મુંબઈમાં સ્ફોટ અને ઘટસ્ફોટ .
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'શું વાત છે. આજે એકદમ ટેન્શન-ફ્રી લાગે છે. વાઈફ સાથે સમાધાન થઈ ગયું?' 'ઘટસ્ફોટ (છૂટાછેડા) ઝાલા. આતા ટેન્શન નાહીં.' પ્રેમ કે સમજણમાં ઘટ થયા પછી જે સ્ફોટ થાય એને ઘટ-સ્ફોટ જકહેવાયને?
હજી તો મેં ઘરમાં પગ મૂક્યો ત્યાં જ વાઈફને કુદરતી રીતે જ ટેલીપથીને બગલે થેલીપથી થઈ હોય એમ ઊંચા સાદે પૂછ્યું, 'ઠાલા હાથ ઉલાળતા શું આવ્યા? શાકની થેલી ક્યાં છે?'
સવાલ સાંભળતાની સાથે જ(લગ્ન પછી રહ્યાસહ્યા) હોશકોશ ઊડી ગયા. મને યાદ આવ્યું કે થેલી તો હું બસમાં ભૂલી ગયો છું. સીધો દોડયો ઘાટકોપર બસ ડેપો તરફ. ત્યાં જઈને જોયું તો બે પોલીસ હવાલદાર રીંગણોં, દૂધી, કાંદા અને બટાટાની નાની નાની ઢગલી કરીને બેઠા હતા.
મેં સાવ અજાણ્યા બનીને પૂછયું, 'શું વાત છે! સરકારે પોલીસની પગાર વધારાની માગણી ન સ્વીકારી એટલે પાર્ટ-ટાઈમ શાક વેચવાનું શરૂ કર્યું છે?'
હવાલદારે મિજાજ દેખાડી કહ્યું, 'ભેજાફોડી કરો મા. આ તો કોઈ બસમાં શાકની થેલી ભૂલી ગયું હતું અને પેસેન્જરોએ બોમ્બ છે, બોમ્બ છે એવી બૂમાબૂમ કરી મૂકી. અમે આવીને તપાસ કરી તો શાક નીકળ્યું. થેલી ભૂલેલા જણને ક્યાં ગોતવો?'
પોલીસવાળા મને શકમંદ (કે શાક-મંદી) તરીકે ઓળખીને કાંઠલો ઝાલી બેસાડી દે એ પહેલાં જ હું ભીડમાં સરકી ગયો.
મુંબઈમાં અનેકવાર થયેલા બોમ્બ ધડાકાને લીધે છાશવારે બોમ્બનો હાઉ ઊભો થાય છે. લોકો પણ એવા સાવચેત થઈ ગયા છે કે બસમાં કે ટ્રેનમાં નઘણિયાતી વસ્તુ નજરે પડે તો તેનાથી આઘા ભાગે છે.માણસો બસમાં થેલી, ટિફિન કે બેગ ભૂલી જાય એ તો સમજ્યા, પણ કોઈ પોતાની આખેઆખી વહુને ભૂલી જાય ત્યારે નવાઈ લાગે કે નહીં?
ગઈ કાલે જ આવો સીન નજરોનજર જોયો.ઓફિસ જવા માટે બસની લાઈનમાં ઊભો હતો. બસ આવી અને આગલા દરવાજેથી પેસેન્જર ઉતર્યા ન ઉતર્યા કે તરત કન્ડકટરે ઘંટી મારી દીધી. આગલે દરવાજેથી ઊતરેલા એક ભાઈ હાથ ઊંચા કરતા અને બૂમો પાડતા બસની પાછળ દોડયા. થોડે દૂર જઈ હાથ ઘસતા પાછા આવ્યા.
મેં પૂછ્યું, 'બસમાં શું ભૂલાઈ ગયું?'
રડમસ ચહેરે તેમમે જવાબ દીધો, 'મારી વાઈફ! અમે જુદી જુદી સીટ પર બેઠાં હતાં એટલે એને ઉતારવાનું રહી ગયું. હાય હાય, એ સાવ અજાણી છે. એનું શું થશે?'
મેં એ ભાઈને ટાઢા પાડતાં કહ્યું, 'તમે નાહક ચિંતા કરો છો. બેસ્ટની બધી બસોમાં સૂચના લખી જ હોય છે કે નઘણિયાતી (એટલે ધણી સાથે ન હોય) ચીજોને હાથ ન લગાડવો.'
ગયા અઠવાડિયે એક સ્કૂલના ટોઈલેટમાં બોમ્બ મૂકાયો છે એવી દહેશતને લીધે પોલીસ અને બોમ્બ સ્કવોડની દોડધામ શરૂ થઈ ગઈ. પોલીસની ડોગ સ્કવોડ આવી, પણ સ્કૂલ શરૂ થઈ ત્યારથી સાફ ન થયેલાં શૌચાલયની દુર્ગંધથી કૂતરાનાં નાક નકામાં બની ગયાં હોય એવી દશા થઈ. બહુ ગોત્યા પછી પાણીની ટાંકીમાંથી ફટાકડા અને ઘડિયાળ મળ્યાં. ત્યાર પછી સાવચેતી ખાતર ખૂણેખાંચરે કોઈ વિસ્ફોટક નથી રહી ગયોને એની ખાતરી કરવા મોટા હોઝપાઈપથી પાણીના ફુવારા ઉડાડીને ઓલ ક્લિયરનું પોલીસે સિગ્નલ આપ્યું ત્યારે સ્કૂલના એક સ્માર્ટ ટેણિયાએ પોતાના દોસ્તને કહ્યું, 'ચાલો, બોમ્બની બીકે ટોઈલેટો તો સાફ થઈ ગયાં.'
