For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાષાને વળગે શું ભૂર, સીટી વગાડે તે શૂર

Updated: Mar 14th, 2023

Article Content Image

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

બારી બારી સબકી બારી અબકી બારી ચાચા કી બારી... એ સંપૂર્ણ  હાથ બનાવટનું  સૂત્ર  જીવનમાં ઉતારી ચૂકેલા પથુકાકા બારી ઉપર બેસી સીટીમાં ગીત વગાડતા હતાઃ ગમ જબ સતાયે સીટી બજાના પર મસ્કરેસે દિલ ના લગાના... કહેતા હૈ જોકર સારા જમાના...

પથુકાકાના આ સિસોટીવાદનથી ત્રાસેલા (હો)બાળાકાકી  તાડૂક્યાં, 'બારીએ બેઠાં બેઠાં આમ શું સીટી વગાડયા કરો છો? કોઈ આડોશીપાડોશીની ડોશિયું ફરિયાદ કરશેને ત્યારે ખબર પડશે, સમજ્યા?'

કાકા બોલ્યા ,'મારા ઘરમાં બેસીને સીટી વગાડું  એમાં બીજાને શું તકલીફ થાય? હું આ ઉંમરે પણ ટેસથી સીટી વગાડી  રંગમાં રહું છું એટલે જ સહુ મને સિનિયર સીટી-ઝન તરીકે દાદ આપે છે , ખબર છે?  અને એક તું  છે જે  બેઠી બેઠી  દાદ આપવાને બદલે દાદ, ખાજ, ખુજલી આપ્યા કરે છે.સીટી વગાડવા દેને! જો સીટીવાદન  સાંભળઃ ચૂપકે ચૂપકે રાત-દિન સીટી બજાના યાદ હૈ... હમ કો અબ તક આશિકી કા વો જમાના યાદ હૈ...'

મેં કાકાને વાર્યા કે  હવે થોડી વાર તો સીટી વગાડવાનું બંધ કરો! કાકી બરાડયાં, 'ઈ એમ  નહીં માને...' એમ કહી કાકા પાસે જઈ એમનું મોઢું દબાવી ચોકઠું જ કાઢી લીધું અને તાડૂક્યાં, 'હવે બોખા મોઢે કેમ સીટી  વગાડશો? હવા જ લીક થશે!'  લાચાર અવસ્થામાં  કાકીને સંબોધી બોખા મોઢે  કાકાએ ગાયું, 'અય મહા-લીક તેરે બંદે હમ... ઐસે હો હમારે કરમ... ગાંવ કો આયે  શરમ... કાકી  ભસતે હુએ નીકલે દમ...'

મેં સીટીબાજ કાકાને કહ્યું  ,'કાકીને  નથી ગમતું છતાં કેમ સીટી વગાડી માથું ખાતા 'હેડ-ઈટર' બની ગયા છો?' કાકા બોલ્યા, 'સરકાર કેટલાય વખતથી બણગાં ફૂંકે છે કે આપણું સીટી સ્માર્ટ-સિટી બનશે, સ્માર્ટ સિટી બનશે... પણ હજી એમાં કાંઈ થયું નથી, એટલે બહારથી આવનારા ટીકા ન કરે એટલે બારીમાં બેઠો બેઠો  સ્માર્ટલી સીટી વગાડું છું. બહારથી આવનારાને  થવું તો જોઈએ ને કે  સ્માર્ટ-સિટીમાં  આવ્યાં છીએ.'

મેં કહ્યું, 'કાકા, તમે  તો ભારે કરી. મહારાષ્ટ્રના નેતા કાયમ બણગાં ફૂંકતા કે મુંબઈને શાંઘાઈ બનાવી દઈશું, શાંઘાઈ બનાવી દઈશું...'

'પછી શું થયું કહે તો ખરો?'

'સાંભળો, નેતા ચાર-પાંચ ગધેડા ખરીદી આવ્યા અને પોતાના બંગલાના વાડામાં બાંધી દીધા. બહારથી આવનારા પૂછે કે મુંબઈ શાંઘાઈમાં ફેરવાયું કે નહીં? ત્યારે નેતા ચારેય ગધેડાને જોરથી ડફણાં મારે એટલે ગધેડા હોંચી... હોંચી... હોંચી કરી કકળાટ  મચાવે.  ત્યારે નેતા કહેતા કે જુઓ ગધેડા પણ ચીની ભાષામાં હોં-ચી... હોં-ચી... બોલવા માંડયા, એટલે હવે ચીનના શાંઘાઈ શહેરમાં આવ્યા હો એવું ફીલ થાય છે કે નહીં?'

