- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
વેકેશન ગાળો હોય અને જો ફેમિલીને લઈને હરવા ફરવા ન જઈએ તો આખું વેકેશન ગાળો સાંભળવી પડે. વેકેશનમાં ટ્રેનની ટિકિટ ક્યાંથી મળે? આવી પરિસ્થિતિમાં મારા અને કાકાના કોમન ફ્રેન્ડના દીકરાના લગ્નમાં જવાનું આમંત્રણ મળ્યું. ગયા વગર છૂટકો નહોતો. કાકા બોલ્યા કે 'ટ્રેનની ઐસી તૈસી, આપણે રાજકોટ જવું છે ને તો પછી ચાલને લઘરી બસમાં જઈએ?' મેં કહ્યું કે 'લઘરી બસ ન કહેવાય એને લકઝરી બસ કહેવાય' કાકા બોલ્યા 'બસ... બસ... બસ ડાહ્યો થા મા ને ઓનલાઈન બુકિંગ કરાવી લે એટલે ચિંતા નહીં.'
હું અને કાકા એ.સી.ને બદલે દેશી લકઝરીમાં રાજકોટ જવા નીકળ્યા. રાત આખી ભાવમાં જેમ ઊછાળા આવે એ ખમવા પડે છે ને એમ અમે બસમાં ઊછાળા ખમતા ખમતા રાત વિતાવી સવારે કોઈ ગામ આવ્યું એટલે ડ્રાઈવરે એલાન કર્યું સહુ સવારની વિધિ પતાવી નાસ્તો- પાણી કરી લ્યો, બસ અડધો કલાક ઉભી રહેશે.
ડ્રાઈવરે આ એલાન કરી જેવો દરવાજો ખોલ્યા તેની સાથે જ એલાને જંગની જેમ સહુ શૌચાલય પર તૂટી પડવા દોડયા. કાકા સહુથી પહેલાં પહોંચી રખેવાળને પાંચ રૂપિયા વગર પૂછયે આપી જાજરૂમાં ઘૂસી ગયા. મને ધ્રાસ્કો પડયો કે કાકાને જૂનું કબજિયાત છે એટલે કેમેય કરી બહાર નહીં આવે તો પાછળવાળા લટકી પડશે. ખરેખર એવું જ થયું કાકા નીકળે જ નહીં.... નીકળે જ નહીં... શૌચાલયના રખેવાળે બારણા પર ડંડો પછાડી રાડ પાડી અબે ચાચાજી કિતની દેર હૈ? આ સાંભળી કાકાએ બારણાની નીચેથી પાંચ રૂપિયાનો સિક્કો સરકાવ્યો અને તાડૂક્યાં 'યે રખ લે ઔર મુઝે બૈઠને દે...' વળી પાંચ મિનિટ થઈ, કાકા જોર અજમાવ્યા કરે પણ ખુલાસો થાય નહીં એટલે દોઢ ડાહ્યો રખેવાળ ફરી ચિલ્લાયો ચાચાજી ઈતના જૌર પોલિટિકસમે લગાતે તો કમોડ કી જગહ કોઈ અચ્છી ચેર પે બૈઠે હોતે.... ચલો નીકળો બાહર... કાકાએ ફરી નીચેથી દસનો સિક્કો સરકાવ્યો... આમને આમ પંદર મિનિટે પરસેવે રેબઝેબ થઈ કાકા રાહતના ભાવ સાથે ગાતા ગાતા નીકળ્યા. 'ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા.... તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા...'
આવીને બસમાં બેસતા મેં કાકાને કહ્યું કે 'કાકા તમારી આ 'લઘરી' બસ ઊભી રહી ત્યારે સહુએ ટોઈલેટે તરફ દોટ મૂકી હતી બરાબરને? પણ હવે ટોઈલેટથી બસ દોડવા માંડી છે તમને ખબર છે?'
પથુકાકા બોલ્યા 'તું શું ટાઢાપ્હોરના ગપ્પા ઝીંકે છે? ટોઈલેટથી વળી કેવી રીતે બસ દોડે જરા સમજાવ તો ખરો?' મેં ખીસ્સામાંથી ગુજરાતી છાપાનું કાતરણ કાઢીને કાકા સામે ધરી કહ્યું કેઆ વાંચો શું લખ્યું છે? 'ઈંગ્લેન્ડમાં માણસની પોટીથી ચાલતી બસ શરૂ થઈ' બરાબરને? જાણે વાત એમ છે કે ઈંધણ અને ઉર્જાના વિકલ્પો શોધવા જાતજાતના નુસ્ખા શોધાઈ રહ્યાં છે. પણ બ્રિટનની એક કંપનીએ ડિઝલ કે પેટ્રોલથી નહીં માણસની પૉટીથી ચાલતી બસો દોડાવવાનું શરૂ કર્યું છે. આ બસને બાયોબસ નામ આપવામાં આવ્યું છે. માનવમળ સીવેજ ટેન્કમાં ભેગો થાય છે. મળ અને કચરો સડી જાય પછી એમાંથી બાયોમિથેન ગેસ બને છે. એ ગેસનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બોલો કાકા માણસની પૉટીથી બસ કેમ દોડે છે એ એ સમજાયું ને?'
