Get The App

મૂરખ પરણીને બંધાય ખીલે ત્યારે જબ જબ ફૂલ ખીલે

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
મૂરખ પરણીને બંધાય ખીલે ત્યારે જબ જબ  ફૂલ ખીલે 1 - image


ચાચાની ચાની ચાહના એટલે વાત ન પૂછો. સવારમાં ચાચા એટલે પથુકાકા જ્યાં સુધી રગડા જેવી અને મસાલો નાંખેલી કાકી જેવી તીખ્ખી તમતમતી હાથે બનાવેલી ચા ન પીવે ત્યાં સુધી આંખ જ પૂરી ન ઉઘડે હિન્દીમાં કાકાને ચાચા કહેને? એટલે કાકાએ ઘરનું જોડી દીધું કે મારા જેવા કોઈ કાકા ચાના શોખીન હશે અને આખો દિવસ ચા... ચા... કર્યા કરતા હશે એમાંથી આ ચાચા શબ્દ બન્યો હશે.

ગઈ કાલે સવારે કાકાને ઉઠવામાં મોડું  થયું એટલે કાકીએ ચા બનાવી અને થર્મોસમાં ભરી દીધી  જેવાં પથુકાકા ઉઠયા કે  થર્મોસ ધરી દીધું પણ કાકીના હાથની ચાનો આ ઘૂંટડો પીતાની સાથે જ કાકા તાડૂક્યા કે આ તે કાંઈ ચા છે? ખાંડ અને ચાની થોડી પત્તી ઉકાળીને આપી દીધી એટલે શું ચા થઈ ગઈ ? કાકીએ સામે છણકો કર્યો 'તમારી જેવાં ઘરના દુખીયા પતિ અને ચાની પત્તીના નસીબમાં ઉકળવાનું  જ લખ્યું હોય છે. હવે પીલો ઝટપટ અને મૂકો લપ.

કાકા-કાકીની સવાર સવારમા તડાફડી ફૂટતી હતી ત્યાં જ  બરાબર હું  જઈ ચડયો  મેં કહ્યું 'કાકા શું અત્યારમાં  મગજમારી કરો છો?' કાકાએ કહ્યું કે ભગવાને આપણને મગજ આપ્યું  છેને? એટલે જ આ મગજમારી છે. જેને ભેજું ન હોય એવાં ભેજાગેપ કેવાં સુખી છે? જે ગાંડાઓને મગજ દોડાવવાની ચિંતા નથી હોતી એ કેવાં ટેસથી દોડ્યે જાય છે?અને આપણી દશા જો, મગજ છે એટલે જ મગજમારી છેને? '

મેં કહ્યું કાકા તાળાબંધીમાં ઘરમાં રહીને ઘણાંના મગજ ફરી ગયા છે. ઘણાંના ઘરમાં બે માણસ વચ્ચે  તડાફડી શરૂ થઈ ગઈ છે. કારણ વિના ક્રોધ ન કરો, મગજને કાબુમાં રાખતા શીખો.' કાકાએ પૂછ્યું ડાહ્યો થા મા... એમ મગજ ક્યાંથી કાબૂમાં રહે?

મેં કહ્યું કાકા તમે ચીનના એક મહાન વિચારક ચ્વાંગત્સુનો કિસ્સો સાંભળ્યો છે? એ મસ્તફકીર બની ફરતો રહેલો.  પછી જ્યારે કોઈ પ્રતિકુળ પ્રસંગ આવે ત્યારે થેલામાંથી  એક ખોપરી કાઢતો પછી ખોપરી સામે પાંચેક મિનિટ સુધી  ધારીને જોતો અને ત્યારબાદ ખોપરી પાછી થેલામાં  મૂકી દેતો. આ વિચિત્ર વર્તણૂક જોઈને એક શિષ્યે કારણ પૂછ્યું 'આ તમે શું કરો છો?' ગુરુ રવાગત્સુએ હસીને જવાબ  આપ્યો કે  પ્રતિકૂળ પ્રસંગ આવતા હું ક્રોધ કરી બેસું એવી સ્થિતિ સર્જાય અને મારી બુદ્ધિ મને  જરાપણ કંઈક આડુંઅવળું મને સમજાવવા માંડે ત્યારે થેલામાંથી ખોપરી કાઢીને મારી જાતને કહું છું કે દોસ્ત તારીખોપરીની દશા પણ આ ખાલી ખોપરી જેવી જ થવાની છે,  માટે ક્રોધ કરવામાં મજા નથી મર્યા પછી  ખાલી ખોપરી જ રહી જવાની છે. પડી સમજ ?

