Get The App

બાબુલ કી 'દવાયે' લેતી જા... જા તુઝકો સુખી સંસાર મીલે

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
બાબુલ કી 'દવાયે' લેતી જા... જા તુઝકો સુખી સંસાર મીલે 1 - image


કંકુ છાંટી કંકોતરી  મોકલે... એવા લગ્નગીતો  કોરોનાની કટોકટી પહેલા ગવાતા હતા. હવે લોકડાઉન પછી તો જંતુનાશક દવા છાંટીને કંકોતરી મોકલવી પડશે અને ત્યારે લગ્નગીતગવાશે કે 'જંતુ કાઢી કંકોતરી મોકલે'...  પછી માંડવામાં જુદી જુદી બેસીને જાનડીયું ગાશે કે 'નાણાવટી રે 'સહુજન'  બેઠું છેટું રે...' 

લોકડાઉન પછીના લગ્નને માંડવે નોખી અને અનોખી તૈયારી જોવા મળશે. વર અને કન્યા વચ્ચે છ ફૂટનું અંતર રાખવામાં આવશે અને છ ફૂટ દૂરથી ગોર મહારાજ કોર્ડલેસ માઈકમાં મંત્રોચ્ચાર કરશે કન્યા પધરાવો (પણ કોરોનાથી) સાવધાન...

લગ્નને માંડવે જાનની રાહ જોવાતી  હશે ત્યાં બેડવાજાની સૂરાવલી સંભળાવા માંડશે 'લે જાયેંગે લે જાયેંગે  'માસ્કવાલે'દુલ્હનિયાં લે  જાયેંગે ... ખાના મિલેગા પીના મિલેગા ભૈયા કી શાદી મેં ટેબ્લેટ મિલેગાં...બેંડવાળા માંડવાની નજીક પહોંચતા ગીત છેડશે 'રાજા કી આયેગી બારાત, દવાઈયા હોગી સાથ'અલગ' મેં નાચૂંગી... બેંડવાજાવાળાની પાછળ દુલ્હેરાજા સહેરા બાંધવાને બદલે માસ્ક બાંધીને ઘોડા પર સવાર થયા હશે. પાછળ સહુ ૩-૩ ફૂટનું ડિસ્ટન્સ જાળવી જાણે ૨૬મી  જાન્યુઆરીની પરેડ હોય એમ  છૂટાછૂટા ચાલતા હશે.

વાજેગાજતે બારાત લગ્નના માંડવે પહોંચશે ત્યારે કન્યાપક્ષવાળા જાનનું સ્વાગત કરશે. પ્રવેશદ્વાર  પર આવતા જતા વરપક્ષના મહેમાનો ઉપર  ગુલાબજળકે અત્તરનો છંટકાવ કરવાને બદલે બન્ને છેડે  ઉભી રાખવામાં આવેલી નર્સો સેનિટાઈઝર સ્પ્નેનો છંટકાવ કરશે.કોઈક ખૂણે જો પથુકાકા ઉભા ઉભા આ કોરોનામય સ્થિતિમાં યોજાયેલા લગ્નનો ખેલ જોતા હશે તો પોતાની સ્ટાઈલમાં કહેશે પણ  ખરા  કેઃ જાન આવે એનો વાંધો નહીં પણ 'જાન' જાય એનું દુઃખ છેને? 

વર વધુને માટેના ઉપર  દૂર દર બે સફેદ કુંડાળા કર્યા હશે એમાં બેસવાનું  અને ગોર મહારાજપણ જુદા કુંડાળાની અંદર બેસશે આમ લગ્ન કરી સંસારમાંપડવું એ પણ કુંડાળામાં   પગ પાડવા જેવું  જ છેને?

