- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી
'ભાડામાં રહે એ ભાડૂત તો ખાડામાં રહે એ ખાડૂત?'
મારો સવાલ સાંભળી ખાડામાં પડીને મરડાયેલા પગ પર તેલ ચોળતા કાકા બોલ્યા, 'જેમ અમદાવાદમાં ખાડિયાની પોળ છે એમ મુંબઈમાં ખાડિયાની છોળ છે.'
મેં કહ્યું , 'કાકા, આ સાધુ-સંતો બેઠાં બેઠાં બધાને સલાહ આપે છે કે સીધે રસ્તો ચાલો... સીધે રસ્તે ચાલો, પણ ચોમાસામાં રસ્તે રસ્તે પડેલા ખાડાને લીધે સીધે રસ્તે ચાલવું કેમ?' કાકા લુચ્ચું હસીને બોલ્યા, 'આપણને સીધે રસ્તે ચાલવાની સૂફિયાણી સલાહ આપવાવાળા કેટલાંક પોતે જ વગર ચોમાસે આડે રસ્તે ચાલીને ખાડામાં પટકાય છે એનું શું?'
મેં હસીને દાખલો આપ્યો, 'ઓલા એક ચેનલિયા સંત કાયમ કહેતા, યાદ છે? સંસાર તો મોટો ખાડો છે... સંસારના ખાડાથી બચીને ચાલો... એક વાર પડયા જો ખાડે તો પછી કોઈ નહીં કાઢે. એટલે જ હું કાયમ ભજનમાં ગાઉં છું કે-
સંસારમાં બચો વધતા ભાડાંથી
રસ્તે રસ્તે પડેલા ખાડાંથી અને યમના 'અનબ્રેકેબલ' પાડાથી.'
મેં હસીને કહ્યું,'કાકા, યમદૂતના અનબ્રેકેબલ એટલે બ્રેક વગરના પાડાના પણ આ ખાડામાં કેટલીય વાર ટાંટિયા ભાંગે છે એમાં જ ખાડામાં પડી ઘાયલ થઈ પડેલાને લેવાં ક્યાં ટાઈમ-ટુ -ટાઈમ પહોંચે છે? એમાં જ ખાડામાં પડેલા અધમૂવા થઈને બિચારા પડયા રહે છેને? બાકી તો સંસારીઓને ખાડાથી બચવાનો ઉપદેશ આપનારામાંથી કેટલાયની ખુદની કેવી દશા છે?'
પથુકાકા આ ખાડાયણ આગળ ચલાવતા બોલ્યા, 'આ તાજો જ દાખલો રાવણની લંકાનો છેને? સોનાની લંકા કહેવાતી એ આખી લંકા ખાડે ગઈને? આપણે ત્યાં તો ગામ કે શહેર ખાડે જાય છે, પણ શ્રીલંકા તો આખો દેશ ખાડે ગયોને? એટલે જ કહેવું પડે કે-
જીસને રામ સે લિયા પંગા
ઉસ કે દેશમેં આજ ભી દંગા.'
મનેય પેરડી સૂઝતા લલકાર્યું-
'પાયલ કી ઝંકાર રસ્તે રસ્તે
ગીર ગયે કંઈ લોગ હસતે હસતે...'
પથુકાકા આ સાંભળી મને તાલી દઈને બોલ્યા, 'હવે તું બરાબર સમજ્યો, પ્રેમના રસ્તે હસતે હસતે પડવું નહીં, નહીંતર મારી જેમ એવો મૂંઢમાર વાગશે કે તું આખી જિંદગી ખો ભૂલી જઈશ. મારો જ દાખલો લેને? હું આ તારી કાકીના પ્રેમમાં ઊંઘેકાંધ પડયો અને પછી પરણવાનું ટાણું આવ્યું. વરરાજા તરીકે મને હળદરની પીઠી ચોળી. મેં પૂછ્યું કે હળદર કેમ ચોળો છો? ત્યારે કોઈએ ડહાપણ દાઢમાંથી કહ્યું કે અત્યારે તો પ્રેમમાં પડયા છો, હવે પરણ્યા પછી પડો-આખડો અને મૂંઢમાર વાગે ત્યારે હળદર ગોતવા બેસો એનાં કરતાં અત્યારથી જ એડવાન્સમાં હળદર ચોળી દઈએને તો વાંધો ન આવે. બોલ, તું જ કહે કે પીઠી ચોળવાની વિધિને પડયા પર પાટું કહેવાય કે પડયા પહેલાં પાટું? નવા પરણીએ ત્યારે લગ્નગીત યાદ આવે અને પછી સંસારમાં પડીએ ત્યારે ભગ્ન ગીત યાદ આવે : 'ખાડે' રહિયો ઓ બાંકે યાર રે ખાડે રડિયો... આપણે પરણીએ ત્યારે સહુ ગાય: જોડે રે'જો રાજ... પછી સંસારમાં સરખાઈના પડીએ ત્યારે એ જ લોકો ગાય -(ટાંટિયા) તોડે રે'જો રાજ...'
