For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તનની અને મનની નિવારો શંકા તો દુઃખના વાગે નહીં ડંકા

Updated: Jan 10th, 2023

Article Content Image

- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

પથુકાકા  એકદમ અપટુડેટ તૈયાર થઈ પરફયુમ છાંટી હાથમાં વોકિંગ સ્ટીક લઈ બહાર નીકળવાની તૈયારીમાં  હતા. હાથમાં વોકિંગ સ્ટીક અને કાકાને આખો દિવસ ટોક ટોક કરી સોટી દેખાડી સીધાદોર  રાખતી એમની ટોકિંગ-સ્ટીક એટલે કાકી ખુરશી ઉપર બેસી બરાબર કાકાની હિલચાલ પર નજર રાખતા હતા. 

પથુકાકાએ ઊંબરો વટાવ્યો ત્યારે (હો) બાળાકાકીએ  ગળું છૂટ્ટું મેલીને  લલકાર્યું 'તું જહાં જહાં ચલેગા મેરા સાંયા સાથ હોગા તું જહાં... જહાં ચલેગા...

આ ગીત સાંભળીને મેં  કાકાને કહ્યું 'જુઓ તો ખરા? આ ઊંમરે પણ કાકીને તમારી  તરફ કેવો પ્રેમ છે? તમારી  પાછળ પડછાયાની જેમ રહેવાનું  ગાણું ગાય છે. તું  જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા... આને કહેવાય પ્રેમ...'

પથુકાકા વોકિંગ-સ્ટીક પછાડી બોલ્યા કે કાકીને મારી તરફ પ્રેમ નહીં વ્હેમ છે એટલે ગાય છે તારી કાકીને કાયમ એવી શંકા રહે છે કે  અમારી સિનિયર સિટીઝનની કલબમાં હું જ્યારે બનીઠનીને  જાઉં ત્યારે કોઈ ડેશિંગ ડોશી સાથે છાનગપતિયાં  કરીશ, એટલે દર દસ મિનિટે  મને મોબાઈલમાં ફોન કરી કરી ટ્રેક રાખે છે કે હું શું કરૂં છું. એટલે તારી (હો) બાળાકાકી ગાય છે તું જહાં જહાં  ચલેગા મેરા સાંયા સાથ હોગા...'

મેં કહ્યું 'કાકા આ ઊંમરે  શંકા કરવાની હોય?' પથુકાકાએ જવાબ આપ્યો કે  શંકાને કોઈ ઊંમર થોડી  જ નડે છે? એમાંય જ્યારે તારી કાકી મારા ભૂતકાળના અપલખણ જાણતી હોય ત્યારે પછી શંકા તો કરે જ ને? માય નેમ ઈઝ લખન... મારા ઊંઘા લખણ...'

અમે રસ્તે ચાલતા  જતા હતા ત્યાં  સરસ મજાના ટાઈલ્સ લગાડેલી કોટેજ જેવી જગ્યાની  ઊપર લખ્યું હતું ઃ વાતાનુકૂલિત શંકા નિવારણ કેન્દ્ર. મેં  કાકાનું આ લખાણ તરફ ધ્યાન દોરી કહ્યું કે જુઓ તો ખરા? હમણાં જ આપણે કાકીના શંકાશીલ સ્વભાવની વાત કરતા હતા  ત્યાં જ આ નવું બંધાયેલું  વાતાનુકૂલિત  શંકા-નિવારણ કેન્દ્ર નજરે પડયું, આને કહેવાય સંયોગ. તમે કાકીને લઈને હવે આ શંકા-નિવારણ કેન્દ્રમાં આવજો, એટલે એમના મનની બધી શંકાનું નિવારણ થઈ જશે.'

મારી વાત સાંભળતા પથુકાકા મને એક ધબ્બો મારીને બરાડયા 'અરે મૂરખ જરા ધ્યાનથી જો તો ખરો? અમારા ઘરમાં ટોઈલેટ છે છતાં  તારી કાકીને બહાર ટોઈલેટ જવા માટે લઈ જાઉં? આ શંકા-નિવારણ કેન્દ્ર એટલે લઘુશંકા અને ગુરુશંકાનું નિવારણ કરવા માટે સુધરાઈએ લાખો રૂપિયા ખર્ચીને સાર્વજનિક શૌચાલય બાંધ્યું છે, અને ગુજરાતી ભાષાના પ્રેમીએ સુંદર નામ આપી  દીધું છેઃ વાતાનુકુલિત શંકા નિવારણ કેન્દ્ર.'

મેં કહ્યું 'કાકા તમને નથી લાગતું કે સંસારની પીડાના મૂળમાં શંકા છે?' માથું ધુણાવી હકરામાં જવાબ આપતા કાકાએ કહ્યું શંકાશીલ પતિ હોય કે પછી શંકાશીલ પત્ની હોય ત્યારે પછી  પ્રેમની બાદબાકી  અને વ્હેમનો સરવાળો જ થાય છે એટલે જ હું કાયમ કહું છું કે  મનની શંકા હોય કે તનની શંકા હોય, જેમ  બને તેમ  વહેલું શંકાનું સમાધાન કરી નાખો તો જ રાહત થાય.'

