મુંબઈમાં જ્યારે માણસ માણસને કરડેછે...
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
રવિવારની રજાને દિવસે પથુકાકાને ત્યાં સવારે ગુડ મોર્નિંગ કહી ગરમાગરમ ફાફડા ગાંઠિયા અને જલેબી ખાવા જવાનું મારૃં રૂટીન બની ગયું હતું. ગયા રવિવારે જેવો કાકાને ઘરે પહોંચ્યો અને (હો)બાળાકાકીને ટેન્શનમાં ફરતાં જોઈને મેં ગુડ મોર્નિંગ કહ્યું કે તરત જ કાકીએ જવાબ આપ્યો, 'ગુડ મોર્નિંગ નહીં , બેડ મોર્નિંગ બેડ મોર્નિંગ...'
મેં નવાઈ પામી પૂછ્યું, 'કેમ બેડ મોર્નિગ કહો છો?'
કાકી બોલ્યાં, 'તારા કાકાને ઠીક નથી એટલે બેડમાંથી ઉઠયા નથી એટલે કહું છું બેડ-મોર્નિંગ. હવે સમજાયું?'
મેં કહ્યું, 'તો કાકાને ઉઠાડો તો ખરા? તબિયત નરગમગરમ હોય તો દવાખાને લઈ જઈએને?'
મારી વાત સાંભળી કાકી ધસમસતા બેડરૂમમાં ગયા અને ઘોઘરા સાદે ગાવા માંડયાં;
'ચરણ ચાંપી મુખ મરડી
નાગણે નાગ જગાડીયો...'
ગાતાં ગાતાં ચાદર ખેંચીને કાકાને ઘઘલાવીને ઊભા કર્યા. પછી મને સાદ કર્યો, 'હવે આવ અંદર.'
મેં અંદર જઈને જોયું તો કાકાનું મોઢું જરાક મરડાઈ ગયું હતું અને ડાબી આંખમાંથી પાણી વહેતું હતું.મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ , 'કાકા... આ શું થયું?'
કાકા જવાબ આપે એ પહેલાં કાકી બોલ્યાં, 'તારા આ કાકા અણગમતા માણસોને મોઢું મરડતા હતા, તને ખબર છેને? પણ કાલે રાત્રે અચાનક ફેસિયલ પેરેલિસીસની અસરને લીધે એની મેળે મોઢું જરાક મરડાઈ ગયું છે. હવે સવારે દસ વાગ્યે સરકારી હોસ્પિટલમાં લઈ જવા પડશે. તારે ભેગા આવવાનું છે.'
હું ફટાફટ તૈયાર થઈ ગયો અને કાકા- કાકીને લઈને રિક્ષામાં સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયો. સરકારી દવાખાનાનું ખાતું કેવું હોય છે એ તમે જાણો છોને? સારવારમાં વાર કરે અને સારવારમાં જરાય સાર ન હોય. હોસ્પિટલના મુખ્ય હોલમાં જુદી જુદી બીમારીવાળા દરદીઓની લાઈન લાગી હતી. અમેય બેઠા લાઈનમાં. થોડી વારમાં હોસ્પિટલના કર્મચારી જેવા દેખાતો વર્દીધારી માણસ મોટેથી બૂમ પાડીને એક પછી એક દરદીઓને બોલાવવા માંડયો; 'બોલો કૂત્તે... ધીરે ધીરે આગે આવ... ચૂહે કિતને હૈ? આગે આવ... બિલ્લી... આગે આવ...'
આ સાંભળીને અમે તો વિચારમાં પડી ગયા કે આ શું? કૂતરા-બિલાડા-ઉંદર... કોને આગળ આવવાનું કહે છે? અમે ત્યાંના ઉંમરલાયક ચોકીદારને પૂછ્યું કે આમ કેમ સાદ દે છે આ કર્મચારી?
બુઢ્ઢા ચોકીદારે કહ્યું, 'કૂતરા કરડયા હોય તેની જુદી લાઈન છે, બિલાડી કરડી હોય એની જુદી લાઈન છે અને ઉંદર ફૂંકી ફૂંકીને કરડયા હોય એની જુદી લાઈન છે. સરકારી હોસ્પિટલમાં આ બધાને મફત સારવાર અપાય છે એટલે એવી લાંબી લાઈન લાગે છે કે વાત ન પૂછો . હવે પચાસ-પચાસ અને સો-સો પેશન્ટની લાઈન લાગી એમાં આખું વાક્ય બોલીએ કે 'કૂતરા કરડયા હોય એ આગળ આવે...', 'બિલાડીએ બચકું ભર્યું હોય એ આગળ આવે...', 'ઉંદર કરડયા હોય એ આગળ આવે...' તો તો સાંજ પડી જાય છતાં આરો ન આવે. એટલે ટૂંકમાં આ રીતે સાદ દઈને બોલાવીએ છીએ. દરદી અંદર જાય, ડોકટર હડકવા વિરોધી રસીના ઈન્જેક્શન આપે અને જરૂર હોય તો ફટાફટ પાટાપિંડી કરીને રવાના કરી દે. હવે સમજી ગયાને?'
