FOLLOW US

વજન ઉતારતી વ-જનતા પાર્ટી

Updated: Oct 11th, 2022


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

''જૂની ફિલ્મોનાં ગીતો સાંભળવાના   શોખીન પથુકાકા વિવિધ ભારતી  પર આવતું ગીત  'ઓ સજના બરખા બહાર આઈ... રસ કી ફૂહાર લાઈ...' સાંભળતા  હતા અને  ભેગા ભેગા   ગણગણતા  હતા. ત્યાં  (હો)બાળાકાકીએ વજનદાર  એન્ટ્રી મારી. આ સાથે જ  કાકાએ  તત્કાળ ફેરવીને  ગાવા માંડયું:  'ઓ 'વજના' બરખા બહાર આઈ...'

કાકી તાડૂક્યાં, 'મારું વજન  વધે એમાં  તમને શું પેટમાં દુઃખે છે? ફૂંક મારો અને ઊડી જાય  એવી તમારી  આ સૂકલકડી કાયા કરતાં  જરા  વજન પડે  એવી મારી  આ કાયા શું  ખોટી?'

પથુકાકાએ  મારી સામે જોઈ  આંખ મારીને  કહ્યું, 'જોયુંને, અમારા  ઘરમાં  કોનું વજન પડે  છે?  એટલે  જ 'તીસરી કસમ'નું   ઓલું ગીત છે નેઃ સજનવા બૈરી હો ગઈ  હમાર...એ હું ફેરવીને  ગાઉં છું:  વજનવા  'બૈરી' હો ગઈ હમાર...'

મેં કહ્યું, 'કાકા, આ ઉંમર  ભજન કરવાની  છે કે એકબીજાનું  વજન કરવાની?' પથુકાકા  બોલ્યા,  'સાઈ મકરંદ  દવેએ  એવું કંઈક  લખ્યું છે ને કે 'વજન કરે એ હારે મનવા,  ભજન કરે ઈ જીતે...' એટલે  હું પણ તારી કાકીને  એમ સમજાવું છું કે, વજન વધારવાની  તન-પરસ્તી   છોડ  અને વ-તનપરસ્તી  તરફ ધ્યાન  આપ.   મારું શરીર  કેવું  હલકુંફૂલ  છે?'  આ સાંભળી  કાકીએ  તરત જ  ડબકું મૂક્યું,'જીવનમાં  હળવા બનો, હલકા નહીં, સમજ્યા? હળવા હોય એને મળવાનું  મન થાય, એટલે જ  આપણે વાતચીતમાં   કહીએ  છીએને કે હળવા-મળવાનું  રાખો?'

મેં કાકા-કાકીની  આ વજનાયણ સાંભળી  સવાલ કર્યો, 'સવારના  પહોરમાં  તમે આ ભાર-નિયમનની  વાતે ક્યાં  ચડી ગયા?' કાકા મસ્તીમાં  બોલ્યા, 'વીજળીના ભારનિયમનને  અંગ્રેજીમાં  શું કહે  છે, ખબર છે? લોડ-શેડિંગ. હું પણ તારી કાકીને  એ જ કહું છું  કે તું પણ લોડ-શેડિંગ  કરતી જા, નહીંંતર  આ તારું તનબદન  વધીને ટન-બદન થઈ જશે  અને ત્યારે તને જોઈને મારે દેવ આનંદની સ્ટાઈલમાં  જરા ફેરવીને  ગાવું પડશે-

દિલ પુકારે

ભારે... ભારે... ભારે

અભી ના 'ખા'  મેરે

હાથી (સાથી)...'

છંછેડાયેલાં  કાકી તાડૂક્યાં,   'મારું વજન વધે એમાં  તમને શું ચિંતા  છે?  હું  કિટી-પાર્ટીમાં  જાઉં છું એમાં  બધી  ભારેખમ ભાર્યાઓ  જ આવે છેને?'

પથુકાકાએ ટકોર કરી, 'તમારી કિટી-પાર્ટીમાં  વધતા વજન સામે કોઈ  ધ્યાન નહીં  આપતું  હોય, પણ પોલિટિકલ  પાર્ટીમાં  કોઈ નેતાનું   વજન વધવા  માંડે કે  તરત પાર્ટીની નેતાગીરી  એનું વજન  ઘટાડી નાંખે  છે.'

મેં યાદ અપાવ્યું, 'ભારતીય જનતા પાર્ટીના એક વજનદાર  નેતાનું વજન  બહુ વધવા માંડયું એટલે તરત જ એનું વજન ઘટાડી નાખવામાં આવ્યુંને?'