પથુકાકા માથે હાથ ફેરવીને બોલ્યા આ તે કથા સંભળાવીને? એટલે મને પેલું ફિલ્મી ગીત યાદ આવ્યું ઃ ગોલી માર ભેજે મેં... ભેજા શોર કરતા હૈ... ટૂંકમાં ભેજાફોડી હળવી હોય તો ભેજાને ભડાકે દેવાય એમ જ ને?'

મેં કહ્યું 'કાકા જેેને ભેજું ન હોય એને માટે એમી કહીએ છીએ કે  એ મૂરખ છે.  મૂરખને ઈંગ્લિશમાં ફૂલ કહે છે, બરાબરને? ગુજરાતીમાં ફૂલન અર્થ પુષ્પ પણ થાય છે. હવે મને કહો કે અંગ્રેજી અને ગુજરાતીના મિશ્રણવાળી આપણી ગુજરેજી ભાષામાં તમને કોઈ ફિલ્મીગીત યાદ આવે છે?' કાકાએ પોતાનુ ભેજું  જરાક કસીને ઘોઘરા  સાદે કહ્યું ઃ ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં ફૂલ નહીં મેરા દિલ હૈ... બોલ આમાં ફૂલ અને ભેજા બન્ને આવી ગયા કે નહીં?   પ્રેમિકાને પરબિડિયામાં ફૂલ અને દિલ મોકલાવે એ  કેવો 'ફૂલ' કહેવાય?  આ તો મારા ભાઈ  પરણ્યા પહેલાંના પ્રેમાલાપો છે બાકી  અમારી જેમ  પરણ્યા પછી  કેવી  દશા થાય છે  તેની સાળીની કયુ ફિલ્મી ટાઈટલ આપે છે ખબર છે? જબ જબ ફૂલ ખીલે. હવે જબ જબ ફૂલ ખીલેનો મતલબ સમજ્યો? એને અર્થ એ કેઃ જ્યારે જ્યારે મારા જેવાં ફૂલ (મૂરખ) પરણીને ખીલે બંધાય છેને ત્યારે ખૈર નથી રહેતી.  જબ જબ ફૂલ 'ખીલે'...

કોઈ નિકળે ફરવા કોઈ નિકળે વિ-ફરવા

ફરે ઈ ચરે એવી કહેવત સાંભળી હતીપણ આ લોકડાઉન વખતે એવું  બ્રેઈન વોશિંગ કરી નાખવામાં આવ્યું હતું કે એક જ સૂત્ર મગજમાં ધુમરાતું હતું. કે ફરે ઈ મરે. પણ જેવી અનલાકડાઉનની શરૂઆત થઈ અનેપાર્ક, ગાર્ડન, મેદાન ખુલ્લા મૂકાવા માંડયા  એટલે ફ્રેન્ડ અને ફ્રેન્ડીઓ ફરવા નીકળવા માંડયા. ઘરમાં  ગોંધાઈ રહીને જેના માથા ફરી ગયા હતા એ બધા આખેઆખા બહાર ફરવા લાગ્યા. જાણે મહામારીનું નામનિશાન  મટી ગયું હોય મ મોર્નિંગ વોક, ઈવનિંગ વોક, જોગીંગ અનેચોમાસામાં  દેડકાની  જેમ'ફ્રોગીંગ' કરી ખાબોચિયા ઠેકતા દેખાવા માંડયા.