અચાનક માંડવામાં હલચલ મચી જશે. કોઈ અજાણ્યો માણસ ઠેકડો મારી સ્ટેજ ઉપર ચડી જશે. અને પહેલાં વરરાજાના કપાળે ગન તાકશે.. આ જોઈ ઘણાંના શ્વાસ અધ્ધર થઈ જશે લગ્નમાં વળી ગનનું શું કામ? ચણભણાટ સાંભળી પિતા જાહેરાત કરશે કે 'જરાય ગભરાતા નહીં, આ ગનવાળા ભાઈ ખંડણી પડાવવા માટે નથી આવ્યા. એ તો સરકારી હોસ્પિલમાંથી આ ટેમ્પરેચર માપવાની થર્મલ ગન લઈને આવ્યા છે.  વર-કન્યાને તાવ છે કે નહીં એ તપાસીને હમણાં જ જતા રહેશે.' પથુકાકા આ સાંભળીને દાઢમાંથી બોલશે કે કેવા દિવસો આવ્યા છે? લગ્નમાં પણ ગન લઈને ફરવા માંડયા છે. પહેલાં લગન વખતે સામેવાળાના વર્તાવનું માપ કઢાતું અને હવે તાવનું માપ કઢાય છે. કોરોના અબ તેરા ક્યા-રોના? પણ લગ્નમાં ગન તો ભારેકહેવાયહો?બાકી હું તો કાયમ કહેતો ફરૂં છું કે જેની  પાછળ ગન લાગે  ત્યાં  મોડા-વહેલા ધડાકા થયા વિના રહે જ નહીં,  દાખલા તરીકે લાઈટ મશીનગન, હેવી મશીનગન અને આ લ-ગન...

લગ્નવિધિનો આરંભ થશે. કન્યાપક્ષ અને વરપક્ષવાળા કંકુ છાંટેલા માસ્ક પહેરી બેઠેલા વર-કન્યાના  માસ્ક વારાફરતી ઉતારીને ખાતરી કરી લેશે કે પાત્ર તો એ જ છેને? કોઈ ફેરબદલી તો નથી થઈન? ગોર મહારાજ મંત્રોચ્ચાર શરૂ કરશે વિધિ આગળ વધતી જશે ફેરા ફરવાનું ટાણું થશે. વરરાજાની પાછળ ત્રણ ફૂટનું અંતર રાખી વનવધૂ ફેરા ફરશે અને આમ અગ્નીની સાક્ષીએ લગ્ન સંપન્ન થશે.  ગોર મહારાજ સાબુથી હાથ ધોઈને હસ્તમેળાપ વખતે વર-કન્યાના હાથે છાંટવામાં આવેલા સેનિટાઈઝરની શીશી ઝભ્ભામાં સેરવીને ચાલતા થશે.

લોકડાઉન પછીના લગ્ન ઉતાવળે પતાવવાના હોવાથી એ જ સ્ટેજને રિસેપ્શન માટેના કામમાં ફેરવી નાંખશે વરરાજા અને નવવધૂ છટાછૂટા  ઊભા રહેશે. મહેમાનો શુભેચ્છા અને ચાંદલાના કવર આપવા માટે પણ યોગ્ય અંતર રાખીને વારાફરતી  જાય એ માટે  પણ વ્યવસ્થા ગોઠવાયેલી હશે. સ્ટેજની ડાબી તરફ ત્રણ ત્રણ ફૂટના અંરે સફેદ કુંડાળા કરવામાં આવ્યા હશે. મહેમાનોએ એ કુંડાળામાં ઉભા રહીને જ વારો આવે એ પ્રમાણે મંચ તરફ આગળ વધવાનું રહેશ. આ જોઈને પથુકાકા   ટકોર કરશે કે આ તં કાંઈ લગ્નની શુભેચ્છા આપવાની લાઈન છે કે પછી રેશનિંગનું અનાજ લેવાની લાઈન છે... કોરોના ત્રાટક્યો પહેલાં જીવ બચાવવા સલાઈનની જરૂર પડે  છે. અને હવે લાઈન જાળવવી પડે છે... હશે ભાઈ કોરોનાએ જ ઊભઉં કર્યું આ કમઠાણ ભલે ઉગે ભાણ સારા પ્રસંગે પણ ઊમકાની વર્તાશે તાણ...

