mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચાચા પહેરે ચશ્માં... રહે ચાચીના વશમાં

Updated: Mar 12th, 2024

ચાચા પહેરે ચશ્માં... રહે ચાચીના વશમાં 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ચશ્માંં ચડાકે માના બન ગયે જનાબ હીરો... રહે પઢાઈ ઔર લિખાઈ મેં તો ઝીરો ઝીરો... પથુકાકા ચશ્માંં પહેરીને આમથી તેમ કંઈક ગોતાગોત કરતા હતા અને કાકી એમની ઠેકડી ઉડાડતાં 'ભાભી' ફિલ્મનું ગીત 'ચશ્માંં ચડા કે...' ગાતાં હતા.

મેં કાકાને પૂછ્યું, 'આ બધો શું ખેલ છે? કાકી ચશ્માંંનું ગીત ગાંગરે છે અને તમે આમથી તેમ શું શોધો છો?'

મારો સવાલ ઝીલી કાકીએ જ વચ્ચેથી જવાબ આપ્યો, 'તારા ભૂલકણા કાકા ક્યારના ચશ્માંં ગોતે છે ચશ્માંં... કાયમ આડાઅવળા મૂકી દે છે.' મેં નવાઈ પામી પૂછ્યું, 'કાકાએ ચશ્માં ંતો પહેર્યાં છે? પછી શું ગોતે છે?' કાકી બોલ્યાં, 'તારા કાકા પાસે ત્રણ જોડી ચશ્માંં છે. એક દૂરનાં, બીજાં નજીકનાં અને ત્રીજાં આ બન્ને ચશ્માંં ખોવાઈ જાય ત્યારે ગોતવાનાં. અત્યારે ગોતવાનાં ચશ્માંં પહેરીને જ નજીકનું જોવાનાં ચશ્માંં શોધે છે... ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો ચાચા કા ચશ્માંં...'

માંડ માંડ તકિયા નીચેથી ચશ્માંં મળ્યાં એટલે પથુકાકા છાપું લઈને આરામખુરશીમાં બકોર પટેલની જેમ વાંચવા બેઠા. કાકી બોલ્યા, 'તને ખબર છે? અમારી લગ્નની પચ્ચીસમી 'પુણ્યતિથિ' પ્રસંગે તારા કાકાએ નંબરવાળા ગોગલ્સ ગિફટ આપ્યાં. જો કેવાં લાગે છે?'  મેં કહ્યું, 'ગોગલ્સ ખરેખર સરસ છે, પણ નંબરવાળા ૅસાદાં કાચવાળાં ચશ્માંંને બદલે કાકાએ ડાર્ક ગ્લાસવાળા ગોગલ્સ કેમ ભેટ આપ્યા?' આ સવાલનો જવાબ આપતા કાકા બોલ્યા,'ગોગલ્સ શું કામ ભેટ આપ્યાં, ખબર છે? બધાની હાજરીમાં તારી કાકી મારી સામે ડોળા કાઢે તો દેખાય નહીં એટલે ગોગલ્સ ગિફટ આપ્યાં... ડોળા રે ડોળા રે ડોળા રે... મન ડોળા... તન ડોળા... આપણે જરીક મોળા રે... મોળા રે... મોળા...' 

મેં કહ્યું, 'કાકા, દૂરદર્શનને જેમ ટૂંકમાં ડીડી કહે છે એમ કાકી તમારી સામે ડોળા કાઢે એને પણ ડીડી કહી શકાય. ડીડી એટલે ડોળા-દર્શન.'

ખડખડાટ હસીને કાકા બોલ્યા , 'ચાચી પહેરે ચશ્માંં અને રાખે ચાચાને  વશમાં... ચાચી કેવાં વસમાં...'

હમણાં એક દિવસ રસ્તામાં કાકાનો  ભેટો થયો. કાકાએ ગાંધીજી જેવાં ગોળ ફ્રેમનાં નવાં ચશ્માંં પહેર્યા હતાં. મેં તરત કહ્યું, 'કાકા, નવાં ગાંધી ફ્રેમનાં ચશ્માંંમાં તમે ઓળખાતા જ નથી, હો!' કાકાએ જવાબ આપ્યો, 'ચશ્માંં ન પહેરૃં તો તું નથી ઓળખાતો.  બોલ, મારે શું કરવું?' 

