Get The App

શનિવારે રસોડાની રાણી કરે આરામ ને રાણો કરે કામ

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
શનિવારે રસોડાની રાણી કરે આરામ ને રાણો કરે કામ 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

આખો શ્રાવણ માસ વીતી જાય છતાં પ્રિયજન ન આવે એવી સ્થિતિમાં 'સાંજ ઔર સવેરા'નું આ અમર ગીત યાદ આવ્યા વિના ક્યાંથી રહે? 'અજહુ ના આયે બાલમા સાવન બીતા જાયે, હાયે રે સાવન બીતા જાય...'

જોકે હું અને પથુકાકા વગર શ્રાવણે પણ જરા જુદા સંદર્ભમાં આ ગીત લલકારીએ છીએ. અમારી સોસાયટીના એક ફલેટમાં ભાડેથી રહેતા સાવનકુમાર નામના એક ચિત્રકારની છાપ પહેલેથી પત્ની-પીડિત પતિદેવની છે.  પતિ ચિત્રકાર અને વઢકણી પત્ની વિચિત્રકાર. પતિના હાથમાં પીંછી અને વહુ જાણે વિંછી. ઘરના દુખિયા ચિત્રકારને રાત્રે બારમાં જઈને ઠુંગાપાણી કરવાની આદત ખરી. બારમાંથી રાત્રે મોડા મોડા ડોલતા ડોલતા આ 'બાર-ડોલી'વાળા સાવનકુમાર ઘરે આવે અને એમના નસીબ પાંસરા ન હોય અને લડકણી લાડી જાગી જાય તો સમજો સાવનકુમારનું આવી બન્યું. જે ચીજ હાથમાં આવે એ ફણફણાવીને છૂટ્ટી ફેંકે. એટલે પત્નીના આ પ્રહારથી બચવા સાવનકુમાર શું કરે ખબર છે? ચંપલ હાથમાં લઈને એકદમ દબાતે પગલે દાદરાનાં પગથિયા ચડે અને પછી પોતાની પાસેની ચાવી હોય એ ચાવીથી મેઈન ડોરનું લોક જરાય ખખડાટ ન થાય તેનો ખ્યાલ રાખી ખોલે અને પછી બીતાં બીતાં લાઈટ કર્યા વિના અંધારામાં જ આગલા રૂમના સોફા પર સૂઈ જાય.

એટલે સાવનકુમારના આ રૂટીનનો ખ્યાલ આવી ગયા પછી મોડી રાત્રે હું અને કાકા કમ્પાઉન્ડમાં બેસીને ટોળટપ્પા કરતા હોઈએ એ વખતે સાવનકુમાર આવે અને દબાતે પગલે ઘર તરફ જતા જોઈએ ત્યારે પથુકાકા અચૂક ગાઈ ઉઠેઃ 'અજહુ ના આયે બાલમા સાવન બીતા જાયે... હાયે રે સાવન બીતા જાયે...' 

શ્રાવણ મહિનો બેઠો ત્યાર પછીના પહેલા સોમવારે મેં અને કાકાએ સાવનકુમારના ફલેટની બાલ્કનીમાં નજર કરી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ ચોંકી ઉઠયા. સાવનકુમાર ડાકણના લેમિનેટ કરેલા ચિત્ર સામે બેસીને જોરજોરથી 'અગડમ બગડમ જાય ભગાડમ્...' એવો કોઈ મંત્ર ઉચ્ચારતા હતા અને અગરબત્તીથી આરતી ઉતારતા  હતા. બપોરે હું અને કાકા સોસાઈટીના  પાર્કમાં બેઠા હતા. ત્યાં સાવનકુમાર સ્ટુડિયો જવા માટે નીકળ્યા. કાકાએ ચિત્રકારને ઊભા રાખી પૂછ્યું, 'તમે બાલ્કનીમાં બેસીને સામે ડાકણનો ફોટો રાખી લઈ પૂજાવિધિ કરતા હતા?' 

