Get The App

પેન્શન લેને કા, ટેન્શન દેને કા .

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
પેન્શન લેને કા, ટેન્શન દેને કા                               . 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પથુકાકાના બેઠા ઘાટના ઘરની બહાર નવું બોર્ડ ટીંગાતું જોઈને નવાઈ લાગી. બોર્ડમાં લખ્યું હતુંઃ 'સ્વામી પેન્શનાનંદ.' મેં ઘરમાં જઈને જોયું તો કાકા સફેદ ઝભ્ભો-લેંઘો પહેરીને હિંચકા ઉપર બેઠાં બેઠાં ગણગણતા હતાઃ ઓ... ઓ... ઓ... ઓ પેન-શન કે દિન ભૂલા ન દેના આજ હસે કલ રૂલા ન દેના...

મેં પૂછ્યું, 'કાકા, આ વળી શું નવો સ્ટંટ સૂઝ્યો? પથુકાકામાંથી પેન્શનાનંદ ક્યાંથી બની ગયા?' કાકા બોલ્યા, 'દેવઆનંદ, વિજય આનંદ અને ચેતન આનંદ ઉપરથી મને સૂઝયું નવું નામ પેન્શનાનંદ. ગયા વર્ષે  સરકારી નોકરીમાંથી રિટાયર થયો એ પછી પેન્શન મેળવીને આનંદમાં રહું છું અને મારી જેવા પેન્શનરોને ભેગા કરી એક ગુ્રપ બનાવ્યું છે. એ ગુ્રપના સભ્યોને પેન્શન ખાઈને કેવી રીતે ટેસથી જીવવું એનું જ્ઞાન આપું છું.'

મેં પૂછ્યું, 'તમારા આ પેન્શન પ્રેમીઓના ગુ્રપનું સ્લોગન શું છે?' પથુકાકા બોલ્યા, 'અમે એક જ સૂત્ર અપનાવ્યું છે- પેન્શન લેનેકા ઔર ટેન્શન દેનેકા...'

'પેન્શન લેનેકા એ તો જાણે સમજાયું, પણ ટેન્શન દેનેકા એન ો શું અર્થ થાય?'

પથુકાકા બોલ્યા, 'પેન્શનના પૈસા આવેએટલે ઘરવાળાને બહુ વ્હાલા લાગે. આમ ઘણા એવો હોય છે કે વડીલોનો ભાવ ન પૂછે, પણ વડીલનું પેન્શન આવતું હોય એટલે ભાવ પણ પૂછે અને ગરમાગરમ રોટલી પણ જમાડે. આમાં વળી કોઈક ઘરવાળા આડા હાલે અને કંકાસ કરે ત્યારે એમને ચેતવણી આપતા રહેવાની કે સખણા નહીં રહો તો એવું પગલું ભરીશ કે પેન્શન આવતું બંધ થઈ જશે, પછી બેઠાં બેઠાં વગાડજો મફતમાં મંજીરા. એટલે આ ધમકીથી ઘરવાળા ફરી સીધે પાટે ચડી જાય. આને કહેવાય પેન્શન લેનેકા ઓર ટેન્શન દેનેકા, સમજાયું?'

મેં પૂછ્યું, 'કાકા, તમે (હો)બાળાકાકીને પણ ટેન્શન આપો છો?'  સવાલ સાંભળી જરા ઝંખવાણા પડી ગયેલા પથુકાકા બોલ્યા,  'તારી કાકી તો ટેન્શનને તળીને ખાઈ જાય એવી જબરી છે તું એને નથી ઓળખતો? એ  તો ટેન્શન ટાળવા ધ્યાનનો પ્રયોગ કરે છે ધ્યાનનો...'

મેં કહ્યું, 'શું વાત કરો છો, કાકા? કાકી ધ્યાનમાં બેસે છે?' કાકાએ જવાબ આપ્યો, 'ના ભાઈ ના, તારી કાકી શું ધ્યાનમાં બેસવાની? એ તો મને બેસાડીને ધ્યાન રાખે છે. હું કોની સાથે મોબાઈલમાં વાત કરૃં છું તેનું ધ્યાન રાખે છે, હું આજુબાજુના મકાનોમાં કઈ કઈ બારી ઉપર ચકળવકળ નજર ફેર્વું છું એનું ધ્યાન રાખે છે અને મને  જરાક શરદી-ઉઘરસ થાય તો પણ દોડીને દવા લઈ આવે છે. મને કંઈક થાય તો પેન્શન બંધ થવાની બીકે મારી તબિયતનું વધુમાં વધુ ધ્યાન રાખે છે. આમ ટેન્શન ટાળવા તારી કાકી ધ્યાનનો પ્રયોગ કરે છે, પણ મારા ઉપર, સમજ્યો?'

