Editorial

માણસ 'ખાઈકી' કરે... પ્રાણી ઉપવાસ કરે

By GS TEAM
7 Oct 20255 mins read
માણસ 'ખાઈકી' કરે... પ્રાણી ઉપવાસ કરે

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

સદાય પોતાની કાકાશાહી અને  ફેંકમફેંકની ફાંકાશાહીમાં રાચતા કાકા જ્યાં સુધી સવારે ઉઠીને કાકીની દિશામાં  શબ્દબાણ ન છોડે ત્યાં સુધી એમને પેટ સાફ ન આવે.

મોર્નિંગ વોક માટે કાકાને બોલાવવા ગયો એ પહેલાં કાકા-કાકી વચ્ચે રોજની જેમ ચકમક ઝરી હશે. એટલે ધૂંઘવાયેલા કાકા બોલ્યા કે આ તારી કાકી પહેલાં શાકાહારી હતી, પછી મારા ઉપર નાના નાની વાતમાં શક કરીને શકાહારી બની અને હવે માથાાહારી બની ગઈ છે, બોલ...'

મેં પૂછ્યું કે શાકાહારી અને માસાંહારી સાંભળ્યું છે, પણ માથાહારી એટલે શું ?' કાકા બોલ્યા કે 'આ તારી કાકી રોજેરોજ કકળાટ કરી કરીને મારૃં માથું ખાઈ જાય છે, એટલે એ માથાહારી જ કહેવાયને?'

મેં હળવાશથી સવાલ કર્યો, 'કાકી  કાયમ માથું ખાય છે તો એ પચાવે છે કેવી રીતે?' કાકાએ હસીને જવાબ આપ્યો , 'તારી કાકીને ક્યાં પચાવતા આવડે છે? એને તો પચપચાવતા જ આવડે છે. માથું ખાધા કરે અને નપચાવે એમાંથી પ્રભુ બચાવે'

મેં કહ્યું કે ડોકટરો અને વૈદરાજો સલાહ આપે છે કે ખાવાનું પચતું ન હોય તો જુલાબ લઈ પેટ સાફ કરવું જોઈએ અથવા તો ઉપવાસ-એકટાણા કરવા જોઈએ. તો (હો) બાળાકાકી પાચનતંત્ર સુધારવા માટે ઉપવાસ એકટાણા કરે છે કે નહીં?'

પથુકાકા બોલ્યા કે 'આ તારી કાકી કેવી ખાઉધરી છે એની તને ખબર નથી? બાજુની ખાઉ ગલ્લીને તારી કાકીનું નામ અપાવાનું છે ઈ શું ઉપવાસ-એકટાણા કરે? માનવભક્ષી પાણીને મેન-ઈટર કહેવાય એમ જરા જુદા અર્થમાં તારી કાકીને જરૂર વુમન -ઈટર  કહી શકાય. એમાં જ પછી પેટની કાયમી તકલીફથી હેરાન થાય છે. એટલે જ હું કાયમ એને કહું છું કજેને કોઈ ન પહોંચે એને એનું 'પેટ'  પહોંચે.'

મેં કહ્યું હમમા જ શ્રાદ્ધ પક્ષ વખતે જેના પિતૃઓને કબજિયાતની તકલીફ  રહેતી હતી એમને કાગવાસ નાખતી વખતે ઘણાં વંશજોએ હરડે ત્રિફળાની ગોળીઓ ખીર-પૂરી સાથે ધાબા પર મૂકી હતી' કાકા હાયકારો નાખીને બોલ્યા કે 'હાય... હાય... ફાકીની ટીકડીઓ ખાઈ ખાઈને બિચ્ચારા કાગડા ચરકી ચરકીને ચીમળાઈ ગયા હશે અને પછી શિષ્ટાચાર નહીં પણ પેટ ખાલી કરવાના આ વિષ્ટાચારને લીધે શ્રાદ્ધપક્ષ પૂરો થયા પછી પણ કેટલાય દિવસ ''કાગની વાસ'' આવતી હશે ખરૃં કે નહીં?'