હસીને  પથુકાકા બોલ્યા, 'તને ખબર છે? એ  નેતાના શરીરનું વજન  બહુ વધી ગયું હતું અને  ટનબદન બની ગયા હતા ત્યારે  ભારે ખર્ચ  કરી ભાર ઉતારવાનું  ઓપરેશન  કરાવ્યું હતું, પણ પાર્ટીમાં  જ્યારે એમનું વજન  વધવા માંડયું અને ખબર નહીં  શું 'ગડ-બડ-કરી' હશે તે ઉપરીઓએ વગર ઓપરેશને વજન ઘટાડી  નાખ્યું.  હળવા કરી નાખવામાં  આવેલા આ  નેતા ગાવાના શોખીન  છે એટલે   દિલ્હી દરબાર   તરફ નજર કરી ગાતા પણ હશે-

યે જો હલ્કા હલ્કા

સૂરૂર હૈ

વો તેરી  નજર કા 

કસૂર હૈ...'

મેં કહ્યું, 'કાકા, ટોચ પર બેઠેલા વોચ તો  રાખે જને  કે કોનું  વજન વધે  છે?  આને જ જુદા  અર્થમાં  કહેવાય,  વેટ એન્ડ વોચ. બધાના વજન  વધવા માંડે  એ કેમ  સાંખી  લેવાય?   જનસંઘને  કાંઈ વ-જનસંઘ થોડો જ બનવા દેવાય?'

કાકાએ સિક્સર મારી, 'ગમે તે  પાર્ટી હોય,  વજનનો કાંટો  નજર સામે જ  રાખે છે.  જરાક કોઈનું  વજન વધે કે કાંટો કાઢી નાખે, બોલ આ કેવો વજન-કાંટો?'

મેં કહ્યું, 'કાકા, શરીરનું  વજન પ્રમાણસર  હોવું જોઈએ. એક સૂત્ર  કાયમ રાખવું  જોઈએ કે શરીર થાય ડબલ ત્યારે શરૂ થાય  માંદગીની ટ્રબલ. ચરબી વધે  એટલે  કે ફેટ વધે  ત્યારે ભેગાભેગું  પેટ વધે અને પછી  પેટ વધે  એની સાથે ડોકટરની ડેટ વધે  બરાબરને?'

કાકા બોલ્યા, 'એટલે જ મારે  ફરી ફરીને  કહેવું પડે  છે કે પેટ અને  પેટ-રોલ (પેટ્રોલ)ના રેટ એક વાર  વધવા માંડે  પછી  ઝટ ઘટે નહીં. બીજી  મજાની  વાત કહું કે  તારી કાકી  ડાયટિંગ  કરવાનો ડોળ  ભલે  કરે, પણ  જેવાં પેટમાં ઉંદર દોડવા માંડે એટલે ઝટપટ  ડબા ખોલી  બે હાથે ખાઈ  લે.   એટલે એમાં ફેટ  ક્યાંથી ઘટે?'

મેં કહ્યું, 'કાકા, તમે તો પેટ, રેટ, ડેટ અને  ફેટનો પ્રાસ ખરેખરો  જમાવી દીધો હો?'

પથુકાકા બોલ્યા, 'અંગ્રેજી  ભાષામાં  આ શબ્દોને બે-બે  અર્થ નીકળે છે એની તને  ખબર છે?  આપણા ગુજરાતીમાં પેટ એટલે ફાંદો, અંગ્રેજીમાં  પેટ એટલે પાળેલાં. રેટનો અર્થ  દર પણ થાય અને રેટ એટલે  ઉંદર પણ થાય અને ગુજરાતમાં ઉંદરના રેસિડેન્સને  કહે છે  દર, બરાબરને?  આવી જ રીતે અંગ્રેજીમાં  ફેટનો અર્થ  નસીબ  પણ  થાય અને ચરબી પણ થાય. એટલે જ  મેં એક  જોડકણું  બનાવ્યું છે એ તું  ધ્યાનથી સાંભળ-

જેને કોઈ ન પહોંચે

એને પહોંચે એનું પેટ,

કોઈ 'પેટ' પાળે તો  કોઈ

પંપાળે પેટ,

જેને કોઈ  ઘટાડી ન શકે

એને કહેવાય વધતો રેટ,

બીજી બાજુ ફૂંકી ફૂંકી કરડે રેટ

કરડવામાં એ ક્યાં જુએ છે ડેટ?