અમારા એરિયા હજી ગયા વર્ષે જ ખુલ્લા મૂકાયેલા  શહીદ પાર્કમાં પણ ફરી ઘણાં લોકો સ-જોડે, ક-જોડે અને સ્પોર્ટસ શૂઝ પહેરી ફક્ત જોડે-જોડે સોશ્યલ ડિસ્ટનિંગ  જાળવીને ફરતા જોઈને પથુકાકાએ કહ્યું કે 'તેં એક બાબત માર્ક કરી? જે ધણી-ધણિયાળી  વચ્ચે મનમેળ ન હોયને એને સોશ્યલ ડિસ્ટનિંગ કેમ જળવાય એ શીખવવું ન પડે. ભેગા બહાર નીકળે ને તોય એકબીજાથી આધા-આધા  હાલતા હોય મારો જ દાખલો લેને? તારા (હો) બાળાકાકીને લઈને આ શહીદ પાર્કમાં  આવું ને ત્યારે તારા કાકી આગળ હાલતા હોય  અને હું અચૂક એક ફિલ્મીગીતનું  મુખડું લલકારવાનું ભૂલતો નથી કે ઃ આગેહૈ કાતીલ મેરા ઔર મેં પીછે પીછે દિવાના મુઝસા નહીં ઈસ અંબર કે નીચે...'

ડોકટરોનું કહવું છે કે એક શબ્દ ઉચ્ચારવામાં સિત્તેર  સ્નાયુઓને  મહેનત કરવી  પડેછે. પણ જેનું બ્લડ ગુ્રપ જ એ-ટોકટીવ હોય એને કોણ સમજાવે? હું તો જોગર્સ પાર્કમાં  જઈને ફરતા ફરતા જુદા   જુદા  જોડકાની વાતો જ સાંભળતો રહું છું   કરિયાણાના અનેક દુકાનદાર જખુભાઈ  અને એમની પત્ની કંકુબેન પાર્કમાં  ગોળ ગોળ ફરતા હતા   લગ્નને માંડવે ફેરા ફર્યા એનુ ચક્રવૃદ્ધિ વ્યાજ  સાથે દેવું ચૂકવતા હોય એવી  જખુભાઈ ગાલાની દશા હતી. કંકુબેન સતત કકળાટ ચાલુ જહતો. 'તમારા માજીને કહી દેજો બહુ બડબડ કે ગડબડ કરે નહીં  મારૂં તો મગજ ફર્યું  તોએમને કચ્છી એક્સપ્રેસમાં સીધા કચ્છ   ભેગા કરી દઈશ સમજ્યા? સાસુમાં  સખે માની  (રોટલી) '  પણ ખાવા દેતા નથી અને તમારી આ ઢાંઢી બહેનથી તો તોબા. હવે એને પરણાવી છે કે નહીં? જરા વિચારો તો ખરા? દિકરી ને ગાય દોરે ત્યાં જાય  ઈ કહેવત  મારી આ નટખટ નણંદે સાચી પાડી  છે. જે જુવાનિયો દોરે  એની ભેગી ફરવા હાલી જાય છે. એનું કંઈક કરો, જવાબ તો આપો? મોઢામાં  મગ ભર્યા છે.' જખુભાઈ બીતા બીતા બોલ્યા 'તું ચૂપ થા તો હું કંઈ બોલુંને?'

મેં તો જખુભાઈ એકલા બાંકડે બેસી પડતા પૂછ્યું કે તમારા 'ઘરધણિયાણી'  ફરવા નીકળે છે કે વિ-ફરવા? આટલી હદે કટકટ કરે છે છતાં તમે કેમ કંઈ બોલતા નથી? જખુભાઈએ વાણિયા બુદ્ધિ દેખાડતા જવાબ આપ્યો કે જુઓ આપણે રહ્યા વેપારી માણસ, ઝઘડાથી કાયર. કોઈ એક તમાચો ચોડી દેને તોય આપણે ચાર તમાચાનું ખોટું બિલ ફાડીને આપી દઈએ. ખોટી માથાકૂટ કોણ કરે? સ્થિતપ્રજ્ઞા જખુભાઈનો જવાબ સાંભળી મનમાં વિચાર આવ્યો કે જે ઘરવાળી મેદાનમાં આવો કકળાટ કરી શકે છે એણે લોકડાઉનમાં ઘરની અંદર ખેદાન-મેદાન જ કર્યું હશે કે નહીં?