મેં કહ્યું , 'કાકા, તમને ખબર છે? અમારા એરિયામાં બહુ ખાડા પડયા ત્યારે મેં મ્યુનિસિપાલીટીમાં ફોન કર્યો કે મારે ખાડાની ફરિયાદ કરવી છે તો કોને કરવી? ઓપરેટરે જવાબ આપ્યો કે, ખાડાની ફરિયાદ છેને? તોે ફરિયાદ રોડનું કામ સંભાળતા ખાડે સાહેબને કરવાની. મેં કહ્યું તે ફોન જોડી દો ખાડે સાહેબને. ત્યારે ઓપરેટર બોલી આજે એમનો ખાડો છે, આવ્યા નથી, કાલે ટ્રાય કરજો! બોલો આવી દશા છે. ખાડાની ફરિયાદ ખાડેને કરવા જઈએ ત્યારે એ જ ખાડે ગયા હોય ત્યારે પછી કોને કાને વાત નાંખવી?'
ખાડે અટકની આ ખાડાયણ સાંભળી પથુકાકા રંગમાં આવી બોલ્યા, 'મુંબઈમાં ચોમાસામાં પોટહોલ પડે એને ખાડા કહે છે એમ અમદાવાદ બાજુ શું કહે છે, ખબર છે? ભૂવા. રસ્તામાં પડે ભૂવા. હમણા રસ્તા પર પેડલા ખાડાની તપાસ માટે નીકળેલા સુધરાઈના સાહેબની વિઝિટનું રિપોર્ટિંગ કરતા ચેનલવાળા ભેગાને ભેગા ફરતા હતા અને ભૂવા દેખાડતા જતા હતા. રાઉન્ડ પૂરો થયા પછી સાહેબે ટીવીના કેમેરા સામે વિશ્વાસના રણકા સાથે કહ્યું કે , હવે આ ભૂવાની તકલીફ વધુ સહન કરવી નહીં પડે, જેવો ઊઘાડ નીકળશે એટલે અમે તરત જ આ ભૂવા બૂરી દેશું.' લાઈવ ઈન્ટરવ્યુ પૂરો થયો એટલે મિડિયાવાળાએ સાહેબને પૂછ્યું કે સર, આપની સરનેમ શું?' સાહેબે વટથી જવાબ આપ્યો: 'ભૂત'! આ દ્રશ્ય ટીવી પર નજરોનજર જોઈએ જોડકણું ફૂટી નીકળ્યું-
ભૂવાને ભારે પડે ભૂત
એનું છે આ સબૂત.'
હું અને કાકા ખાડાની અને રસ્તાની ખાનાખરાબીની વાત કરતા બેઠાં હતા બાજુના રસ્તા પર ભફાંગ કરતો અવાજ આવ્યો. કોઈ પડયું એ જોઈને હું અને કાકા દોડયા. ખાડાની અંદર ભરાયેલા વરસાદના પાણીના લીધે રચાયેલા ખાબોચિયામાં પ્રેમીપંખીડા લાગતા યુવક-યુવતીને સજોડે પડેલાં જોયાં. બંનેના ડ્રેસ કાદવવાળા થઈ ગયા હતા. અમે બેૈ-ત્રણ જણે ટેકો આપી બહાર કાઢયા અને નજીકની હોટલમાંથી પાણી લાવી બંને પર રેડી પાલિકાના નામનું નવરાવી નાખ્યું. કાકાએ જુવાનિયાને પૂછ્યું કે રસ્તે ચાલતા નાના ખાડા ન દેખાય એ સમજી શકાય, પણ આવડું મોટું ખાબોચિયું ન દેખાણું? જુવાનિયો બોલ્યો , 'અંકલ, ચાલતાં ચાલતાં અમારા બંનેનું ધ્યાન મોબાઈલમાં હતું એમાં ખાડો દેખાણો નહીં અને અંદર ખાબક્યા, વોટ ટુ ડુ?'
