For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પત્નીવ્રતા પતિદેવો અને આપત્તિ-વ્રતા પત્નીઓનું પુરાણ

Updated: Jul 13th, 2021

Article Content Image

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

હજી થોડા દિવસો પહેલાં જ વટ-સાવિત્રીનું વ્રત ગયુંને ?  ત્યારે વટવૃક્ષ ઓછા અને પ્રતિવ્રતાઓ વધુ એવો માહોલ જોવા મળ્યો. કપરા કોરોના કાળમાં આમેય પતિના લાંબા આયુષ્યની કામના કરવાવાળી સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળી. શહેરના એક મંદિરની બહાર ઘટાદાર વડનું ઝાડ છે. ત્યાં તો એટલો ધસારો થયો કે કોરોનાના નિયમોનો ભંગ ન થાય માટે  પતિવ્રતાઓને સુરક્ષિત અંતર રાખી કુંડાળામાં ઊભી રાખવામાં આવી દરેકને તાત્કાલિક ટોકન આપવામાં આવ્યા. પૂજારી પાંચ-પાંચ ટોકન નંબર માઇકમાં જાહેર કરે એટલે પાંચ સ્ત્રીઓ વડના ઝાડ પાસે જાય. સુતરના ધાગાને પ્રદક્ષિણા કરતી વખતે ઝાડના થડ ફરતે બાંધતી જાય અને પતિના લાંબા આયુષ્યની અને જન્મોજન્મ આ જ પતિ મળે એવી પ્રાર્થના કરતી જાય અને જન્મોજન્મનું રિઝર્વેશન કરાવતી જાય.

પતિપ્રવૃતાઓની આ પૂજનવિધિ જોઇને પથુકાકાની આંખમાં ઝળઝળિયા આવી ગયા કે અને બોલ્યા 'વટ-સાવિત્રીના પર્વની ઉજવણી કરવા ભેગી થયેલી આ પતિવ્રતાઓના ધણી કેવાં નસીબદાર કહેવાય ? અને આપણાં ઘરમાં જુઓ ચોવીસે કલાક ચોવટમાંથી જ  ઊંચી ન આવતી તારી હોબાળા કાકી  કયાંથી વટ-સાવિત્રીનું વ્રત ઊજવવાની ? એ તો ચો-વટ સાવિત્રીનું વ્રત ઊજવવાની શરૂઆત કરે તો કહેવાય નહીં.'

ઘરે પહોંચીને ઓશરીમાં બેઠા બેઠા બે-ત્રણ પાડોશણો સાથે ચોવટ કરતા (હો) બાળાકાકીને  મેં પરબારૂ જ પૂછયું કે 'કાકી તમે કેમ કોઇ વ્રત નથી કરતા ?' સવાલ સાંભળી કાકી તાડુકયા કે'લગન પહેલા મોળાકતનું વ્રત કર્યું હતું, એમાં જ આ તારા કાકા જેવાં મીઠા-વગરના ધણી મળ્યા પછી કોઇ વ્રત રાખવાની હિંમત નથી રહીં.'

પથુકાકા લુચ્ચું હસીને બોલ્યા કે 'આ તારી કાકી ખોટો વટ દેખાડવામાંથી જ ઊંચી નથી આવતી, એ શું વટ-સાવિત્રી જેવા વ્રત  ઉજવવાની' ત્રીસ વર્ષ એની સાથે ગુજારીને હું એવો તો લાં..... બો થઇ ગયો છું કે ભૂલેચૂકેય ઇ મારા લાંબા આયુષ્યની કામના  ન કરે  એમાં જ મારી ભલાઇ છે. હું તો  કાયમ કહું છુંને કે માણસને ખોટો વટ નડે  છે, કટ-કટ  નડે છે અને ખટ-પટ નડે છે. કોઇ જાણીતા કવિએ હું જો ભૂલતો ન હોઊં તો આવું જ કાંઇ લખ્યું છેને કે:

ઓણુકા વરસાદમાં

બે ચીજ કોરી કટ

એક અમે પોતે

અને બીજો તમારો વટ.

મેં કહ્યું 'કાકા વટ પડે પણ ખરો અને ખોટો વટ પાડે પણ ખરો. બાકી તો સ્ત્રી-પુરૂષ સમાનતાના આ જમાનામાં સ્ત્રી પતિવ્રતા તરીકે ચૂપચાપ અત્યાચાર સહેતી રહે એ દિવસો ગયા. અત્યારે તો ભરથારનેય ભાંગી નાખે એવી ભાર્યાઓ ભટકાય છે.' એટલે જ 'અખંડ સૌભાગ્યવતી' ફિલમનું ગાણું જરા ફરેવીને ગાવું પડે છેઃ 

તને  સાચવે કયાંથી પતિ

અડબંગ તે ભાંગ્યા પતિ

તારો સાચો સગો ગ્યો પતી 

અડબંગ તે ભાંગ્યા પતિ.