મેં વાતને બીજે પાટે વાળતા કહ્યું, 'આજના હાલાકીભર્યા  અને ધમાલિયા  જીવનમાં લોકો કેવાં જાતજાતના ટેન્શનથી ઘેરાયેલા રહે છે! 'વાંઢાજનક' સ્થિતિમાં રહેતા બેચલરોને ક્યારે લગ્ન થશે એનું ટેન્શન,  લગ્નના લાડુ ખાઈને પસ્તાયેલાને આમાંથી કેમ છૂટાશે એનું ટેન્શન, સીધે રસ્તે ચાલનારાને  ક્યાંક આડે રસ્તે ચડી ન જવાય એનું સદાય રહેતું ટેન્શન અનેઆડે રસ્તે  ચાલનારાને  ભૂલથી સીધે રસ્તે ચડી ન જવાય એનું રહેતું ટેન્શન એટલું જ નહીંં, પણ કોઈને ગાદીનું ટેન્શન તો કોઈને પેટની બાદીનું ટેન્શન... આમ બસ ટેન્શનમાં ને ટેન્શનમાં સહુ ઘેરાયેલા રહે છે.'

મારી વાતમાં માથું ઘુણાવીને સૂર પરાવતા કાકા કહે, 'જો ભાઈ, કામ-ધંધો કરવાવાળાને રહે હાયપર-ટેન્શન અને અમારી જેવા નવરા રિટાયરનંદોમાંથી મોટી ઉંમરે કોઈ માંદગીને બિછાને પડે ત્યારે ડાયપર ટેન્શન. આમ ટેન્શનમાંથી કોઈ છૂટી શકે એમ નથી, બરાબરને?'

મેૈં કહ્યું, 'ટેન્શનમાંથી મુક્ત થવા માટે ખરેખર અટેન્શનનો પ્રયોગ કરવોે જોઈએ.' કાકાએ પૂછ્યું, 'અન્ટેશન એટલે શું?' મેં અ-નીતિ એટલે નીતિ નહી,  અવિવાહિત એટલે વિવાહ નહીં એમ  અ-ટેન્શન એટલે ટેન્શન નહીં લેવાનું. બીજું, અંગ્રેજીમાં અટેન્શન એટલે ધ્યાન આપવું એવો પણ અર્થ થાય છે ,બરાબર? એટલે અ-ટેન્શનના પ્રયોગમાં ધ્યાનનો પ્રયોગ પણ આવી જાય, સમજાયું?

પથુકાકા બોલ્યા, 'ભાઈ,  તેં તો ગુજરેજી શબ્દ અ -ટેન્શન અને ધ્યાનનો  જબરો મેળ બેસાડી દીધો હો? હવે અમેય બધા  પેન્શનર કલબવાળા બને ત્યાં સુધી બીજાને ટેન્શન ન આપવું એવું નક્કી કરીને અ-ટેન્શનમાં રહેશું અને પછી રાગ કેદારમાં મોજથી ગાઈશુંઃ 

પેન્શન દો ઘનશ્યામ નાથ

મોરી અખીયાં પ્યાસી રે...

પ્રયોગ બકનળીનો ને 

બકબક નળીનો

પ્રેમનો કંઈ ગેરેન્ટી પિરિયડ થોડો જ હોય છે? કોણે કહ્યું જતી જિંદગીએ પતિ-પત્ની વચ્ચે પ્રેમ નથી હોતો? આ ગઈકાલની જ વાત કરું. મોટા ઘરે લગ્નમાં જમાવ જવાનું થયું. ભલભલા આંગળા ચાટી જાય એવો જમણવાર ગોઠવ્યો હતો. આમ તો બુફે ડિનર એ ટલે બધા ઊભા ઊભા ખાયકી કરતા હતા એટલામાં દૂરના એક ખૂણે નજર ગઈ. એક કાકા અને કાકી ક્યાંકથી ખુરશીનો જોગ કરી સામસામે બેઠાં હતાં. કાકા-કાકીના હાથમાં ભરેલી પ્લેટ હતી. બન્ને સાથે નહોતાં ખાતાં. કાકી શરમાતાં શરમાતાં કાકાને કોળિયો ભરાવતા હતાં. હું તો તાજ્જુબ થઈ ગયો.  મેં યજમાનને બોલાવીને કાનમાં કહ્યું, 'જુઓ તો ખરા, આ ઉંમરે પણ કેવો પ્રેમ છે! બન્ને એકબીજાને વહાલથી ખવડાવે છે.' યજમાને લુચ્ચું હસીને કહ્યું,  'પ્રેમ-બેમ ઠીક, મારા ભાઈ. વાત જાણે એમ છે કે કરકસરિયા કનુકાકા અને કંચનકાકી એ  બે વચ્ચે ચોકઠું એક જ છે. એટલે આમ વારાફરતી ખવડાવે છે.'

