For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નરસિંહ મહેતાના જૂનાગઢથી આવી નર-સિંહ માદાની જોડી

Updated: Dec 13th, 2022


- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

કાકા-કાકી જાતી જિંદગીએ ખાવાને અને ગાવાને રવાડે  ચડયાં છે.  ટાલકુ તોડે એવાં  તાલમાં  અને અસૂરને પણ દૂર  ભગાડે એવા સૂરમાં  કરાઓ કે  મ્યુઝિક  સિસ્ટમમાં  ગાતાં જ હોય છે. પથુકાકા આમ તો  (હો)બાળાકાકીને આખો દિવસ ડોબી... ડોબી કહીને અમથાઅમથા ખીજવે, પણ આજે કાકાને  ઘરે ગયો ત્યારે બન્ને મળીને  બોબીનું ગીત ગાતાં હતાંઃ

મેલઃ હમ તુમ એક જંગલ સે ગુઝરે

ઔર શેર આ જાયે

ફિમેલઃ  શેર સે મેં કહું તુઝકો છોડ દે

મુઝે ખા જાય...

મેં કાનના છોતરાં કાઢી નાખે  એવું ગાણું  સાંભળીને  સાચા શ્રોતા  તરીકે બન્નેને અધવચ્ચે  ગાતાં અટકાવી  પૂછ્યું, 'સવારના પહોરમાં આ વળી શેરનું  અને ફાડી ખાવાનું ગાણું કેમ  ગાવ છો?'

કાકી બોલ્યાં, 'સાસણ ગિરથી  સિંહ-સિંહણની જોડી આપણા મુંબઈના નેશનલ પાર્કમાં આવી છે , ખબર છેને? થોડા દિવસમાં હું અને તારા કાકા સિંહ-સિંહણ કપલને  જોવા સિનિયર  સિટીઝન  કલબના  મેમ્બરો  સાથે જવાનાં છીએ, ત્યારે  મેં અને તારા કાકાએ  બોબીનું આ 'શેર'ને  માથે સવાશેર જેવું ગીત ગાવાનું  નક્કી કર્યું છે. બધાને ગમશેને?'

મેં ખોટા વખાણ કરતાં કહ્યું,  'ખરેખર તમારું આ સૂરની  સૂતરફેણી કરતું  'સૂર-બહાર' ગીત સાંભળી લાયન કપલ પંજા ઊંચા કરીને દાદ આપે તો  કહેવાય નહીં.'

પથુકાકાએ  ડબકું  મૂક્યું,  'બંદીવાન દશામાં  રહેતા સિંહોમાં  પંજા ઊંચા  કરવાની  ક્યાં ત્રેવડ  રહી હોય છે? પંજાના નિશાનવાળી  પાર્ટી જેવી  જ નબળી દશામાં રહેતા હોય છેને?'

આ સાંભળી (હો)બાળાકાકીને  ગમ્યું નહીં એટલે બોલી ઉઠયાં, 'નેશનલ પાર્કમાં  કાંઈ  સિંહને બંદીવાન દશામાં નથી  રાખવામાં આવતા, સમજ્યા? છૂટ્ટા ફરતા હોય છે લાયન સફારીમાં.'

કાકાએ તરત સવાલ કર્યોે કે 'લાયન જો સફારી પહેરીને  નીકળતા હોય તો હું પણ મોટી દીકરીનાં લગન વખતે  સિવડાવેલા સફારી ડ્રેસમાં લાયનને સફારીમાં ફરતા જોવા જઈશ!' કાકી કપાળ પર હાથ દઈ બોલ્યાં, 'હે મારા નાથ, સિંહ કાંઈ  સફારી પહેરીને ફરવા નવરા છે?  જ્યાં  ખુલ્લામાં સિંહ છૂટ્ટા  ફરતો હોય અને આપણા જેવા જોનારાએ સળિયાવાળા  પાંજરા જેવી ગાડીમાં  બેસી  સિંહો જોવાના હોય અને  લાયન સફારી કહેવાય, કાંઈ સમજાયું?' ભોંઠા પડેલા કાકાએ  વાત વધારવાને બદલે વાત વાળવાનો  પ્રયાસ કરતા કહ્યું,'ભલે  તું સાચી, બસ? હવે મને  કોઈક વિગતે વાત તો કરો કે ગુજરાતના  ગિરમાંથી  કેમ સિંહ નર-માદાને  મુંબઈ લાવવામાં આવ્યાં?'

