સરવા રાખે જે 'કાનજી'...એને જ સોંપાય સુકાનજી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
સરવા રાખે જે 'કાનજી'...એને જ સોંપાય સુકાનજી 1 - image


- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

કાનને ધેર્યો વનરાવન ગોપીએ... કાન તારી મોરલીયે મોહીને રોતા બાળ મેલ્યા... પથુકાકાના પગારનો દિવસ નજીક આવે એટલે કૃષ્ણભક્ત કાકીના કાકા તરફના પ્રેમમાં જાણે ભરતી આવે. પૂજા કરતી વખતે પણ કાકા સામે જોઈને ભારપૂર્વક કહે કે, 'હે ભગવાન, મને ભવોભવ આ કાન મળે... આ કાન મળે...' આ સાંભળીને નટખટ કાકા ટકોર કરે, 'પૂજામાં કહેશે કે મને ભવોભવ કાન આ મળે... અને પછી આપો દિવસ મારો કાન આમળે.'

જોવા જેવું એ છે કે કાનજીનાં ભક્ત કાકીજીને કાનની તકલીફ થઈ. કાનમાં થોડી થોડી બહેરાશ આવવા માંડી. પથુકાકાને કહે , 'ઝટ મને ઈ.એન.ટી. (ઈયર-નોઝ-થ્રોટ) ડોકટર પાસે લઇ જાવ. કાંઈ સંભળાય નહીં તો કેવી તકલીફ થાય, ખબર છે?'

પગાર હાથમાં આવ્યો હોવાથી પથુકાકા તરત જ (હો)બાળાકાકીને લઈને ઓળખીતા કાનના ડોકટર કાનજી બહેરે સાહેબ પાસે લઈ ગયા. ડોકટર પણ ભારે રમૂજી મિજાજના એટલે કાકા સાથે એમને બહુ ફાવે. એક પછી એક દરદીને કેબિનમાં બોલાવતા જાય અને કાનમાં બેટરીથી  અજવાળું કરી તપાસતા જાય. આ જોઈ કાકાએ ધીરેકથી કાકીને કહ્યું, 'સંતોના વચનો કાને પડે તો કાનમાં જ નહીં, આખા જીવનમાં અજવાળું થાય અને બહેરે સાહેબની ટોર્ચથી કાનમાં અજવાળું થાય...'

વારો આવતાં ડોકટર સાહેબે કાકા-કાકીને કેબિનમાં બોલાવ્યા. અંદર પગ મૂકતાની સાથે જ કાકાએ હસતા હસતા કહ્યું ,'બિનથી ડોલે સાપ અને કે-બિનમાં ડોલે (ડોકટર) સા'બ...' આ સાંભળી ડોકટર સાહેબે હસીને કહ્યું, 'નાગીન  ફિલ્મની બિનની સૂરાવલી જગમશહૂર થઈ ગઈ ગઈ, પણ કાકા તમને ખબર છે? સાપને કાન જ નથી હોતા, એટલે મદારીની બિન સાંભળી જ નથી શકતા... ખેર, હવે કહો કે કેમ આવવાનું થયું?'

પથુકાકાએ જવાબ આપ્યો ,'આ મારી વહુ સાંભળતી નથી...' ડોકટર બોલ્યા, 'આ કોઈ મોટી બીમારી નથી, ઘણી પત્નીઓ પતિનું સાંભળતી નથી હોતી...' 

કાકીએ વચ્ચે ડબકું મૂક્યું, ' સાહેબ, મને કાનમાં તકલીફ થઈ છે એટલે સંભળાતું નથી, એમ કહેવા માગે છે તમારા કાકા.'

ડોકટરે કાનમાં ટોર્ચથી અજવાળું કર્યું અને કહ્યું ,'કાનમાં ભરાયેલા મેલના ગઠ્ઠાને કારણે ધાક પડી ગઈ છે.' આ સાંભળી કાકા બોલ્યા, 'કાકીના કાનમાં ધાક કેવી રીતે પડે? એ તો ધણીને જ ધાકમાં રાખે છે!'

