દિલ્હીમાં દૂષણ અને પોલિટિકલ પ્રદૂષણ
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
તહેવારોના દિવસોમાં કોણ જાણે પથુકાકાને શું સુઝ્યું તે ઉજવણી કરવા માટે સિનિયર સિટીઝન કલબના મેમ્બરોને ઘરે બોલાવી હુક્કા-પાર્ટી કરી. ડોસલાઓ અલકમલકની વાતો કરતા ટોબેકો-ફ્રી મસાલો નાખેલા હુક્કા ગડગડાવવા લાગ્યા. આખું દિવાનખાનું ધુમાડાથી ભરાઈ ગયું. બરાબર એ જ વખતે (હો)બાળાકાકી સૌરાષ્ટ્ર મેલની જેમ નહીં પણ સૌરાષ્ટ્ર ફિમેલની જેમ ધસમસતાં આવ્યાં. ધુમાડા વચ્ચે કાકાને ધમકાવતા ધુમધડાકા કરી હુક્કા પાર્ટીવાળા બધા ડોસલાઓને કાળી ચૌદસે કકળાટ કાઢે એમ કાઢ્યા છે.
પાકિસ્તાનને બદલે કાકીસ્તાનની સરહદે ધુમધડાકા સાંભળીને પરિસ્થિતિનો તાગ મેળવવા કાકાના ઘરે ઉઘાડા પગે દોડયો. કાકા હારેલા સેનાપતિ (કે શેના-પતિ?)ની જેમ ખુરશીમાં માથું નીચું કરી બેઠા હતા અને કાકીનું ફાયરિંગ ચાલુ જ હતું. મેં પૂછ્યું, 'કાકી, શું થયું જરા કહો તો ખરા?' કાકી કાકા સામે આંગળી ચિંધી તાડૂક્યાં, 'આ જો તારા કાકા, ફાટીને ધુમાડે ગયા છે ધુમાડે. દિવાળીમાં ફટાકડાનો ધુમાડો ઓછો હોય એમ આ તારા કાકા બુઢ્ઢાઓની હુક્કા-પાર્ટી યોજી વધુ ધુમાડો કરે છે એ તું જો તોે ખરો? બહાર હવાનું પ્રદૂષણ અને ઘરમાં તારો પથુકાકો 'પથુષણ' કરે એ હું નહીં જ ચલાવી લઉં. ઘરમાં જરાય હવા બગાડી છેને તો યાદ રાખજો. ભાંગી નાખીશ, સમજ્યા?' ન-નાકા (નકટા) કાકા તો હવા કે સાથ સાથ, 'ઘાંટા' કે સંગ સંગ ઓ સાથી ચલ... મુઝે લેકે સાથ ચલ... એમ ગાતા ગાતા મને હાથ પકડીને બહાર લઈ જતી વખતે કાકી સામે ફરી એટલું જ બોલ્યા, 'એ.આઈ.આર એટલે તારો ઓલ ઈન્ડિયા 'રાડિયો' બંધ કર... હું ખુલ્લી હવામાં જાઉં છું.' કાકીએ સામી સિક્સર મારી, 'કેમ... મારી સામે ઘરમાં હવા બંધ થઈ ગઈને?'
બહાર નીકળતી વખતે પથુકાકા ગઝલ ગણગણવા માંડયા, 'યે ધૂઆં કહાં સે ઉઠતા હૈ, યે ધૂઆં દિલ કે જહાં સે ઉઠતા હૈ...'
કાકા વધુ ગાય એ પહેલાં રોકીને કહ્યું, 'તમને ખબર છે, સદીઓથી દિલ્હીને હિન્દુસ્તાનનું દિલ ગણવામાં આવે છે. એટલે જ બહારથી જે આક્રમણખોરો આવ્યા એમનો પહેલો મક્સદ દિલ્હી સર કરવાનો રહેતો. અને અત્યારે આ ધુમાડો પણ દિલ્હીમાં જ વધુમાં વધુ ખાનાખરાબી કરે છેને? એટલે ગઝલનો શેર બરાબર બંધબેસતો છેઃ યે ધૂંઆ દિલ કે જહાં સે ઉઠતા હૈ. તમને યાદ છે એક ફિલ્મ આવી હતી 'દિલ હી તો હૈ', એ ફિલ્મનું ટાઈટલ જરાક આઘુપાછું કરીને જો કોઈ પૂછે કે સૌથી વધુ પ્રદૂષણ ક્યાં છે? તો કહેવાનું દિલ્હી -તો- હૈ...'
