Get The App

ઓપરેશન લંગડાઃ કેરી અને વેરી બન્ને'લંગડા'

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ઓપરેશન લંગડાઃ કેરી અને વેરી બન્ને'લંગડા' 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

'કસમે વાદે પ્યાર વફા સબ, બાતેં હૈ બાતોં કા ક્યા... કોઈ કિસી કા નહીં હૈ જૂઠે, નાતે હૈં નાતોં કા ક્યા...'

'ઉપકાર' ફિલ્મમાં મલંગચાચા એટલે કે પ્રાણ કાંખઘોડી લઈને ચાલતાં ચાલતાં ગાય છે એ ગીત ગાતાં ગાતાં પથુકાકા લંગડાતી ચાલે લાકડીના ટેકે ચાલતા આવ્યા. મેં પૂછયું, 'કાકા, આ શું થયું? બેપગામાંથી અચાનક દોઢપગા કેમ થઈ ગયા?'

સવાલ સાંભળી પથુકાકાએ 'વાદા તેરા વાદા...' ગીત ફેરવીને ફટકાર્યુંઃ 'ખાડા તેરા ખાડા, ખાડે પે તેરે મારા ગયા... ચાચા યે સીધા સાદા...' પછી મહાપાલિકાને એક વજનદાર સુરતી ગાળ સંભળાવીને બોલ્યા કે, 'આ મહા અણઘડ પાલિકાને પાપે ખાડામાં પડયો એમાં ટાંટિયો ભાંગ્યો. હું એટલે જ કહું છું કે મુંબઈમાં ત્રણથી બચવું- રસ્તા પરના ખાડાથી, વધતા જતા ભાડાથી અને યમરાજાના અનબ્રેકેબલ (એટલે કે બ્રેક વગરના) પાડાથી. વરસાદ પાડે ખાડા અને કાકા પડે આડા.'

કાકાની આ ખાડાયણ ચાલુ હતી ત્યાં ટીવીમાં સમાચાર જોયા. 'બ્રેકિંગ ન્યૂઝ' એટલે કે ટાંગતોડ સમાચારની લાઈન આવીઃ 'યુપી મેં યોગીજી કા ઓપરેશન લંગડા...' આ વાંચીને કાકા હસીને બોલ્યા, 'આ તારા કાકા લંગડા થઈ ગયા એની કોઈને પરવા નથી અને યુપીમાં યોગીજી લંગડાને ચાલતા કરવા ઓપરેશન કરે એ આખી દુનિયાને ખબર પડે!' 

મેં કહ્યું, 'કાકા, ઉત્તર પ્રદેશમાં અંડરવર્લ્ડમાં ગુંડાઓની ટાંગ તોડવાનું ઓપરેશન ચાલે છે, એમ રાજકારણના વંડરવર્લ્ડમાં કયું ઓપરેશન ચાલે છે, ખબર છે? એકબીજાની ટાંગ ખેંચવાનું.'

કાકા બોલ્યા, 'આ બધી ટાંગખેંચુ જમાતને જોઈને જ હું કાયમ કહું છું કે, જ્યારે નેતાઓ જાય અખાડે, ત્યારે પક્ષ જાય ખાડે.'

'મેં તો કાકા એવાંય કંઈક મતલબી બંદા જોયા છે રાજકારણમાં કે ગરજ પડે ત્યારે મોટા નેતાને સાષ્ટાંગ પગે લાગે અને પછી લાગ જોઈને એની જ ટાંગ ખેંચે. એટલે તંગદિલી નહીં, આવી ટાંગદિલી બધે જ જોવા મળે છે.'

પથુકાકા બોલ્યા, 'તને યાદ છે, જ્યારે આ મોબાઈલની માયાજાળે બાળપણ છીનવી નહોતું લીધું, ત્યારે લીંબડીના બાલમંદિરના ચોગાનમાં બાળકો કેવી લંગડી રમતાં! જેની ઉપર દાવ આવે તેણે એક પગે લંગડી કરી ઠેકતા ઠેકતા બીજાને પકડવા જવાનું. કેવી મજા આવતી એ લંગડીની!'

મેં કાકાના પગ સામે આંગળી ચીંધીને કહ્યું, 'અત્યારના જમાનામાં ખાડે ગયેલું સુધરાઈ તંત્ર રસ્તાના ખાડા ન પૂરીને પબ્લિકને લંગડી રમાડે જ છે ને? રસ્તાના ઠેકેદારો લાખો રૂપિયા પડાવી તકલાદી કામ કરે અને પછી જે ખાડા પડે એની પરથી ઠેકી ઠેકીને ચાલતી પ્રજા જ 'ઠેકેદાર' બની જાય છે. કેવી કઠણાઈ કહેવાય!'

પથુકાકાને કંઈક યાદ આવતાં લાકડીને ટેકે ઊભા થયા અને ખિસ્સામાંથી થેલી કાઢી માર્કેટ તરફ જવા સુકાન ફેરવ્યું. મેં પૂછયું, 'કાકા, ઓચિંતા ક્યાં ચાલ્યા?'

પથુકાકા લુચ્ચુ હસીને બોલ્યા, 'ઓપરેશન લંગડા'ની વાત કરીને? એટલે મને યાદ આવ્યું કે તારી કાકીએ ઉત્તર પ્રદેશની બહુ જ મીઠી 'દિવ્યાંગ' કેરી લાવવાનું કહ્યું છે, એટલે જાઉં છું માર્કેટ.'

મેં સવાલ કર્યો, 'આફૂસ, કેસર, દશહરી વગેરે કેરીનાં નામ સાંભળ્યા છે, પણ આ 'દિવ્યાંગ' કેરીનું નામ સાંભળ્યું નથી. દિવ્યાંગ કેરી એટલે શું?'