'અરે ચબરાક નેતા બીજી  શું કરામત કરતા ,ખબર છે? મરાઠીમાં સાંગ એટલે  કહો , બરાબર? એટલે નેતા રસ્તામાં જે મળે એને કહેશે કે, 'સાંગ હાઈ 'ત્યારે સામેવાળો કહે  'હાઈ...' એટલે મનોમન હરખાતા નેતા બોલી ઉઠે ,જુઓ બની ગયુંને સાંગહાઈ!

કાકા તરત બોલ્યા કેઃ 

'ચાલબાજ નેતાઓ

ઢોેલ પર દાંડી પીટી

મેળવ્યા કરે ખોટી

પબ્લિસીટી

આવા નઠારાથી લોકોને

સાવધ રાખવા કોઈક 

વગાડો સીટી.'

મેં કહ્યું, 'કાકા, ભ્રષ્ટાચાર - અનાચાર - દુરાચાર જોઇને જે  સીટી વગાડી લોકોને સાવધ કરે એને  માટે અંગ્રેજીમાં  કેવો સુંદર શબ્દ છે? વ્હીસલ બ્લોઅર.'

પથુકાકા બોલ્યા, 'વાત સાચી, હોં! કાં કૂકરમાં સીટી સંભળાય અને કાં કૂકર્મો સામે સીટી  સંભળાય, બરાબરને?'

મેં થોડા વખત પહેલાં  કોઈક ગામના સમાચાર વાંચેલા  એ યાદ  આવતા કાકાને  કહ્યું , 'આ ગામમાં તો જોરશોરથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સીટી વગાડો અને યુપીવાળાને ભગાડો.'

હાયકારો કાઢતાં કાકા બોલી ઊઠયા, 'હાય રામ... આ પ્રાંતવાદનું  પ્રેત ક્યાં  સુધી  ધુણતું  રહેશે?  સીટી  વગાડી  વગાડીને  યુપીવાળાને ભગાડી  દેવાના?' મેં હસીને  કાકાની ગેરસમજ  દૂર કરતા કહ્યું કે  'કાકા આ કાંઈ પ્રાંતવાદની વાત નથી. આ તો ગામની પંચાયતે  જુવાનિયાઓને  સ્ટીલની સિસોટી  અને સોટી વહેંચીને તાકીદ કરી હતી કે  યુ.પી.વાળા એટલે કે યુરિન પ્રેશરવાળા ગમે ત્યાં ઊભા  ઊભા લઘુશંકા કરતા નજરે  પડે ત્યારે  સિસોટી વગાડીને  ઘોંઘાટ  કરી મૂકવાનો  અને  એ યુ.પી.વાળાને ભગાડવાના, એટલે આ ઝુંબેશને નામ અપાયું હતું: સીટી વગાડોે અને યુપીવાળાને ભગાડો...'

કાકા બોલ્યા, 'ધરતી પર તો  જુવાનિયા સીટી વગાડે  અને યુપીવાળાને ભગાડે, પણ ઊંચે આકાશે ઉડતા વિમાનમાં તો કોઈ હજી સીટી વગાડેે પહેલાં પીપીવાળા 'મોઢા  બગાડે' એનો શું ઈલાજ?' મેં જવાબ આપ્યો,'જેણે  છોડી લાજ એનો શું હોય ઈ-લાજ?'

કાકા બોલ્યા, 'બગાડવાવાળાને ભગાડવા  માટે સીટી વગાડવાવાળા  કામ આવે  છે, ખબર છે? હવે એર-હોસ્ટેસોને  એક એક સીસોટી આપી દેવી જોઈએ. કોઈ પીધેલો પેસેન્જર પીપી કરવા ઉઠે એટલે તરત જ જોરથી સીટી વગાડીને ચેતવણી આપશે કે કોઈ આડા ન આવતા, એને  સીધેસીધો ટોઈલેટ સુધી પહોંચવા  દેજો.  નહીંતર ગમે ત્યાં મતાધિકાર નહીં મૂત્રાધિકારનો ઉપયોગ કરશે. ટોઈ-લેટ ભણી જતા હોય એને કોઈ-લેટ ન કરે...'