હજી તો આ વાત પૂરી થઈ ત્યાં ંએક લોહીલુહાણ હાથવાળા જખમીને લઈ એક ભાઈ અંદર આવ્યા. ચોકીદારે પૂછ્યું કે આ શખસને હાથે કયું પ્રાણી કરડયું છે? પેલા ભાઈએ જવ ાબ આપ્યો, 'અરે, આને કોઈ પ્રાણી નથી કરડયું, આ તો પાકિસ્તાન જેવા વસમા પાડોશી સાથે સવારે પાણીની બાબતમાં ઝઘડો થયો ત્યારે વાત વધુ વણસતા કરડકણા પાડોશીએ હાથમાં બચકું ભરી લીધું એટલે સારવાર માટે આવ્યા છીએ.'
તરત જ તેને પ્રાથમિક સારવાર અને કોઈ ઈન્જેકશન આપીને રવાના કરવામાં આવ્યા. જમાનાનો ખાધેલ બુઢ્ઢો ચોકીદાર બોલ્યો, 'કયા જમાના આયા હૈ! આદમી આદમી કો કાટતા હૈ...'
આ સાંભળી કાકાએ વાંકા મોઢે ટકોર કરી,' આની પહેલાં માણસોને પ્રાણી તરીકે સંબોધીને કર્મચારીઓ બોલાવતા હતા એ બરાબર જ હતું. માણસ ઉઠી માણસને કરડે એ કેવુંપાશવી લક્ષણ કહેવાય!'
દરમિયાન કોઈ મોટા ડોકટર આવ્યા એટલે અમે કાકાને કેબિનમાં દેખાડવા માટે લઈ ગયા. મેં ડોકટરને માણસને માણસ કરડયો એ ઘટનાની વાત કરી. ત્યારે ડોકટરે ફોડ પાડયો, 'છેલ્લાં ચાર મહિનામાં અમારી હોસ્પિટલમાં માણસને કૂતરા કરડવાના લગભગ હજારથી વધુ, બિલાડી કરડવાના લગભગ ત્રણસો અને ઉંદર કે વાંદરાએ બચકાં ભર્યા હોય એવા કેટલાય કેસ નોંધાયા હતા, પણ અમનેય સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે માણસ માણસને કરડયા હોય એવાં બે-બે કેસ નોંધાયા હતા, બોલો!'
ંકાકાને હજી તો ફેસિયલ પેરેલિસીસની થોડીક અસર જ હતી એટલે મોટા ડોકટરે દવા અને ઈંજેકશન લખી આપ્યાં અને જરાક વાંકુ થયેલું મોઢું સીધું થઈ જાય એ માટે ચહેરાની એક્સરસાઈઝ કરવાની સલાહ આપી.
અમારી ત્રિપુટી હોસ્પિટલની બહાર નીકળી. જ્યારે રિક્ષામાં બેઠા પછી પથુકાકાએ હળવાશથી કાકીને કહ્યું, 'મુંબઈમાં માણસ ઉઠી માણસને કરડવા માંડયા છે એ તે નજરે જોયુંને? હવે તું મને કારણ વિના વચકડા ભરતી નહીં હો! નહીંતર મારેય સરકારી હોસ્પિટલમાં ફરી સારવાર માટે આવવું પડશે, સમજીને?'
અંત-વાણી
જૂતે ઔર કૂત્તે પહેલે
ચાટતે હૈં, ફિર કાટતે હૈ.
** ** **
પરદેશમાં દરદીને સૂંઘીને રોગ પારખે એવાં સૂંઘણશી શ્વાનની ડિમાન્ડ છે.
ટૂંકમાં, ડોકટર કરતાં વધુ ફી વસૂલ કરે છે આ 'ડોગ-ટર.'
** ** **
હસે એનું ઘર વસે,
ભસે એનાંથી સહુ આધા ખસે.
** ** **
ભસતા શ્વાન કરડે નહીં,
હસતા ઈન્સાન મોઢું મરડે નહીં.
** ** **
સ; લોકો મ્યુઝિક ટ્રેક સાથે ગાય તેને કરાઓકે કહેવાય, એમ કોઈ ઘરમાં પાળેલા શ્વાન મ્યુઝિક સાથે સૂરમા ભસે (ભસમા-સૂર) તેને શું કહેવાય?
જ; કરડાવકે.