 ડોકટર સાહેબે કાકીના કાનમાં દવાની જોરદાર પીચકારી મારી અને મેલનો ગઠ્ઠો કાઢ્યો. કાકીના કાનમાંથી ઈ-મેલ નિકળતાની સાથે જ કાકીના કાન ખુલી ગયા. ડોકટરે કહ્યું, 'બરાબર સંભળાય છેને? તો હવે કાકાની વાત સાંભળજો, સમજાયું?'

ડોકટરે પ્રિસ્ક્રિપ્શન લખીને કાકાને આપતા કહ્યું કે 'ટ્રીટમેન્ટના હજાર રૂપિયા થયા...'કાકા મજાકમાં બોલ્યા 'સંભળાતું નથી... શું કહ્યું?' પછી ક્લિનિકની બહાર નીકળતા ડોકટર સામે જોઈને બોલ્યા,  'હવે જે 'ફિ-મેલ' એના મેલનું કહ્યું સાંભળતી નહીં હોય એ બધાને તમારા દવા-કાને (દવાખાને) મોકલીશ... આવજો.'

મને તો કાકાનો આ કાનનો કિસ્સો કાને પડયા પછી યાદ આવ્યું વર્ષો પહેલાં જોયેલું વયોવૃદ્ધ નાગર દંપતી. મોટી ઉંમરે બાપાને કાને બહેરાશ આવી ગઈ હતી. ઘરની સ્થિતિ સાધારણ એટલે હિયરિંગ એઈડ મશીન લેવાનું તો ક્યાંથી પોસાય? એટલે ભેજાબાજ બાપાએ એક ઉપાય શોધી કાઢ્યો. એક લાંબી રબ્બરની નળી લીધી અને બન્ને છેડે પ્લાસ્ટિકની ગળણી ફિટ કરી. એટલે માજીને કંઈક કહેવું હોય તો ગળણીની અંદર મોઢું નાખીને બોલે અને એ જ વખતે બાપા બીજી ગળણી  કાન ઉપર રાખે એટલે બરાબર સાંભળે. ક્યારેક બહાર કોઈ મહેમાન આવે તો એમણે પણ ગળણીમાં બોલવું પડે. એક વાર હું કોઈ કામસર ગયો અને ડોશી વચ્ચે ચાલતા સંવાદને જોઈને આફરીન પોકારી ઉઠયો. મેં નળીમાં મોઢું રાખી કાકાને કહ્યું , 'અન્નનળીની જેમ કાનની કનનળીનો આઈડિયા બહુ ગમ્યો.' બાપા બોલ્યા, 'સ્કૂલમાં સાયન્સના પિરીયડમાં બકનળીનો પ્રયોગ કરતા, બરાબર? એ બકનળી અને આ અમારી બકબક-નળી.બોલ કેવી લાગી?'

 મેં જોડકણામાં જવાબ આપ્યો-

'નળ અને નળી

વાતો કરે ગળી ગળી

સાચી પ્રીતડી ખરી ફળી.'

મેં પથુકાકાને આ સાચો કિસ્સો સંભળાવતા કાકા તરત બોલી ઉઠયા, 'આ દેશી નુસ્ખાએ તો ખરેખર ઈયર-ફોનની ગરજ સારી. ડોસા-ડોશીની જેમ જે એકબીજાની નજીક રહે, પ્રેમથી જિંદગી વિતાવે એમને માટે તો આ દેશી નળીએ ઈયરફોનની નહીં નિયર-ફોન અને ડિયર ફોનની ગરજ સારી કહેવાય, બરાબરને? જરાક વહેલું કીધું હોત  તો તારી કાકી માટે ૨૫ હજારનું કાનનું મશીન લાવ્યો એના કરતાં ૨૫ રૂપિયાની નળીથી કામ પતી જાતને?'

