- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી
ભાગ્યશાળીના ભાગ્યમાં ભજિયા અને કરમના ફૂટેલાના નસીબમાં કાયમ કજિયા. બડભાગીના નસીબમાં પતિવ્રતા અને કમભાગીના નસીબમાં આપત્તિવ્રતા. અગ્નિની સાક્ષીએ પરણનારા વહેલામોડા દાઝેય ખરા. સંસાર ત્રિઅંકી નાટક સમાન છે. પ્રેમમાં પડે ત્યારે છેડછાડ, પ્રેમમાં પડયા પછી પરણે ત્યારે છેડાછેડી અને પછી જતે દિવસે સંસારની ગાડી પાટા પરથી ખડે એટલે છૂટાછેડા. આમ છેડછાડ, છેડાછેડી અને છૂટાછેડા આ ત્રિઅંકી નાટક રંગભૂમિ કે સંસારની તંગભૂમિ પર ભજવાતું હોય છે.
આપણા પથુકાકા અને એમના એકના એક (હો)બાળાકાકી વચ્ચે કાયમ ચકમક ઝરે. રેડિયો ચાલુ કરો ત્યારે આકાશવાણી સંભળાય એમ અદકપાંસળિયાં કાકા કાકીને એક ટોણો મારીને બેસી જાય એટલે પછી શરૂ થઈ જાય કાકીની કંકાસવાણી. પથુકાકા તો નિંભર થઈને મૂંગામંતર થઈ બેસી જાય એટલે પછી કકળાટ ક્વિન કાકી સંભળાવે કે 'બાઝતા નહોતું આવડતું તો પરણ્યા શું કામ?'
કાકીએ આ ટોણો માર્યો એ જ વખતે હું ઘરમાં દાખલ થયો એટલે જરાક હિંમત એકઠી કરી કાકા બોલ્યા ં, 'તારી વાત સાવ સાચી છે હો? મને બાઝતા નહોતું આવડતું એટલે પરણવું જ નહોતું જોઈતું, મેં ખોટા લગ્ન કર્યા હો!'
મેં કહ્યું, 'કાકા, ખોટાં લગ્નો તો આજે ટ્રેન્ડ શરૂ થયો છે તમને ખબર નથી?'
પથુકાકા નવાઈ પામી બોલ્યા, 'શું વાત કરે છે? ખોટા લગ્નનો ટ્રેન્ડ શરૂ થયો છે એનો મતલબ શું?'
મેં કહ્યું મુંબઈ, દિલ્હી, કલકતા જેવા શહેરોમાં ફેક વેડિંગ પાર્ટીઓ યોજાય છે. મોટી મોટી સ્ટાર હોટેલોમાં જુવાનિયાઓ અને જુવાનડીઓ ફેક વેડિંગ પાર્ટીમાં ઉમટી પડે છે. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અને ખરેખર જાણે લગ્ન પ્રસંગ હોય એમ સજીધજીને જાય છે. સ્ટેજ પર દુલ્હા-દુલ્હન બેસે છે. અષ્ટમપષ્ટમ વિધિ થાય છે અને પછી સહુ નશામાં ચૂર થઈ નાચી ગાઈને ફેક વેડિંગ માણે છે. ઘણી વાર તો આવી ફેક વેડિંગ પાર્ટીમાં ડ્રગ્સ પણ લેવામાં આવે છે. રાત્રે શરૂ થતી ફેક-વેડિંગ પાર્ટી સવાર સુધી ચાલે છે પછી આ જુવાનિયાઓ જુવાનડીઓ ડોલતાં ડોલતાં છૂટા પડે છે આને કહેવાય ફેક વેડિંગ.'
મારી વાત સાંભળી પથુકાકા બોલી ઉઠયા કે 'આ ફેક વેડિંગની મને એક વાત ગમી, કે બધાને ખબર જ હોય આ બનાવટી લગ્ન છે, બાકી આપણી જેવાં સાચ્ચે જ પરણીએ પછી બનાવટ થાય ભારે પડે, સાચું કે નહીં?'
મેં કહ્યું કાકા મને તો જૂની કવ્વાલી યાદ આવી ગઈઃ
બડે બેશર્મ હૈ
આશિક આજ કે
ઈનકો અપના બનાના
ગઝબ હો ગયા.
ટૂંકમાં સબકો અપના બનાના, પર અપનો કો ના બનાના.
પથુકાકા કહે કે આ ફેક વેડિંગ પરથી મને યાદ આવ્યું. આજકાલ મીડિએટીઓથી -મેલથી કે સોશ્યલ મીડિયા દ્વારા મોકલવાનો ટ્રેન્ડ છે, એ પ્રમાણે આ તારી કાકીના સગાના દીકરાની કંકોતરી મળી. એમાં મમ્મી-પપ્પા તરફથી આમંત્રણ આપતા લખવામાં આવ્યું હતું કે અમારા સનના 'વેલ્ડિંગ'માં પધારવા આપને આમંત્રણ આપીએ છીએ.
મેં હસીને પૂછ્યું કે 'ઓ...હો.. હો... વેડિંગનું વેલ્ડિંગ કરી નાખ્યું?' કાકા બોલ્યા કે 'વેડિંગને બદલે ભૂલથી વેલ્ડિંગ લખાયેલું એ થોડા દિવસ જતા સાચું પડયું. કારણ કે લગ્નના દોઢ મહિના બાદ જ પતિ-પત્ની વચ્ચે 'વેલ્ડિંગ' થયેલું એ તૂટી ગયું અને બન્ને છૂટા પડી ગયા. બોલો!'
