- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ભારતને વસમા પાડોશીના રૂપમાં પાકિસ્તાન ભટકાયું છે એમ મને અને કાકાને કોઈના વશમાં ન રહે એવા વાંધોડકા, વિવાદી અને વટકેલ પાડોશી વનુકાકા ભટકાયા હતા. વનુકાકા અને એમની સંગીન જેવી ધારદાર જીભવાળી જીવનસંગીની મંછાકાકી આખો દિવસ ઝઘડયા કરે, આડોશી પાડોશીને નડયા કરે અને જમવાને ટાઈમે આજુબાજુવાળાને માથે પડયા કરે.પોતાના અને પારકા સહુને દમ માર્યા કરતા આ દમ-પતિ નવી સોસાયટીમાં મોટો ફલેટ ખરીદી રહેવા જવા માટે તૈયાર થઈ ગયા ત્યારે અમે એવાં રાજી થયા કે અંદરોઅંદર સાકર વૈેંચીને મોઢાં મીઠાં કરાવ્યા.
હું કાકાના ઘરમાં બેઠો હતો એ વખતે વનુકાકા નવા ઘરમાં હોમ-હવનના આયોજનનું આમંત્રણ કાર્ડ આપવા આવ્યા.પથુકાકાએ કાર્ડ વાંચીને એકદમ તોફાની ટકોર કરી, 'ઘરમાં હવન કરો ત્યારે ધુમાડો બહુ થાય ખરૃંને? આમ તો તમારા જૂના ઘર હોમમાં હવન વગર પણ કાયમ ધુમાડા નીકળતા રહેતા હતા, તો પછી નવા ઘરે જઈ હોમ-હવન કરી શા માટે (પૈસાનો) ધુમાડો કરો છો? મારૃં તો માનવું છે કે હોમ-હવન કરવાને બદલે ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું બનાવી 'હોમ-હવન' કરો એમાં જ મજા છે...'
કાકાની વાતમાં સૂર પુરાવતા મેં કહ્યું,'પરણીને ઘર-સંસાર માંડનારાને જોઈને મારી જેવા વાંઢા-જનક સ્થિતિમાં રહેતા વાંઢાઓ એકી અવાજે બોલી ઉઠે છે યા'હોમ' કરીને પડો સંસાર છે આગે...'
અચાનક મારૃં ધ્યાન કાકાએ પહેરેલા જય શ્રી રામ લખેલા ટી-શર્ટ ઉપર ગયું એટલે પૂછ્યું કે 'શું વાત છે? આજે એકાએક જયશ્રી રામ લખેલું ટી-શર્ટ કેમ ચડાવ્યું?'
સવાલ સાંભળીને પથુકાકા બોલ્યા, 'પ્રભુ રામ વનમાં ગયા હતા ને? એમ મેં પણ આજે વન-પ્રવેશ કર્યો છે, એટલે રામનામવાળું ટી-શર્ટ ઠઠાવ્યું છે.'
મેં કહ્યું, 'કાકા, ઘણા પુરૂષો સંસારની ગાડી લબડધક્કે ખેંચીને એવા તો થાકી રહે છે કે વન-પ્રવેશ કરે ત્યારે હાંફી જાય છે. બાકી તમારી વાત નોખી છે, કાકીના ગમે તેવાં 'કાકીસ્તાની' હુમલા ખાળીને પણ તમે હસતાં હસતાં વન-પ્રવેશ કર્યો એ કાબિલે-દાદ કહેવાય. એટલે હું તો તમારા આ વન-પ્રવેશને ફન-પ્રવેશ જ કહીશ.'
પથુકાકા બોલ્યા, 'ભાઈ, એમ જ જિંદગી જીવાય, બાકી તો તું પરણ્યો નથી અને વાંઢો રહ્યો છે એટલે તને નહીં સમજાય કે જે શબ્દને છેડે 'ગન' આવે ત્યાં ધડાકા થયા વિના રહે જ નહીં, દાખલા તરીકે મશીન-ગન, એસોલ્ટ-ગન, એર-ગન અને આ લ-ગન... હા-હા- હા- હા...'
મેં હસીને કહ્યું, 'ખરેખર, પરણ્યા પછીની પીડા ભૂલીને તમારી જેવા ઝિંદાદિલ ઈન્સાન ગન-પોઈન્ટ પર પણ જે રીતે જીવે છે એ જોઈને ખરેખર દાદ દેવી પડે. તમે જ આ વન-પ્રવેશની વેળાએ વટથી બોલી શકો કે વન-દે-માત્રમ્, ગન-દે-માત્રમ્, લ-ગન-દે-માત્રમ્ અને ફન-દે-માત્રમ્.'