બસ આ સાંભળતાની સાથે જ કાકાએ પસ્તીમાંથી છાપું શોધી કાઢયું અને મારી  સામે  ધરીને બોલ્યા 'મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના આ સમાચાર વાંચ. વટ-સાવિત્રીને દિવસે સ્ત્રીઓ વડની પૂજા કરવા જાય એમ ઔરંગાબાદમાં પત્ની-પીડિત પતિદેવોએ રીતસર પીપળાની પૂજા કરી અને પીપળા પૂર્ણિમાં ઊજવી બોલ.'

મેં પૂછયું 'આ પત્ની-પીડિતોએ શું  પ્રાર્થના કરી એ તો કહે ?' કાકા સમાચાર વાંચીને બોલ્યા કે ' પત્ની-પીડિત સંગઠનના સભ્ય પતિએ ગળગળા સાદે કહ્યું કે અમારી પત્નીએ અમને એટલો ત્રાસ આપે છે કે સાત જન્મ તો શું સાત સેકન્ડ પણ એમની સાથે રહેવાની હિંમત નથી. એટલે અમારી પત્નીઓએ વટસાવિત્રી પૂર્ણિમાને દિવસે વડની પૂજા કરી સાત જન્મ સુધી અમારા સાથની કામના કરતી હોય તો એની પ્રાર્થના કયારેય સફળ ન થાય એવી વિનવણી માટે અમે પીપળાની પૂજા કરી  છે.'

એ ક પીડિત પતિએ કહ્યું કે 'આજે લગભગ બધા જ કાયદા સ્ત્રીઓની સુરક્ષા માટે ઘડાયા છે. ઘણી વાર કાયદાનો ગેરલાભ ઊઠાવીને પણ ધણીને  કનડવામાં આવે છે આ પરિસ્થિતિમાં પત્ની-પીડિત પતિદેવોની કોણ રક્ષા કરશે ? સરકારને અપીલ કરીએ છીંએ કે અમારે શું મહિલાઓના પંચ (મુક્કા) જ સહન કરતા રહેવાના ? મહિલા પંચની જેમ સરકાર ભઇલા-પંચ કયારે રચશે ? પતિ શું ''પંચિંગ-બેગ'' છે ?'

પથુકાકાએ આ બધા વિવાહ કરી વિટંબણામાં મુકાયેલા વરૂ (વરનું બહુવચન)નો બળાપો સાંભળી કહ્યું કે 'તને ખબર છે ? આ રાજકારણમાં જુદી જુદી પાર્ટીના ગાદીપતિઓ હાથમાં સત્તા આવે એટલે સંગઠિત થાય  છે જયારે આ પતિઓ ઘરવાળી સતાવે ત્યારે સંગઠિત થાય છે. સત્તા-આવે અને સતાવે એની સાથે જ આ પતિઓનો સંબંધ છે. પણ આ પીડિત પતિદેવોના સંગઠને પોતાનું એક ગીત પણ બનાવ્યું છે તને ખબર છે ? રાષ્ટ્રભાષા અને સૌરાષ્ટ્રભાષાની મિલાવટવાળુ ગીત તેમના કાર્યક્રમ (કે ક્રિયા-કર્મ ?)માં ગવાય છે. મને થોડું યાદ છે:

ઇતની શકિત હમે 

દેના દાતા

કોઇ દેખે નહી

માર ખાતા

હમ ચલે 'ભેખ' લે કર

ભૂલકર ભી કોઇ ઢૂંઢ લેના.....

મેં આ પીડિતોની પ્રાર્થના સાંભળી ટકોર કરી કે 'કાકા  ભેખ લઇને સાધુ બનવાનું સહેલંય નથી હો ? આજકાલના સાધુ બનવા માટે ગુણ કરતાં અવગુણ વધુ જોઇએ ખબર છે ? અગાઉ કહેવત સંભળાતી કે સાધુ ચલતા ભલા. જયારે આજે કોઇ ચલતાપુર્જા જેવાં સાધુ પકડાય ત્યારે લોકો બોલી ઉઠે છે કે સાધુ છલતા ભલા. હવે તો ઉત્તરાખંડમાં સાધુઓની વધતી જતી આબાદી જોઇને નગરપાલિકાઓએ બોર્ડ પર સૂચના લખવાનો વારો આવ્યો છે કે: ધર્મપત્ની અપને પતિ સે ભરપૂર પ્રેમ કરે, ઉસે બેવજહ ના સતાયે, પતિ પર શંકા ન કરે. બસ ઇતના કરને સે પતિ કભી સાધુ  બનનેકા નહીં સોચેગા ઔર સાધુઓં કી સંખ્યા ભી નિયંત્રણ મેં રહેગી.'

