ગુજરાતમાં દારૂની બંધી અને બંધાણ .
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'વાહ, આ તો બહુ સારું કહેવાય. અત્યાર સુધી સરકારી પ્રચાર સૂત્ર કાને પડતું હતું કે વાંચે ગુજરાત, અને હવે નવું સૂત્ર સંભળાશે કે નાચે ગુજરાત.'
ઘરમાં બેસીને ટેસથી નવા વર્ષની ઉજવણી કરતા રંગીલા મિજાજના પથુકાકા ગ્લાસમાંથી ચુસ્કી લઈને પીતા હતા અને ડોલતા ડોલતા ગાતા હતાઃ સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાયે, આજા પ્યારે પાસ હમારે કાહે ગભરાય... કાહે ગભરાય...
કાકાને એકદમ સેલિબ્રેશનના મૂડમાં જોઈ મેં પૂછ્યું, 'પથુકાકા, અત્યારે જોની વોકરનું ગીત કેમ યાદ કર્યું?' કાકાએ જવાબ આપ્યો,'મારા ગ્રાન્ડસને અમેરિકાની જોની વોકર વ્હિસ્કી મોકલી છે એના નશામાં જોની વોકર જ યાદ આવેને?'
બાલ્કનીમાં બેસીને કાકા ઉજવણી કરતા હતા ત્યાં દારૂબંધી ખાતાના ફોજદાર જેવો રૂઆબ કરતા (હો)બાળાકાકી ત્રાટક્યાં અને ઊંચા અવાજે તાડૂક્યા, 'હવે બહુ થયું હો! કેટલું પીશો?' કાકાએ મસ્તીના મૂડમાં વ્હિસ્કીના ગ્લાસમાં આંગળી બોળી વીજળીની ઝડપે કાકીને હોઠે અડાડી બોલ્યા, 'લે, તું પણ ઉજવણી કર, આખું વર્ષ પજવણી કરે છે, તો એક દિવસ ઉજવણી તો કર!'
વ્હિસ્કીનો કડવો સાદ મોઢે લાગતા કાકી થૂ... થૂ... થૂ... કરી બોલ્યાં, 'હે ભગવાન, આવો કડવો ટેસ્ટ? આ કેમ પીવાય?' પથુકાકા બોલ્યા, 'અમે કડવા ઘૂંટડા જ ગળીએ છીએને? તને શું એમ હતું કે અમે મીઠા મધુરા અમૃતના ઘૂંટડા ભરીએ છીએ? માણસે શાદી અને શરાબમાં કડવા ઘૂંટડા પીવા જ પડે છે. આને જ કહેવાય ઝેર તો પીધા જાણી જાણી...'
મેં કાકાનું છેલ્લું વાક્ય પકડી ચાર-લાઈના જોડી દીધીઃ
'જેણે ઝેર તો પીધાં
જાણી જાણી
એવાં કૈંકના જીવન થયા
ધૂળ-ધાણી,
દારૂની બંધી હોય કે ન હોય
બધે ભટકાય બંધાણી.'
પથુકાકા ખોંખારો ખાઈ બોલ્યા, 'સાવ સાચી વાત છે, હો! ગુજરાતમાં દારૂબંધી આંશિક રીતે ઉઠાવવાની જાહેરાત થતાંની સાથે જ હોબાળો મચાવવામાં આવ્યો, પણ બધા જાણે છે કે બંધીમાં પણ ભરપૂર દારૂ પીવાય છે. મુંબઈની જેમ ઠેર ઠેર બાર નથી એટલું જ, બાકી છાનેછપને ઠુંગા પાણી ચાલતા જ હોય છેને? મુંબઈમાં બારમાં નશો કરી પીયકક્ડો ડોલી ડોલી બાર આવે, જ્યારે ગુજરાતમાં તો પહેલેથી બાર-ડોલી છે એ કેમ ભૂલી ગયા?'
મેં કહ્યું, 'કાકા, દર વખતની જેમ આ વખતે પણ ન્યુ-યર સેલિબ્રેટ કરવા અને નશામાં ઝૂમવા કેટલા બધા શોખીનો ગુજરાતથી દિવ અને દમણ પહોંચી ગયા હતા એ સમાચાર વાંચ્યાને?'
કાકા બોલ્યા, 'શોખીનો પીવા માટે દીવ-દમણ ગયા હતા એ સાચી વાત, બાકી ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પીનારાઓએ ગમે તેમ ગળા ભીના કરી જ લે છે. એવું છે કે બંધી વચ્ચે છાનેછપને પીવામાં ઘણા અજબ થ્રિલનો અનુભવ કરતા હોય છે. મને તો જૂની ફિલ્મી કવ્વાલી યાદ આવે છે-
જબ સે સરકારને
નશાબંધી તોડ દી,
માનો યા ના માનો
હમને પીની છોડ દી.'