કાકાની ગાંધી  ફ્રેમના ચશ્માંંને જોઈને મને યાદ આવ્યું. મેં કહ્યું, 'ગાંધી બાપુ મહારાષ્ટ્રના વર્ધામાં સેવાગ્રામ આશ્રમમાં રહેતા ત્યાં અત્યારે ગાંધીજીની પ્રતિમા ઊભી કરવામાં આવી છે પણ થોડાં વર્ષ પહેલાં બાપુનાં ચશ્માં ચોરાયા હતાં, બોલો!' કાકાએ પૂછ્યું કે ચશ્માં ચોરનારો પકડાયો કે નહીં? મેં કહ્યું, 'પોલીસે ચોરને પકડવા ખાસ ટીમ રચી અને દિવસોની દોડધામ કરી ચશ્માં-ચોરને પકડયો ખરો.' આ સાંભળી પથુકાકા બોલ્યા, 'ગાંધીબાપુનાં ચશ્માં ચોરનારાને એટલું ભાન નહીં હોય? કે બાપુનાં ચશ્માં ભલે ચોરો પણ ગાંધીજીની દ્રષ્ટિ ક્યાંથી લાવશો?'

મેં કાકાને કહ્યું, 'ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાના બણગા ફૂંકનારા નેતાઓને બાપુની પદયાત્રાને બદલે પદ મેળવવાની પદ-યાત્રામાં જ રસ છે એ સહુ જાણે જ છેને? એટલે જ તો કહેવું પડે છે કે-

ગાંધી બાપુનેય મઢી દીધા

છે ફ્રેમમાં,

અહીં કોને રસ છે સત્ય

અહિંસા ને પ્રેમમાં.

કાકાએ ચશ્માં-શાહીની ભાષામાં ટકોર કરી, 'આજે તો સમાજમાં કે રાજકારણમાં બધા સંબંધો ચશ્માંના કાચ જેવા તકલાદી જ હોય છે. ક્યારે તૂટી જાય એ કહેવાય નહીં.'

મેં કાકાને કહ્યું, 'તમે ચશ્માંના ડાબલા પહેરીને ફરો છો એના કરતાં કોન્ટેકટ લેન્સ પહેરવા માંડોને! પરદેશમાં તમારો દીકરો ઘણું કમાય છે.' 

કાકાએ જવાબ આપ્યો, 'અત્યારે  કોન્ટેક્ટ લેન્સ ન ખરીદાય, ચશ્માં બજારમાં પડાપડી છે, ચૂંટણી નજીક આવે છેને?'

મેં પૂછ્યું, 'ચૂંટણીને અને કોન્ટેક્ટ લેન્સને શું સંબંધ?' 

કાકા બોલ્યા, ' નેતાઓ ચૂંટાયા પછી પાંચ પાંચ વર્ષ મતદારોના કોન્ટેકટમાં નથી રહેતા, પણ ચૂંટણી નજીક આવી એટલે ફરી ચૂંટાવા માટે ઊંચાનીચા થતા આ રતાંધળા નહીં, પણ મતાંધળા અને સત્તાંધળા નેતાઓ કોન્ટેક્ટ લેન્સ પહેરી પહેરીને વધુમાં વધુ મતદારોનો કોન્ટેક્ટ કરવા દોડધામ કરી રહ્યાં છે ે, તને દેખાતું નથી? આમાં અત્યારે કોન્ટેક્ટ લેન્સ ખરીદવાની ભૂલ ન કરાય. ચૂંટાયા પછી ફરી આ નેતાઓ કોન્ટેકટ-લેસ (સંપર્કવિહોણા) થઈ જશે. પછી  આપણે કોન્ટેક્ટ લેન્સ પહેરીને એમને ગોતવા નીકળવું પડશે જોજે તો ખરો?'

'વિજ્ઞાને કેવી કેવી શોધ કરી છે! હવે તો ચશ્માંની દાંડલીમાં સ્માર્ટ ફોનનું  કનેક્શન હોય છે. આવાં જાદુઈ ચશ્માં ધૂમ વેચાય છે એ તમને ખબર છે, કાકા?'

