- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
શિયાળાની સવારે પથુકાકા લાલચટક ટોપી પહેરીને તાપણા પાસે બેસી મસ્તીના મૂડમાં ગાતા હતાઃ
'મેરા જૂતા હૈ જાપાની
યે પતલૂન ઈંગ્લિશ્તાની,
સર પે લાલ ટોપી રૂસી
ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.'
મેં કાકાને પૂછ્યું, 'તાપણા પાસે બેસીને આમ અચાનક રાજ કપૂરની ફિલ્મનું ગીત ગણગણવાનું કેમ મન થયું?'
પથુકાકા બોલ્યા, 'થોડા દિવસ પહેલાં જ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી ગયા ખબર છેને? હવે પુતિનના દેશ રશિયામાં આજની તારીખમાં સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્મ સ્ટાર રાજ કપૂર છે. એટલે માથે રૂસી લાલ ટોપી પહેરી તાપણું કરીને રાજ કપૂરની ફિલ્મનું ગીત ગાઉં છું, ટાઢમાં ગરમાવો આપે આપણું તાપણું અને વગર ટાઢેે પણ ધરાર ગરમાવો આપે કે સંતાપ આપે એ તારી કાકીનું સં-તાપણું. સ ર પે લાલ ટોપી રૂસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની...'
પથુકાકા ગીત સાંભળીને રસોડામાંથી ચા લઈને આવેલાં (હો)બાળાકાકી બોલ્યાં, 'તમનેૈ ખબર નહીં હોય, પણ આપણાં લોકગીતમાં પણ રશિયાનો ઉલ્લેખ આવે છે હો!' કાકાએ પૂછ્યું, 'લોકગીતમાં વળી રશિયાનો ક્યાં ઉલ્લેખ આવે છે? જરા ગાઈને કે ગાગંરીને સંભળાવ તો ખબર પડેને?'
'નેકી ઔર પૂછપૂછ...' કાકીએ ગળું છૂટ્ટું મેલીને લલકાર્યું ઃ
'હો રંગ 'રશિયા'
ક્યાં રમી આવ્યા રાસ જો...
આ આંખલડી રાતી રે
ઉજાગરો ભારે કર્યો...
બીજું હિન્દી ગાણું સંભળાવું ?
જાને દે ઓ 'રશિયા'
મેરે મન બસિયા...'
'બસ, બસ, બસ કર...' એવું તાડૂકીને કાકાએ કાકીને ટપારતા કહ્યું , 'તને 'શ' અને 'સ' અક્ષરમાં ફેર છે એનું ભાન છે કે નહીં? લોકગીતમાં ગવાયું છે- હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો... અને તું ગાય છેઃ હો રંગ 'રશિયા' ક્યાં રમી આવ્યા રાસ જો... પડી સમજ?'
પથુકાકાની વાત સાંભળીને (હો)બાળાકાકી પોતાનો કક્કો ખરો કરવા માગતા હોય એમ બોલ્યાં, 'ઠીક છે, ઠીક છે હવે હું એક રશિયા શબ્દનો ઉપયોગ કરીને એક પેરોડી સંભળાવું-
'હો તંગ 'રશિયા'
ક્યાં દઈ આવ્યા ત્રાસ જો,
આમ આખો દિ' લડી લડી
ધજાગરો ભારે કર્યો...'
મેં 'વાહ... વાહ' કહી દાદ આપી કાકીને બિરદાવતાં કહ્યું,'તમે તો રાસની જગ્યાએ ત્રાસ ગોઠવીને અને આંખ લડીને બદલે આખો દિ' લડી-લડી શબ્દો મૂકીને કમાલ કરી હો!'
પોરસાઈને કાકી બોલ્યાં, 'જે રશિયા યુક્રેન સાથે લડી લડીને લાખો લોકોનો સંહાર કરે એ રશિયા માટે અહિંસાવાદી ગાંધીના આ દેશમાં મ-રશિયા જ ગાવાના હોયને?'
પથુકાકા ચર્ચામાં ડબકું મૂકતાં બોલ્યા, 'સમરથ કો નહીં દોષ ગોસાઈ... રશિયાના યુક્રેન સાથે ચાલી રહેલાં યુદ્ધમાં લાખો લોકોનું નિકંદન નીકળી ગયું છે અને બીજા લાખો યુક્રેનવાસીઓ ઘાયલ થયા છે. એ જ મહાસત્તા રશિયાના માંધાતા વ્લાદિમીર પુતિન દિલ્હી આવ્યા ત્યારે રાજઘાટ પર અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની સમાધિ પર ફૂલ ચડાવવા ગયા હતા, બોલો!'
