- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ભાગ્યશાળી કોને કહેવાય ખબર છે? જેનાં ભાગ્યમાં સાળી લખેલી હોય. હજી તો મેં પથુકાકાના હિંચકે બેસીને આ વાક્ય પૂરું કર્યું ત્યાં તો ઘરઘરાટી કરતી રિક્ષા ઊભી રહી અને એમાંથી પથુકાકાની એકની એક આધેડ વયની અને દીદી જેવી અપરિણીત સાળી સરસામાન સાથે ઊતરી. બહેનને આંગણે આવેલી જોઈને (હો)બાળાકાકીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને જોરથી નારો લગાવ્યોઃ 'જય કાલી કલકત્તેવાલી તેરા વચન ન જાય ખાલી...'
હું અને કાકા બહાર જઈને સામાન ઉપાડી લાવ્યા. પછી કાકાએ એમની સ્ટાઈલમાં ઓળખાણ આપી, 'જો, આ મારી એકની એક સાળી સમતા દીદી છે, કોલકાતામાં રહે છે અને શિક્ષિકા તરીકે રિટાયર થયા પછી ટેસથી પેન્શન ખાય છે. તારી જેમ એણે પણ લગ્ન કરવાની ભૂલ નથી કરી.'
(હો)બાળાકાકી પોતાની નાની બહેન સમતાને ભેટી પડયા ંઅને બોલ્યાં, 'તેં ચૂંટણી પરિણામ પછી મુંબઈ આવવાનું વચન આપ્યું હતું એ પાળ્યું ખરું ેહો! એટલે જ મેં નારો લગાવ્યો 'જય મા કાલી કલકત્તે વાલી તેરા વચન ન જાય ખાલી...'
નાની દીદીએ આ વખતની ચૂંટણીમાં કમળને જીતાડવામાં મહત્ત્વનો ફાળો આપનારી 'ઝાલ-મુડી'ના તૈયાર પેકેટ થેલામાંથી કાઢી કાકીને સોંપતા કહ્યું, 'મેં તો માનતા માનેલી કે આ વખતે મમતા દીદી હારશે તો મંદિરમાં જઈને એકસો ગરીબોને ભોજન કરાવીશ. એટલે આ માનતા પૂરી કરવા આવી છું.'
માનતાનું સાંભળી પથુકાકા ગણગણ્યા, 'દિલ હૈ કે માનતા નહીં... મારા બેટું કોઈએ માન્યું નહોતું એવું રિઝલ્ટ આવ્યું હો!'
અમારી વાત ચાલતી હતી ત્યાં અસ્સલ સુરતી પાડોશી દેસાઈ દીદી મરવા (એટલે મળવા) આવ્યાં અને બંગાળના પરિણામની વાતમાં ડબકું મૂકતાં સુરતી જબાનમાં બોલ્યાં, 'કમરે તો કમાલ કરી, જ્યાં જુઓ ત્યાં કમરનો જ જયજયકાર સંભળાય છે.'
પથુકાકા દેસાઈ દીદીની ટિંગલ ઉડાડતા બોલ્યા, 'કોની કમરની વાત કરો છો? મમતા દીદીની તો દોડાદોડી કરી કરી કમર જ તૂટી ગઈ અને તમે કમરની કમાલની ક્યાં વાત કરો છો?'
(હો)બાળાકાકી ડોળા કાઢી કાકાને હિંડોળાને બદલે ડોળાના દર્શન કરાવતા બોલ્યાં, 'હવે છાનામાના બેસોને? આ દેસાઈ દીદી એમ કહેવા માગે છે કે કમળે કમાલ કરી, એ 'ળ'નો ઉચ્ચાર 'ર'કરે છે એમાં એની મજાક શું કામ કરો છો?'
કાકીએ ધમકાવ્યા છતાં સખણા ન રહેતાં પથુકાકાએ ગીતની કડી લલકારીઃ 'પતલી કમર હૈ... તીરછી નઝર હૈ...'પછી સાળી (સુરતીમાં સારી)ને પૂછયું, 'પંદર પંદર વર્ષે મમતા દીદીના દુશાસનમાંથી છુટકારો મળ્યો ત્યારે કેવી લાગણી થઈ?'
સાળી સમતાએ જવાબ આપ્યો, 'સાચું કહું જીજાજી? મને એકને જ નહીં અમારા કોલકાતામાં વસતા બધા જ ગુજરાતીઓને એવું ફીલ થયું કે વગર કાળી ચૌદસે જાણે કકળાટ કાઢયો. કાયમ તમતમતાં અને કાળો કકળાટ કરતાં ભમતાં રહેતાં મમતા સત્તા પરથી ધમધમતાં ગયાં એટલે બંગાળમાંથી જાણે ચોમાસા પહેલાં 'ગાળ' ઉલેચાયો હોય એવી લાગણી થઈ.'
આ સાંભળી પથુકાકા બોલ્યા, 'બે નરને ભાંગીને બનાવેલા બે-નરજીને બે ગુજરાતી નર ભારે પડયા, સાચું કે નહીં?'
સાળીએ જવાબ આપ્યો, 'હવે તો કોલકાતામાં દીદીનાં બેનર રહી ગયા અને બેનરજી ગયાં...'