મેં કહ્યું, 'કાકા, પહેલાં નેશનલ પાર્કમાં ચાર-પાંચ સિંહ હતા. હવે  એમાંથી  એક જ નર-સિંહ  બચ્યો છે.  એટલે  એને એકલું ન લાગે એટલા  માટે  નરસિંહના  જૂનાગઢમાંથી  બીજા એક નર-સિંહ  અને સિંહણને  મુંબઈ લાવવામાં  આવ્યાં છે.'

કાકીએ વચ્ચેથી સવાલ કર્યો, 'ગુજરાતવાળાએ  એમનેમ સિંહની જોડીને  મુંબઈ મોકલી દીધી?' મેં કહ્યું  કે આપણે  મહારાષ્ટ્રમાંથી  વાઘની જોડી ગુજરાત મોકલીને? પથુકાકા નિસાસો નાખી બોલ્યા, 'અરેરેરેરે... હવે મહારાષ્ટ્રમાં વિપક્ષીઓ તક મળતા ગોકીરો મચાવે તો કહેવાય નહીં કે પહેલાં  મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો ગુજરાત બાજુ ખસેડાવા માંડયા અને હવે બાકી હતું તે  મહારાષ્ટ્રમાંથી  વાઘ પણ  ગુજરાત જવા માંડયા.'

મેં કહ્યું, 'પથુકાકા, જંગલમાં અને જંગલના રાજકારણમાં  ફેર છે.  રાજકારણના જંગલવાળા  ભાષાવાદ  અને પ્રાંતવાદના નામે  રાજરમત રમતા હોય છે. એ તો એવુંય કહેશે કે  ગુજરાતથી આવેલા સિંહે મહારાષ્ટ્રની પ્રાંતીય  ભાષામાં  ડણક  નાખવી જોઈએ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાત ગયેલા વાઘોએ ગુજરાતીમાં ત્રાડ પાડવી જોઈએ. અરે મારા ભાઈ, સિંહ અને વાઘને પણ ભાષાવાદની ભાંજગડમાં નાખવાના?'

પથુકાકા બોલ્યા, 'તને યાદ છે? વર્ષો પહેલાં આપણે  સાસણ-ગિર સિંહ જોવા ગયેલા ત્યારે સિંહની ભાષા સમજી શકતા સાવજપ્રેમી રાવલસાહેબનો  ભેટો થયેલો. એ કહેતા કે સિંહ અને સિંહણ  જુદી જુદી રીતે ડણક નાખીને અને ઘૂરકીને  એકબીજા  સાથે લાયન્સ-લેંગવેજમાં  કોમ્યુનિકેટ કરે છે. એ કાંઈ માણસની ભાષા બોલતા નથી  એટલે  ભાષાવાદના ઘૂણતા ભૂતનો  એમને ભય નથી  હોતો.' 

મેં કહ્યુ,ં 'પ્રાણીઓ બહુ  સમજુ હોય છે. એ ક્યારેય માણસની ભાષા  વાપરતા નથી, પણ માણસો ઘણી વખત પ્રાણી જેવી ભાષા વાપરીને વિવાદનો વંટોળ ઊભો કરે છે. બાકી તો હું કાયમ કહું છું કે-

ભાષાને વળગે શું ભૂર

ત્રાડ પાડી તરાપ મારે એ શૂર.'

પથુકાકા જૂની વાત યાદ કરી મરક મરક હસતા બોલ્યા, 'વર્ષો પહેલાં અમારી ઓફિસમાં અમારા એક ગરમ મિજાજી બોસ હતા, એને વગર કારણે રાડારાડ કરવાની કુટેવ  હતી એટલે અમે એને ટાઈ-ગર કહેતા. સાહેબ  કાયમ  ટાઈ પહેરીને  જ આવે  અને  હરતાંફરતાં  ત્રાડ  પાડયા કરે એટલે અમે નામ પાડયું  હતું ટાઈગર. હવે રાજકારણના જંગલમાં  ઘૂમતા  કેટલાક નકટા  નેતાઓની  પ્રજાતિને  જોઈ એને શું નામ આપી શકાય, ખબર છે?  નકટાઈ-ગર. બોલ, નેકટાઈ અને  નક-ટાઈનો મેળ કેવો  જમાવ્યો?'