મેં કહ્યું ,'(હો) બાળાકાકી  પાચનશક્તિ સુધારવા ઉપાવસ-એકટાણા નથી કરતા, પણ હવે તો હાથી, વાઘ, દીપડા જેવાં પ્રાણીઓ ઉપવાસ-એકટાણા કરવા માંડયા છે ખબર છે?'

કાકા બોલ્યા, 'જાવા દે હવે, તું શું ટાઢા પ્હોરના ગપગોળા ઝીંકે છે?  જંગલમાં રહેતા વાઘ, સિંહ દીપડા જેવાં પ્રાણીઓ તો શિકાર જોઈને તૂટી જ પડે અને ફાડી જ ખાય. એ પ્રાણીઓ ઉપવાસ-એકટાણા કરતા હશે? વૈશાખનંદન (ગધેડા)ને તાવ આવે એવી શું વાત કરે છે?'

મેં કાકાને જરા ટાઢા પાડીને સમજાવ્યું કે 'આ જંગલી પ્રાણીઓની વાત નથી, આ તો પ્રાણીબાગમાં રહેતા પ્રાણીઓની વાત છે. હૈદરાબાદ પંડિત જવાહરલાલ નેહરુ ઝૂલોજિકલ પાર્કમાં પ્રાણીઓને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરાવવામાં આવે છે. દર શુક્રવારે પ્રાણીઓને ઉપવાસ કરાવવામાં આવે છે જેને ફ્રાયડે ફાસ્ટીંગ તરીકે ઓળખવામાં આવે છે. આને કારણે પ્રાણીઓનું પાચનતંત્ર એકદમ ટનાટન રહે છે. બાકી જે પ્રાણીનું પેટ વધુ બગડયું હોય એને સ્ટ્રોન્ગ જુલાબ પણ અપાય છે.'

આ સાંભળતાની સાથે જ કાકા મને તાલી દઈ બોલી ઉઠયા, 'વાહ... વાહ નેહરુને પ્રિય ગુલાબ અને નેહરુના નામના પ્રાણીઘરમાં પ્રાણીઓને અપાય જુલાબ.'

મેં ઉમેર્યું, 'કોઈપણ પાર્ટીના ખાઈકીબાજ અ-સામાજિક પ્રાણીઓ અકરાંતિયાની જેમ ખાઈ ઠાંસી ઠાંસીને  પેટ ભરતા હોય એ જ્યારે સપાટામાં આવે ત્યારે (કાનૂની) જુલાબ જ આપવામાં આવે છે ને?'

કાકાએ વળી નવી જ વાત કરી. એલોપેથી અને આયુર્વેદિક ઔષધોની  વાત કરતા પથુકાકા બોલ્યા, 'હવે તો સિંહ પણ આયુર્વેદિક દવા તરફ વળ્યા છે.' મેં પૂછ્યું, 'કેવી રીતે ?' કાકા કહે, 'ઉત્તર પ્રદેશના એક શહેરના પ્રાણીબાગમાં ડાલામથ્થાા સિંહને કબજિયાત થઈ ગઈ હતી. ઘણી દવાઓ કરી પણ જંગલના રાજાનું પેટ સાફ નહોતું આવતું.  ત્યારે એક જાણકાર વૈદે સૂચન કર્યું કે સિંહરાજાને હરડેની ફાકી આપો એટલે હરડેની ફાકીના ગોળા બનાવી ખાવાની સાથે  ખવડાવી દીધા. પછી તો ફાકીએ એવો ચમત્કાર દેખાડયો કે સિંહના પેટમાં ગડગડાટી  થવા માંડી. જોતજોતામાં સિંહે એવી પેટછૂટી જોરદાર ડણક નાખી તેની સાથે જ એન્કલોઝરની પાછલી ભીંત પર ચિતરામણ થઈ ગયું. આ મોડર્ન-આર્ટનું ભીંતચિંત્ર જોઈને રખેવાળ બોલ્યો કેઃ 

 'શેર કે પેટ મેં હુઈ ધમાલ

શેરને દીખાઈ ચિત્રકલા કી કમાલ...'