મેં કહ્યું 'તનની શંકા એટલે કુદરતી હાજત અને મનની શંકા એટલે કુદરતી આદત.'

કાકા કહે  ઓલું ભજન છેને? શંકા-કુશંકાના ઝેર જેણે પીધા રે... એણે સુખ-શાંતિ છોડી દીધા રે... ટૂંકમાં શંકાનું ઝેર મારે અને શંકાનું સમાધાન તારે.'

મેં કહ્યું કે ' નાની અમથી શંકા એટ લે લઘુ-શંકાનું જો  સમયસર નિવારણ ન કરો તો ધીમે ધીમે મોટી શંકા એટલે ગુરુશંકામાં ફેરવાઈ જાય છે, બરાબર કે નહીં?'

ખોંખારો ખાઈને કાકાએ એક લંપટ ગુરુઘંટાલ પકડાયેલા એનો ઉલ્લેખ કરીને  કહ્યું કે અત્યારે ધરમને નામે ચાલતા ઢોંગ-ધતિંગની વચ્ચે ગાલાવેલા બૈરાઓને  ભોળવી કેટલાય ગુરુઘંટાલો ગડબડ ગોટાળા કરી ફસાવતા હોય છે. પછી ભાંડો ફૂંટે ત્યારે આવા  ગુરુના આશ્રમસ્થાન ગુરુના આ-શરમસ્થાન બની જાય છે. એટલે આંધળોપાટો રમતા હોય એ રીતે આંખે પાટા બાંધીને ગુરુને  ન પકડો. કોઈ પણ ગુરુને પકડતા પહેલાં તમામ શંકાનું સમાધાન થાય પછી જ ગુરુ બનાવો. ગુરુકહે  એ નંગ પહેરવાને  બદલે ગુરુ પોતે નંગ છે કે નહીં એ તપાસો. તો પછી આગળ જતા પસ્તાવાનો વખત નહીં આવે. એટલે જ કહું છું ઃ

નારી આગળ વધે શકથી

અને દેખાડે નારી-શકથી

તો આગળ જતા પુરવાર

કરશે નારી-શક્તિ.

મેં કહ્યું કાકા તમને ખબર છે? અત્યારે તો  જાદુ-ટોણા, મંત્ર-તંત્ર, દોરા-ધાગા કરવાવાળા બંડલબાજ બાબાઓ ઠેર ઠેર સ્ટીકરો, પોસ્ટરો, ફલક ધણી-ધણિયાણી વચ્ચેની શંકાનું  સમાધાન કરી આપશું, ઘરકંકાસનો ઉકેલ લાવશું, વગેરે... વગેરે... શંકાના સમાધાનના બહાને પૈસા પડાવનારા કેવાં હાલી મળ્યા છે?'

પથુકાકાને યાદ આવતા બોલ્યા 'થોડા વખત પહેલાં આપણી સોસાયટીમાં  એક અલ્ટ્રા મોડર્ન  કપલ ભાડેથી રહેવા આવેલું હસબન્ડ મોટી બેન્કમાં મેનેજર  અને વાઈફ કોર્પોરેટ કંપનીની ઓફિસર. એકદમ હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ. આખો દિવસ કિટી પાર્ટી અને કોકટેલ પાર્ટીમાં  જાય. એમાં વાઈફના મનમાં શંકાનો કિડો સળવળી ઉઠયો કે  તેનો વર બેન્કની એક યુવતી સાથે ઈલુ... ઈલુ કરતો લાગે છે. એટલે હસબન્ડની હિલચાલ પર નજર રાખવા તેણે પ્રોઈવેટ લેડી ડિટેકટીવની  મદદ લીધી. એકદમ સ્માર્ટ લેડી ડિટેકટીવ  હસબન્ડને  ફોલો કરે. કોની સાથે હળે મળે છે, લંચ ટાઈમમાં કોને સાથે લઈને હોટેલમાં જાય છે,  ઓવરટાઈમ કરવાને બહાને ટાઈમ-ઓવર થયા પછી ક્યાં રોકાય છે તેની ઝીણામાં ઝીણી વિગતની નોંધ  કરે. આમને આમ લગભગ દોઢેક મહિના સુધી  લેડી  ડિટેકટીવનું  કામ ચાલ્યું.'

મેં અધીરાઈથી પૂછયું કે પછી  શું થયું? કાકા બોલ્યા 'હસબન્ડ એ લેડી ડિટેકટીવને  લઈને જ ભાગી ગયો.' મારાથી બોલાઈ ગયું કે'શંકાના જ્યાં વાંગે ડંકા ત્યાં પછી સળગે લંકા.'