આ સાંભળીને તરત પથુકાકા બોલી ઉઠયા 'આવાં કેટલાય તક-સાધુ, સ્વામી લંપટાનંદો એ ગુરુઘંટાલો અત્યારે જેલભેગા થયા છેને ? પહેલાં દેખાડયા ચમત્કારના ખેલ, પછી ગામના બૈરાં સાથે કરી ગેલ અને બદલામાં મળી જેલ. એટલે જ આ બધા ગિલિન્ડરો પહેલાં સંસાર છોડે અને પછી કોઇને ન છોડે.'

મેં પથુકાકાને ફરી સંસાર તરફ વાળતા કહ્યું કે 'ઔરંગાબાદમાં જેમ પત્નીની સતામણીથી ત્રાસેલા નવરાઓ (પતિઓ)એ જેમ પીપળાની પૂજા કરી એમ બીજી તરફ મહારાષ્ટ્રના જ કોકણ વિસ્તારના એક ગામમાં વટ-સાવિત્રીને દિવસે ખરેખર 'પત્ની-વ્રતા' પતિદેવોએ વડના ઝાડનું પૂજન કરી પત્નીના લાંબા આયુષ્યની કામના કરી અને જન્મોજન્મ એ જ પત્ની મળે એવી પ્રાર્થના કરી. બોલો નવાઇ લાગે કે નહીં ?'

કાકા કહે 'ખરેખર નવાઇ તો લાગે જ ને ? આ પણ એવું  છેને કે માણસ ધીરે ધીરે વાનરમાંથી નર બનતો ગયો અને ધીરે ધીરે સમજણો થતો ગયો ત્યારે પ્રકૃતિના જે જે તત્વોથી તે ભય પામતો ગયો તેની પૂજા કરતો ગયો. ગાજવીજ અને કડાકાભડાકા સાથે તૂટી પડતા વરસાદથી ભય પામી ધીમે ધીમે વરુણદેવની પૂજા કરવા લાગ્યો. એટલે આદિમાનવ વરસાદથી ભય પામતો એમ અત્યારના કેટલાય 'શાદી-માનવો' પત્નીથી ભય પામીને પૂજા કરવા માંડયા હોય તો કહેવાય નહીં. બાકી વરસાદ અને વિવાહને પહેલેથી સંબંધ છે. જે પરણીને વર બને એનો સાદ (વર-સાદ) સંભળાતો બંધ થઇ જાય, વહુનો જ સાદ સંભળાય બરાબરને ? આ તો મારો અનુભવ કહું છું હો ?'

મેં કહ્યું વનમાં વસતા આદિમાનવની તમે વાત કરીને ? એટલે મને યાદ આવ્યું. મહારાષ્ટ્રના જ આડાબીડ જંગલમાં વાઘ, હાથી અને બીજા જંગલી જનાવરોને શિકારીઓથી બચાવવા માટે દિવસ-રાત ભમતો, કયારેક સામે વાઘ-દીપડાનો ભેટો થઇ જાય તોય જરા પણ ન ગભરાતો પાંચ હાથ પૂરો એવો વનરક્ષક ગળાફાંસો ખાઇને મોતને ભેટ્યો. તપાસમાં આત્મહત્યાનું શું કારણ જાણવા મળ્યું ખબર છે ? પત્નીના ત્રાસથી કંટાળી વનરક્ષકે જીવન ટૂંકાવ્યું. જે જાન લઇને પરણવા ગયો હતો અને વર બનીને જે જાન-વરથી ન ગભરાતો એની જોરૂ કેવી જબરી હશે કે વનરક્ષકે જીવ ગુમાવ્યો ?'

બાકી કોરોનાને પગલે લોકડાઉન મુકાયા અને લોકો જાણે નજરકેદમાં આવી ગયા પછી ધીરે ધીરે ઘરકંકાસ વધવા માંડયા. ઘણાંની માનસિક સ્થિતિ કથળતા કકળાટ વધવા માંડયો. આધુનિક રંગે રંગાયેલા કપલોની પોતાની રીતે જીવન જીવવાની આઝાદી છીનવાઇ ગઇ. શરૂઆતમાં ચામાચિડિયાથી ફેલાયેલા મનાતા કોરોનાને પાપે ઘરમાં રહીને ઘણા ચિડિયા થઇ ગયા. ઘણાં કેસમાં તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ.