રેલવે સ્ટેશનો પર અત્યાર સુધી પોલીસો અજાણ્યો જણ નજરે પડે તો ખિસ્સાં તપાસતાં જોવા મળતા, પણ બોમ્બની અફવાના ચક્કરમાં બેગ , લંચ બોક્સ અને થેલીઓ પણ ચેક કરે છે. જરાક પણ કોઈની શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત અટકાવે છે.
એમાં એવું થયું કે કોલાબા ફરવા ગયા હતા ત્યાંથી વાઈફે જીદ કરીને ચાર ઈંચની હીલવાળાં સેન્ડલ ખરીદ્યાં, એટલું જ નહીં, પહેરી પણ લીધાં. લગ્નને નવ વર્ષ થયાં છતાં મારી સાથે કોઈ દિવસ સીધી નથી ચાલી ત્યારે હીલને લીધે કેવી દશા થશે એ વિચારતાં અમે ચર્ચગેટ પહોંચ્યાં. વાઈફને ડંખ પડવા માંડયો અને અચકાતી ચાલે ચાલવા માંડી. આ જોઈને એક મહિલા પોલીસ શંકાશીલ નજરે દોડતી આવી, વાઈફનું નામ-ઠામ પૂછ્યું અને પગ તપાસીને ચાલી ગઈ.
ગભરાયેલી વાઈફે મને પૂછ્યું, 'પોલીસો ખરાં છે. મારા પર કેમ શંકા ગઈ હશે?'
મેં કહ્યું, 'એમાં તારો વાંક નથી. હીલવાળા સેન્ડલ સાથેની તારી શંકાસ્પદ 'હિલ-ચાલ' જોઈને ડાઉટ ગયો હશે.'
હું તો કાયમ કહું છું કે સ્ત્રી પરણીને પતિને પગલે ચાલે તો વાંધો નહીં, આપત્તિને પગલે ચાલે તો મુશ્કેલી થાય.
બોમ્બની હવા મુંબઈની બોલચાલની ભાષાને પણ લાગવા માંડી છે. મારી ઓફિસમાં કામ કરતા મહારાષ્ટ્રિયન અકાઉન્ટન્ટ દિનુની અટક દિવેકર, પણ લગ્નજીવનમાં અંધારું. કાયમ ટેન્શન રહ્યા કરે.
મેં પછ્યું 'શું પ્રોબ્લેમ છે તારે?'
દિવેકર જવાબઆપ્યો, 'નસીબમાં વાઈફ એકદમ ટાઈમ બોમ્બ જેવી ભટકાઈ છે.'
મેં કહ્યું, 'ટાઈમ બોમ્બ જેવી કેમ કહે છે?'
દિવેકર બોલ્યો, 'ઘરે મહેમાન આવે ત્યારે બરાબર ટાઈમ પર જ ફાટે છે.'
થોડા દિવસ આમ ને આમ ચાલ્યું. એક દિવસ સવારે માથેથી મણ એકનો ભાર ઉતરી ગયો હોય એમ નિરાંતે એને ચી પીતો જોઈને મેં પૂછ્યું, 'શું વાત છે. આજે એકદમ ટેન્શન-ફ્રી લાગે છે. વાઈફ સાથે સમાધાન થઈ ગયું?'
ત્યારે એણે ફેમિલી કોર્ટનો કાગળ બતાવીને કહ્યું, 'ઘટસ્ફોટ (છૂટાછેડા) ઝાલા. આતા ટેન્શન નાહીં.'
જુઓ તો ખરા. આપણે બધા સ્ફોટની બીકે ફફડીએ છીએ અને આ દિવેકર ઘટસ્ફોટ થયા પછી નિરાંતનો શ્વાસ લે છે. પ્રેમ કે સમજણમાં ઘટ થયા પછી જે સ્ફોટ થાય એને ઘટ-સ્ફોટ જકહેવાયને?
અંત-વાણી
રાજકારણમાં જુદા જુદા પક્ષના વીઆઇપી વચ્ચે અંદર અંદર વેર હોય છે, એટલે જ વીઆઈપી અંડર-વેર નામ કેવું ફિટમફિટ બેસી જાય છે.
** ** **
ભારતમાં છે ગણતંત્ર
પાકિસ્તાનમાં છે મા-ગણતંત્ર
મચ્છરોનું છે ગણગણ-તંત્ર
કબૂતરોનું છે ચણ-તંત્ર
કપૂતરોનું છે ચણભણ-તંત્ર.
** ** **
અય મેરે વતન કે લોગોં
જરા આંખ મેં ભર લો પાની
જો ભ્રષ્ટ હુએ હૈ ઉનકી
જરા યાદ કરો મનમાની.
** ** **
ગામમાં ઘણાં લફરાં થાય
પણ કચ્છમાં ગામનું ગામ
જ લફરા છે
** ** **
અસલીનો જમાનો ઓસરી ગયો
આજે બધે નકલી જ નીકળી,
પડયા છે એટલે જ કહેવું
પડે કે જો ન-કલ થા
આજ નકલ હૈ.