- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
હું તારો ચમચો
ને તું મારી ચમચી,
હાલ ઘેલી રમીયે
હિંચ અને હમચી...
રંગીલા કાકા નવરાત્રિ વીત્યા છતાં હજી કટ્ટર રાસવાદીની જેમ હિંચ અને હમચી લઈ ઘુમતા હતા અને ગાતા હતા.
સીડીના તાલે નાચતા-ગાતા કાકાનો કકળાટ ન સહેવાતા (હો)બાળાકાકીએ કટ્ટર રાસવાદી પર દાળના ચમચાનું મિસાઈલ છોડયું. જોકે ચમચામાર ખમવામાં અનુભવી કાકાએ ચમચાને અધવચ્ચે જ ઝીલી લીધો. નાના ઝંડાની જેમ દાળના ચમચાને ઝીલી તેઓ પછી 'દ્વેષ-ભક્તિ'નું ગીત લલકારવા માંડયાઃ
'જહાં દાલ દાલ પર
સોને કે ચમચે કરતે હૈ
બસેરા
વો ભારત દેશ હૈ મેરા...'
મેં કાકાને હાથ ઝાલીને બેસાડીને ટપાર્યા કે મૂળ ગીતના શબ્દો છેઃ
'જહાં ડાલ ડાલ પર
સોને કી ચીડિયાં કરતી હૈ બસેરા
વો ભારત દેશ હૈ મેરા....
તો કાકા, તમે કેમ ચમચો ફેરવ્યો આ ગીતમાં?'
પથુકાકા બોલ્યા, 'તારી કાકીએ દાળનો ચમચો છૂટ્ટો માર્યો એટલે મેં ફેરવીને 'ડાલ... ડાલ...'નું 'દાલ... દાલ...' કરી નાખ્યું. પછી સોનાની ચકલીઓ ક્યાં કોઈ ડાળ પર બેસે છે? અત્યારે તો ડાળ-ડાળ અને પાળ-પાળ પર ચમચા જ બેઠેલા હોય છે, એટલે મેં ચીડિયાને ચમચામાં ફેરવીને ગાયું.'
મેં કાકાને દાદ આપતાં કહ્યું, 'વાહ કાકા વાહ... રાજકારણમાં જેની દાળ ગળે એ દાળમાં ચમચા ફરે, બરાબરને?'
પથુકાકા કહે, 'ભાઈ ગાંધીગીરીનો જમાનો ગયો, અત્યારે તો ચમચાગીરીની જ બોલબાલા છે હો!'
મેં કહ્યું, 'રાજકારણમાં જ્યાં જુઓ ત્યાં બસ ચમચાઓ જ નજરે પડે છે. તો પછી આ ચમચાઓ પોતાની અલાયદી પાર્ટી કેમ નહીં ઊભી કરતા હોય?'
કાકા કહે, 'ચમચા નોખી પાર્ટી ન ઊભી કરે, ચમચા એકલા હોય તો કોણ ભાવ પૂછે? આ તો શું છે દરેક પાર્ટીઓના નેતાની ચમચાગીરી કરીને આ ચમચાઓ પોતપોતાનું સાજું કરી લેતા હોય છે. બાકી ચમચાઓ સંગઠિત થઈને ચમચા જોડો... ચમચા જોડો એવા નારા લગાવીને ભારતીય ચમચા પાર્ટી ઊભી કરે તો એમનો કોણ ભાવુ પૂછે?'
નેતા હોય કે અભિનેતા, એમની આસપાસ ચમચાઓ વિંટળાયેલા જ રહે છે. ચાના બંધાણીને જેમ ચા વિના ન ચાલે એમ ચમચાના બંધાણીને ચમચા વિના ન ચાલે. પણ આખી જિંદગી ચમચાઓથી વિંટળાયેલા રહેલા અને ચમચાઓએ જ જેને ખાલી કરવામાં બાકી નહોતું રાખ્યું એક એવા સુપરસ્ટાર કોમેડિયનને ચમચા ચોરવાની બીમારી હતી. આ બીમારીને ક્લેપ્ટોમેનિયા કહે છે. હોટલમાં જાય, પાર્ટીમાં જાય કે પછી કોઈ મોટી હસ્તીને ત્યાં ડિનરમાં જાય ત્યારે ખાણીપીણી પતાવ્યા પછી ચાર-પાંચ ચમચા ખીસ્સામાંસેરવી લેવાનું ન ભૂલે.
વર્ષો પહેલાં રાજકોટમાં એક શો પતાવીને એક ગાંધીવાદી નેતાને ત્યાં નાસ્તોપાણી કરવા ગયા ત્યારે ત્યાંથી બે-ત્રણ ચમચા તફડાવીને રવાના થઈ ગયા. પછી કારમાં થોડે દૂર ગયા પછી ગાંધીવાદી નેતાના દોહિત્રને કહ્યું કે, 'ક્યાં કરૃં? આદત સે મજબૂર હું. પર તુમ્હારે નાનાજી ઈતને ભલે ગાંધીવાદી ઈન્સાન હૈ કે ઉનકે ઘર સે ચમ્મચ કી ચોરી કરના શોભા નહીં દેતા. યે લો તીન ચમ્મસ લૌટા રહા હૂં...' ત્યાર પછી મસ્તીમાં લુચ્ચું હસીને બોલ્યા કે, 'મેરે ચમચોંને મેરે પાસ સે ઈતના કુછ ચુરાયા હૈ કી અબ મુઝે ચમચે ચુરાને કી આદત લગ ગઈ હૈ...'