હું અને કાકા કોઇ દસ્તાવેજ તૈયાર કરાવવા માટે કોર્ટમાં ગયા. જાતજાતના નિયંત્રણોને લીધે અસીલો ટાઇમસર કોર્ટમાં પહોંચી ન  શકે એટલે વકીલો પણ ફુરસદમાં આંટા મારતા હતા. ત્યાં કાકાની નજર એક વકીલ પર પડી. બેઠીદડીનું ગડદિયા જેવું શરીર, ઉજળો વાન અને કાળા કોટમાંથી બહાર ધસી આવતા પેટવાળા વકીલ સાહેબને જોઇ કાકા  બોલી ઉઠયા અરે ? આ તો આપણાં ગોર મહારાજ જોશીજી છે જોશીજી.'  અમારી સામે નજર પડતા  જોશીજી તરત અમારી નજીક આવ્યા અને સુરક્ષિત અંતર રાખી નમસ્તે કરી ખબર-અંતર પૂછયા. કાકા બોલ્યા 'અમને ખબર જ  નહીં કે તમે વકીલાત કરો છો.' જોશીજી કહે 'આમ તો હું વકીલાતનું જ ભણ્યો હતો. પણ ગાંધીજીની જેમ મારી પણ શરૂઆતમાં વકીલાત ન ચાલી. એટલે પછી બાપ-દાદાનો ગોરપદુ કરવાનો કસદાર વ્યવસાય અપનાવી લીધો. ગોર તરીકેની મારી કારકિર્દીમાં ગણ્યાગણાય નહીં એટલાને મેં પરણાવ્યા.'

અધવચ્ચે કાકાએ સવાલ કર્યો કે ગોર-મહારાજ તરીકેનું કસદાર કામ છોડી ફરી વકીલ તરીકેનું કેસ-દાર કામ કેમ શરૂ કહ્યું ?

જોશીજી કહે છેલ્લાં દોઢેક વર્ષથી પહેલાં જેવાં લગ્નો પણ કયાં થાય છે ? લોકડાઉનમાં પરણથી માંડી મરણ સુધી જાતજાતના નિયંત્રણો આવ્યા એમાં મારી જેવાં ગોર મહારાજોનો માઠી દશા થઇ. ત્યાં કોઇક છાપામાં વાંચ્યું કે લોકડાઉનના પ્રતાપે પતિ-પત્ની વચ્ચે ઝઘડાના, ફેમિલીમાં  પ્રોપર્ટીના  ભાગના, ડોમેસ્ટિક વાયોલન્સના અને 'ડોય-વોર્સ'ના કેસ વધવા માંડયા છે. એટલે મારા દિમાગમાં ફણગો ફૂટયો કે ફરી વકીલાત શરૂ કરવામાં જ ફાયદો છે. જૂના  યજમાનોને તેમજ જેને જેને પરણાવેલા એ બધાને સીધી કે આડકતરી જાણ કરી દીધી કે અત્યારના સંજોગોને અનુલક્ષીને કામ પડે તો કહેજો. તમે નહી માનો પણ મહિનામં જ રિસપોન્સ મળવા માંડયો. આમાંથી અમૂકને દસ-પંદર વર્ષ પહેલાં ગોર મહારાજ તરીકે પરણાવેલા એને જ છૂટા પાડવાના કેસ વકીલ તરીકે મારી પાસે માંડયા બોલો. બસ આ જ કારણસર કસદાર વ્યવસાય છોડી ફરી વકીલ તરીકે આ કેસ-દાર વ્યવસાય અપનાવ્યો.'

 પથુકાકા જોશીજીને તાલી દઇને બોલ્યા કે 'તમને લોકડાઉન ખરેખર ફળ્યું કહેવાય. લગ્નને અંગ્રેજીમાં વેડ-લોક કહે છેને ? એટલે લોકડાઉન પહેલાં ગોર મહારાજ તરીકે વેડ-લોકમાં બાંધેલા એમાંના ઘણાખરાને આકરા લોકડાઉનને અંતે વકીલ તરીકે 'એન-લોક' કરવા માંડયા એટલે તમને લોક-ડાઉન ફળ્યું જ કહેવાયને ?'

અંત-વાણી

લગ્ન વિનાં માણસ અધૂરો

લગ્ન કરી થઇ જાય 'પૂરો'

Gujarat