પછી જમણવારનો વખથ થશે ત્યારે સહુ બુફેમાં ઝાપટવાની મજા આવશે એમ વિચારી  મનોમન હરખાતા હશે.  પણ ત્યાં તો નવો જ નઝારો જોવા મળશે. સામસામે ગોઠવેલા મોટા ટેબલ પર ફૂડ પેકેટસ રાખવામાં આવ્યા હશે. એક પછી એક આવતા જાય એને કેટરિંગવાળા  ફૂડ પેકેટ આપતા જશે અને ફૂડ પેકેટ લઈને બીજે છેડેથી બહાર નીકળતાજશે. કોરોનાની કટોકટીમાં જરૂરિયાતમંદોને  ફૂટ પેકેટ આપી અન્નદાન કરવાની સિસ્ટમ લગ્નના જમણવારમાં  અપનાવાશે તો કેટલો ખર્ચ બચી જશે જરાવિચાર તો કરો?

રંગેચંગે  લગ્ન ઉકેલાશે કન્યા વિદાયનો સમય થશે. દહેજ લેવું એ ગુનો છે એ સમજીને જમાઈરાજાએ દહેજ સ્વીકારવાનો નનૈયો ભણ્યો હશે  છતાં કન્યાના પિતા સરસ મજાના વોશેબલ માસ્કના પેકેટો, જુદી જુદી સેનિટાઈઝરો અને દિકરી-જમાઈ અંતર જાળવી શકાય એ માપવાળી મેઝર ટેપ સાથેનું બોક્સ પરાણે જમાઈરાજાને દહેજ રૂપે આપશે. કન્યા વિદાય વખેપિતા શરદી અને તાવની તેમજ વિટામિન સીની ગોળીઓ સાથેની નાનકડી થેલી દિકરીને આપશે અને કન્યા વિદાય થશે ત્યારે પિતાના હૈયામાંથી ગીત સરી પડશે. બાબુલ કી દવાયે લેતી જા... જા તુઝકો સુખી સંસાર મિલે...

બહારવટિયાની જાસાચિઠ્ઠિ આવી હોય  એમ બારીમાંથી ટપાલનો ઘા કરી ટપુ ટપાલી ચાલ્યો ગયો.

મને એમ કે લગ્નની સીઝન છે તો કોઈની કંકોતરી આવી હશે ફરી ચાંદલો ચોંટશે એટલે ધ્રાસકો પણ પડયો. પણ કવર ખોલીને જોયું શું નીકળ્યું ખબર છે? કાર્ડની ઉપર કંકોતરીની જગ્યાએ લખ્યું હતું: છૂટોતરી અલગચંદ વળગચંદપનોતા પુત્ર  છૂટેશચંદ્રની છૂટાછેડાની પાર્ટીનું આમંત્રણ હતું.

આ છૂટાછેડાનું લખાણ પણ જેવું હતું. લખ્યું હતું કેઃ પરમેશ્વરની અસીમ કૃપાથી અને આડોશીપાડોશીની શાંતિ અકબં રાખવાના   ઈરાદાથી અમારા સુપુત્ર છૂટેશચંદ્ર છૂટાછેડા લે  છે એ નિમિત્તેની પાર્ટીમાં હાજર રહેવાનું ભાવભર્યું આમંત્રણ છે. સૌથી નીચે લાલ અક્ષરે સુવાક્ય લખ્યું હતું કે કોરોના- કકળાટ- કંકાસથી બચવા જરૂરી છે. હું તો કાર્ડ ખિસ્સામાં મૂકીને નિર્ધારિત સમયે છૂટેશચંદ્રને ધામધૂમથી છૂટો પડતો જોવા પહોંચીગયો લગ્નની વાડીએ દરવાજે બેન્ડવાળા સૂરાવલી રેલાવતા હતાઃ હમ તો જાતે અપને ગામ સબ કો રામ... રામ... રામ... રામ.