આ સાંભળતાની સાથે જ પથુકાકોએ 'દિલ હી તો હૈ'નું જ ગીત લલકાર્યુંઃ 'લાગા ચુનરી મેં દાગ છુપાઉં કૈસે ઘર જાઉં કૈસે... લાગા...'
મેં કાકાને કહ્યું, 'તમને અચાનક આ ગીત કેમ યાદ આવ્યું?'
કાકાએ જવાબ આપ્યો, ''દિલ હી તો હૈ'નું ગીત છે, જેનું ટાઈટલ ફેરવીને દિલ્હી-તો-હૈ કર્યું, બરાબર? હવે આ દિલ્હીમાં કેટલા દાગદાર નેતાઓ વિચરે છે? એને જોઈને મને ગીત યાદ આવ્યું - 'લાગા ચુનરી મે દાગ છુપાઉં કૈસે...' બાકી તો દાગદાર દાગી નેતાઓ માટે મેં પંચ લાઈના લખી હતી એ ફરી સંભળાવુંઃ
'જનતા તુમ પે
વિશ્વાસ ખોતી હૈ,
અય લીડર દેખ
કિતની દાગદાર તેરી ધોતી હૈ...'
આદાબ... આદાબ... કહીને મેં કાકાને દાદ આપતા પથુકાકા છણકો કરીને ગળા સામે આંગળી ચીંધી બોલ્યા, 'આ-દાબ આ-દાબ જાણે કોઈ ગળું દાબતું હોય અને મુંઝારો થતો હોય એટલી હદે પ્રદૂષણ વધતું જાય છે. દિલ્હીમાં તો સમજાય કે મોટા પ્રમાણમાં દૂષણ પણ છે અને પોલિટિકલ પ્રદૂષણ પણ છે. બાકી તો ગીચ વસ્તી અને ટ્રાફિકવાળા બીજાં શહેરોમાં પણ પોલ્યુશન કેટલું વધતું જાય છે? એટલે જ હું કહું છું કે મોટા ગજાના વિલનનું નામ પ્રાણ હતું જ્યારે આજે પ્રદૂષણ આપણા પ્રાણ માટે વિલન બની ગયું છે. તોય દિલ્હીના નેતાઓ પોલ્યુશન ઘટશે અને હટશે એવાં ખોટાં ખોટાં વચન આપતા રહે છે એ સાંભળી થાય છે કે 'પ્રાણ' જાય પર વચન ન જાય.'
મેં કહ્યું, 'કાકા, તમને ખબર છે? કેટલાય ફળદ્રુપ ભેજાવાળાએ ચોખ્ખી હવાનું માર્કેટિંગ શરૂ કરી દીધું છે?'
કાકા નવાઈ પામી બોલ્યા, 'શું વાત કરે છે? હવા વેંચવાવાળા હાલી મળ્યા છે? પણ હવા કેવી રીતે વેંચાય?'
મેં કહ્યું, 'આ ભેજાબાજો હિમાલયમાં જઈને કન્ટેનરોમાં હવા ભરી આવવાનો દાવો કરે છે. પછી જોરશોરથી પ્રચાર કરે છે - શ્વાસમાં લો હિમાલયની સો ટકા શુદ્ધ હવા, દવાથી અકસીર છે હવા... એવા દાવા કરે છે, બોલો!'
પથુકાકા બોલ્યા, 'મને તો લાગે છે કે ભવિષ્યમાં કોઈ કન્યાને દિલ્હી પરણાવવામાં આવશે ત્યારે કન્યાના પિતા તેને પાંચ-છ ઓક્સિજનના સિલિન્ડર બંધાવશે અને કન્યા-વિદાય વખતે ગળગળા સાદે ગાશે કે બાબુલ કી 'હવાયે' લેતી જા... જા તુઝકો સુખી સંસાર મિલે...'
મેં કહ્યું, 'દિલ્હીમાં પોલ્યુશન એટલું બધું છે કે લોકો આખી રાત પડખાં ફેરવ્યા કરે છે, પણ સૂઈ નથી શકતા.એટલે દિલ્હીમાં સત્તાધારી પાર્ટીને કોસતા કયું ગીત ગાય છે, ખબર છે?
કરવટેં બદલતે રહે
સારી રાત હમ,
'આપ' કી કસમ
'આપ' કી કસમ...'