કાકા હસીને બોલ્યા, 'દિવ્યાંગ કેરી' નામ મેં આપ્યું છે. એ કેરીનું મૂળ નામ 'લંગડા' છે. પડી સમજ?'

લંગડા કેરીનું નામ કાને પડતાં જ મારા મોંમાં પાણી આવ્યું, અને સાથે જ આ કેરી વિશે સાંભળેલો દોહો યાદ આવ્યો એ સંભળાવ્યો- 

કાશી કબહુ ના છોડીએ, 

વિશ્વનાથ કા ધામ, 

મરને પર ગંગા મિલે, 

જિયતે લંગડા આમ.

'વાહ... વાહ...' કહી દાદ દેતા કાકા બોલ્યા, 'જોયું ને? ઉત્તર પ્રદેશનો સંબંધ 'ઓપરેશન લંગડા' અને 'લંગડા કેરી' સાથે કેવો છે? વેરી અને કેરી, બન્ને લંગડા.'

'ખાડા ખાડામાં પણ ફેર છે, કોઈને પડે ગાલમાં ખાડા, તો કોઈના ગામમાં પડે ખાડા.'

પથુકાકાની આ ખાડામય ટકોર સાંભળી મેં કહ્યું, 'ગાલના ખાડાની અને ગામના ખાડાની જરા માંડીને વાત તો કરો?'

પથુકાકા ખાડે ગયેલા પગની પીડા વેઠી, પોઝિશન ચેન્જ કર્યા પછી આઘેડ વયે પણ રૂડારૂપાળાં લાગતાં બાળાકાકી તરફ નજર માંડીને બોલ્યાં, 'આ તારી કાકી અત્યારે ભલે અન્ટિક પીસ લાગે, પણ જુવાનીમાં એટલી રૂપાળી લાગતી કે ભલભલા જોતા રહી જતા. એમાં પણ જ્યારે બાળા હસે ત્યારે ગાલમાં એવા ખાડા પડે કે ચહેરા પર એકદમ નિખાર આવી જાય.'

મેં પૂછયું, 'તમે મિસ બાળાને જોવા માટે ક્યાં જતા?'

કાકાએ કહ્યું, 'તું ધીરજ રાખ અને ધ્યાનથી સાંભળ. હું અને તારી કાકી એક જ કાલેજમાં ભણતાં. મારો સ્વભાવ પહેલેથી રંગીલો. કાલેજમાં ભણવાને બદલે સુંદર કન્યાઓ ગણવા, રંગીન ખ્વાબના મહેલ ચણવા અને રૂડીરૂપાળી કન્યાઓ જોઈને ફિલ્મી ગીતો ગણગણવા જતો. એ વખતે આ બાળા અમારી મસ્તી જોઈને ક્યારેક હસી પડે ત્યારે એના ગાલમાં સુંદર ખાડા પડતા. બસ, ગાલમાં પડતા ખાડા જોઈને હું બાળાના પ્રેમમાં પડયો અને પછી તેને જ પરણીને સંસારમાં પડયો.'

મેં કાકાને ટકોર કરી, 'ટૂંકમાં, ગાલના ખાડાથી શરૂ થયેલી તમારી સફર ગામના ખાડામાં પૂરી થઈ ને?'

ખડખડાટ હસીને કાકાએ જવાબ આપ્યો, 'સાવ સાચી વાત. પહેલાં ગાલના ખાડાને લીધે પ્રેમમાં પડયો અને પછી ગામમાં પડેલા ખાડામાં પડયો.'

મેં કાકાની આ ખાડા ભરેલી દાસ્તાન સાંભળીને કહ્યું, 'તમને ખબર છે, થોડા દિવસ પહેલાં જ 'નેશનલ ડિમ્પલ ડે'ની ઉજવણી થઈ હતી? ગાલમાં પડતા ખાડાને અંગ્રેજીમાં ડિમ્પલ કહે છે ને?'

કાકા બોલ્યા, 'ખાડાને ગુજરાતીમાં ખંજન પણ કહે છે. એટલે મારા મનમાં એક નવો ફણગો ફૂટયો છે કે જે ી કે પુરુષના ગાલમાં ખાડા પડતા હોય, તેને પોટહોલ એટલે કે ખાડાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવા જોઈએ.'

મેં પૂછયું, 'ખાડાના બ્રાન્ડ એમ્બેસેડર એટલે શું?'

કાકા કહે, 'ચોમાસામાં ગામડાથી માંડીને શહેરોમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા પડે છે. એ ખાડા પૂરવાની સુધરાઈ અને નગરપાલિકાઓ તસ્દી નથી લેતી. એટલે ગાલમાં ખંજન પડતા હોય એવાં ી-પુરુષોના ગાલમાં ડિમ્પલ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરીને નાનકડું કેપ્શન લખવાનું કે - ખાડા ગાલના હોય કે ગામના, ક્યારેય પુરાતા નથી.'

અંત-વાણી

સવાલઃ આજુબાજુમાં રહેતા આડોશી-પાડોશી કહેવાય, તો ખાડાની બાજુમાં ખાડો હોય તેને શું કહેવાય?

જવાબઃ ખાડોશી.

* * *

ડિમ્પલ-ડેની ઉજવણી પરથી ડિમ્પલ કાપડિયાનું નામ યાદ આવે છે. ગાલમાં જેને ડિમ્પલ પડતા હોય તેને પૂછી શકાય, 'ગાલમાં  ડિમ્પલ કાં-પડિયા?'