પથુકાકા બોલ્યા 'મનેય જ્યારે પેટમાં બહુ ગેસ ભરાય ત્યારે ડોક્ટરની સલાહ મુજબ જોગિંગ કરું છું અને દોડુ છું. એટલે ગેસથી જો હું દોડી શકું તો પછી બસ તો દોડે જને? એમાં શું મોટી વાત છે?'
મેં કહ્યું 'કાકા થોડા દિવસ પહેલાં મેં તમને વાત કરી હતી યાદ છે? કે હવે માનવમૂત્રમાંથી એટલે યુરિન પાવરથી (યુ.પી.થી) મોટરો દોડતી થાય એવું અમેરિકામાં સંશોધન થયું છે?'
પથુકાકા બોલ્યા કે 'ઓલા માથાફરેલ ટ્રમ્પને કોઈ સમજાવોને કે ઓઈલ.... ઓઈલ... કરીને ભૂરાંટો થાય છે એના કરતા ભારતમાંથી ટેન્કરો ભરી ભરીને મળમૂત્ર લઈ જાય અને જતે દિવસે દરિયાની નીચે પાઈપલાઈન પણ ગોઠવે પણ ભાઈ લડાઈના ધૂમધડાકા બંધ કર તો સારું. હાજર સો હથિયાર એ કહેવત ફેરવીને કહેવાશે હાજત સો હથિયાર...'
શૌચાલય સેક્યુલર પાર્ટી
હમણા નવી કોકરોચ જનતા પાર્ટીનું નામ સાંભળ્યું વંદે વંદા પાર્ટી.આવી બેહિસાબ પાર્ટીઓ ફૂટી નીકળે છે. ઉનાળામાં અળાઈ ફૂટી નીકળે એમ આ પાર્ટીઓ ઉભી કરીને આ પાર્ટીબાજો જુદી જુદી પાર્ટીના 'પાર્ટીશન' ઉભા કરી દે છે.
આજના પાર્ટી પોલિટિક્સમાં વગર પાર્ટીઓ ક્યાં કોઈનો ગજ વાગે છે? ચૂંટણી આવે ત્યારે જુદી જુદી પાર્ટીના ઉમેદવારો નીકળી જ પડે છે. 'હમ કો ચૂનો... .હમકો ચૂનો.... કહેતા. નસીબજોગે આમાંથી કોઈ જીતે એટલે આપણને જ ચૂનો લગાવી ગાયબ થવાવાળા ઓછા નથી. હું તો એટલે જ આવી પાર્ટીઓથી દૂર રહું છું, પણ પથુકાકાને કોણ સમજાવે? એમને પોતાની પાર્ટી ઉભી કરવાનું કોણ જાણે ભૂત વળગ્યું.
ગઈકાલે સવારે કાકાના ઘર પાસેથી પસાર થયો ત્યારે નવી પાર્ટીનું બોર્ડ જોઈ હું નવાઈ પામી ઉભો જ રહી ગયો. મોટા બોર્ડ ઉપર વિવિધ ધર્મોના પ્રતીકો અને એક પાણી ભરેલા ડબલાના ચિત્ર સાથે લખ્યું હતં એસ.એસ.પી.
મેં કાકાને બૂમ પાડી બોલાવ્યા અને કાકા બહાર આવ્યા ત્યારે પહેલો સવાલ કર્યો કે આ એસ.એસ.પી.નો શું અર્થ થાય?
કાકાએ જવાબ આપ્યો કે એસ.એસ.પી. એટલે સેક્યુલર શૌચાલય પાર્ટી, હવે સમજાયું?
મેં માથું ધુણાવી ના પાડતા કહ્યું કે ના સમજાયું. આ વળી કઈ જાતની પાર્ટી ઉભી કરી છે?'
