Get The App

વાંદરાની પડે પંગત, માણસોની બુફેની રંગત

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
વાંદરાની પડે પંગત, માણસોની બુફેની રંગત 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

નાતજમણ વખતે સાદ કરવામાં આવે એમ પૂજારીએ મંદિરના આંગણામાં ઊભા રહી ગળું છૂટ્ટું મેલી સાદ પાડયો, ' બાકી રહેલા જમવા આવી જાવ... આવી જાવ... આવી જાવ...' આ સાદ સાંભળતાની સાથે જ આસપાસના ઝાડ ઉપર ટાંપીને બેઠેલા વાંદરાઓ ઠેકીઠેકીને આવવા માંડયા અને એકદમ શિસ્તબદ્ધ રીતે હારબંધ બેસી ગયા. સ્વયંસેવકોએ દરેક વાનરોની સામે સ્ટીલની પ્લેટ મૂકતા ગયા અને પીરસણીયાઓ પીરસતા ગયા. મનભાવન વાનગીઓ પીરસાયા પછી 'જય બજરંગબલી...'નો સાદ પડયા પછી વાનરસેનાના સભ્યો ટપોટપ જમવા માંડયા.એક દાણો જમીન પર ઢોળાય નહીં એ રીતે પેટ ભરીને ભોજન કર્યા બાદ વાનરો એંઠી પ્લેટો એક ખૂણામાં મૂકીને એકદમ શાંતિપૂર્વક વન-વે (એટલે જંગલ તરફ) જવા માંડયા.,

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના ગામે હનુમાન જયંતિ નિમિત્તે યોજાયેલા આ વાનર-ભોજનની વાત પથુકાકાને સંભળાવતાની સાથે જ કાકા આશ્ચર્યચક્તિ થઈ બોલી ઉઠયા, 'ઓહોહો... ઠેકાઠેકી અને મસ્તી-તોફાનમાંથી ઊંચા ન આવતા વાંદરાઓ આ રીતે એકદમ શિસ્તપૂર્વક પંગતમાં બેસીને જમે એ બહુ કહેવાય હો! આજે તો આપણે ત્યાં પંગતની રંગત ક્યાં રહી છે? જ્યાં જુઓ ત્યાં બસ બુફેની જ બબાલ જોવા મળે છે. જે વાનરોને ઠેકી ઠેકીને ખાવાની આદત હોય છે એ પંગતમાં બેસે છે અને આપણે ઊભા ઊભા ખાઈએ છીએ એ કેવો વિરોધાભાસ કહેવાય!ૅ'

મેં કાકાને કહ્યું, 'જંગલમમાં ઠેકાઠેક કરતા આ જંગલના 'ઠેકેદારો' પાસેથી જ આપણાં નેતાઓ રાજકારણના જંગલમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઠેકવાનું શીખ્યા છે. વાનરો જંગલના ઠેકેદારો. મને મનમાં સવાલ થાય છે કે જેમ આપણા નેતાઓ વાનરો પાસેથી ઠેકતા શીખ્યા એમ આપણા આ પૂર્વજો પાસેથી પંગતમાં બેસીને  જમવાનું કેમ નહીં શીખતા હોય?'

પથુકાકા ખડખડાટ હસીને બોલ્યા, 'અરે ભાઈ, આપણાં ખાઈકીબાજ નેતાઓ ઉભેગળે ખાતા હતા એ જોઈને જ તો આ ઊભા ઊભા ખાવાની બુફે સિસ્ટમ આવી ખબર છે? લીડરો કહેતા હોય છે કે નાણું હોય કે ખાણું, અમને તો ખાવાથી મતલબ, ભલે પછી જેને ૅજે ગાવું હોય એ ગાય ગાણું...'

મેં કહ્યું, 'કાકા, હમણાં ભારે મજા થઈ હો! તમને ખબર છે ને કે મારો ભત્રીજો અપલખણો અજુ ઘણાં વર્ષે અમેરિકાથી આવ્યો હતો અને ભેગો અમેરિકામાં જ જન્મેલા દીકરા હેમને લઈ આવ્યો હતો?' 

કાકા બોલ્યા, 'બરાબર યાદ છે. પછી તમે હેમને લઈને ગામડું દેખાડવા ઝાલાવાડના ગામડે લઈ ગયા હતા, સાચુંને?'

મેં કહ્યું, 'દસ વર્ષના હેમે ગામડું જ જોયું નહોતું. એટલે અમદાવાદથી ટુરિસ્ટ કારમાં ગામંડે પહોંચ્યા. કારમાંથી ઉતરીને અમે ચાલીને ગામમાં ફરવા નીકળ્યા. રસ્તામાં માટીના કાચા ઘરના નળિયાવાળા છાપરે છાણાં સૂકવેલાં હતાં. આ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયેલા હેમે પૂછ્યું કે, 'દાદાજી સી... કાઉડન્ગ ઓન રૂફ... તો કાઉ છાપરા પર ચડીને કેવી રીતે પોટ્ટી કરતી હશે? રોડ ક્લીન રહે એટલા માટે રૂફ પર ચડીને પોટ્ટી કરતી હશે?' મેં ખડખડાટ હસીને કહ્યું કે અમે મારા રાજ્જા, ગાય છાપરે ચડીને કાંઈ પોદળા નથી મૂકતી. આ તો છાણ ભેગું કરીને છાણાં બનાવી સૂકવવા માટે છાપરા પર થાપીને રાખ્યા છે. આ છાણાં સૂકાઈ જાય એટલે પછી ચૂલામાં નાખી ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ધિસઈઝ દેશી ઈંધણ... કન્ટ્રી ફયુઅલ...'