સાવનકુમાર ધીમેકથી બોલ્યા, 'મારી ધણિયાણીને તો તમે ઓળખો છોને? શિયાળામાં ચાર મહિના મને શિંગપાક કે સૂંઠપાકમાં રાખે અને બાકીના આઠ મહિના ધાકમાં રાખે છે. એટલે મારે સતત ભયજનક સપાટી પર બીતાં બીતાં ચાલવું પડે છે. એટલે આ શ્રાવણમાં મેં પત્નીના ભયથી મુક્તિ આપે એવું નવું જ વ્રત શોધી કાઢ્યું, એને નામ આપ્યું  છેઃ ભાર્યા ભયભંજક વ્રત. ભાર્યા એટલે પત્નીનો ભય ભગાડે એવું વ્રત. એટલે પત્નીના પ્રતીક તરીકે સામે મેં જ દોરેલું ડાકણનું ચિત્ર લગાડીને હું પૂજા કરું છું અને શ્લોક બોલું છું કે, અગડમ્ બગડમ્ ભય ભગાડ્મ...'

સાવનકુમારે પોતે જ ઉપજાવી કાઢેલા વ્રતની દાસ્તાન સંભળાવી વિદાય થયા પછી પથુકાકા તરત જ બોલી ઉઠયા, 'પરાપૂર્વથી ઊજવાતાં જાતજાતનાં વ્રતની સાથે શ્રાવણ મહિનામાં જમાનાને અને આજની પરિસ્થિતિને અનુરૂપ નવાં નવાં વ્રતો ઊજવવાની શરૂઆત કરવી જોઈએ.'

મેં કહ્યું, 'સાચું કહેજો કે કાકી કયું વ્રત રાખે તો તમને ગમે?' 

કાકાએ ટૂંકો ને 'ટચી' જવાબ આપ્યો, 'મૌન-વ્રત.'  પછી ખોંખારો ખાઈને બોલ્યા, 'પત્ની પતિવ્રતા હોય તો પતિને માથે જોખમ નહીં, પણ પતિવ્રતાને બદલે સાવનકુમારની પત્ની જેવી 'આપત્તિ-વ્રતા' હોય તો ભારોભાર જોખમ ખરૃં.'

 મેં કહ્યું, 'મનનું અને તનનું  આરોગ્ય જળવાય અને સંયમ રાખવાની શક્તિ કેળવાય એ માટે ખ્યાતનામ પંચાગકર્તા અને ખગોળશાસ્ત્રના અભ્યાસક ડી.કે. સોમણે વ્રત સૂચવ્યાં છે. રવિવારે હર્યાભર્યા નિસર્ગરમ્ય વાતાવરણમાં ટહેલવાનું. સોમવારે મોબાઈલ ફોન નહીં વાપરવાનો. મંગળવારે વોટસએપ મેસેજ જોવાના નહીં. બુધવારે ફેસબુક ઉપર નજર નહીં નાખવાની. ગુરુવારે ઘરનું ટીવી બંધ રાખવાનું. શુક્રવારે ઘરની સાફસફાઈ કરવાની. શનિવારે રસોડાની રાણીને વિશ્રાંતી આપવાની અને પતિએ રાંધવાનું. આ આધુનિક વ્રતનું પાલન કરવાથી ચોક્કસ તન-મનનું આરોગ્ય એકદમ ટનાટન રહેશે. બોલો કાકા, તમને કેવાં લાગ્યાં આ બધાં વ્રત?'

'આમ તો બીજા બધાં વ્રત સારાં છે, એક શનિવારનું ધણી-રાંધણ વ્રત પાળવું અઘરૃં છે, એટલે એ દિવસે હું કયું વ્રત પાળીશ ખબર છે? સદાવ્રત. આ વ્રતમાં સદાવ્રતને રસોડે જઈ જમી આવીશ, બીજું શું? આ તારી કાકી તો શું કરશે ખબર છે? મોઢું કટાણું કરીને એક-ટાણું કરશે, એ દિવસે મારૃં માથું ખાધા સિવાય બીજું કાંઈ નહીં ખાય.' 

