Get The App

અસલ અસલ છે, નકલ નકલ છે .

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
અસલ અસલ છે, નકલ નકલ છે                             . 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પથુકાકાના દીવાનખાનામાંથી સવારના પહોરમાં શાસ્ત્રીય રાગને બદલે રાગડા તાણવાનો અવાજ આવવા માંડયો. કાન વીંધતી સંગીતની આ સજકલ સ્ટ્રાઈક ન સહેવાતા હું સીધો જ કાકાના ઘરે પહોંચી ગયો. દીવાનખંડ (કે દીવાના-ખંડ)નો નઝારો જોઈને મારી આંખ પહોળી થઈ ગઈ. એક ખૂણામાં પથુકાકા આસન ઉપર બેસી તાનપુરા સાથે સૂર મેળવી રિયાઝ કરતા હતા. સામે એક મોટા પાત્રમાં ગુલાબજાંબુ ગોઠવ્યા હતા. કાકા ઘોઘરા કંઠે આકરો આલાપ રેલાવતા હતા.

મેં પૂછયું, 'કાકા, અચાનક તમને સંગીત શીખવાની ધૂન કેમ ચડી?'

ત્યાં પાછળથી કાકીએ જવાબ આપ્યો કે, 'મ્યુઝિક થેરાપીથી ઇલાજ કરતા ડોક્ટરે સલાહ આપી કે માનસિક તાણ ઘટાડવા ગાવા માંડો. એટલે તારા કાકા ગાવાને બદલે ગાંગરવા માંડયા છે. ગાઈને એનું ટેન્શન ઘટશે, પણ સાંભળીને આપણું ટેન્શન વધી જશે એ તારા કાકા જોતા નહીં હોય?'

મેં કાકીને કહ્યું કે, 'કાકાની જેમ લાંબા આલાપ કે વિલાપ લઈને ગળું છૂટું મેલી ગાવાવાળા ગવૈયાઓ એટલે જ ગાતી વખતે આંખો બં'રાખતા હોય છે. એમનાથી જોયું નથી જતું.'

મારી વાત સાંભળતાની સાથે જ કાકી ખડખડાટ હસી પડયાં. પંડિત પથેન્દ્રનાથ ઉર્ફે પથુકાકાની સાધનામાં ભંગ પડયો. એટલે આંખો ખોલી બોલ્યા, 'શું મશ્કરી કરો છો મારી? આવડે એવું ગાવામાં અને ભાવે એવું ખાવામાં શરમ શેની?'

મેં કાકાને પૂછયું કે, 'બીજું બધું તો જાણે સમજ્યા, પણ રિયાઝ કરતી વખતે સામે ગુલાબજાંબુ કેમ રાખો છો?'

પથુકાકા હસીને બોલ્યા, 'ગુલાબજાંબુ તો મારા ઉસ્તાદ ખાંસાહેબનું પ્રતીક છે. હું ઉસ્તાદ બડે ગુલાબજાંબુ ખાંસાહેબનો શાગિર્દ બન્યો છું એની સહુને જાણ થાય માટે કાચના કચોળામાં ગુલાબજાંબુ રાખીને પછી જ રિયાઝ કરવા બેસું છું. રિયાઝ પૂરો થાય એટલે ચારેય જાંબુ ખાઈ જાઉં છું. અત્યારે ભલે તમે મારી મશ્કરી કરો, પણ થોડા વખતમાં લોકો મને 'વોઈસ ઓફ બડે ગુલાબજાંબુ ખાંસાહેબ'ના નામે ઓળખશે.'

કાકી બોલ્યા, 'અમે તો તમને પોતાની માનસિક તાણ ઘટાડવા અને બીજાની તાણ વધારતા મિયાં તાનસેન નહીં પણ 'કર-મિયાં તાણસેન' તરીકે ઓળખશું.'

મેં ખડખડાટ હસીને કહ્યું, 'કાકી, તમે તો સૂરનો સળવળાટ કરતા 'કર-મિયાં તાણસેન' નામ ગજબનું ગોતી કાઢયું હો!'

