- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
જેટ પ્રવાસીને ઉડાડે, બજેટ પૈસા ઉડાડે. જેટને પાંખ હોય બજેટ પર સૌની આંખ હોય. જેટને પક્ષીનું નડતર અને બજેટને વિ-પક્ષીનું નડતર. જેટ માટે ઈંધણ જરૂરી અને બજેટ માટે ઈ-ધન જરૂરી.
જેટ યુગમાંથી બ-જેટ યુગમાં પ્રવેશ કરતા મેં પથુકાકાને સવાલ કર્યો, 'કાકા... આપણાં નાણામંત્રી નિર્મલા સીતારામને ગયે અઠવાડિયે નવમી વાર બજેટ બનાવી સંસદમાં રજૂ કર્યું એ જોયુંને? આને કહેવાય નારી તું નારાયણી...'
મારી વાત સાંભળતાંની સાથે જ પથુકાકા જરા મોં મચકોડીને બોલ્યા કે મહિલા નાણાંમંત્રીએ નવ વાર બજેટ બનાવ્યું એમાં શું મોટી વાત છે? ભલભલાને મંત્રી નાખે એવી મારી ઘરવાળી તો પરણ્યો ત્યારથી એટલે લગભગ ચાર દાયકાથી ઈ જ ઘરનું બજેટ બનાવે છે એની તને ખબર નથી? એટલે જ નાણાંનો પાઈ પાઈનો હિસાબ રાખતી તારી કાકીને હું કાયમ કહું છું કે નારી તું 'નાણાંયણી.'
કાકાના મોઢે પહેલી વાર પોતાના વખાણ સાંભળતાની સાથે જ રસોડામાંથી બહાર આવીને (હો)બાળાકાકી બોલ્યાં, 'આપણને મન કી બાત ન આવડે, આપણને તો ધન કી બાત આવડે. બાકી તારા કાકા તો છેલ્લા નવ બજેટ વખતે એકનું એક જોડકણું સંભળાવે છે-
નારી કભી ના હારી,
કરથી ને 'કરથી' ધન ભેગું
કર-નારી,
નારી કાં પૈસા ઉડાડ-નારી
નારી કાં પૈસા બચાવ-નારી.
મેં કાકીને પૂછયું, 'તમે દર મહિને ઘરનું બજેટ બનાવો છો એ તો જાણે સમજાયું, પણ આ પથુકાકા નિવૃત્ત થયા પછી પેન્શન મેળવીને જ બેઠા રહે છે કે પછી કોઈ કામંધંધો કરે છે?'
મારો સવાલ સાંભળી કાકી ખડખડાટ હસીને બોલ્યાં, 'તારા કાકા એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરે છેને?' મેં નવાઈ પામી પૂછ્યું, 'શું વાત કરો છો? શું એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરે છે?' કાકા ફરી દાંત કાઢી બોલ્યા, 'પેન્શનના પૈસા ખલાસ થવા આવે ત્યારે કડકીમાં કાકા મને પિયર એક્સપોર્ટ કરી દે છે, પછી જ્યારે પેન્શનના અને વ્યાજે મૂકેલા પૈસાનું વ્યાજ આવે ત્યારે મને ઈમ્પોર્ટ કરે છે. આમ એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ચાલ્યા કરે, બીજું શું?'
મેં પૂછ્યું, 'શેરમાં રોકાણ કરે છે કે નહીં કાકા?' ચાલાક કાકી બોલ્યાં, 'અરે મારા ભાઈ, બજેટ પછી શેરબજારમાં કેવો કડાકો બોલી ગયો જોયુંને?આ કડાકો બોલી ગયો એ જોઈને જ તારા કાકા બોલી ઉઠયા કે પૈસાની તંગી વર્તાય ત્યારે સાસરે (બે-ચાર મહિના) રોકાણ કરવું, પણ શેરમાં ક્યારેય રોકાણ ન કરવું.'
કાકાએ આ સાંભળતાની સાથે જ જોડકણું ફફડાવ્યું-
'રોકાણની જ છે ખરી મોકાણ,
જાળવીને રોકાણ કરવાનું જાણ,
નહીંતર જીવતા જગતિયાને બદલે
જીવતે જીવ યોજાશે કાણ.'
મેં કહ્યું, 'ડાયરામાં કોઈ લોકગાયક સારૃં ગાય ત્યારે શ્રોતાઓ ઊભા થઈ થઈને નોટનો વરસાદ વરસાવે છે એ તેમ જોયું છે?'
કાકા બોલ્યા, 'જોયું છેને? લોકગાયક સારૃં ગાય ત્યારે તેની ઉપર ઘોળ કરીને નોટ વરસાવવામાં આવે છે... પણ આપણી સરકાર પણ આવું જ કરે છેને? બજેટ વખતે ભલે આમ જનતાને સહાય નહીં કરે, પણ જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી આવશે ત્યારે વોટ ખંખેરવા માટે નોટ વરસાવશે નોટ ડાયરામાં લોકગીત અને ચૂંટણીના 'દાયરા'માં લોકશાહી ગીત-ડાયરામાં ગાયક લલકારેઃ એજી... રે એજી ....રે અને ચૂંટણી વખતે વોટ ઉસેડી લેવા નોટ વરસાવવાની તેજી... રે તેજી...રે...'
મેં કહ્યું, 'કાકા, આ દેશમાં નોકરિયાતોનો મરો છે હો? નોકરિયાતો કર ભરે અને કરચોરો ઘર ભરે. એમાં આપણા જેવા મિડલ કલાસવાળા જીવે કે મરે?'
