For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બધા બજેટમાં જળવાય વિવાહિતનું હિત ને વાંઢા થાય ચીત

Updated: Feb 14th, 2023

Article Content Image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ચાય પે ચર્ચા કરતાં હું અને પથુકાકા ઓટલે બેઠા હતા. કાકાએ ઉખાણું પૂછ્યું કે વધુને વધુ ચા પીવાની ટેવ પડે એને ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળી આપણી ગુજરેજી ભાષામાં શું કહેવાય? મેં જવાબ આપ્યો કે 'મોર-ચા.' ખુશ થઈ કાકાએ બીજો સવાલ કર્યો કે પાકિસ્તાનમા ં એક ગધેડાને સવારે ચા પીવાની આદત છે  એને શું કહેવાય? મેં વિચારીને જવાબ આપ્યો, 'એને કહેવાય ખર-ચા.ખર એટલે ગધેડો અને ખર ચા પીવે એને કહેવાય  ખર-ચા, બરાબર?' કાકાએ ત્રીજો સવાલ ઝીક્યો, 'મધ્યમવર્ગનો માણસ મરે ત્યાં   સુધી  ખર-ચા (ખર્ચા)ની બળતરા  સહન કરે એને એક  શબ્દમાં શું કહેવાય?'  મેં  કહ્યું, 'મર-ચા.'

પથુકાકા રાજી થઈ મને ધબ્બો મારીને બોલ્યા, 'દર વર્ષે બજેટ પછી  થોડો વખત ખર્ચાની ચર્ચા ચાલે છે, વિરોધીઓ મોરચા કાઢે  છે અને મધ્યમવર્ગના  લોકો તો  ભાગ્યમાં બળતરા  લખાવીને જ આવ્યા છે એટલે  મર-ચાની બળતરા  સહીને બેઠા  રહે, બીજું  શું કરે? ચા વેંચીને  દેશના વડા ચોટી પર પહોંચ્યા છે છતાં આપણી જેવાં  સામાન્ય માણસોને ક્યાં કોઈ પર-ચા દેખાય છે?'

ચા અને મોર-ચાની અમે વાત કરતા હતા ત્યાં મેઈન રોડ પરથી લગભગ પચાસેક પુરૂષોનો મોરચો નીકળ્યો. સૌથી આગળ મોટા બેનર ઉપર લખ્યું હતું- 'સંબંધ-જોડો' યાત્રા.

મેં કાકાને પૂછ્યું,'ભારત જોડો યાત્રા પૂરી થઈ અને વળી 'સંબંધ જોડો' યાત્રા કોણે શરૂ કરી?'

મેં અને કાકાએ રસ્તા પર જઈને 'સંબંધ-જોડો' યાત્રાના મુખ્ય બેનરનું  લખાણ વાંચ્યું. એમાં લખ્યું હતું - 'અખિલ ભારતીય વાંઢા સંઘ.'

અખિલ ભારતીય વાંઢા સંઘની મોખરે ચાલતા વાંઢેશ્રી નેતા નારા લગાવતા હતા: 'હમસે જોડો નાતા, અકેલે રહા નહી જાતા... જીનકો મિલી હૈ ગાદી વો કરવાયે હમારી શાદી... ધ્યાન સે સુનો હમારી માંગે, સિંદુર સે ભર દેંગે 'માંગે'... આદમી અકેલે અકેલે પીસતા હૈ, બતાવો કોઈ રિશ્તા હૈ... દેશ કે હિત મેં રહે અવિવાહિત, શાદી કી ઊંમર ગઈ બીત...'

સંબંધ જોડો યાત્રા આગળ વધતી ગઈ. એમાંથી એક અગ્રણી પાન ખાવા રોકાયો.  એને કાકાએ પૂછ્યું, આ વળી કેવી નવી યાત્રા કાઢી? અગ્રણીએ જવાબ આપ્યો,'બીજું શું કરીએ? અમારા વાંઢા સંઘનું  ભારત જોડો યાત્રા કાઢવાનું ગજું નથી, એટલે વાંઢો પહેલાં પોતાનું  જ કરે એ ન્યાયે અમે આ  સંબંધ-જોડો  યાત્રા કાઢી  છે. ઘણા પ્રયાસો કર્યા વાંઢાજનક  સ્થિતિમાંથી  બહાર આવવાના, પણ ક્યાંય મેળ ન જામ્યો એટલે આ સંબંધ- જોડો યાત્રાનો અમારો છેલ્લો  પ્રયાસ છે. એમ સમજો કેે  આ અમારી અંતિમ યાત્રા છે...'