પથુકાકા બોલ્યા, 'વિજ્ઞાનના જાદુઈ ચશ્માંની મને ખબર નથી, પણ અજ્ઞાનનાં ચશ્માંની ખબર છે.'

મારા મગજમાં તરત ટયુબસાઈટ થઈ કે કાકા હમણાં ગોવાનો કિસ્સો સંભળાવશે, પણ કાકા ભોંઠા ન પડે એટલે મેં વન્સ મોર... કહીં જાદુઈ ચશ્માંની વાત દોહરાવવા કહ્યું.

કાકા બોલ્યા, 'ત્રીસેક વર્ષ પહેલાં થર્ટી -ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા ગયા હતા. આખા દેશમાંથી ખાણી-પીણી અને નાચ-ગાન-કેસિનોની મોજ માણવા ટુરિસ્ટો રીતસર ઠલવાતા જતા હતા. અમે કોવાલમ બીચ પાસે ઊભા રહી નારિયેળનું પાણી પીતાં હતાં, ત્યાં ગુજરાત બાજુથી એક બસ આવીને ઊભી રહી. બસમાં બેઠેલા ટુરિસ્ટોને જોઈને જ ખબર પડી જાય કે સૌરાષ્ટ્ર બાજુના ગામડેથી આવ્યા હશે. 

બસ ઊભી રહી એટલે ગોગલ્સ ચશ્માં વેંચવાવાળા ઘેરી વળ્યા અને લલચામણી ઓફર દોહરાવવા માંડયા- જાદુઈ ચશ્માં પહેનો ઓર બિના-કપડોં કે ફોરેનર્સ કો દેખો...  આ સાંભળીને  ગામડિયાઓ ફટાફટ સો-સો રૂપિયા કાઢી ચશ્માં ખરીદી લીધાં. પછી ચશ્માં પહેરીને બીચ ઉપર પહોંચી આમતેમ નજર ધુમાવીને 'પૈસા વસૂલ... પૈસા વસૂલ' કહીને નાચવા માંડયા. 

આ જોઈ એક ભણેલગણેલ સજ્જને પૂછ્યું કે શેના પૈસા વસૂલ થયા? ત્યારે ગામડિયાએ કહ્યું કે આ જાદુઈ ચશ્માં પહેરીને જોવાથી બીચ પર ફોરેનર્સ કપડાં વિના ચત્તાપાટ પડેલા હોય એવું દેખાય છે. સો રૂપિયા વસૂલ થઈ ગયા એટલે અમે કહીએ છીએ પૈસા વસૂલ... પેલા સજ્જને ખડખડાટ હસીને ભ્રમ ભાંગતા કહ્યું : ચશ્માં ઉતારીને જુઓ તો પણ પરદેશીઓ કપડાં ઊતારીને જ પડેલા દેખાશે. ચશ્માં વેચવાવાળા જાદુઈ ચશ્માં વેંચવાને નામે તમારી બનાવટી કરી ગયા એ ખબર પડી કે નહીં?' 

કાકાનો કિસ્સો સાંભળીનેે મેં ટાપશી પૂરી, 'અત્યારે તો આપણે ચશ્માં વગર પણ કેટલાં બધા નેતાઓને ઊઘાડા પડતા જોઈએ છીએ! આને જ લોકશાહીમાં ઊઘાડ નીકળ્યો કહેવાય...'

અંત-વાણી

મહારાષ્ટ્રમાં અજબની અટક

હોય છે કોણ જાણે...

આંધળે, ડોળે અને

વળી કાણે.

**  **  **

કાગા ચૂન ચૂન ખાઈયો

સબ તન ખાઈયો માસ

પર દો નૈના મત ખાઈયો

મોહેં ટીવી દેખન કી આશ.

**  **  **

ચાલબાજીમાં માણસને 

કોણ પહોંચે?

જરા વિ-ચારો

પહેરાવી ઢોરને લીલા ચશ્માં...

પછી નીરે સુક્કો ચારો.

Gujarat