મને ગુજરાતમાં નવો કોર્ડવર્ડ સાંભળવા મળ્યો. યંગસ્ટરોના ગુ્રપમાં એકબીજાને કહેતા હતા વાપી ચાલો... વાપી ચાલો... વાપી ચાલો... આ સાંભળી મને વનાઈ લાગી કે મોડી રાત્રે વાપી જવાનું કારણ શું હશે? મારી મુંઝવણ સમજીને એક જમાનાના ખાધેલ (અને પીધેલ) વડીલે સમજાવ્યું કે વાપીને ઊંધેથી વાંચો તો શું થાય? પી-વા, બરાબર? એટલે આ જુવાનિયાઓ પીવાનોે પ્લાન બનાવે છે.બીજું કે ગુજરાતવાળાને દમણ-સેલવાસ પીવા જવું હોય તો વા-પી ગામ થઈને જવું પડે એટલે પીવા માટે વાપીનો કોડવર્ડ કેવો બંધબેસતો છે?'
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે,પણ અમુક વિસ્તારમાં છૂટ આપવામાં આવી છે. એમ મહારાષ્ટ્રના વર્ધામાં ગાંધીજીના સેવાગ્રામ આશ્રમ વિસ્તારમાં દારૂબંધી છે, બાકી આખા રાજ્યમાં છૂટ છે. મજાની વાત છે કે આ વર્ધામાં જ થોડા વખત પહેલાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડાઈ હતી, બોલો!
ગુજરાતમાં દારૂબંધી છતાં શાયરોની શાયરીમાં છૂટથી શરાબ, જામ, મયખાના અને સાકી આવે છે. શાયરોને પરમીટ લેવી નથી પડતી, પણ છેલ્લાં ૩૫ વર્ષથી નવોદિત શાયર તરીકે ઓળખાતા જનાબ ચાલાક ચોખલિયાએ ગમે તેમ કરી સરકારી અનુદાન મેળવી ગઝલ સંગ્રહ છપાવ્યો, પરંતુ ખાસ ધ્યાન રાખ્યું કે સાકી કે શરાબનો ખુલ્લમ્ખુલ્લા ઉલ્લેખ ન આવે. એટલે પછી કંઈક આવી તુકબંધી કરી કે-
મને બેહોશ કરી
બીજાને ગળે લગાવ કાકી (સાકી)
હોશમાં રહી, આ જુલમ સહી
ગયો છું હું થાકી.
બીજો પા-શેરનો શેર ફટકાર્યો કેઃ
સહુ વહેંચાઈ ગયા છે
જાણે જુદા જુદા ખાનામાં,
પણ બધા ભેદ ભૂંસાય છે
પાયખાનામાં (મયખાનામાં).
પથુકાકાને જ્યારે મેં ચાલાક ચોખલિયાના પા-શેર અને સવા-શેર સંભળાવ્યા ત્યારે ખડખડાટ હસીને બોલ્યા, 'આ હવા વિનાના ટાયર જેવાં શાયરને માત્ર દાદ નહીં પણ દાદ, ખાજ, ખુજલી આપવી જોઈએ.'
મેં કહ્યું, 'કાકા, મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે એટલે બંધાણીઓ દિવસે ન વધે એટલા રાતે વધતા જાય છે. પોલિટિકલ પાર્ટીઓ આકર્ષણ ગુમાવી ચૂકી છે, સહુથી લોકપ્રિયતા કોક-ટેલ પાર્ટીઓએ મેળવીછે.'
કાકા છણકો કરીને બોલ્યા, 'આમ તો અત્યારે ડાઘાડૂઘીવાળા, વગોવાયેલા, કેસ-કબાડામાં અટવાયેલા નેતાઓનો શંભુમેળો યોજીને જે ગઠબંધનો રચાય છે અને કોક-ટેલ પાર્ટી જ કહેવાયને? આવી કોક-ટેલ પાર્ટીના હાથમાં જ્યારે સત્તા આવી જાય ત્યારે શરાબને બદલે સત્તાનો એવો તો નશો ચડે છે કે જનતા પાર્ટીને બદલે ઝૂમતા પાર્ટી બની જાય છે.'
પથુકાકાએ તો એના અમેરિકામાં વસતા ગ્રાન્ડસનને કોલ કરી ખુશખબર આપ્યા, 'હવે ગુજરાતના ચોક્કસ વિસ્તારમાં દારૂબંદી નહીં નડે અને ટેસથી પી શકાશે. તું આવ, મજા આવશે.'
કાકાથી ચાર ચાસણી ચડે એમાં ગ્રાન્ડસને ખુશખબર સાંભળી રિએકશન આપતા કહ્યું, 'વાહ, આ તો બહુ સારું કહેવાય. અત્યાર સુધી સરકારી પ્રચાર સૂત્ર કાને પડતું હતું કે વાંચે ગુજરાત, અને હવે નવું સૂત્ર સંભળાશે કે નાચે ગુજરાત.'
અંત-વાણી
સાજાને માંદા પાડે શરાબ
માંદાને સાજા કરે રાબ.
** ** **
અત્યાર સુધી પ-ર-બ બંધાતી ભવિષ્યમાં 'ર' નીકળી જશે અને પ-બ બંધાશે.