પથુકાકાએ સોશિયલ મીડિયા પર જોયેલા એક વિડીયોની વાત કરતાં કહ્યું, 'મધ્યપ્રદેશમાં એક ગજબનો મેગ્નેટ મેન છે. કોઈ પણ ધાતુના ચમચા તેની ઉઘાડી છાતી સામે ધરો કે તરત ચોંટી જાય છે. એક સાથે દસ-દસ વીસ-વીસ ચમચા ચોંટેલા જોવા મળે છે એની છાતી પર, બોલો!'
આ સાંભળીને મેં કહ્યું, 'મોટા લીડર કે ફિલ્મસ્ટારો સાથે આવી જ રીતે ચમચા ચોંટેલા જોવા મળે છેને? મધ્યપ્રદેશના મેગ્નેટ મેનની છાતીએ ભલે ચમચા ચોંટી જતા હોય, બાકી છપ્પન ઈંચની છાતીવાળાની છાતી સુધી પહોંચવાની કોઈ ચમચા સપનામાં પણ કલ્પના નથી કરી શકતા. સાચું કે નહીં?'
મારી વાત સાંભળી કાકાએ ટકોર કરી, 'છપ્પન ઈંચની છાતીવાળાનો સંબંધ ચા સાથે હતો, કોઈ ચમ-ચા સાથે નહીં.'
મેં કહ્યું, 'કાકા, આપણે ઘણા વખત પહેલાં પ્રાણીબાગમાં ગયેલા ત્યારે સ્પૂનબીલ પક્ષી જોયું હતું, યાદ છે? ઈંગ્લિશમાં ચમચાને સ્પૂન કહે છે એટલે જેની ચમચાના આકારની ચાંચ એને નામ મળ્યું સ્પૂનબીલ. આપણે એને ગુજરાતીમાં ચમચા-પક્ષી કહી શકીએ હો!'
કાકાએ તરત સિક્સર લગાવી, 'સત્તા-પક્ષી અને વિપક્ષીમાં ચમચા-પક્ષી હોય જ છે ને! વિવિધ પક્ષી ચમચાઓની ચકમકતી ચમચાગીરીના કિસ્સા યાદ કરીએને તો આખી ચમચા ચાલીસા લખાઈ જાય, ખબર છે?'
ચમચા અને જી હજુરીયાઓની જમાતથી હંમેશા નફરત કરતા પથુકાકા કહે, 'પોતાનો જ સ્વાર્થ સાધવામાં શૂરા આ ચમચાઓ કોઈ દિવસ કોઈના થયા નથી અને કોઈના રહ્યા નથી. એને રોજેરોજ ડોગ બિસ્કિટ ખવડાવોને તો પણ વફાદારીના ગુણ ન ખીલે, સમજાયું?'
કાકા સામે હકારમાં માથું ધુણાવીને કહ્યું, 'ચમચા પહેલાં ચાટે અને પછી ચંપલની જેમ કાટે, એટલે કોઈ દિવસ ન ચડવું ચમચાની વાટે.'
કાકા બોલ્યા, 'ખુશામતખોરો, જીહજુરિયાઓ, માખણિયાઓની વાહવાહીના વહેણમાં કેટલાંય મોટાં માથાં તણાઈ ગયા છે, ઈતિહાસનાં પાનાં ઉથલાવો તો ખબર પડે.'
મેં કહ્યું, 'એટલે જ કહે છેને કે ચમચાથી સાવધાન રહો, કારણ કે ચમચાને જે વાસણમાં મૂકો એ વાસણને જ ખાલી કરી નાખે છે.'
અંત-વાણી
ચમચાગીરી મૈેં ગુણ બહુત,
હાં મે હાં કર આય.
દેશ કાલ યહ સર્વહિત,
કહે 'શૌક' સમુઝાય.
તલવે ચાહત જિયત નર,
જૂઠન મેં ઈઠલાત.
** ** **
કોઈને ચાનું બંધાણ
કોઈને ચમ-ચાનું બંધાણ
** ** **
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક નશેડીના પેટમાંથી ડોકટરોએ ઓપરેશન કરી ૨૯ ચમચા કાઢ્યા. નશેડીને પરિવારજનોએ નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કર્યો એટલે ગુસ્સે ભરાઈ એ ચમચા ગળવા માંડયો હતો. આના પરથી ચાર લાઈનઃ
ભગવાન ભાગ્યશાળીને
ચમચાથી બચાવે,
કમભાગીઓને ચમચા જ
નાચ નચાવે,
ખાવામાં વપરાય ચમચા
એ ચમચા ખાઈ કોણ પચાવે?
બુલેટ અને બિઝનેસઃ અમેરિકામાં મોટેલ ઉદ્યોગ જોખમી
જોખમ ઉપાડીને બિઝનેસ કરવાની સેન્સ ગુજરાતીઓને ગળથૂથીમાં મળી છે