મેં ટાપશી પૂરી, 'રાજકારણના જંગલમાં  તો હવે  લાયગર પણ જોવા મળે  છે લાયગર.' પથુકાકા નવાઈ પામી બોલ્યા કે મને કહે તો ખરો કે લાયગર એટલે  વળી શું ? મેં જવાબ આપ્યો, 'ટીવી પર લાયગર નામના પ્રાણીને  દેખાડવામાં  આવેલું.  સાઈબેરિયાના ઝૂમાં લાયન અને  ટાઈગરના મેટિંગથી જન્મેલા  ભેળસેળિયા  પ્રાણીને લાયગર નામ અપાયું  છે. આ પ્રાણી અડધું લાયન જેવું લાગે અને અડધું ટાઈગર જેવું લાગે.  એટલે નામ અપાયું લાયગર.' કાકાએ તરત  સવાલ કર્યો કે આપણે ત્યાં  આ લાયગર ક્યાં જોવા મળે? 

મેં જવાબ દીધો , 'આપણે ત્યાં  લાય-ગર રાજકારણના જંગલમાં જ જોવા મળે છેને? રાજકારણના જંગલમાં જૂઠ (લાય) ચલાવતા લાય-ગર તમે નથી જોયા?  જૂઠ ઉપર જૂઠ (લાય)નો મારો ચલાવતા આવા લાય-ગર અને નકટાઈ  દેખાડવામાંથી  ઊંચા ન આવતા  નક-ટાઈગરને  પાપે જ  બધું  ઊંધું-ચત્તું થાય છેને?'

પથુકાકા વાત સાંભળી જરા  રંગમાં આવીને બોલી ઉઠયા, 'જંગલમાં હાક વાગે  લાયગરની અને રાજકારણના જંગલમાં   હાક વાગે  લાયરની.' આ સૂત્ર  સાંભળીને  મેં કાકાને સવાલ કર્યો, 'કાકા, લાયન  અને લાયરમાં શું તફાવત છે?' કાકાએ  ટકોરાબંધ  જવાબ દીધો  કે આમ તો લાયનનો  સંબંધ પણકેશવાળી સાથે  છે, અને લાયરનો સંબંધ પણ કેશવાળી સાથે છે. જો કે કેશવાળી અને કેશ-વાળીમાં  ફેર છે. લાયન શોભે  કેશવાળીથી અને રોકડા (કેશ) લીધા વગર કોઈ કામ ન કરતા લાયર ન થોભે કેશ-વાળીથી, કેશ આપો  તો કરે કામ નહીંતર રામ રામ...'

 અંત-વાણી

મુંબઈમાં સિંહની જોડી  મોકલવાનું વચન પાળવામાં આવ્યું એ જોઈ કહેવું પડેઃ

નિભાયા તુને વાદા તેરા વાદા

આ ગયે નર-સિંહ ઔર માદા.

**   **   **

સિંહ જ્યાં મુક્તપણે વિચરે એ ગિરનું જંગલ,

નઠારા નેતાઓ જ્યાં મુક્તપણે વિચરે એ ઉઠાવગીરનું જંગલ.

**   **   **

મહારાષ્ટ્રમાં વાઘ, વાઘમારે, વાઘચોરે જેવી અટક હોય છે, પણ વાઈલ્ડ લાઈફના કાયદા  મુજબ વાઘ-મારે એની અટક થાય છે.

**   **   **

જંગલમાં જોવા મળે સિંહપ્રેમી,

રાજકારણના જંગલમાં જોવા મળે  સિંહાસનપ્રેમી.

**   **   **

સિંહ-સિંહણ અને

વાધ-વાધણની અદલાબદલી થઈ મોડી મોડી,

નરસિંહ મહેતાના જૂનાગઢથી મુંબઈ આવી નર-સિંહ માદાની જોડી.

Gujarat