કાકી બોલ્યાં, 'તો બીજું શું કહું? તારા કાકાને માટે 'તાણ-સેન' નામ જ ફિટ બેસે છે. રાગકારણમાં તાણ-સેન અને રાજ-કારણમાં હોય 'ખુરશી તાણ-સેન.'

તાણસેન પરથી મને યાદ આવ્યું. ગ્વાલિયરમાં સંગીત સમ્રાટ મિયાં તાનસેન જે વૃક્ષ નીચે બેસીને સંગીતની સાધના કરતા એ વૃક્ષ આજે પણ ઊભું છે. એવી માન્યતા છે કે ગાયક બનવું હોય એ ગ્વાલિયર આવી આ વૃક્ષના પાન ચાવે તો તેનું ગળું સાફ થઈ જાય અને ગળામાંથી સૂર રેલાવા લાગે છે. આ માન્યતાને લીધે દેશભરમાંથી લોકો વૃક્ષનાં બે-ત્રણ પાન તોડી ચાવવા માટે આવતા, એને કારણે વૃક્ષમાં પાન ખૂટવા લાગ્યાં. એટલે સત્તાવાળાએ વૃક્ષ ફરતે જાળી બાંધી તેને સંરક્ષિત કરવું પડયું છે.

મારી વાત સાંભળી પથુકાકા બોલ્યા, 'માત્ર પાન ચાવવાથી ગાયક થોડું જ બનાય? માણસના પોતાના ગળામાંથી પણ સૂર નીકળવા જોઈએ. એટલે જ કહું છું પાન ચાવે એનાથી કામ ન બને, સંગીત પચાવે એ ગાયક બની શકે.'

મેં કાકાને ટપાર્યા, 'તમે ડાહી ડાહી વાતો કરો છો, પણ પોતે તો ખુદનો અસલી અવાજ ફેરવી ગુલાબજાંબુ ઝાપટી 'વોઈસ ઓફ બડે ગુલાબજાંબુ અલી-ખાં' બનવાના અભરખા રાખો છો, એ શું અમે સાંભળતા નથી?'

પથુકાકા બોલ્યા, 'અત્યારે તમે સંગીતની દુનિયામાં જુઓ તો ખરા! અગણિત 'વોઈસ ઓફ કિશોરકુમાર', 'વોઈસ ઓફ મોહમ્મદ રફી', 'વોઈસ ઓફ મુકેશ' અને 'વોઇસ ઓફ અરિજિત સિંહ'ના ઊછીના અવાજમાં ગાઈ ગાઈને અઢળક કમાણી કરે જ છે ને? એમાં હવે તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા કરાઓકે (કે બંધ-કરાવ કે) ગુ્રપના બેસૂરા ગાયકો તો વીતેલા જમાનાના પ્લેબેક સિંગરોનાં ગીતો લલકારીને 'એર-સ્ટ્રાઈક' નહીં, પણ કાન પર 'ઈયર-સ્ટ્રાઈક' કરે જ છે.'

થોડા સમય પહેલાં વિદેશ જઈ રહેલી એક જાણીતી પ્લેબેક સિંગરને પત્રકારે પૂછયું, 'સાથે બીજા કોણ કોણ ગાવાવાળા છે?' ત્યારે પ્લેબેક સિંગરે હસીને જવાબ આપ્યો હતો, 'લગભગ પા ડઝન કિશોરકુમાર છે, બે-ત્રણ મોહમ્મદ રફી છે અને બે મુકેશ છે!' સમજી ગયા ને? જોકે એક વાત ખોંખારો ખાઈને કહેવી પડશે કે સૂંઠને ગાંગડે ગાંધી બનવા નીકળેલા હોય એવા ગાયકો નહીં, પણ જે ખરેખર સારું ગાય છે એવાં ખમતીધર ગાયકોએ ખરેખર વીતેલાં વર્ષોના ગાયકોનાં ગીતો ગાઈ ગાઈને એમને સ્વરદેહે જીવંત રાખ્યા છે.