પથુકાકા બોલ્યા, 'આ વખતે તો આવકવેરામાં પણ ક્યાં નિર્મળાબાએ રાહત આપી? નોકરિયાતોની દશા જોઈને મને તો લોકગીત યાદ આવે છે કેઃ બેડાં મારા ભરૃં ભરૃંને તોય ખાલી... ખરેખર તો જે ધીંગી કમાણી કરતા હોય તિજોરી ભરતા હોય કરચોરી કરતા હોય એની પાસેથી સરકાર વધુ કર કેમ નહીં ખંખેરતી હોય? નોકરિયાતો બિચ્ચારા નોેકરી કરી કરી અને કર ભરી ભરી સાવ હળવા (ખાલી) થઈ કરે હરી... હરી...'
મેં કહ્યું, 'નોકર શબ્દને તમે ગુજરેજીમાં એટલે ગુજરાતી અને અંગ્રેજીમાં વાપરો તો શું અર્થ થાય, ખબર છે? નો-કર એટલે નોકરી કરે એને નો-કર, કર ભરવો ન પડે.પણ આપણા દેશમાં તો હિંગ્લિશમાં કહીએ તો 'ઈન-કમ' એટલે આવક ઓછી ઘરમાં આવે અને કર ભરીને કડાકા બોલી જાય, રોજ સવારે ઉઠીને કરદાતા સવારમાં કેટલો કર ભરવાનો છે એ જ યાદ કરીને શ્લોક ગણગણેઃ પ્રભાતે 'કર' દર્શનમ્...'
પથુકાકા બોલ્યા, 'જો કર ભરે વહ જો-કર... હા-હા-હા... જો કર ના ભરે વો નો-કર... વહ તો જલ્સા કર કે જાગકર (ટીવીમેં) દેખતા રહે સો-કર (ફૂટબોલ) હા-હા-હા...'
મેં કહ્યું, 'અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કારસેવકોએ કરેલી કારસેવા જ્યારે આપણા દેશના લોકશાહીના મંદિરમાં નોકરિયાત કરદાતાઓ પહેલેથી જ કરે છે કર-સેવા...'
મારી વાત સાંભળીને પથુકાકા આખી વાતની ગાડી હળવા હાઈવે ઉપર વાળતા બોલ્યા, 'તને ખબર છે?મહારાષ્ટ્રમાં તો અટકની પાછળ પણ કર લાગે છે?'
મેં નવાઈ પામી પૂછ્યું, 'એે વળી કેવી રીતે?'
પથુકાકાએ ખોંખરો ખાઈને જવાબ આપ્યો, 'તું નામ અને અટક સાંભળ. સચિન તેન્ડુલ-કર, દિલીપ વેંગસર-કર, સુનીલ ગાવસ-કર, માતોંડ-કર, માંજરે-કર, પાટે-કર વગેરે વગેરે. આમ કૈંક અટકની પાછળ કર-કર લાગે છે એટલે આવી કરકરિયાવાળી અટક બની જાય છે.'
મેં હળવાશથી પૂછયું, 'સરકારી આ બધી અટકોને કરમુક્તિનો લાભ આપે તો શું થાય?'
કાકા બોલ્યા, 'કરમાફી મળે એટલે કર નીકળી ગયા પછી શું થાય, ખબર છે? કરમુક્ત એટલે કંઈક આવી થઈ જાય તેન્ડુલ, વેંગસર, ગાવસ અને માંતોંડ વગેરે વગેરે... બરાબરને?'
નામની પાછળ લટક મટક ચાલતી અટકની વાતે ચડેલા કાકાને મેં ફરી સવાલ કર્યો, 'મારી જેવા નોકરિયાત માણસો નોકરી કરી તૂટી મરે અને પગારમાંથી મરી મરી કર ભરે એને માટે કંઈ અટક એકદમ ફિટ બેસે?'
પથુકાકા બોલ્યા, 'એને માટે એક જ અટક ફિટમફિટ બેસેઃ કર-મર-કર. આનો સીધો અર્થ થાય આખી જિંદગી નોકરી કર અને મરી મરી કર ભર, કરમરકર.'
અંત-વાણી
આપણે જેમ મુંબઈવાસી કહીએ તેને મરાઠીમાં મુંબઈકર કહે છે. 'કર'ના જુદા જુદા કેટલા અર્થ થાય છે? કર એટલે હાથ, કર એટલે વેરો અનેે કર એટલે જે-તે ગામના વાસી. આના પરથી સાંભળો મુંબઈમાં વસતા કરદાતાનું નાનકડું ગીત-
મીં મુંબઈ-કર, મીં મુંબઈકર,
ક્યાંક ઘરના ઘર, ક્યાંક ઘરમાં ઘર,
મીં મુંબઈ-કર મીં મુંબઈકર,
જ્યાં ઘડીને કાંટે હરફર હરફર
જ્યાં ઘડી-ઘડી કર-ભર કર-ભર
કરના ચક્કરમાં બસ ફર-ફર
મીં મુંબઈ-કર મીં મુંબઈકર.
***
કરચોરી કરે તેણે દંડ ભરવા તૈયાર રહેવું પડે છે. રાજ કપૂરે 'ચોરી ચોરી' ફિલ્મ બનાવી હતી, આજે કરચોરો ઉપર કોઈ ફિલ્મ બને તો કયું ટાઈટલ ફિટ થાય ખબર છે? 'કર-ચોરી કર-ચોરી.'
***
પેટ અને રેટ
વધ્યા પછી ઘટે નહી
***
'રૂપ કી રાની ચોરોંકા રાજા' ફિલ્મ પરથી એક ભેજાબાજે સોશિયલ મિડીયામાં આપણાં નાણાંમંત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો મૂકી નવું ટાઈટલ મૂક્યું ઃ 'ટેક્સ કી રાની, ટેરિફ કા રાજા'.
***
કરદાતા કર ભરે,
કરચોરો ઘર ભરે.


