીતે? જરા વિગતે વાત તો કરો?'

કાકા બોલ્યા, 'ચશ્મેશાહી બાબાની ઓરડીમાં દાખલ થતાં પહેલાં પેટીમાં ફરજિયાત બસો રૂપિયા નાખવા પડે. પૈસા નાખો પછી જ બાબા બારણું ખોલે. મેં બસો રૂપિયા નાખ્યા એટલે બાબાએ મારા માથે મોરપીંછ ફેરવી પૂછયું બોલ ક્યાં તકલીફ હૈ... મેં કહ્યું ચશ્માંં ઉતારના હૈ. આ સાંભળતાંની સાથે જ મને સ્ટૂલ પર બેસાડયો અને સત્તાવાહી અવાજમાં કહ્યું 'ઓ...ચશ્મેવાલે પહેલે અપને ચશ્મે કી બાયીં ડાંડી પકડ ફિર ધીરે સે દાહીની ડાંડી પકડ ઔર ફિર ચશ્મેશાહી બાબા કો યાદ કરકે ચશ્માં નાક કી તરફ ખેંચ કે ઉતાર દે... ઉતાર દે... ઉતાર દે...' મેં આજ્ઞાાનું પાલન કરીને જેવાં ચશ્માંં ઉતાર્યાં એટલે મારી પીઠ થાબડી ચશ્મેશાહી બાબા અટ્ટહાસ્ય કરી બોલ્યા જાવ... જાવ... જાવ તુમ્હારા ચશ્માં ઉતર ગયા ચશ્માં ઉતર ગયા...'

મેં કહ્યું, 'કાકા, ચાલો સારું થયું તમારી સાથે બસો રૂપિયાની બનાવટ થઈ એમાં તમારી આંખો સાવ ખૂલી ગઈ બાકી તો બાબાઓ, સાધુઓ અને બાપુઓના એવાં એવાં અંધભક્તો હોય છે જે પાખંડીઓની પાછળ ઘર... બાર બધું જ લૂંટાવી દેતા હોય છે. તમારા નંબર ભલે ન ઉતર્યા પણ આંખ તો ખૂલી!'

પણ કહે છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. પથુકાકાને મેં ત્રીસેક વર્ષ પહેલાં ગોવા ગયા એ વખતનો પ્રસંગ યાદ અપાવ્યો. હું, કાકા, કાકી અને અમારા સોશિયલ ગુ્રપના મેમ્બરો ગોવા ફરવા ગયા હતા. બીચ ઉપર ટહેલતા હતા. બીચ ઉપર તો જાણે ખરેખર ઉઘાડ નીકળ્યો હોય એમ ફોરેનર ી-પુરુષો ઉઘાડાં પડયાં હતાં. નહિવત્ વોમાં સનબાથ લેતાં હતાં ત્યાં ગુજરાત બાજુથી લક્ઝરી બસ આવીને ઊભી રહી. કોઈ બહુ નાના ગામડેથી આવ્યા હશે એમ બસના ટૂરિસ્ટોને જોઈ લાગ્યું.

એક પછી એક ગામડિયા નીચે ઊતરવા માંડયા. બસનું જ્યાં પાકગ હતું ત્યાંથી બીચ થોડો દૂર હતો. થોડીવારમાં તો ચાર-પાંચ ચાપ્ટરો 'લે લો જાદુઈ ચશ્માં... લે લો જાદુઈ ચશ્માં સિર્ફ ૧૦૦ રૂપૈયા... સો રૂપૈયા...'

એક ગામડિયાએ હિંમત કરી પૂછયું કે, 'કાળા ચશ્માંંમાં જાદુ શું છે?'

ચાલાક ચશ્માંવાળાએ જવાબ આપ્યો કે, 'ચશ્માં પહેનો ઔર ખુલ્લે બદનવાલે ફોરેનર્સ કો દેખો... યે ચશ્માં પહનોગે તો બીચ પે સોયે હુએ ફોરેનર્સ એકદમ કમ કપડે મેં દીખેંગે બોલો કિતના ચશ્માં લોગે... ફટાફટ લે લો...'

ગામડિયાઓએ તો સો... સો રૂપિયામાં કાળાં ચશ્માં ખરીદ્યાં અને હરખાતા હરખાતા બીચ પર દોડી ગયા. બીચ પર આમતેમ નજર ફેરવતા જાય અને કહેતા જાય, 'વાહ ગજબના જાદુઈ ચશ્માં છે હો? ઓલા પરદેશીઓ સાચ્ચે જ ઉઘાડા દેખાય છે... જો સામે... જો છત્રી નીચે... જો સ્ટોલ પાસે...'