મેં કહ્યું, 'કાકા, મહાસત્તાના માંધાતાઓની વાત જ ન્યારી છે, હજારો ને લાખો માણસો રહેંસાય અને માંધાતાઓના મળ-મૂત્ર રક્ષાય, બોલો, કેવી નવાઈ લાગે?'
મારી વાત સાંભળી પથુકાકાના કાન ચમક્યા. તરત એમણે સવાલ કર્યો, 'માંધાતાઓના મળ-મૂત્ર રક્ષાય એનો શું મતલબ? જરા સમજાવ તો ખરો!'
મેં રશિયાના પ્રેસિડેન્ટની જડબેસલાખ સુરક્ષા વિશે છાપામાં આવેલા સમાચારનો ઉલ્લેખ કરીને કહ્યું , 'પુતિન સાહેબ દિલ્હી આવ્યા ત્યારે તેમની સાથે પર્સનલ પોર્ટેબલ ટોઈલેટ પણ ભેગું લાવવામાં આવ્યું હતું.'
પથુકાકા બોલ્યા, 'આપણા દેશમાં ઘર ઘર શૌચાલયની આહલેક જગાડવામાં આવી છે છતાં કેમ પુતિન સાહેબે પોતાનું પર્સનલ ટોઈલેટ ભેગું લઈને આવવું પડયું? આપણે ત્યાં તો ગામડામાં પણ ઘરે ઘરે શૌચાલય આવી ગયાં છે એટલે આઉટડોર શૂટિંગ લગભગ બંધ જ થઈ ગયા છે, એટલું જ નહીં, દિલ્હીમાં તો શૌૈચાલયનું મ્યુઝિયમ પણ છે, છતાં કેમ અંગત ટોઈલેટ લઈને આવ્યા હશે?'
'અરે કાકા, એનું કારણ શું ખબર છે? પ્રેસિડેન્ટના આરોગ્ય, તબીબી ડેટા અને બીજી અંગત માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહે માટે પર્સનલ પોર્ટેબલ ટોઈલેટ લાવવામાં આવે છે. રશિયા માને છે કે તેમના પ્રેસિડન્ટના મળમૂત્ર પણ જે દેશમાં જાય ત્યાં રહેવા ન જોઈએ, જેથી પ્રમુખના સ્વાસ્થ્ય વિશે વિદેશના લોકોને જાણકારી ન મળે. રશિયામાં આ રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલ અંતર્ગત પર્સનલ પોર્ટેબલ ટોઈલેટ રાખવામાં આવે છે. પ્રેસિડેન્ટ વિદેશમાં રહે એ દરમ્યાન આ ટોઈલેટમાંથી અવશેષો ભેગા કરી, ગણીને પછી ખાસ પૂપ બ્રિફકેસ (મળપાત્ર)માં રશિયા મોકલવામાં આવે છે.'
મારી વાત સાંભળી નવાઈ પામી કાકા બોલી ઉઠયા, 'ભાઈ, ભાઈ... આ તો જબરી વાત કહેવાય હો! માણસ રહેંસાય અને મળમૂત્ર રક્ષાય એ સાવ સાચું કહ્યું તેં. આના પરથી જોડકણું કહેવું પડે કે-
સાનમાં સમજી આપણે રહેવું ચૂપ
ભલે મોટા ભૂપના રક્ષાય પૂપ.'
અંત-વાણી
હોળીમાં ગવાય રસિયા
હિંસાની હોળીમાં વગોવાય રશિયા
***
સવાલઃ મા-બાપને ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂકે એવાં કપૂતનાં કરતૂતને એક શબ્દમાં શું કહેવાય?
જઃ સન-સ્ટ્રોક.
***
ભારતમાં ગણતંત્ર
કબૂતરોનું ચણતંત્ર
માગણોનું મા-ગણતંત્ર
મચ્છરોનું ગણગણ-તંત્ર.
***
ગરીબોને પહેરવા કપડાં નથી
અમીરોને કપડાં પહેરવા નથી.
***
જનેતા પાળે
નેતા બાળે.
***
ધરતીનો છેડો ઘર
વઢતીનો છેડો વર.
***
કોણ કયા ભાવથી ભજે એ જાણવા વાંચો આ ચાર લાઈના-
સાચા ભક્તનો શરણાગતિ ભાવ
યુનિયનવાળાનો ધરણાગતિ ભાવ
લગ્નોત્સુકોનો પરણાગતિ ભાવ
શેરબજારિયાઓનો ભરણાગતિ ભાવ.
***
બંદૂકની ગોળીથી ઢાળે એ ત્રાસવાદી
લાંબી લાંબી કવિતાથી ઢાળે એ પ્રાસવાદી
ઘૂમે ડિસ્કો દાંડિયાના તાલે એ રાસવાદી
કચ્છી બિયરથી ટાઢક વાળે એ છાશવાદી.