આખા ગામમાં ફરનારા વાંઢાનો આ વરઘોડો નહીં પણ ફર-ઘોડો જોઈને હું  અને કાકા આવતા હતા ત્યારે  પથુકાકા દિલ્હીની દિશામાં મોઢું રાખી ગાવા માંડયા: 'જો વાંઢા કિયા તો  નિભાના  પડેગા...' પછી બોલ્યા, ' સરકાર બાળકો માટે, કન્યાઓ માટે, મહિલાઓ માટે અને પુરૂષો માટે જ નહીં, તૃતીયપંથી 'પાર્ટ-નર' માટેય જાતજાતની સહાય યોજના  કરે છે એમ કુંવારા કે વાંઢા માટે કેમ કોઈ યોજના વિચારતી નહીં હોય?  અગ્નિવીર યોજનાની જેમ લગ્નની જેને ખરી  લગની  લાગી હોય એવાં આ 'લગનીવીર'નો કેમ સરકાર ભાવ નથી પૂછતી?'

મેં કાકાની વાતને ટેકો આપતા કહ્યું, 'બધા દેશવાસીના લાભાર્થે દરેક બજેટમાં  કંઈકને કંઈક લાભ અપાય છે, એક આ વાંઢાજનો માટે જ કોઈ ફાળવણી કે  જાળવણીની પરવા નથી કરાતી, સાચું કે  નહીં?'

કાકાએ તરત જોડકણું ફફડાવ્યું :

'વિવાહિતથી માંડી વિધૂર

કૈંક સંભાળી ચૂક્યા ગાદી,

પણ કોઈએ ના કરી ચિંતા

કે વાંઢા કેમ જીવસે કર્યા વિના શાદી?'

મેં કાકાને દાદ આપતા કહ્યું, 'આ છેલ્લામાં છેલ્લા બજેટમાં પણ ક્યાં કોઈ વાંઢાલક્ષી જોગવાઈ છે?'

પથુકાકાએ સામો સવાલ કર્યો,  'બજેટમાં વાંઢાઓ માટે કઈ જાતની જોગવાઈની તું વાત કરે છે? બજેટમાં જેમ જુદી જુદી ચીજો પરનો ટેક્સ નાબૂદ કરી ટેક્સ-ફ્રી કરવામાં આવે એમ વાંઢાઓને માટે કોઈ સે...ફ્રી સ્કીમની વાત કરે છે?'

મેં કહ્યું, 'કાકા, એમ નહીં, પણ બેચલર્સ બ્રિગેડની જરૂરિયાતની ચીજો ટેક્સ-ફ્રી કરવી જોઈએ એવું નથી લાગતું?'

કાકાએ પૂછ્યું, 'એવી વળી કઈ ચીજની વાત કરે છે જે ટેક્સ-ફ્રી થવી જોઈએ?' મેં કહ્યું, 'બજારમાં  મળતી રેડીમેડ રોટલી અને રેડી-ટુ-ઈટ ફૂડ પરનો ટેક્સ નાબૂદ કરવો જોઈએ. કન્યા જોવા બહારગામ જતા વાંઢાઓને રેલવેમાં  કન્સેશન  આપવું જોઈએ. ફર્નિચરમાં  સિંગલ બેડની કિંમતમાં ૨૫ ટકા રાહત આપવી જોઈએ અને એકલે હાથે ઘરની  સાફસફાઈ કરતાં વાંઢાજનોને દર બે વર્ષે  એક વેક્યુમ કલીનર સરકારે ફ્રી આપવું જોઈએ, બરાબરને?'

કાકા રંગમાં આવી મને જોરથી તાલી દેતા બોલ્યા, 'તારી વાત સાવ સાચી છે. વાંઢાને સરકારે વેક્યુમ કલીનર તો મફત આપવું  જ જોઈએને! નહીંતર  સરકારને કહેવાનું કે કાં ઘર વાળી દે અને કાં ઘરવાળી દે...'