આ જોણું ચાલતું હતું ત્યાં બસનો અનુભવી ડ્રાઈવર આવ્યો અને ખડખડાટ હસીને બે જુવાનિયાઓને કહ્યું, 'ચશ્માંં વેચવાવાળો તમને બનાવી ગયો ને? ચશ્માંં કોઈ જાદુઈ નથી, જુઓ ચશ્માં ઉતારો અને સામે નજર નાખો... ફોરેનર્સ પહેલેથી જ ઉઘાડા જ પડયાં છે...'

મેં કહ્યું, 'કાકા તમારા દૂરના અને નજીકના ચશ્માં તૂટી ગયાં છે એ નવાં ક્યારે બનાવશો?'

કાકા કહે, 'મારે તો અર્જન્ટ બનાવવાં પડશે ચશ્માં, કારણ ભત્રીજાના લગ્ન નજીક આવે છેને?'

મેં પૂછયું, 'ભત્રીજાનાં લગ્નને અને ચશ્માંંને શું સંબંધ?'

કાકા ખોંખારો ખાઈને લુચ્ચું હસીને બોલ્યા, 'ઓલા ટ્રમ્પના પાપે ઈંધણની મોકાણ ઊભી થઈ છે ને? એટલે બને એટલા ઓછા સગાંવ્હાલાંને આમંત્રણ આપવા માટે ચશ્માંંની તો જરૂર પડે ને?'

મને સમજાયું નહીં કે ચશ્માંં અને લગ્નના આમંત્રણને શું સંબંધ? મારી મૂંઝવણ જાણી ગયેલા કાકા બોલ્યા, 'જો ભાઈ સગાંવ્હાલાંનું લિસ્ટ રાખ્યું છે. હું તો દૂરના ચશ્માંં ચડાવીને જ એ લિસ્ટ વાંચીશ એટલે પછી બધાં દૂરના જ લાગે એટલે પછી કંકોતરી મોકલવાની જરૂર નહીં. બાકી પચાસેક નજીકના સગાસંબંધીનું લિસ્ટ તારી કાકીએ તૈયાર રાખ્યું છે, નજીકના ચશ્માં પહેરીને એ લિસ્ટ ઉપર ફરીથી નજર ફેરવી જઈશ એટલે ખબર પડે કે નજીકના કેટલા સગાંવ્હાલાંને ઘરે કંકોતરી મોકલવાની છે. બોલ આપણો આઈડિયા કેવો લાગ્યો?'

મેં તો કાકાની અક્કલને દાદ આપતાં કહ્યું, 'તમારો આઈડિયા બીજા બધા પણ અજમાવે ને તો લગ્નમાં ખર્ચા અને મહેમાનોનો ધસારો ખાળી શકાય. બાકી ઈંધણની કટોકટીમાં મહેમાનોના ધણના ધણ આવે તો વાડી કેવી ધણધણી ઊઠે!'

અમારી આ વાત ચાલતી હતી ત્યાં પથુકાકાએ ગાદી નીચેથી ફોર્મ કાઢીને બતાવ્યું અને બોલ્યા, 'જો આઈ બેન્કવાળા ઘરે આવ્યા હતા, મૃત્યુ પછી ચક્ષુદાન કરીશ એવાં પ્રતિજ્ઞાાપત્ર પર સહી કરાવી ગયા.'

મેં પૂછયું, 'પેલા નયનસુખભાઈ નેત્ર બેન્કવાળા આવ્યા હતા ને? એ શું બોલ્યા?'

કાકા કહે, 'નયનસુખભાઈ આજે સવારે જ આવ્યા હતા. એમની ચક્ષુ બેન્કની કામગીરીની જાણકારી આપતા બોલ્યા કે અમે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એ પછી આંખો કાઢીએ છીએ. મેં એ મહાશયને હસીને કહ્યું કે તમે મૃત્યુ પછી આંખ કાઢો છો, જ્યારે મારી વઢકણી વહુ મારી સામે જીવતેજીવ આંખો કાઢે છે એનું શું?'

'આપણા દેશમાં બેન્કના કૌભાંડો થાય છે, સફેદપોશ લૂંટારાઓ બેન્કના ખજાના ખાલી કરી પરદેશ ભાગી જાય છે, બેન્કો ફડચામાં જાય છે પણ એક જ એવી બેન્ક છે જ્યાં કૌભાંડો નથી થતાં, એ બેન્ક એટલે આય-બેન્ક. કૌભાંડ શું કામ નથી થતાં ખબર છે? કારણ કે મરણ પછી જ આય-બેન્કમાં ખાતું ખૂલે છે.'

અંત-વાણી

રાતે ન દેખે રતાંધળા

મત વિના ન દેખે મતાંધળા

સત્તા મળ્યા પછી કોઈને 

ન દેખે સત્તાંધળા.