જે વર વહુની ભેગો ભેગો ફર્યા કરે એને ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળી ગુજરેજી  ભાષામાં શું કહેવાયખબર છે ને? રિવોલ્વર (વર) પણ હમણાં એક દિવસ કચ્છી કરિયાણાના વેપારી જખુભાઈને એમની જીવન સંગીની (કે સગીની) વગર એકલા જ ફરતા જોયા  મેં પૂછ્યું કેમ એકલા એકલા ફરો છો?  ભાભી કેમ દેખાતા નથી? જખુભાઈએ શાંતિથી જવાબ દીધો તમારા ભાભી બાડા  છે બાડા. એમના પિયરયા પણ બધાબાડા છેને? આ સાંભળીને હું જરા ચોંકી ગયો. મારી મૂંઝવણ સમજીને  જખુભાઈએ ફોડપાડયો કે  ભારી ઘરવાળીનું પિયરનું ગામ બાડા છે. લોકડાઉનમાં જરાક ઢીલ મૂકાઈ એટલે કચ્છ વતનને ગામ બાડા પહોંચી ગઈ. મનોમન મેં વિચાર્યું ચાલો સારૂં થયું ઘરવાળા હોય બાડા તો કોઈને ન આવે આડા. એવું કહેવાય  છેને કે ચાલીસ પછી જો તું ચાલીશ નહીં તો કયાંય નહીં ચાલીશ. હેલ્થ ઈઝ વેલ્થ કહેવાય છે, પણ ઘણાં એવાં છે જેની પાસે વેલ્થ છે  પણ હેલ્થ નથી સંભાળતા. મોટરમાંથી પગ હેઠે મૂકવાું  નામ ન લે. પણ લોકડાઉનમાં બધા જ વાહનો દોડતા બંધ થઈ ગયા ત્યાર પછી ભલભલા પગે ચાલતા થઈ ગયા જોયુંને? જેના કારમાં ફરીફરીને શરીર નિરાકાર થઈ ગયા હતા એમાં બધા મોડેલો રસ્તા પર આવી ગયા. જે મોટરમાં સડસડાટ ફરતા જોવા મળતા એ  ટાંટિયાતોડ કરા સામે મળવા લાગ્યા. કાકા તો આ બધા પદયાત્રા કરતા જોઈને પાકિઝાનું ગાણું જરા  ફેરવીને ગણગણવા માંડતાઃ યૂહી કોઈ મિલ ગયા થા, સડેડાટ ચલતે ચલતે...

તમે જોજો કે ચોમાસું બેસે એટલે છત્રી સાંધવાવાળા નીકળી પડે છે. પણ શહીદ પાર્કની બહાર તો એક બારમાસી છત્રી સાંધવાવાળો બેસવા માંડયો છે. વગર ચોમાસે પણ બેઠો હોય. બે-ત્રણ દિવસ ધ્યાનથી નજર રાખ્યા પછી મને ખબર પડી કે એ ફક્ત સાંધવાનું નહીં બાંધવાનું પણ કામ કરી દેતો હતો. ટૂંકમાં પ્રેમ-સંબંધો માટે નવા નવા યુગલો  આવે એને મોઢું છુપાવવા માટે આ બારમાસી છત્રીવાળો છત્રી ભાડે આપીને કમાણી કરતો હતો. અરે ભાઈ ખુલ્લે આમ પ્રેમ કરવા છાતી જોઈએ  છાતા નહીં...

