Get The App

હે ભગવાન, આવતે જન્મે મને ગધેડો બનાવજે... સ્લોટ ખાલી રાખજે

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
હે ભગવાન, આવતે જન્મે મને ગધેડો બનાવજે... સ્લોટ ખાલી રાખજે 1 - image

- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી -

'કાકા, કોઈ ગધેડાને કહેવું નથી પડતું કે ગધેડો થા, કોઈ વાંદરાને કહેવું નથી પડતું કે વાંદરો થા, કોઈ દીપડાને કહેવું નથી પડતું કે તું દીપડો થા. બસ, એક માણસને જ કહેવું પડે છે કે તું માણસ થા માણસ.'

પથુકાકા 'આપ'ના નિશાન ઝાડુ પકડીને ઓસરી વાળતા હતા અને (હો)બાળાકાકી નિરાંતે હિંચકે બેસીને કાકા ઉપર નજર માંડીને બેસૂરા અવાજમાં ગા તાં હતાં. ગીત સાંભળીને  કાકા ઘૂંઘવાતા હતા અને વાળતા જતા  હતા. કાકીના હલકવાળા ગીતના શબ્દો કાને પડતા હતાઃ

તમે મારા પ્રેમના સ્પંદન છો

તમે મારા વૈશાખનંદન છો

આવ્યા ત્યારે અમર

થઈને રહો...

મને કાંઈ સમજાયું નહીં કે કાકી આટલા પ્રેમથી ગાય છે છતાં કાકા કેમ ખીજવાતા હશે? મેં કાકાને પૂછ્યું, 'કાકી આવું સરસ ગાણું ગાય છે  અને તમને વૈશાખનંદન કહીને લાડ લડાવે છે છતાં તમે કેમ ગુસ્સે થઈને ઝાડુ લઈને વાળો છો?'

પથુકાકા ઝાડુ એક કોર નાખી બોલ્યા, 'તારી આ કાકી કેવી ચાલાક છે એને તું ઓળખતો નથી? વૈશાખનંદન કહીને કાંઈ ઈ લાડ નથી  લડાવતી. વૈશાખનંદનનો અર્થ શું, ખબર છે? વૈશાખનંદન એટલે ગધેડો. એટલે ટૂંકમાં આવાં ગીત ગાઈ ગાઈને મારી પાસે ગધ્ધામજૂરી કરાવે છે, સમજ્યો? બહારના સામે મારી ઓળખાણ આપે કે આ મારો ઘરવાળો અને બહારથી પાછા આવીએ ત્યારે ઓર્ડર છોડે કે હવે ઘર-વાળો.'

કાકાને બળાપો ઠાલવતા જોઈને મેં કહ્યું, 'કાકા હશે... કાકીના ઢીંચણની ઢાંકણીમાં ક્રેક છે એટલે એ કામ ન કરી શકે, એટલે તમારે થોડું કરવું પડે એમાં શું થઈ ગયું?

કાકા બરાડયા, 'ઢીંચણની ઢાંકણી બદલ્યાને છ મહિના વીતી ગયા છતાં બેઠી રહે એમ કેમ ચાલે? એણે તો (ઘૂંટણની) ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ.'

મેં કહ્યું, 'કાકા, તમારી જેવા પત્નીવ્રતા પતિદેવને આગલા જનમમાં જરૂર સારો બદલો મળશે.' 

આ સાંભળતાની સાથે જ કાકા બોલ્યા, 'સારો બદલો ધૂળ મળશે? હું તો ઉપરવાળાને વિનવણી કરૂં છું કે હે ભગવાન, આવતા જન્મે મને ગધેડો બનાવજે... ગધેડાનો સ્લોટ મારા માટે ખાલી રાખજે.'

મેં કહ્યું, 'કાકા, કેમ તમે આવતા જન્મમાં ગધેડા બનવા માગો છો?' 

કાકાએ જવાબ  આપ્યો, 'આ  જન્મમાં માનવદેહ મળ્યો છતાં ગધેડાની જેમ કામ કરવું પડે છે. ઓળખ માણસની અને કામ ગધેડાનું કરવાનું. એનાં કરતાં ભગવાન ભલેને મને ઓરિજિનલ ગધેડો જ બનાવે. હું કોઈ નાત-જાતના ભેદભાવ જોયા વિના ગધ્ધામજૂરી કરીશ અને એકદમ સેક્યુલર ગધેડા તરીકેની મારી છાપ ઊભી કરીશ. બાકી આ જન્મમાં તો માણસ થઈને કોઈ ગધેડા સાથે સરખાવે કે પછી ગધ્ધાવૈતરૂં કરાવે એના કરતાં આવતા જન્મે ઓરિજિનલ ગધેડા તરીકે જ જન્મીએ એમાં શું ખોટું છે? નિષ્ઠાપૂર્વક ગધેડા તરીકેની ફરજ બજાવીશ તો શક્ય છે કે આવતા જન્મે મને 'ગધેન્દ્રમોક્ષ' મળશે.'

મેં કાકાને દાદ આપતાં કહ્યું, 'પથુકાકા, તમે તો ભારે મુદ્દાની વાત કરી. અત્યારે (હો)બાળાકાકીની જેમ કેટલીય પત્નીઓ પોતાના ધણીને ગધેડા સાથે સરખાવીને મ્હેણાં મારતી હોય છે કે તમે તો સાવ ગધેડા જ છો. પણ આવતા જન્મે ગધેડા તરીકે જ જન્મ લેશો એ પછી તમારી બેટર-હાફ (અડધી જ સારી?) ગધેડી એવું મ્હેણું નહીં મારે કે તમે તો સાવ માણસ જેવાં છો? કારણ કે પ્રાણીજગતમાં કોઈ પ્રાણી નથી ઈચ્છતું કે તેને માણસ સાથે સરખાવવામાં આવે. માણસનું  એટલી હદે પતન થયું છે.'