પથુકાકા બોલ્યા, 'એ પોલ્યુશનમાં દમના એટલે કે અસ્થમાના દરદીઓની કેવી કફોડી હાલત થતી હશે? પણ દૂષિત હવા શ્વાસમાં ન લે તો બીજું કરે પણ શું? અસ્થમા એસોસિયેશનવાલા કોને કેટલો દમ સતાવે છે એ ઉઘરસ ખાતાં ખાતાં હળવાશથી ગાતાં ગાતાં એકબીજાને પૂછે છેઃ
આ દેખે ઝરા
કિસ મેં કિતના હૈ દમ
જમ કે રખના ક-દમ
મેરે ખાંસિયા...'
જૂનો કિસ્સો યાદ આવતા મેં કહ્યું,'વર્ષો પહેલાં દિલ્હી ફરવા ગયેલા ત્યારે મોગલ કાળના ઐતિહાસિક સ્થાન જોવા ગયા હતા. સરકારી ગાઈડ સાવ જ શીખાઉ હતો. પહેલાં અમને દિવાને-ખાસ જોવા લઈ ગયો.ગાઈડ બોલ્યોઃ 'આ છે દિવાને-ખાસ, આ જગ્યાએ બાદશાહ સલામત ગાંડાની જેમ ખાંસતા એટલે એનું નામ પડયું દિવાને-ખાંસ.' થોડે આગળ ગયા દિવાને-આમ તરફ, ત્યારે એણે કહ્યું કે 'બાદશાહ સલામતને આમ એટલે કે કેરી બહુ ભાવતી, આ જગ્યાએ બેસી બાદશાહ સલામત આમ ચૂસતા એટલે આ જગ્યાનું નામ પડયું દિવાને-આમ.'
આ સાંભળતાની સાથે જ પથુકાકા બોલ્યા, 'મોગલ કાળમાં બાદશાહ ખાંસતા, જ્યારે અત્યારે દિલ્હીમાં બધા જ પોલ્યુશનને લીધે ખાંસતા હોય છે, બરાબરને? અને ગાઈડે કહ્યું કે દિવાને-આમમાં બેસી બાદશાહ સલામત આમ ચૂસતા, જ્યારે અત્યારે જે સત્તા પર આવે એ 'આમ' એટલે આમ જનતાને ચૂસવામાંથી ઊંચા નથી આવતાને?'
ખાંસીની વાત આવતાં મને યાદ આવ્યું. મેં કાકાને કહ્યું,'આપણી સોસાયટીના કદમસાહેબને દમનો હુમલો થયો છે, ખબર તો કાઢી આવીએ?' કાકા તૈયાર થઈ ગયા. અમે ઉપડયા કદમ સાહેબના ઘરે. જઈને પૂછ્યું કે 'કદમ સાહેબને કેમ છે? એની ખબર કાઢવા આવ્યા છીએ.' કદમસાહેબનાં શ્રીમતીજી બોલ્યાં, 'તમારા ભાઈને હમણાં જ મોટો દીકરો હવા ભરાવવા લઈ ગયો છે. આવતા મોડું થશે.' આ સાંભળી કાકા તરત પૂછી બેઠાં કે કદમસાહેબ સરકારી નોકરીમાંથી રિટાયર થયા એ ખબર છે, પણ રિટાયરમાંથી ટાયર ક્યાંથી થઈ ગયા કે હવા ભરવા લઈ જવા પડે?' કાકાનો સવાલ સાંભળી કદમસાહેબની કોલેજીયન પુત્રી ખડખડાટ હસીને બોલી, 'અરે અંકલ, હવા પૂરાવવા માટે લઈ ગયા છે એટલે નજીકમાં ઓક્સિજન પાર્લર ખૂલ્યું છેને એમાં લઈ ગયા છે. રોજ એક-એક કલાક શુદ્ધ ઓક્સિજન આપવામાં આવે છે, એનાંથી ડેડીને ખૂબ સારું રહે છે. હવે સમજાયું?'
પાછા વળતા કાકાએ મને કહ્યંું, 'પોલ્યુશનનો પરચો જોયોને? પહેલાં શેરીએ શેરીએ દવાખાના ખુલતા, અને હવે હવાખાના ખુલવા માંડયા છે!'
અંત-વાણી
નેતા માગે વા-હ વા-હ
જનતા માગે હ-વા હ-વા