મેં કહ્યું ,'કાકા. નળીના ૨૫ રૂપિયા પણ ન ખર્ચવા પડે એવો કિસ્સો સંભળાવું. ઉતરાણ વખતે પતંગ ચગાવવા અમદાવાદ ગયેલો એ વખતે દાયકાઓ જૂના સંબંધી એવાં ૯૦ વર્ષના  માજીને ત્યાં ઉતર્યો હતો. માજીની સંભાળ રાર્ખે ૭૦ વર્ષનો દીકરો, દીકરો સંભાળ લે પણ પૂરૃં સાંભળે નહીં. ભાઈસાબ થોડા ઊંચા સૂનતે થે! કડે ધડે માજી ઢોલિયા પર સૂવે અને દીકરો બાજુના ખાટલામાં સૂવે. હવે રાત્રે માજીને શંકા-નિવારણ માટે જવું હોય તો દીકરો સાંભળે નહીં, તો પછી એને ઊઠાડવો કેવી રીતે? માજીએ આઈડિયા અજમાવ્યો. દીકરો ચટ્ટાપટ્ટાવાળી ગોઠણ સુધીની દેશી બર્મ્યુડા ચડ્ડી પહેરીને સૂવે, તેની નાડી સાથે દોરી બાંધેલી હોય. એટલે રાત્રે બાથરૂમમાં જવું હોય તો ધીરેકથી કંડકટર જેમ ઘંટડી વગાડે એમ માજી ધીરે ધીરે દોરી ખેંચે એટલે કહ્યાગરો ગગો તરત ઊભો થઈ જાય!

ઉતરાણમાં આખો દિવસ ધાબા ઉપર પતંગ ચગાવી હું અને માજીનો દીકરો થાક્યા પાક્યા સાંજે ઘરની અંદર આવ્યા. સૂવાનો સમય થતાં ૯૦ વર્ષના માજીએ દીકરાને બોલાવી તેની ચડ્ડીની નાડી સાથે દોરી બાંધી દીધી, પણ થાકેલો દીકરો ઘસઘસાટ સૂઈ ગયો. રાત્રે માજીને શંકા-નિવારણ માટે જવું હતું. કેટલીય વાર ધીમે ધીમે દોરી ખેંચી, કેમેય કરીને દીકરો ઉઠયો નહીં, છેવટે 'દબાણવશ' માજીએ એવી જોરથી દોરી ખેંચી કે ગગાની અડધી ચડ્ડી અડધી ઉતરી ગઈ. સફાળો બેઠો થઈ ગયેલો દીકરો તાડૂક્યોઃ માડી, ઉતરાણનો અર્થ એવો નહીં કે આમ મારી ચડ્ડી જ અડધી ઉતારી નાંખો... હું તો મૂતરાણ માટેની આ અનોખી ઉતરાણ જોઈ હસી હસી બેવડ વળી ગયો.'

થોડા દિવસ પહેલાં મારે અને કાકાએ કોઈક કામસર મુંબઈ જવાનું થયું. મંત્રાલય પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં આવેલા મોરચા તરફ નજર ગઈ. બધાના હાથમાં થર્મોકોલમાંથી બનાવેલા મોટા મોટા કાનના મશીન (શ્રવણયંત્ર) હતા. આ મશીન મંત્રાલય સામે ઊંચા કરી કરીને સ્ત્રી-પુરૂષો ઊંચા અવાજે ગાતા હતાઃ

'સુન સાહેબા સુન

જનતા કી ધૂન

હમને તુમ કો ચૂન લીયા

તું ભી બાત સુન સુન સુન...

મોરચામાં છેડે ઊભેલા એક માણસને કાકાએ પૂછ્યું, 'આ શેનો મોરચો છે?' ત્યારે પેલા માણસે જવાબ આપ્યો, 'ચૂનાવ મેં જીસે ચૂના વો અભી 'ચૂના' લગાતે હૈ... મહેંગાઈ કમ કરને કી, નૌકરી દેને કી, ભ્રષ્ટાચાર કમ કરને કી બાત સુનતે નહીં...  બહેરી સરકાર કો ચલાનેવાલે જનતા કી બાત સુન શકે ઈસ લિયે કાન કે મશીન સરકાર કો ભેટ કરને કે લિયે આયે હૈં... સુન સાહેબા સૂન... જનતા કી ધૂન...'

અંત-વાણી

જે સરવા રાખે કાન-જી

ખુલ્લી રાખે કાઋનની દુકાનજી,

એના હાથમાં સોંપો 

સત્તાનું  સુ-કાનજી.


Google NewsGoogle News