શરૂઆતમાં કોમન ચોકઠાની વાત કરીને એવી રીતે એક લેખકના જીવનમાં  નળી વાટે ચાલતી વાતો સાંભળીને અને નજરોનજર આ નળ-દમયંતી નહીં પણ નળી-દમયંતીને જોઈને થયું કે ખરેખર પ્રેમની શીશી પર કોઈ એક્સ્પાયરી ડેટ લખેલી નથી હોતી.

ગુજરાતી લેખક દીવાનખાનામાં સોફા પર બેઠા હતા. બાજુમાં જ તેમનાં વયોવૃદ્ધ અર્ધાંગના કંઈક વાંચવામાં પડયાં હતાં. લેખક સાથે અલક મલકની કેટલીય વાતો કરી, પણ લેખકનાં પત્ની જાણે પરીક્ષાની તૈયારી કરતાં હોય એમ ચોપડીમાં માથું નાંખીને વાંચતાં હતા.  મને જરા વિચિત્ર લાગ્યું. મેં તરત પૂછયું, 'કેમ ભાભી, કાંઈ બોલતાં નથી?' 

આ પ્રશ્ન સાંભળતાની  સાથે જ લેખકે એક છેડે ગળણી બાંધેલી નળી ઉપાડી અને તેમના વાઈફના કાનમાં ભરાવી મારો પ્રશ્ન દોહરાવ્યો, 'આ ભાઈ પૂછે છે કે ભાભી કેમ કાંઈ બોલતાં નથી?' ભાભીએ હસીને જવાબ આપ્યો, 'સંભળાય તો તમારી વાતોમાં ડબકાં મૂકુંને?' ત્યારે ખબર પડી કે એમણે કાનની દુકાન વર્ષો પહેલાં વધાવી લીધી છે. આમ તો સંસારમાં પડેલા સહુનો અવુભવ હોય છે કે ઘરવાળી ભાગ્યે જ પતિની વાત કાને ધરતી હોય છે. આ લેખક મહાશયે પણ પત્ની વાત કાને ધરે માટે નળી રાખવી પડી છે. મેં એમને પૂછ્યું કે, 'આંગળીના ટેરવાથીય નાનાં હિયરિંગ એઈડ મશીન બજારમાં મળે છે. એમ કેમ નથી ખરીદતા?' લેખકે ખુલ્લા દિલે કહ્યું, 'નળીથી જે નિકટતા જળવાઈ છે એ માફક આવી ગઈ છે. હું આ ગળણીમાં મોઢું નાખીને બોલું અને તમારાં ભાભી કાન દઈને સાંભળ્યા કરે. હું ગળીને બોલું અને તમારા ભાભી  મારું બોલેલું ગળે. આમ જ ચાલ્યા કરે છે અમારી ફિલ્ટર ટોક.'

મેં હસતાં હસતાં પૂછ્યું, 'વિજ્ઞાનમાં બકનળીનો પ્રયોગ આવતો. તો તમે જ નળીનો પ્રયોગ કરો છો, એ નળીને શું કહેવાય?' લેખકે જવાબ આપ્યો, 'વાસુદેવ પ્યાલામાં બકનળી ગોઠવાતી. ટોપલામાં સૂતેલા કાનુડાને અંગૂઠે પાણી પહોંચે કે તરત જ બધું પાણી ઓસરી જાય એને બકનળી કહેવાય, પણ હું જે બોલ બોલ કરીને આ નળી વાટે વહુના કાન સુધી વાતે પહોંચાડું છું એનાથી પ્રેમ ઓસરતો નથી. એટલે વિજ્ઞાનમાં જે શીખ્યા એ બકનળીનો પ્રયોગ અને હું જે કરું છું એ બકબક નળીનો પ્રયોગ.'

અંત-વાણી

સવાલઃ ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર થાય તેને એક શબ્દમાં શું કહેવાય?

જવાબઃ ટ્રસ્ટાચાર.