દરવાજે સ્વાગત માટે  ઊભેલી  મંડપસર્વિસની કન્યાઓએ જંતુનાશ દવા ભેળવેલું  અને ખાટ્ટી વાસવાળું  એવું અત્તર છાંટયા કે પાર્ટીમાં આવેલા કોઈ કપલ ભેગા ચાલી જ ન શકે. છૂટા જ ચાલવું  પડે.

છૂટોતરીમાં  હસ્ત મેળાપને બદલે જે ત્રસ્ત-મેળાપનો ટાઈમ લખ્યો હતો એ સમયે વિધિ શરૂ થઈ લગ્ન વખતે આ જ છૂટેશચંદ્રને જે કન્યા સાથે ફેરા ફરતો જોયો હતો એને મંત્રોચ્ચાર સાથે ઊંધા ફેરા  ફરતો જોયો. ક્લોકવાઈઝ અને એન્ટી-ક્લોકવાઈઝ સિસ્ટમ જોવા મળી કોઈએ કહ્યું છે ને  કે જે પરણે  છે એ એકબીજાને સમજી નથી શક્તા અને જે એકબીજાને સમજે છે એ પરણી નથી શક્તા. ગોર મહારાજે અગડમબગડમ મંત્રો ઉચ્ચારી ઉંચા અવાજે કહ્યું: કન્યા સાભાર  પરત કરો સાવધાન... આ સાથે વર-કન્યાએ એકબીજાના ગળામાં જે હાર હતા એ પાછાકાઢી  લીધા. ત્યારે જાણે ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા હોય એમ વરપક્ષવાળા ડાબી તરફ અને કન્યા પક્ષવાળા જમણી  તરફ ચાલ્યા ગયા.એ વખતે બેકગ્ઉન્ડમાં બિસમિલ્લા ખાનની શરણાઈમાંથી  રામ મિયાં કી  તોડી (કે પછી સંબધોની ગાંઠ તોડી!) રાગરેલાતો સંભળાયો.

હું તો છૂટેશચંદ્રની ખેલદિલીને  માની ગયો. સોશિયલ ડિસ્ટનિંગ  જાળવવું પડે એટલે એને દૂરથીજ મેં સલામ કરી એણેહસીને કહ્યું કે  આ વાઈરસને કારણે તો હમણાં એકબીજાથી આઘા રહેવાની સલાહ અપાય છે? પણ અમે ો લોકડાઉન પહેલાથી ડિસ્ટન્સ જાળવવા મજબૂર બન્યા હતા.  એટલે થયું કે કાયમ એક છત નીચે અંતર જાળવી રહેવા કરતાં શાનથી છૂટા ન પડીએ? લગ્ન વખતે  ધૂમ  ખર્ચ કર્યો હતો તો છૂટાછેડામાં શા માટે કંજુસાઈ કરવી? બેઉની આઝાદીનો  જશ્ન દુનિયા માણે?

આ છૂટેશચંદ્રની અંગત વાત કહી છે. કોલેજમાં સાથે ભણતી  કન્યાના પ્રેમમાં પડયો, પછી ઘરવાળાની સંમતિથી પરણ્યો અને હવે ધામધૂમથી છૂટો પણ પડ્યો. આમ  છૂટેશચંદ્રનું  નાટક ત્રિઅંકી બની ગયું, પહેલાં છેડછાડ, પછી છેડાછેડી અને છેવટે છૂટાછેડા.