કાકાનો જવાબ સાંભળી મેં કહ્યું આ  કિસ્સો સાંભળી મને વિચાર આવ્યો કે  લટકી પડેલી શંકાશીલ વાઈફે પોતાની દાસ્તાન સુણાવતી ફિલ્મ બનાવીને  'મેરા સાંયા'ને બદલે શું ટાઈટલ આપવું જોઈએ ખબર છે? 'મેરા-ફસાયા'

ખડખડાટ હસીને પથુકાકા બોલ્યા શંકાશીલ પુરૂષ કે સ્ત્રી ભારતમાં જ થોડા હોય છે? દુનિયા આખીમાં હોય છે. હમણાંપરદેશનો કિસ્સો કોઈ છાપામાં વાંચ્યો.  એક શંકાશીલ પણ  એકદમ ચાલાક  મેડમને એવી  શંકા ગઈ  કે એનો મરદ કોઈ બીજી ગોરીને દિલ દઈ બેઠો લાગે છે. પતિ આડે રસ્તે  જાય છે કે સીધે રસ્તે એ જોવા એણે શું કર્યું ખબર છે? કોઈ ડ્રોન-ઓપરેટરનો કોન્ટેકટ કર્યો અને  કહ્યું કે  તેનો હસબન્ડ ઓફિસ જવા નીકળે ત્યારે ડ્રોન ઉડાડી ટ્રેક રાખવાનો અને ડ્રોનમાંથી વિડિયો ઉતારવાનો. ડ્રોન ઓપરેટરે  કોન્ટ્રેકટ મુજબ કામગીરી શરૂ કરી દીધી.  બીજે જ દિવસથી  તેણે ગોરી  મેડમને  રિપોર્ટ આપવા માંડયો કે  તેનો હસબન્ડ ઓફિસ જતા પહેલાં કોઈ  યંગ લેડીને ઘરેથી પીક અપ કરે  છે અને પછી  સીધા બીચ ઉપર ચમનિયા કરવા ઉપડી જાય છે. બન્ને બીચ ઉપરઃ તેરે મેરે 'બીચ'' મેં કૈસા હૈ યે બંધન અન્જાના... એવાં ભાવવાળું ગીત લલકારતા દરિયામાં  ધુબાકા  મારે છે.'

મેં અધીરાઈથી  પૂછયું કે 'પતિનો આ બીચ રિપોર્ટ સાંભળી લેડીએ શું રિએક્શન આપ્યું ?' કાકા કહે 'કાળઝાળ થઈ ગયેલી  લેડીએ ધણીનો બીચ રિપોર્ટ મેળવી અંગ્રેજીમાં  ગાળ આપી યુ સન ઓફ બીચ... અને પછી ડ્રોન ઉડાડનારા  'ડ્રોના-ચાર્ય'ના હાથમાં  હાથ પરોવી  ધણીને પડતો મૂકી  બિન્ધાસ્ત ચાલી  નીકળી.  કહે છે ને કે જેવા સાથે તેવા, સખણા રહો તો મેવા નહીંતર તારે ને મારે શું લેવા દેવા.'

હું અને કાકા બેઠાબેઠા શંકા-કુશંકાની  વાતો કરતા હતા એ વખતે ટીવીમાં જાણીતું  ભજન કાને પડયું ઃ ચદરિયા જીની રે જીની... મેં કહ્યું પથુકાકા આમાં  શંકા ન કરવાની એક કડી એવી છે ચાદર ઓઢ શંકા મત કરીઓ... એટલે પરસ્પર વિશ્વાસ અને પ્રેમની ચાદર ઓઢયા પછી શંકા ન કરો, કેવો સુંદર ભાવ છે?'

કાકા બોલી ઉઠયા ઓ...હો... હો... આવો અર્થ થાય એ  ખબરનહીં. મને તો એમ કે અગાઉના વખતમાં આજની જેમ ઘર ઘરમાં  શૌચાલયો નહોતા ત્યારે લોટા લઈ સહુ સીમમાં જતા. શિયાળામાં  ચાદર ઓઢી હોય. કોઈ વેટમાર્ગુ પસાર થાય ત્યારે ચાદરથી મોઢું ઢાંકી દે એટલે  ઓળખાય નહીં. ચાદર  ઓઢીને ગુરુશંકા નિવારણનું  કામ ચાલુ જ રાખે. આ જોઈને મને એમ કે લખાયું હશે કે ચાદર ઓઢ ''શંકા'' મત કરિયો...

અંત-વાણી

સઃ શક કર્યા કરે એને જોઈ કયું કંદમૂળ યાદ આવે?

જઃ શક્કરિયા (શક-કરિયા)

શંકાશીલ પત્નીને કહેવાય શકીલા એની સામે ટકી રહે એવા ધણીને કહેવાય ટકીલા.


Gujarat