કાબૂમાં  રાખે નહીં 'ફેટ'

એનું  ફૂલીને  ફાળકો થાય પેટ,

રંઝાડે  રેટ અને વધતા પેટ

જેવાં જેના 'ફેટ'

આ જોડકણું  સંભળાવી  પથુકાકાએ (હો)બાળાકાકી  સામે જોઈ સવાલ કર્યો, 'બોલ, તારે  હવે પેટનો  કોઈ ઈલાજ  કરવો  છે કે નહીં? અત્યારે આઝાદીનો  અમૃત મહોત્સવ   ઉજવાયો, આ-જાડીનો  નહીં, સમજી?'

આ સાંભળી  છણકો કરી  રસોડામાં  જતી વખતે (હો)બાળાકાકીએ કાકાને ખીજવવા   ફેરવીને  એક ગીત ફટકાર્યું-

'ડીલ (બોડી) દિયા હૈ જાન ભી દેંગે અય 'વજન' તેરે  લિયે...'

ખાતાના વડાનો આદેશ વડા ન ખાતા

કોરોનાકાળમાં એક દિવસ પોલીસ કેન્ટીનમાં  એક અધિકારીને  મળવા  જવાનું  થયું. નાસ્તો કરતાં પહેલાં  વોશબેસિન  (હાથધોણ કુંડી)માં હાથ  ધોવા ગયો.   વોશબેસિનની  ઉપર  જ કોરોનાના ઉપદ્રવને  ધ્યાનમાં   લઈ નવી સૂચના લખેલીઃ  હાથ ધોઈને  ખાવ.

મારી સાથે પથુકાકા હતા. એમણે પોલીસ કેન્ટીનની આ સૂચના વાંચીને  ખંંધુ હસીને  મને કાનમાં  કહ્યું, 'આ  પોલીસવાળા  હાથ ધોઈને જ 'ખાતા'  હોય છેને?'

વધુ ખાય તો શું થાય? પેટ જ બહાર આવેને?  આવા ફાંદાળા  ફોજદારો  બંદોબસ્ત   ડયુટીમાં   ઊભા હોય  ત્યારે  બંદોબસ્ત   નહીં ફાંદો મસ્ત  દેખાય.

શહેરના પોલીસ વડા તરીકે  એક ખૂબ સ્ટ્રિકટ અમલદાર   આવ્યા.  આ અમલદાર  ખૂબ જ હેલ્થ-કોન્શિયસ હતા. પોલીસોના  સપ્રમાણ  નહીં, અપ્રમાણ  શરીરો  જોઈને  એમણે  આદેશ બહાર  પાડયો કે  દરેક જોગિંગ  અને કસરત  કરવાની. એટલું  જ  નહીં તીખું તળેલું, રસ્તા-પર  મળતું  ફાસ્ટ ફૂડ બને ત્યાં સુધી નહીં ખાવાનું. હવે મુંબઈ જેવાં  શહેરમાં તો વધુમાં વધુ ખવાતું  ફાસ્ટ-ફૂડ એટલે વડા-પાવ. બંદોબસ્ત ડયુટીમાં  કલાકો સુધી  ખડેપગે  રહેતા ખાખી  વર્દીધારી  પોલીસો  વડા ખાઈને  પેટ ન ભરે તો  બીજું શું  કરે? પણ ખાતાના વડાનો આદેશ  હતો કે  વડા ન ખાતા, એટલે  બિચ્ચારા  મુંઝાયા. હવે શું  કરવું?  જો કે થોડા  વખતમાં  પોલીસ  ખાતાના વડાને જ કોઈક  ખાઈકી કેસમાં ગડગડિયું  મળ્યું  એટલે   પોલીસવાળા ફરી  ટેસથી ખાવા માંડયા. આ કિસ્સો  સાંભળીને પથુકાકાએ તત્કાળ  એક જોડકણું  જોડી દીધું-

આદેશ  હતો ખાતાના વડાનો

કે  વડા ન ખાતા

પણ ખુદ વડા જ 

ખાઈકી કરતા  રહ્યા જાતા

હવે વરદીધારીઓ  ફરી

ટેસથી વડા ખાતા.

અંત-વાણી

બધે સંભળાય

ખાઈકીનું ગાણું,

વળી ખાઈકીમાં

નહીં કોઈ ખાણું,

ખવાય બસ રોજ

ખણખણતું નાણું.

Gujarat
IPL-2023
Magazines