છૂટાછેડા માટેના સમારંભમાં છૂટેશચંદ્રનો જુનો નોકર પાંડુ મળ્યો. એ હરખાઈને મરાઠીમાં બોલ્યો છૂટેશચંદ્ર સાહેબ આ 'ઘટસ્ફોટ ઝાલા... બરા ઝાલા... મેં પૂછ્યું કે ભાઈ ઘટસ્ફોટ એટલે શું? પાંડુએ ભાંગીતૂટી ગુજરાતીભાષામાં કહ્યુંકે તુમી લોગ જેને ગુજરાતીમાં છૂટાછેડા કહો છો તેને આમ્હી મરાઠીમાં ઘટસ્ફોટ કહીએ છીએ... આ સાંભળી મનમાં વિચાર આવ્યો કે પતિ પત્ની વચ્ચેના પ્રેમના રસાયણમાં ઓચિંતી ઘટ થાય  ત્યાર પછી સ્ફોટ જ થાયને?

છૂટાછેડાનું મુખ્ય કારણ જ લગ્ન છે. પરણે નહીં અને લીવ-ઈન રિલેશનમાં રહેતા હોય એણે છૂટાછેડાની પળોજણમાં પડવું  પડેછે? આમ પણ પરદેશની જેમ ઈન્ડિયામાં પણ છૂટાછેડા સામાન્ય થવા માંડયા છે. લાઈવ વાયરના છેડા ચડે ત્યારે સ્ફોટ થયા કરે એના કરતાં એક જ વાર 'ઘટસ્ફોટ' શું ખોટાઆ લગ્ન પ્રસંગ નહીં પણ ભગ્ન-પ્રસંગની પાર્ટી માણવામાં  સહુ વ્યસ્ત  હતા વાડીના એક ખૂણામાં  બેસી પ્રોફેશનલ સિંગરો લગ્નગીતને બદલે ભગ્ન-ગીત ગાતા હતાઃ નાણાવટી રે  સાજન પડયા છૂટા રે... કાળજા કેરો  કટકો રે... સાસરેથી છૂટો થયો...

ધીરે ધીરે છૂટોતરીમાં  લખ્યા પ્રમાણેની એક પછી એક વિધિ પૂરી થયા પછી અંતિમ-વિધિ એટલે કે બુફે ડિનરનો સમય થયો. 

વાહ અમે તો પેટ ભરીને ડિવોર્સ ડિનર લીધું  મુખવાસ ખાઈ બહાર નીકળવા ગયા ત્યાં એક શણગારેલા કાઉન્ટર ઉપર એક વડીલ બેઠા હતા બાજુમાં એક ચોપડો રાખ્યો  હતો એ તપાસતા  જતા હતા. મેં પણ આદત  પ્રમાણે ૧૦૧ રૂપિયા ચાંદલો આપવા માટે તૈયાર રાખ્યા. મારો વારો આવ્યો એટલે મેં ૧૦૧ રૂપિયાનું કવર ધર્યું. આ જોઈને કાઉન્ટર પર બેઠેલા વડીલે હસીને ખુલાસો કર્યો કે અરે ભાઈ અમે ચાંદલો સ્વીકારવા નથી બેઠા. છૂટેશચંદ્રના લગ્ન વખતે જે મહેમાનો આવેલા અને જેટલો ચાંદલો આપ્યો હતો એટલી રકમ લગ્ન વખતનો ચોપડો ચેક કરી પાછી આપીએ છીએ . ઉપર ચોખ્ખું લખ્યું છે રિફન્ડ કાઉન્ટર વાંચો તો ખરા?  હવે બોલો તમારૂં  શું નામ?  લગ્ન વખતે કેટલો ચાંદલો કર્યો હતો એ  ઝટ બોલો  એટલે ફટાફટ રિફન્ડ ચૂકવી દઊં...

આમ લોકડાઉન પછીની છૂટાછેડાની પાર્ટીમાંથી નીકળ્યો ત્યારે મનમાં મુકદ્દર કા સિકંદર ફિલ્મના ટાઈટલને બદલે નવું જ ટાઈટલ ઘૂમરાવા માંડયું: જો છૂટા વો સિકંદર

Tags :