જ્યાં આ પાર્ક રચાયો ત્યાં પહેલાં ખાડી હતી એટલે  પહેલેથી જ મચ્છરોનો ત્રાસ ખૂબ જ રહેછે.  મચ્છરોને પ્રતાપે પ્રેમી યુગલો  બ્લડ રિલેશનથી બંધાઈ જાય છે.  મોડી સાંજ પ્રેમી યુગલો હાથ ખંજવાળતા કે પગ ખંજવાળતા બહાર નીકળે ત્યારે અમારા એરિયાના અનુભવી જુવાનિયાઓ સમજી જાય કે પાર્કમાં ખૂણેખાંચરે છત્રી ઓઢી પ્રેમાલાપ કરીને નીકળ્યા છે. કારણ જેણે ચટકાં  સહન કર્યા હોય એ જ આવાં લટકા કરતા જાયને? મચ્છરના ડંખ સાહિને ભલે શરીરે લાલ ચકામા થઈ જાય, પણ પ્રેમ કરવા માટે પાર્કમાં જવાનું ન ચૂકે એવા આ પ્રેમી જોડકાંને જોઈ શેર યાદ આવે ઃ

એકાદ હો તો છુપાવી શકું 'મરીઝ' 

આ પ્રેમ છે, અને એના પુરાવા હજાર છે.

જોકે શહીદ પાર્કમાં લોકડાઉન પછી નવી વ્યવસ્થા જોવા મળી. પાર્કની બેઠકો ઉપર ચોક્કસ અંતર રાખી ચોકઠાં ચીતરવામાં આવ્યા છે. એટલે પ્રેમી પંખીડાને પ્રેમ કરવાની છૂટ પૂરીપણ જાળવવાની દૂરી, નહીંતર હાલત થાય બૂરી. પાર્કનો રખેવાળ પહેલાં લાઠી લઈને ફરતો, ઈ હવે લાંબી ફૂટપટ્ટી લઈને  ફરવા માંડયો છે.જરાક કોઈ કપલને અડોઅડ બેઠેલા જુએ કે સીટી વગાડતો પહોંચી જાય અને ફૂટપટ્ટીથી બરાબર માપ લઈને છૂટા છૂટા બેસાડે.  કાકાએ એને કહ્યું, પણ ખરૂં કે 'તું આ ફૂટપટ્ટી લઈને ફરે છે? કેપછી છૂટા પાડવાની છૂટ-પટ્ટી લઈને ફરે છે? ' તું તો ભાઈ કમાલ છેહો? છૂટા પડવા માટે કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડેછે અને વકીલોની  ઊંચી  ફી ચૂકવવી પડેે છે ત્યારે છૂટા પડાય છે, જ્યારે તું તો સીટી વગાડીને આ છૂટ-પટ્ટીની મદદથી તરત છૂટા પાડી દે છે, કમાલ છે.

અગાઉ બાગમાં ઝાડ નીચે  જ્યાં પ્રેમીપાત્રો વરસતા વરસાદમાં  છત્રી ઓઢી ખડે પગે પ્રેમ કરતા ત્યાં પણ ગોળ-ગોળ કુંડાળાની નિશાની કરી દીધી છે.હમણાં  ઝરમર વરસાદમાં ચાર-પાંચ કપલને કુંડાળામાં ઉભા રહીને મીઠી મીઠી વાતો કરતા જોઈને પથુકાકાએ મને ધીરેકથી  કહ્યું આ જોયું? આ પ્રેમીઓનો પગ એકવાર કુંડાળામાં  પડયો એ પડયો, હવે કેમેય કરીને બહાર ન આવી શકે. જુવાનીમાં  અમારોય પગ કુંડાળામાં પડયો એ પછી કેવાં ફસાયા? હું તો સોશ્યલ ડિસ્ટનિંગ જાળવા વિશે એટલું જાણું છું કે ખરેખર જો કોઈને અંતરમાં રાખો તો પછી બે વચ્ચે 'અંતર'વધુ હોય કે ઓછું હોય એનાંથી કોઈ ફરક નથી પડતો. બાકી તો તકલાદી પ્રેમસંબંધવાળાએ જ વરસતા વરસાદમાં પરાણે સોશ્યલ ડિસ્ટનિંગ જાળવીને ગાવું પડે છેઃ હાય હાય યે મજબૂરી... યે મૌસમ ઔર દૂરી...

Tags :