કાકા બોલ્યા, 'મેં એક જ સૂત્ર અપનાવ્યું છે કે જે ભૂલે પીડા ઈ કરે ક્રીડા અને બાકીના બધા પીડામાં સળવળતા કીડા. આ તારી કાકી મને ઘરના અને બહારના કામ કરાવી કરાવી ડૂચો કાઢી નાખે છે છતાં એને પણ 'કામ-ક્રીડા' માની દોડા કરતો રહું છું.'
મે કહ્યું, 'કાકા, ઓલું લોકગીત યાદ આવે છે તમારા વનપ્રવેશ ટાણે - વનમાં ચાંદલિયો ઊગ્યો કે મારે મન સૂરજ થઈ લાગ્યો...'
પથુકાકા બોલ્યા, 'વનમાં નહીં (લગ્ન) જીવનમાં પણ ચાંદલિયા ઊગવા જોઈએ, બાકી નાની નાની વાતુમાં 'ચાંદલિયા' ન ફોડાય, સમજાયું?'
મેં કાકાને કહ્યું, 'કેટલાય પીડિત પતિદેવો કાયમ ઘરઘરાટી કર્યા કરતી ઘરવાળી કે પછી ઘરઘરાટીવાળીથી ત્રાસીને સંસારનો ત્યાગ કરીને વનની વાટ લેતા હોય છે, ખબર છેને?'
કાકા બોલ્યા, 'આમાંથી કેટલાંક એવાય નીકળે છે, જે સંસાર છોડયા પછી કોઈને છોડતા નથી, સંસારમાં ન ભોગવેલું બધું જ સુખ સંસાર છોડી ભોગવે છે. સાધુ ચલતા ભલા એ કહેવત 'વનેચરો'ને જોઈ જરા ફેરવીને કહેવી પડે કે સાધુ છલતા ભલા...'
કાકાની વાતને ટેકો આપતા મેં કહ્યું, 'આવા કોઈક વ્યભિચારી હેવાનના પાપાચારના કિસ્સાં છાપરે ચડીને કે છાપે ચડીને પોકારે ત્યારે આ વનપ્રસ્થાશ્રમમાં નહીં પણ હે-વાનપ્રસ્થાશ્રમમાં ગયા કહેવાય, બરાબરને?'
પથુકાકા બોલ્યા, 'હવે મને એક હાથબનાવટના ઊખાણાનો જવાબ આપ કે ભગવાન રામ કેટલા વાગે વનમાં જવા નીકળ્યા હતા?'
મેં માથું ખંજવાળીને કહ્યું, 'મને નથી ખબર.'
કાકા બોલી ઊઠયા, 'રામ સવાનવ વાગ્યે વનમાં ગયેલા. શું કામ ખબર છે? સ-વા-ન-વ શબ્દને ઊંધેથી વાંચ તો શું વંચાય? વ-ન-વા-સ!'
મેં કહ્યું, 'કાકા, રામાયણ કાળથી અત્યાર સુધી સારાના ભાગ્યમાં સહન કરવાનું જ લખ્યું હોય છે, અને નઠારાના નસીબમાં નગદનારાયણની કૃપા વરસતી હોય છે. સાચા જેલમાં અને ખોટા મહેલમાં, ઈમાનદારોને ઈડલી પણ નથી મળતી જ્યારે બેઈમાનો બર્ગર ઝાપટે છે, પુણ્યશાળીને પીવા પાણી નથી મળતું અને પાપીઓ લોહી પી જાય છે. બોલો, આ કેવો ખેલ છે?'
કાકા બોલ્યા, 'આ હિન્દી ફિલ્મની જ વાત કરૃં તો હીરો હોય છે એ હિરોઈનનો સાથ મેળવવા માટે હેરાન-હેરાન થઈ જતો હોય છે અને વિલન આખી ફિલ્મમાં હિરોઈનની છેડછાડ કરી, જલ્સા કરી ફિલ્મ પૂરી થાય એ પહેલાં થોડી વાર માટે હીરોના હાથનો થોડો માર ખાઈને છૂટો થઈ જાય છે, અને ઊંહકારા કરતો કરતો જાણે હીરોને કહેતા જાય છે (હિરોઈન તરફી આંગળી ચિંધીને) કે: અબ તુમ્હારે હવાલે યે-તન સાથીયો... ટૂંકમાં હું છૂટ્ટો, હવે આ બલાને સંભાળવાની જવાબદારી તારી.'
મેં કાકાની વાત સાંભળીને કહ્યું, 'પથુકાકા, પ્રભુ રામજીએ આકરો વનવાસ વેઠવો પડયો અને લંકેશ પ્રભુના બાણથી વિંધાયા એટલે એને સ્વર્ગ મળ્યું. આને જ કહેવાય રામ વનમાં અને રાવણ હે-વનમાં.'
અંત-વાણી
જેના હૈયામાં આ-રામ છે,
એને કાયમ આરામ છે
** ** **
પ્રભુ રામજીએ વનવાસ
સ્વીકારીને કહ્યું હશે કે:
વન-દે-માત્ર્મ.