કાકા બોલ્યા સમજને વાલે સમજ ગયે હૈ ના સમજે વો ઈલાસ્ટિક (અ-નાડી નાડી વગરના) હૈ.... આ દેશમાં જાતિ અને ધરમને આધારે રાજકારણ ખેલાય છે છતાં બધા દાવો ધર્મનિરપેક્ષ પક્ષનો કરે છે. કોઈ એક ધર્મસ્થાનકમાં જાય કોઈ બીજા ધર્મસ્થાનકમાં જાય. પણ નાત, જાત, પ્રાંત કે ધર્મના ભેદભાવ વગર માણસ બે જ જગ્યાએ જાય છે, કાં મયખાનામાં અને કાં પાયખાનામાં હા... હા... હા... એટલે આપણે તો શું છે કે ભવિષ્યમાં દારૂબંધીવાળા સ્ટેટમાં પણ પક્ષના પક્ષીઓ પાંખ ફેલાવી શકે એટલે મયખાના પર ચોકડી મારી અને પાયખાના પક્ષ પર પસંદગી ઉતારી નવો પક્ષ રચ્યો સેક્યુલર શૌચાલય પાર્ટી અમારું નિશાન છે પાણી ભરેલું ડબલું, અમે પાણી વગરના નપાણિયા ડબલાઓનો મુકાબલો કરશું.'
મેં નવાઈ પામી સવાલ કર્યો કે કાકા સેકયુલર શૌચાલય પાર્ટીનું સૂત્ર શું છે? કાકાએ માથું ખંજવાળીને જરા વિચારીને જવાબ આપ્યો કે દેવાલયો ઉભા કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે એ પછી કોઈક કોઈક જગ્યાએ ગંદકી બહાર આવતી હોય છે. આ કેટલાંય બાબાઓ અને સાધુમાં સળિયા પાછળ છે એ ખબર છે ને? એટલે અમે નક્કી કર્યું છે અમને જે પાર્ટી- ફંડ મળશે એમાંથી ઠેર ઠેર સાર્વજનિક શૌચાલયો બંધાવશું. દુનિયાને દેખાડી દેશું કે કોઈપણ જાતના ભેદભાવ વગર કઈ રીતે સહુને એક સાથે બેસાડી શકાય છે. અમારું સૂત્ર છે હાજત સો હથિયાર. બીજા પક્ષો એકીકરણની ગુલબાંગો હાંકે છે અને અંદરો અંદર બાઝી મરે છે જ્યારે અમે સહુને બેકીકરણનો ચમત્કાર દેખાડશું બોલો સેક્યુલર શૌચાલય પાર્ટી ઝિંદાબાદ અપના સપના, સ્વચ્છ શૌચાલય અપના....
મેં કાકાને યાદ અપાવ્યું કે 'તમે સ્વચ્છ શૌચાલયની વાત કરી જ્યારે એક ગોરક્ષક મહારાજે અસ્વચ્છ શૌચાલયો જોઈને ટકોર કરેલી કે 'રાજકારણ એક શૌચાલય જેવું બની ગયું છે, ગમે એટલી ગંદકી હોય છતાં મને- કમને ત્યાં ગયા વિના છૂટકો જ નથી ને?'
પથુકાકા બોલ્યા ડર્ટી પોલિટિક્સમાં કેવી ગંદકી ખદબદે છે એ બધાને ખબર પડે એટલા માટે દેશનું એકમાત્ર ટોઈલેટ મ્યુઝિમ દિલ્હીમાં જ રચાયું છે ને?
મેં કાકાને પૂછયું કે સેક્યુલર શૌચાલય પાર્ટીને સરકાર દાદ આપશે? કાકાએ જવાબ આપ્યો કે આજે સરકાર પાસે કામ કઢાવવા માટે જનતાએ કામદાર સંઘોએ વિપક્ષોએ નાક દબાવવું પડે છે. જ્યારે અમારા કેસમાં એવુ ંથશે કે સેક્યુલર શૌચાલય પાર્ટીનું નામ સાંભળતાની સાથે જ સરકાર પોતાનું નાક દાબશે.
મેં આખરી સવાલ કર્યો કે 'બીજી પાર્ટીઓમાં નીચલા સ્તરના નેતાઓએ કે કાર્યકરોએ હાઈકમાન્ડના દબાણ નીચે રહેવું પડતું હોય છે તો તમારી પાર્ટીમાં હાઈકમાન્ડ તરફથી દબાણ લાવવામાં આવશે કે નહીં?' કાકા કહે 'અમે પાર્ટીના જાહેરનામામાં ચોખવટ કરી દીધી છે કે સેકયુલર શૌચાલય પાર્ટીના એક પણ સભ્યએ હાઈકમાન્ડના દબાણને વશ થઈ પર-વશ નહીં બનવાનું માત્ર પોતાનાં જ 'દબાણ'ને વશ થવાનું. બોલ હવે તારા મનની લઘુશંકા કે ગુરુશંકાનું નિવારણ થયું કે નહીં?'
અંત- વાણી
સે- એલોપથી, હોમિયોપથી અને નેચરોપથીની જેમ કેટલાક લોકો સ્વમૂત્રનો પ્રયોગ કરતા હોય છે ને શું કહેવાય?
જઃ રેલોપથી.