મેં કહ્યું કે 'આજના મોડર્ન જમાનામાં ધણી-ધણિયાણી કેવાં વટથી એકબીજાની બનાવટ કરતા હોય છે? ટીવી પર આવતા રસોઈ શોમાં ઘણી વાર પૂછવામાં આવતું હોય છે કે તમારા હસબન્ડ માટે શું બનાવશો? ત્યારે કહેવાનું મન થાય કે હસબન્ડ માટે જે બનાવવું હોય એ બનાવજો, પણ હસબન્ડને ન બનાવતા બાકી તો બેઉ માણસ એકબીજાની બનાવટ થતી હોય છે, એટલે જ મનોમન ગાતા હોય છેઃ હમ 'બને' તુમ 'બને' એક દુજે કે લિયે...'
પથુકાકા બોલ્યા કે તારી વાત સાંભળી મને જોડકણું સૂઝ્યું ઃ
'બેઉ વટથી કરે બનાવટ
સંસારમાં ચાલે જૂઠ્ઠાણાની જમાવટ
ફટકા ખાઈને પણ સુધરે નહીં
જેને 'ફેક'ની ફેકટરી ચલાવવાની
હોય ફા-વટ.
મેં કહ્યું કે ,'જયારે એકમેકની બનાવટ પકડાય ત્યારે શરૂ થાય ઝઘડાની જમાવટ. એમાં ઘણી વાર મામલો પહોંચે પોલીસમાં કરવા પતાવટ, બરાબરને?'
કાકા છાપામાં ચમકેલા એક સમાચાર વાંચી બોલ્યા. 'પોલીસ પોતે જ લફરામાં ફસાય ત્યારે ઘરવાળીની ફટકાર સહન કરવી પડે છે, આમાં પોલીસ ક્યાંથી પતાવટ કરવાના?'
મેં પૂછયું,'કાકા. ક્યા કિસ્સાની વાત કરો છો?' પથુકાકા બોલ્યા . 'હમણાં જ એક રિટાયર્ડ પોલીસ અફસરના સમાચાર વાંચ્યા. પ્રોપર્ટીનેૈ મામલે પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની અને દીકરાઓએ મળી ફોજદારને દોરડેથી બાંધીને એવાં માર્યા કે અધમૂવા કરી નાખ્યા. એટલે ઓલી કહેવત છેને કે માર ખાધો પણ ફોજદારને જોયા એકક હેવત ફેરવીને કહેવી પડે કે માર ખાતા ફોજદારને જોયા...'
મેં કહ્યું. 'કાકા, સ્ટેશન પાસે એક નાની ઓફિસ ખોલીને બેસતા બાબા ગડબડશા યાદ છે? ઓફિસ ઉપર મોટા બોર્ડ પર લખેલું કેઃ ગૃહકંકાસથી મુક્તિ મેળવો, પત્નીના ત્રાસમાંથી છુટકારો મેળવો અને પ્રેમ સંબંધમાં ેનિષ્ફળતા ટાળો, બાબા ગડબડશાનું પહેરો તાવીજ અને મણકા, ક્યારેય નહીં આવે સંસારી સંબંધમાં સણકા.'
પથુકાકા બોલ્યા 'હા... હા... યાદ છેને? પાંચસો-હજારના તાવીજ અને મણકા લેવા માટે રીતસર લાઈન લાગતી, પણ એકાદ મહિનાથી બાબા ગડબડશા કેમ દેખાતા નથી?
મેં કહ્યું ,'કાકા, તમને ખબર નથી. બાબા ગડબડશાની કભારજા, કકળાટણી અને કંકાસખોર પત્નીએ એટલો બધો ત્રાસ ગુજાર્યો કે બાબા સંસાર છોડી બનારસ જઈ સાધુ બની ગયા બોલો. બીજાને ઘરકંકાસમાંથી છોડાવવાનો દાવો કરાવનારે ખુદ ઘર-સંસાર બધું છોડીને ભાગવું પડયુ,ં બોલો.'
પથુકાકા બોલ્યા આ ઓલા રાગાબાબાનો પણ આવો જ ખેલ જોવા મળે છેને? ભારત જોડો -ભારત જોડોના નારા લગાવે છે અને પોતાની પાર્ટી તોડતા જાય છે. આ ખેલ જોઈને કહેવું પડે કેઃ
ખોટા અને મોટા દાવા છોડો
જૂઠ્ઠાણાંથી નાતો તોડો
એક સાંધો ત્યાં તેર તૂટે છે
આવી દશામાં પાર્ટી બચાવવા
દોડો દોડો.
અંત-વાણી
ભાગ્યશાળીના ભાગ્યમાં ભજિયા
કમભાગીના ભાગ્યમાં કજિયા.
** ** **
રઝિયા સુલતાન રાજ કરે
કજિયા સુલતાન તા-રાજ કરે.
** ** **
ઘરને પાવન કરે પતિવ્રતા
ઘરને વન કરે આપત્તિવ્રતા.
** ** **
ધણિયાણીથી ઉઠે ધણધણી
એનું નામ પીડિત ધણી.