બીજાં રાજ્યોમાં માથાભારે લીડરોની દાદાગીરી ચાલતી હોય છે, પણ પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની દાદાગીરીમાં સતત ફફડાટમાં જીવતા ગુજરાતીઓએ ભગવી પાર્ટીને ખોબલે ખોબલે મત આપી જીતાડી દીધી ત્યારે કોલકાતાના આકાશમાં નારો ગુંજ્યો હતો - 'ભગવા-ને ભગાયા, હમ સબકો જગાયા.'
મેં પથુકાકાની સાળીબા સમતા દીદીને પૂછયું, 'દીદીના રાજમાં કેવી દશા હતી?'
સમતા દીદીએ કહ્યું, 'દહેશતની શું વાત કરીએ? આપણાં મુંબઈ, અમદાવાદકે રાજકોટમાં રાતે મોડે સુધી હરવા ફરવા, ગોલા-આઈસક્રીમ ખાવા લોકો નીકળી પડે છે, એવું અમારા કોલકાતામાં સપનેય વિચારી નહોતું શકાતું. પણ હવે મમતાની દાદાગીરીથી છૂટયા એટલે ટેસથી હરીફરી શકીશું.'
મેં કાકાની સાળીને પૂછયું, 'અગાઉની પાર્ટીના ગુંડાઓનું શું થશે?'
સમતા દીદીએ હસીને કહ્યું, 'ગુંડાનું બીજું શું થવાનું? ગુંડા જશે (પોલીસ) થાણામાં અને ગુંદા પડશે અથાણામાં... હા-હા-હા... હવે ટેસથી ગુંદા-કેરીના અથાણા બનાવશું અને મજેથી ખાઈશું. ગુંડાગીરીનો અંત આવ્યો હવે અમારી બહેનોની ગુંદાગીરીનો રંગ જોજો કેવો જામે છે.'
રંગ જામે છે એ વાક્ય કાને પડતા પથુકાકા તાલી વગાડીને ગાવા માંડયા, 'મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે..'
મેંં કાકાને પૂછયું, 'આ ગીત કોનું છે ખબર છે?'
કાકાએ તરત જવાબ આપ્યો, 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદમેઘાણીનું આ ગીત છે.'
મેં કહ્યું, 'મૂળ ગીત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું છે, મેઘાણી ભાઈએ એનો સુંદર ભાવાનુવાદકરીને ગીતને ઘર ઘરમાં ગુંજતું કરી દીધું.'
પથુકાકાએ સવાલ કર્યો કે, 'મેઘાણીભાઈને બંગાળી ભાષા આવડતી?'
મેં કહ્યું, 'મેઘાણીભાઈ કલકત્તામાં જીવણલાલની કંપનીમાં નોકરી કરતા એટલે એ વખતે બંગાળી ભાષા શીખ્યા જ હશેને? પછી સૌરાષ્ટ્રમાં આવ્યા અને ધોધમાર સાહિત્ય સર્જન કર્યું.'
સાળી માટે શ્રીખંડ લેવા જવાની તૈયારી કરતા પથુકાકાએ કાકીને સાદપાડયો, 'પેલી વેસ્ટમાંથી બેસ્ટ થેલી આપ તો હું શ્રીખંડ લઈ આવું.'
કાકીએ કાપડના કટકા અને ચીંદરડીઓમાંથી બનાવેલી થેલી કાકાને આપી એટલે પથુકાકાએ સિક્સર મારી, 'હવે સરકાર બદલાણી એટલે બંગાળને દીદીના 'વેસ્ટ' બંગાળમાંથી 'બેસ્ટ' બંગાળ બનાવવાનો પડકાર નવી સરકાર માટે ખડો થયો છે, બરાબરને?'
મેં કાકાને કહ્યું, 'મમતા દીદીની જીદતો જુઓ? હાર્યાં છતાં કહેતાં હતાં કે ખુરશી નહીં છોડું, બોલો!'
પથુકાકા કહે, 'પ્રજાએ જેને છોડયા એ હવે ખુરશી છોડવાની ના પાડે ત્યારે કેવાં ભૂંડા લાગે? એને કોણ સમજાવે કે 'ખુરશી' તો પારકી થાપણ કહેવાય...'
અંત-વાણી
નવું ગુજરાતી નાટકઃ
મમતાના મમરા વેરાણા ચોકમાં
***
પશ્ચિમ બંગાળમાં અગાઉ સામ્યવાદીઓની લાલ વાવટા સરકાર હતી. તેનો સંકેત આપતા ગામનું નામ છે લાલ-ગોલા. જ્યારે હવે ભાજપ સરકાર આવી તેની ઘોષણા કરતા ગામનું નામ છેઃ ભગવા-ગોલા.
***
ગરજ સરી કે વૈદવેરી
ચૂંટણી પતી કે મોંઘારત કરી.
***
રમતાં રમતાં મમતા
થઈ ગયા ભમતાં
અટાણ સુધી જે કોઈને ન નમતાં
એ થઈ ગયા સહુના
નિસાસા ખમતા.
***
ચૂનાવી જંગમાં કોઈની
ફુલ હાર છે,
તો કોઈની હાફ-હાર છે,
પણ જીતેલાના ગળામાં
મધમધતા ફૂલ-હાર છે.
***
જમીનનું કદમપાય ફૂટમાં
નેતાનું કદ મપાય ફાટ-ફૂટમાં.
***
સાચાને માથે સાફા
ખોટાને ગાલે લાફા.