જવાબ સાંભળી પથુકાકા ધીરેકથી બોલ્યા, 'આમાં તમારો વાંક નથી, આ મોબાઈલના પાપે આખી જુવાની જ ખાડે ગઈ છે.' કાકાની વાત સાંભળ્યા વિના રગદોળાયેલા 'મડી-મેટ' એકબીજાનો હાથ ઝાલી ગાતાં ગાતાં રવાના થઈ ગયા.
આ જોઈ પથુકાકા બોલ્યા, 'મોબાઈલ ચેટિંગને લીધે માત્ર જુવાની ખાડે ગઈ છે એવું નથી હો? પક્ષ-વિપક્ષના હેટિંગને લીધે, બધી ચીજોના વધતા પહેતા રેટિંગને લીધે, સત્તા ખાતર કજોડાં વચ્ચે થતાં મેટિંગને લીધે, વિપક્ષોના સત્તાધારીને ભાંડવાના વન-પોઈન્ટ હેટિંગને લીધે અને રાજરમતમાં સત્તાવાળા અને સટ્ટાવાળાના બેટિંગને લીધે જ સ્થિતિ ખાડે ગઈ છેને?'
હમણાં ચાર-પાંચ દિવસથી વરસાદ ચાલુ હતો. અચાનક ઊઘાડ નીકળ્યો એટલે હું અને કાકા લટાર મારવા નીકળ્યા. ત્યાં નાળાની પાળી ઉપર ચાર-પાંચ તોફાની બારકસો બેઠા હતા. કાકાને ઊંચું જોઈને ચાલવાની ટેવ. ટપારીએ તો કહે કે આપણે કોઈ ખોટું કામ કર્યું છે તો નીચાજોણું થાય? એમાં કાકાનો પગ પાણી ભરેલા ખાડામાં પડયો એટલે પાળીએ બેઠેલા તોફાની બારકસો તાળીઓ પાડીને ચિલ્લાવા લાગ્યા 'પચાસ... પચાસ... પચાસ...' ખાડામાંથી બહાર નીકળી કાકા તાડૂક્યા કે 'આ શું પચાસ... પચાસની રાડો પાડો છો?' ટેણિયાના લીડરે કહ્યું, 'અમને સામે રહેતા અને આરટીઆઈની અરજી કર્યા કરતા ભાઈએ કહ્યું છે કે સવારથી સાંજ ખાડામાં કેટલા પડે છે એ ગણવાનું. એક પડતર દીઠ એક રૂપિયો આપશે. તમેપચાસમાં છો એટલે અમે પચાસ... પચાસ બૂમરાણ મચાવી. પછી એ આરટીઆઈવાળા મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરશે કે ચોવીસ કલાકમાં કેટલા પડ્યા.'
આ સાંભળી કાકા બોલ્યા, 'આ શિવસેનાવાળાએ આવી ગણતરી ન રાખી એમાં એક પછી એક ખડી પડયાને? એમાં જ હવે આખી પાર્ટી પડુ પડું થઈ ગઈને? કંઈ પાર્ટીમાંથી કેટલા બીજી કઈ પાર્ટીમાં જઈ પડે છે એ ગણવાનું એને કહેવાય ગણતંત્ર અને કેટલા ખડી પડે છે એ જોતા રહેવાનું એને કહેવાય પરતંત્ર નહીં પણ ષડયંત્ર. એક વાત યાદ રાખ કે ભાડૂતને નડે વધતા ભાડાં, ધ્યાન ન રાખો તો નડે યમના એનબ્રેકેબલ પાડાં... પક્ષને નડે કાયમ વાંકા ચાલતા આડા અને શહેરીઓને નડે ખાડા!'
અંત- વાણી
ખડ્ડે ભરને સે પહલે
વો ભરતે હૈ અપને ખીસ્સે
સુનને મેં આતે હૈ ઐસે કંઈ કિસ્સે.
બસ, ગીરના હી
આતા હૈ હમારે હિસ્સે.