મેં કહ્યું, 'પથુકાકા, થોડાં વર્ષો પહેલાં મેઘાલય ગયો હતો. મારો  ગાઈડ કોંગથોંગ નામના ગામડામાં  લઈ ગયો.  સામાન્ય રીતે મોટા  સીટીમાં  છોકરીઓને જોઈને કોઈ મવાલી સીટી મારતા હોય છે.પણ કોંગથોંગમાં દાખલ થયા ત્યારે  જુવાન કન્યાઓ મને જોઈને જોર જોરથી  સીટી વગાડવા માંડી. હું તો  મનોમન રાજી થયો કે  સીટી વગાડવામાં  પણ નારી  પુરૂષ સમોવડી બનવા માંડી  લાગે  છે. હું અને મારો  ગાઈડ  ગામડાની  હેન્ડીક્રાફટની  નાની બજારમાંથી  આગળ વધતા  ગયા એમ એમ વધુને વધુ યુવતીઓ અને મહિલાઓ સીટી વગાડતી ગઈ. થોડી વારમાં  મારો ભ્રમ ભાંગ્યો. ગામડાના મુખીયા જેવા લાગતા પાંચ-છ જણ હાથમાં ભાલા લઈને આવી ગયા. કરડાકીથી મારી ઉલટ તપાસ લેવા માંડયા, ક્યાંથી આવો છો?  શું કામ છે? રોકાવા આવ્યા છો કે  ખાલી ડોકાવા? મારા ગાઇડે  મેઘાલયની ખાસી ભાષામાં સમજાવ્યું  કે  આ ભાઈ ટુરિસ્ટ છે, મુંબઈથી  આવ્યા  છે. એટલે પછી વિવેકપૂર્વક  માથું નમાવી  વેલ-કમ... વેલ-કમ કહીને વિદાય થયા. 

મેં ગાઈડને પૂછ્યુ કે આ બધાને ખબર કેમ પડી કે આપણે આવ્યા છીએ? ગાઈડે હસીને જવાબ આપ્યો કે આપણે ગામડામાં  દાખલ થયા ત્યારે  પેલી યુવતીઓ સીટી વગાડતી હતી એ સાંભળીને તમે રાજી થયા હતાને?હકીકતમાં  આ ગામડામાં  સીટીની ભાષામાં  જ બધાં એકબીજા સાથે કોેમ્યુનિકેટ કરે છે.  એટલે એ યુવતીઓએ  સીટીની ભાષાથી મસેજ વહેતો  કર્યો કે ગામડામાં  અજાણ્યા મુલાકાતી દાખલ થયા છે,  ધ્યાન રાખજો. આ દુનિયાનું એક માત્ર વ્હિસલિૅગ  વિલેજ છે જ્યાં લોકો સીટી વગાડીને જ એકબીજા સાથે વહેવાર કરે છે, બોલીને નહીં.  પ્રસૂતા  બાળકને જન્મ આપવાની  હોય એ  પહેલાં સિસોટી પર  ખાસ ધૂન કમ્પોઝ કરે છે. બાળક જન્મે પછી  તેના કાનમાં  આ ધૂન સતત વગાડયા કરે છે. એટલે બાળક બોલતું થાય એની સાથે જ  સીટીમાં  એ ધૂન  વગાડતું  થઈ જાય છે. બસ એ સીટીમાં  વગાડાતી ધૂન એની ઓળખ બની જાય છે.'

આ વાત સાંભળી તરત જ કાકા બોલી ઊઠયા ,' મને તો આ સીટીબાજોની સીટીની  ભાષામાં વાત કરવાની સિસ્ટમ  ગમી હો!  મોટા સિટીમાં ભાષાને નામે  ભવાડા થાય છે , જ્યારે નાના ગામડામાં સીટીની ભાષામાં જ વહેવાર થાય છે  એ ખરૃં કહેવાય! દેશભરમાં  જુદી જુદી  ભાષાને નામે ભડકા થાય છે એને બદલે મારા જેવા સિનિયર સીટીબાજ  એટલે કે સિનિયર-સીટીઝનની વાત માનીને  રાષ્ટ્રમાં સીટીની  ભાષાને જ ઉત્તેજન  આપવું જોઈએ. હું તો  કાયમ કહું છું કેઃ

ભાષાને વળગે શું ભૂર

સીટી વગાડે તે શૂર.

અંત-વાણી

સઃ સૌથી આંચકાદાયક સીટી કંઈ?

જઃ ઈલેક્ટ્રિસીટી.

**  **  **

સઃ પ્રસિદ્ધિ પુરૂષોત્તમોને કંઈ સીટી ગમે?

જઃ પબ્લિસીટી.

Gujarat