મેં કહ્યું, 'બજેટમાં વિવાહિતનું જળવાય હિત અને વાંઢા થાય ચીત્ત... બરાબરને? ચૂંટણી નજીક આવે ત્યારે બધી પાર્ટીવાળા ચૂંટણી ઢંઢેરા બહાર પાડે, એમાં બધાને માટે કંઈક ને કંઈક કરી છૂટવાના વચન આપે, પણ વાંઢાની વાંઢાજનક દશા વિશે એ વચનનામામાં  એક પણ શબ્દ  ક્યાં ગોત્યો જડે છે? બાળકો  માટે બાલાશ્રમ, કન્યાઓ માટે કન્યાશાળા, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ એમા વાંઢા માટે વાંઢાશ્રમ ખોલીશું એવું કોઈ વચન આપે છે? કોઈ એવું વચન આપે છે કે એક વિશાળ પ્લોટ ફાળવીને વાંઢાજનો માટે વનરાવનને બદલે  વાંઢાવન રચીશું? ભલેને આ વાંઢાવનમાં જલ્સા કરીને ટેસથી ગાય-

મારૃં વાંઢાવન છે રૂડું

કે વૈકુંઠ નહીં રે આવુ.

પથુકાકા બોલ્યા, 'હું તો દેશભરના વાંઢાઓને અપીલ કરવા માગું છું કે હે વ્હાલા વાંઢાજનો, વાદવિવાદ અને વિખવાદ ભૂલી એક થાવ અને નવો પક્ષ રચી નામ આપો બી.જે.પી. એટલે બેચલર્સ જનતા પાર્ટી.'

મેં હસીને સવાલ કર્યો, 'બેચલર્સ જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન શું રાખવાનું?' કાકાએ જવાબ આપ્યો કે 'બેચલર્સ જનતા પાર્ટીનું ચિહ્ન કોંગ્રેસના હાથને બદલે રાખડી બાંધેલા હાથનું રાખવાનું. મતદારોને સમજાવો કે  આ દેશનું નખ્ખોદ  વાળ્યું છે કેટલાંક વતનપ્રેમી  નહીં, પણ પતનપ્રેમી શાદીવાળા લીડરોએ   અને એમના સંતાનોએ, ખુદ સત્તા ભોગવ્યા પછી વારસદારને  ગાદીએ  ગોઠવતા ગાદીવાળાએ  અને પોલિટિક્સ રમી પેટ ચોળી શૂળ ઊભું  કરવામાં સૂરા બાદીવાળા અને બરબાદીવાળાએ આ બધાને તગેડી મેલો કૂટીને અને પરિવર્તન લાવો બેચલરોને ચૂંટીને.'

મેં કાકાને દાદ દેતા કહ્યું,  'વાંઢાને આગળ-પાછળ કોઈ ન હોય એટલે પછી  સગાવાદ કે સંતાનવાદની ચિંતા જ  નહીંને? એટલે જ હું તમામ વાંઢાશ્રીઓને  અપીલ કરવા માગું  છું કે  વધુમાં વધુ  સંખ્યામાં બેચલર્સ પાર્ટીમાં જોડાવ, આપણાં નામ પર  અસંખ્ય કન્યાઓનાં મા-બાપોએ વગર કહ્યે ચોકડી મૂકી દીધી છે, તો શું ચૂંટણી વખતે ફરીથી આપણાં નામ પર ચોકડી  મૂકવા કોઈ આગળ નહીં આવે?'

અંત-વાણી

ઊંઘ ન જુએ ઓટલો

ભૂખ્યો ન જુએ રોટલો

વાંઢો ન જુએ ચોટલો.

**  **  **

બેચલર્સ પાર્ટીનું સ્લોગન:

ચાહે ભલે હમે

બહુ-મત મિલે

હમે સિર્ફ આપકા 

મત મિલે.

**  **  **

સ: કુંવારી કન્યાના ચુંબનને ઈંગ્લિશમાં શું કહેવાય?

જ: કિસ-મિસ.

Gujarat