કાકા બોલ્યા, 'લોકડાયરામાં  હરસૂર ગઢવી કહેતાને કે ભગવાને ચોપગા પ્રાણીઓને આડા બનાવ્યા છે, છતાં બધા સીધા ચાલે છે, જ્યારે માણસને સીધો બનાવ્યો છે છતાં એ આડો ચાલે છે.'

મેં કાકાની વાતમાં સૂર પૂરાવતા  કહ્યું, 'કાકા, કોઈ ગધેડાને કહેવું નથી  પડતું કે ગધેડો થા, કોઈ વાંદરાને કહેવું નથી પડતું કે વાંદરો થા, કોઈ દીપડાને કહેવું નથી પડતું કે તું દીપડો થા. બસ, એક માણસને જ કહેવું પડે છે કે તું માણસ થા માણસ.'

કાકા બોલ્યા, 'માણસ આડો ચાલે છે એના પરથી એક તાજો રમૂજી  કિસ્સો યાદ આવ્યો. આપણા રંગીલા રસિકલાલ છેને? એ કાયમ પોતાની હમઉમર ફિમેલ ફ્રેન્ડો સાથે સીધા ઉભા રહીને જ અલકમલકની વાતો કરતા હોય છે અને તને ખબર છેને? એટલે  મેં એક દિવસ પૂછયું કે રસિક રંગીલા રાજ્જા, તમે કાયમ કલાકો સુધી સીધા ઊભા રહીને જ કેમ તમારી ફ્રેન્ડ-પણીઓ સાથે પ્રેમાલાપ કરતા રહો છો? રસિકલાલે જવાબ આપ્યો કે, મારે કોઈ મહિલા સાથે આડા સંબંધ છે એવું કોઈ મ્હેણું ન મારે એટલે હું સીધો ઊભો રહીને ચટરપટર કરતો રહું છું.'

સીધા અને આડા સંબંધની વાત સાંભળીને મેં કહ્યું, 'તમે રંગીલા રસિકલાલની વાત કરી એનાં પરથી એક જોડકણું સૂઝયું-

સીધા ઊભા રહી

રસિકલાલ કરે પ્રેમાલાપ પાક્કા,

પણ જો કાકા ચાલે વાંકા

તો ખુલે તકલીફના નાકા.'

પછી ગધેન્દ્ર મોક્ષની વાત યાદ કરીને મેં કાકાને દિલથી દાદ આપતા કહ્યું,  'કાકા દરેક માણસની ઈચ્છા મોક્ષ મેળવવાની હોય છે, પણ આ ઈચ્છા પૂરી કરવા માટે કેમ જીવવું જોઈએ એ  બહુ ઓછા જાણતા હોય છે.'

પથુકાકા બોલ્યા, 'તને ખબર છે, સર્કસના એક ગધેડાએ મોક્ષ મેળવવા માટે નહીં પણ રૂપકડી કન્યામે ળવવા માટે ગધ્ધાવેંતરૂ કરીને જાત ઘસી નાખી હતી? સર્કસના માલિકની રૂપાળી દીકરી ઝૂલા પર અવનવા ખેલ કરતી, પણ ક્યારેક ભૂલ કરે ત્યારે  સ્ટ્રિક્ટ માલિક પોતાની દીકરીને ધમકાવીને કહેતો કે જો હવે તું ભૂલ કરીશને તો તને આ સામાનની હેરફેર કરતા ગધેડા સાથે પરણાવી દઈશ. બસ, ત્યારથી આ ગધેડો સર્કસના તંબુમાં ઝૂલાનો ખેલ શરૂ થાય અને માલિકની દીકરી અવનવા ખેલ દેખાડતી હોય તેની સામે તાકીને જોતો રહે છે. મનોમન એક જ વિચાર કરતો હોય છે કે ક્યારે માલિકની દીકરી ભૂલ કરે અને ક્યારે માલિક  પોતાની દીકરીને મારી સાથે પરણાવે. માણસની આવી જ દશા છેને- ધન, સંપત્તિ, નામના અન ગાડી-બંગલા મેળવવાની આશામાં ને આશામાં આખી જિંદગી વીતાવી દે છે.'

આ વાત સાંભળીને ઝૂલા પર બેસી જીભેથી ખેલ કરવામાં માહેર (હો)બાળાકાકી  બોલ્યાં, 'સર્કસના ગધેડાને ભલે ઝૂલા પર ઝૂલતી કન્યા ન મળી, પણ મેં પુણ્ય કર્યા હશે તો આ જન્મમાં જ તારા કાકાના રૂપમાં કામઢા  વૈશાખનંદન મળી ગયા છે. હવે હું 'સંગમ' ફિલ્મનું ગીત ફેરવીને લલકારૂં છું કે, મૈં કા કરૂં રામ મુઝે ગધ્ધા મિલ ગયા...'

અંત-વાણી

તમને ખબર છે, ગર્દભને ખર પણ  કહે છે? ખરે-ખર હો!

***

નોકરિયાતો આખો મહિનો ગધ્ધામજૂરી કરે અને મહિનાને અંતે પગાર ખાલી થઈ જાય - આને ખર ઉપરથી શું કહેવાય, ખબર છે? આ-ખર તારીખ.