આ કિસ્સો સાંભળી પથુકાકાને કંઈક યાદ આવ્યું. તેઓ કહે, 'થોડા દિવસ પહેલાં વડોદરા થઈને પંચમહાલ બાજુ ફરવા ગયો હતો. ત્યાં ગેસ્ટ હાઉસના મેનેજરે કહ્યું કે, 'કાકા, તમને સંગીતનો શોખ છેને તો તમને બાજુના ગામના એક વોઈસ ઓફ મુકેશને ગાતા સંભળાવું. આ વોઈસ ઓફ મુકેશે આખી દુનિયામાં નામ કાઢયું છે. વોઈસ ઓફ મુકેશ ગાયકનું નામ મનુભાઈ છે. પણ સહુ એને 'મનુ-મુકેશ'ના નામે જ ઓળખે છે. મેં મોબાઈલ કરી એને બોલાવ્યા છે, હમણાં આવતા જ હશે.'

મેં કહ્યું, 'કાકા, એક આડવાત કહું. મુકેશચંદ માથુરે પણ પ્લેબેક સિંગિંગની શરૂઆત 'વોઈસ ઓફ સાયગલ' તરીકે એટલે સાયગલના અવાજમાં ગાઈને કરેલી એ ખબર છે ને? 'દિલ જલતા હૈ તો જલને દે...' ગીત યાદ કરો.'

પથુકાકા માથું ધૂણાવીને બોલ્યા, 'મને ખબર છે, પણ મનુ-મુકેશની વાત તો પૂરી સાંભળ!'

ત્યાં તો મનુ-મુકેશ ગળે મફલર વીંટાળી વટથી કદમ માંડતા હાર્મોનિયમપેટી લઈને આવ્યા. એમણે તો ભાઈ ગાવાનું શરૂ કર્યું:

'રામ કરે ઐસા હો જાયે

મેરી નિંદિયા તોહે મિલ જાયે

મેં જાગું તું સો જાયે...'

આ ગીત સાંભળીને ખરેખરી મારી આંખ ઘેરાવા માંડી. ત્યાં એમણે બીજું ગીત છેડયું: 

'દુનિયા બનાને વાલે

ક્યા તેરે મન મેં સમાઈ

કાહે કો દુનિયા બનાઈ...'

મનુ-મુકેશના મ્યુઝિકનો મૂંઢમાર વધુ નહીં સહેવાય એમ લાગતા મેં બહાનું બતાવી પરાણે રિક્ષાભાડું આપી વિદાય કર્યા. મનુ-મુકેશને મૂકીને મેનેજર પાછા આવ્યા એટલે મેં એને પૂછયું કે, 'તમે તો કહેતા હતા ને કે મનુ-મુકેશે દુનિયામાં નામ કાઢયું છે? પણ એમના ગાવામાં તો કાંઈ ભલીવાર નહોતા, તો પછી દુનિયામાં કેવી રીતે નામ કાઢયું?' 

આ સવાલ સાંભળી મેનેજરે લુચ્ચું હસીને જવાબ આપ્યો, 'મનુ-મુકેશ રહે છે એ પંચમહાલના ગામનું નામ દુનિયા છે, એટલે દુનિયામાં નામ કાઢયું જ કહેવાયને?'

પથુકાકાએ ખરી મામક ટકોર કરી, 'રાગકારણમાં જેમ બહુ ઓછા ઓરિજિનલ અવાજ રહ્યા છે એમ રાજકારણમાં પણ ક્યાં નેતાઓના પોતાના ઓરિજિનલ અવાજ સંભળાય છે? પાર્ટીના વડાના અવાજમાં જ સૂર આલાપે છેને? નેતાઓએ તો હોઠ ફફડાવવાના હોય છે, પ્લેબેક કોણ આપે છે એ તો સહુ જાણે જ છે!'

અંત-વાણી

શાસ્ત્રીય સંગીતમાં ઘરાણા હોય છે.

કરાઓકે સંગીતમાં ઘલાણા હોય છે.