આ કિસ્સો સાંભળી પથુકાકા ડબકું મૂકતાં બોલ્યા, 'અમેરિકામાં જન્મેલા નાના હેમે છાણાં જોઈને ગજબનો સાવલ કર્યો હો! બાકી અત્યારે તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને માથે આખી દુનિયા છાણાં થાપે છે છાણાં.એના પાપે આજે ગેસ અને તેલની મોકાણ ઊભી થતાં છાણાં, કોલસા અને લાકડાં બાળવાની જ નોબત આવી છેને? એટલે જ હું કહું છું કે-

માથા ફરેલ મોવડી

જો ન હોય શાણા,

તો પછી આખી દુનિયા

એને માથે થાપે છાણાં.'

કાકાના તત્કાળ જોડકણા માટે  મેં એમને દાદ આપતા કહ્યું, 'હજી સાંભળો તો ખરા! ગામડામાં જરાક આગળ ગયા ત્યાં એક ઘર પાસેની ગમાણમાં ગાય અને ભેંસ ઊભાં  ઊભાં ચારો ખાતી હતી. આ જોઈને ઈંમ્પોર્ટેડ હેમ તરત બોલી ઉઠયો- દાદા... દાદા... સી કાઉ એન્ડ બફેલો સો એડવાન્સ... ધે આર ઈટીંગ ઈન બુફે...'

આ સાંભળી ફરી ખડખડાટ હસીને પથુકાકા બોલ્યા, 'ભાઈ, ટેણિયાએ તો ભારે કરી હો! ગમાણમાં ઊભી ઊભા ચારો ખાતી ગાય અને ભેંસને જોઈ એને એમ થયું કે આ બુફે ચાલે છે બુફે... માણસની જેમ ઢોર પણ બુફેમાં ખાતા શીખી ગયા લાગે છે એમ માન્યું હશે, બરાબરને? પણ એને ખબર નહીં હોય કે આપણા બિહારી લાલુ બાબુ ઊભા ઊભા કરોડોનો ઢોરનો ચારો ચાવી ગયા હતા, બરાબરને?'

મેં કાકાને કહ્યું, 'હનુમાન જયંતિને દિવસે વાનરોના જમણવારમાં રીતસર પંગતમાં બેસીને ડાહ્યાડમરા થઈને જમવા બેઠા હતા એ વાત કરીને? એટલે ટૂંકમાં વાનર દેખાડે માણસવેડા અને ઊભા ઊભા ખાઈને માણસ દેખાડે ઢોરવેડા.'

પથુકાકા બોલ્યા, 'આઝાદી પછી કેટલાય ખાઈકીબાજો તરી ગયા અને  ખાઈકી ન કરી એ ભૂખે મરી ગયા.' એટલે જ હું કહું છું-

લોકશાહીને રસોડે વાળુ છે

દબાવીને ખાવ, 

કોણ પૂછવાવાળું છે?

કરે ખાઈકી અને ખટપટ

એવા ખાઈકીબાજોનું નસીબ

'મત-વાલુ' છે.

'બંદર' છો દૂર છે,

ત્રાસ ભરપૂર છે

બાળમંદિરમાં ભણતા ત્યારે એક કવિતા ગાવાની મજા આવતી: 'બંદર છો દૂર છે જાવું જરૂર છે...' એ બંદર એટલે પોર્ટ, જ્યારે દિલ્હીના બંદરની વાત કરવી છે, એ બંદર એટલે વાંદરા.

હું અને કાકા થોડા વખત પહેલાં દિલ્હી ગયા ત્યારે મેટ્રોનાં સ્ટેશનો ઉપર બિહામણાં મોઢાવાળા મોટા વાંદરા (લંગૂર)ના પોસ્ટરો અને કટઆઉટસ જોયાં. આ જોઈને પથુકાકા બોલ્યા કે 'દિલ્હીની નજીક ગોકુળ અને વનરાવન આવેલું છે એની ખબર છે, પણ આ દિલ્હીમાં આ વાનરોનું વાનરાવન કેમ ઊભું કર્યું હશે? કોઈને પૂછીએ તો ખરા?'

અમે મેટ્રો સ્ટેશનના ચોકીદારને પૂછ્યું, 'યે લંગૂર કે ફોટોવાલે પોસ્ટર ઔર કટઆઉટ્સ ક્યાં લગાયે હૈં?' ચોકીદાર બોલ્યો, 'દિલ્હી મેં છોટે છોટે બંદર બહોત પરેશાન કરતે હૈ, મેટ્રો કે સિગ્નલ ઔર સ્ટેશન પે તોડફોડ કરતે હૈ, ઈસી લિયે ઉનકો ડરાને ઔર ભગાને કે લિયે બડે બડે લંગૂર કે ફોટો લગાયે હૈ... યે જો લંગૂર હૈ વો બંદર કી પાર્ટી કે હાઈકમાન્ડવાલે હૈ...'

ચોકીદારનો જવાબ સાંભળી કાકા નવાઈ પામી બોલ્યા, 'આ તો  ગજબ કહેવાય હો! ભારતીય ઠેકતા પાર્ટીમાં પણ હાઈકમાન્ડની ખરી ધાક છે!'

અંત-વાણી

સવાલ: ખાણું પીરસાવામાં વાર લાગે તેને એક શબ્દમાં શું કહેવાય?

જવાબ: 'જમણ-વાર.'