હું તો આ અઘરા અને આકરા વ્રતની વાત સાંભળી એક જોડકણું બનાવી બેઠો-

'રસોડાની રાણી બનાવે

નીતનવાં ખાણાં,

પણ કોઈકવાર ધણીને રાંધવું પડે

તો ગાય કંટાળાનાં ગાણાં.

બનવું પડે જો રસોડાના રાણા

તો ધણી કહેશે, આપણે તો 

મ-રાણા.'

શ્રાવણમાં કરો એર-ફ્રી આસન

શ્રાવણના પહેલા સોમવારે પરમ શિવભક્ત પથુકાકાને મળવા ગયો હતો. બહારના રૂમમાં એમનો અમેરિકાથી આવેલો ગ્રાન્ડસન જેડી ઉર્ફે જયકિશન  બેઠો હતો. મેં પૂછ્યું કે 'ગ્રાન્ડ ફાધર ક્યાં છે?' 

જેકીએ જવાબ આપ્યો, 'બાલ્કનીમાં એર-ફ્રી આસન કરે છે.' 

આ નવા યોગાસનનું નામ સાંભળી આશ્ચર્ય થયું.

બાલ્કનીમાં જઈને આસન કરતા કાકાને પૂછયુૅ કે 'તમે આ  વળી કયું નવું એર-ફ્રી આસન ગોતી કાઢયું છે?' 

પથુકાકા બોલ્યા, 'આ કાંઈ નવું આસન નથી. પવનમુક્તાસન કરૃં છું. આ તો ઈમ્પોર્ટેડ ગ્રાન્ડસનને સમજાય એટલે કહ્યું કે એર-ફ્રી આસન કરૃં છું.'

મેં પૂછ્યું, 'કાકા, મને એ જ નથી સમજાતું કે તમને શ્રાવણ મહિનામાં જ કેમ પવનમુક્તાસન કરવું પડે છે?'

કાકા હજી તો કાંઈ બોલે એ પહેલાં અધવચ્ચે ટપકી પડેલાં (હો)બાળાકાકીએ અધવચ્ચેથી સવાલ ઝીંલ ીને લટકો કરી બોલ્યાં, 'તારા કાકા શ્રાવણમાં ઉપવાસ-એકટાણાં કરી સતત સતત બેટેટા પેટમાં નાખી ને સેંથકનું ફરાળ ફાંકી બની જાય ગેસની ટાંકી... પછી પવનમુક્તાસન જ કરવું પડેને?'

પથુકાકા આસન કરતાં કરતાં બોલ્યા, 'સત્તાના આસને બેસે એના માથામાં પવન ભરાઈ જાય જ્યારે મારા જેવાના પેટમાં પવન ભરાય ત્યારે આસન કરવા પડે છે જોયુંને? જય યો-ગેસવર...'

(હો)બાળાકાકી બોલ્યાં, 'તારા કાકાની ગેસ-ભક્તિ જોઈને? ઘરમાં ગેસ પર રંધાઈ તે અકરાંતિયાની જેમ ખાય. પછી ગેસ ગંધાય એમાં ગળણાં થાડાં જ બંધાય? પેલી કહેવત છે ને કે, એક કાંકરે બે પક્ષી મારવા. તે પ્રમાણે તારા કાકા  પ્રમાણે પવનમુક્તાસન કરતી વખતે વાયુ પ્રદૂષણ પણ ફેલાવે અને ધ્વનિ-પ્રદૂષણ પણ ફેલાવે, એટલે જ તો એમને બાલ્કનીમાં કાઢયા છે...' 

પથુકાકા બોલ્યા, 'ભાઈ, મને તો પવનમુક્તાસનથી એવી રાહત થાય છે કે પવન-દે માત્રમ્... એવો સૂત્રોચ્ચાર કરીને પછી પવનમુક્તાસનનું એક જ ગીત ગાઉં છું -

સાવન કા  મહિના 

'પવન' કરે 'શોર'... 

જીયારા રે ઝુમે ઐસે 

જૈસે બનમાં નાચે મોર...

અંત-વાણી

આગે આગે ગોરખ જાગે

પીછે પીછે મૂરખ ભાગે.