મેં કહ્યું ,'કાકા, સિંહનો ઈલાજ કરનારા વેટરનરી વૈદરાજને સલામ કરવી પડે. બાકી તો પ્રાણીઓને કુદરતી સેન્સ હોય છે કે પેટ બગડે તો શું કરવું.  કૂતરાં અને બીજા પ્રાણીઓ સૌથી પહેલાં ખાવાનું બંધ કરે છે અને ઘાસ ખાઈ લે છે. ઘાસ ખાવાથી ઉલ્ટી થાય એટલે પેટ સાફ. મેં તો વર્ષો પહેલાં ગીરના જંગલમમાં નીલગાઈને નેપાળાના પાન ચાવતા જોઈ મારી સાથેના ફોરેસ્ટ ગાર્ડને પૂછ્યું કે આ નેપાળાના પાન કેમ આવે છે? ત્યારે એણે કહેલું કે નીલ ગાયને પેટ ભારે લાગે એટલે નેપાળાના પાન ચાવી લે એટલે પેટ સાફ થઈ જાય. પેટ સાફ તો સબદર્દ માફ.'

કાકા આ સાંભળીને બોલ્યા, 'જુઓ તો ખરા? પ્રાણીને કેવી સમજ પડે છે કે પેટ બગડે તો ખાવાનું બંધ કરવું જોઈએ, પણ માણસ ગમે એટલું પેટ બગડે તો પણ ખાધા જ કરે છે... ખાધા જ કરે છે. પહેલા આડેધડ ખાય ખાણા અને પછી ગાય દુઃખાવાના ગાણાં આવાં કૈંક અકરાંતિયા ક્યાં નથી પર-ખાણા?'

મેં કહ્યું, 'શાકાહારી, માંસાહારી, લાલુ જેવાં ઘાસાહારી અને કાકી જેવાં માથાહારીની તમે વાત કરો છો ને? પણ આમાં હજી ઉમેરો કરવાનો પૈસા ખાઉ લાંચિયાઓ રોકડેથી એટલે કેશમાં લાંચ લે એટલે એને શું કહેવાય ખબર છે? કેશાહારી. આ ખાઈકી બહાદુરોએ એક જ સૂત્ર અપનાવ્યું છે-

મીટે ન અપની ખાઈકી

જય જય રઘુરાય કી.'

અંત-વાણી

ઝાડનું થાય

જ્યારે બહુવચન

ત્યારે હળવું થાય

બહુ-તન.

**  **  **

હું તો જોઈને જાઉં વારી વારી

કોઈ શાકાહારી કોઈ માંસાહારી

પણ માથું ખાય 'માથાહારી'.

**  **  **

કીડીને કણ

હાથીને મણ

કબૂતરને ચણ

માણસને ચણ-ભણ.

**  **  **

મસ્તીમાં તુક્કાબાજી

કુસ્તીમાં મુક્કાબાજી

રાજકારણમાં મોકાબાજી.

**  **  **

પાળેલા પ્રાણીને ઈંગ્લિશમાં કહેવાય પેટ, બરાબર? આના પરથી ગુજરેજીમાં કહી શકાય કે કોઈ પાળે પેટ તો ખાઊધરા પં-પાળે 'પેટ'.

**  **  **

ગુજરાતી ભાષા કટ્ટર આગ્રહી સજ્જને ફાસ્ટફૂડ જોઈન્ટમાં જઈ ઓર્ડર આપ્યોઃ એક ગરમ કૂતરો (હોટ ડોગ) આપજો. જોકે ખંધા, ખૂંટલ અને ખોટા ચૂંચા ચીનાઓ ખરેખર કૂતરાં ખાય છે એના પરથી કહી શકાય કે-

ચીના  ભલે કહે

હિંદી-ચીની ભાઈ ભાઈ

પણ જે આખેઆખા કૂતરાં ખાય

એજ હડકાયા થાય.