FOLLOW US

કોઈ 'ચપ્પલ'સે ના મારે મેરે દીવાને કો...

Updated: Mar 7th, 2023


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કાકાનું ઘર કેટલે? કાકી બળે એટલે... બળતણનો ભાવવધારો આખી દુનિયાને ભલે નડે, પણ કાકીને જરા પણ ન નડે.  આખો દિવસ બળતરા કર્યા જ કરે એટલે જ પથુકાકા કાયમ કહે કે, 'તારી કાકીનો સ્વભાવ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બળતા કચરા જેવો છે, કાયમ બળ્યા જ કરે. મારી જવાબદારી અર્નિંગની અને કાકીની બર્નિંગની.  એ તો મહા-બળેશ્વર છે,મહા-બળેશ્વર.'  

રજાને દિવસે પથુકાકા આરામ ખુરશીમાં બેસીને નિરાંતે છાપું વાંચતા હતા ત્યારે સૌરાષ્ટ્ર મેલ નહીં પણ સૌરાષ્ટ્ર-ફિમેલની જેમ ધસમસતાં કાકી આવ્યાં અને તાડૂક્યાં કે 'ઝટ શાક લઈ આવોને! છાપાં-બાપાને મૂકો પડતા.' કાકા બોલ્યા ,'ઈન્કમ ટેક્સ કે ઈ.ડી.ની  જેમ તારા છાપાથી  ત્રાસીને મારા બાપા ગયા... હવે શું છાપાં-બાપા મૂકવાનું કહે છે? હું  કાંઈ વિપક્ષી નેતા છું તે તું છાપા-બાપા મારીને ખોટી કનડગત કરે છે?'

કાકાનું વાક્ય પૂરૂં થતાની સાથે જ કાકી વિફર્યાં. ઓશરીમાં પડેલું  કાકાનું પ્યોર ચામડાનું ચપ્પલ ઉપાડીને છૂટ્ટો ઘા કર્યો અને તાડૂક્યાં, 'તેરા તુજ કો અર્પણ... મારો તો જ સીધા હાલે ખર-પણ...' 

છૂટ્ટું ચપ્પલ કાકાના ગાલ પર વાગ્યું અને ગાલ લાલ લાલ થઈ ગયો. કાકીની ચપળતા નહીં, પણ ચપ્પલતાનોે આ પ્રહાર થયા પછી તરત હું કાકાને ઘરે જઈ ચડયો. કાકાના લાલચોળ ગાલ જોઈને મેં ગાઈને સવાલ કર્યો-

'ગાલ કૈસા હૈ જનાબ કા

ક્યા ખયાલ હૈ આપ કા...'

પથુકાકા છણકો કરી બોલ્યા, 'ક્યા ખયાલ હૈ આપ કા...એમ નહીં અપના તો હાલ હૈ  આપ કા... એટલે 'આપ'ની જેમ જશને માથે જૂતા ખાવાની નોબત આવી છે. આ તારી કાકીએ ચપ્પલ ચોડી દીધું એમાં ગાલના આ હાલ થયા, જોતો નથી? તને તો ખબર છે તારી કાકી વિફરે એટલે 

'અપલમ  ચપ્પલમ... 'ગાતી ગાતી ચપ્પલનો જ છૂટો ઘા કરે છે. હાલ, મારી ભેગો. ખાદીભવનમાં આપણે ચપ્પલ જ પાછા આપી આવીેએ.'

મેં નવાઈ પામીને પૂછ્યું, 'કાકીએ ચપ્પલ છૂટ્ટું માર્યું એમાં ખાદી ભવનમાં ચપ્પલ પાછા આપવા શું કામ જાવું છે એ પહેલાં કહો.'

ઘૂંઘવાયેલા પથુકાકા પ્યોર ચામડાના ચપ્પલની જોડી થેલીમાં નાખતા બોલ્યા, 'ખાદીભવનમાં ચપ્પલ લેવા ગયો ત્યારે  સેલ્સમેને ખાસ કહ્યું હતું કે આ અહિંસક ચપ્પલ છે, ભાવ ભલે થોડો વધુ હોયપણ છે  અહિંસક ચપ્પલ લઈ જાવ, તમેય યાદ કરશો. સેલ્સમેને અહિંસક ચપ્પલ મને આપ્યા એટલે મને થયું કે તારી કાકી છૂટ્ટો ઘા કરશે ત્યારે  વાગશે નહીં, પણ આજે તારી કાકીએ ચપ્પલ માર્યું ત્યારે મારો ગાલ લાલચોળ થઈ ગયો, જોયુંને? આને અહિંસક ચપ્પલ કહેવાય કે હિંસક?'

મેં ખડખડાટ હસીને કાકાની ગેરસમજ દૂર કરતાં કહ્યું, 'અહિંસક ચપ્પલનો અર્થ શું થાય, ખબર છે? મરેલા ઢોરના ચામડામાંથી બનાવવામાં આવે એ અહિંસક  ચપ્પલ કહેવાય.  ઢોરને મારીને એનાં ચામડા ઉતારી મોંઘાં શૂઝ કે સેન્ડલ બનાવવામાં આવે છે એને અહિંસક નહીં, પણ હિંસક કહેવાય. એટલે તમારાં ચપ્પલ અહિંસક છે પણ આમાં કાકી હિંસક બને અને ચપ્પલનો છૂટો ઘા  કરે એમાં  ચપ્પલનો શું વાંક?'

પથુકાકાએ થેલી મૂકીને ખુરશીમાં બેસતા કહ્યું, 'હું એટલે જ કાયમ કહું છું કે લગન ટાણે જૂતાં ચોરે ે સાળી અને લગન પછી જૂતાં મારે ઈ ઘરવાળી...'

મેં કાકાની દુઃખતી નસ દબાવતા કહ્યું, 'લગન ટાણે તો તમે  ઉલળી ઉલળીને ગાતા ગાતા નાચતા હતા કે, જોડે રે'જો રાજ...જોડે રે'જો રાજ...' 

કાકા બોલ્યા, 'જોડે રે'જો  રાજ  ગાતો હતો ત્યારે મને ક્યાં કલ્પના હતી કે જોડાં ંખાવાનો વખત આવશે?'

મેં કહ્યું, 'કાકા, તમારી જેમ ઓલા પીડિત પતિ સઘના જે-જે મેમ્બરોને ઘરવાળીના હાથનાં જોડાંનો સ્વાદ ચાખવાનું ભાગ્યમાં  લખ્યું  છે એ હવે કંઈ યાત્રા કાઢવાના છે, ખબર છે ?'ભારત-જોડો' યાત્રા.'

કાકા બોલ્યા , 'વગર પરણેલા પણ માર ખાધા વગર ભારત જોડો યાત્રા કાઢી શકે તો અમારી જેવા જોડાંનો પ્રહાર ખમી ચૂકેલા કેમ ન ભારત-જોડો યાત્રા કાઢીએ?  દુનિયાને પણ ખબર પડે કે જોડો અને તોડોની રાજનીતિ  માત્ર બહાર જ નથી અજમાવતી, મારા જેવા ઘણાના ઘરમાંય જોડો-તોડોની રાજનીતિ કે નારાજ નીતિ જોવા મળે છે.'

મેં કાકાને ઔર ભડકાવતા કહ્યું, 'તમારા જેવા  પીડિત  પતિદેવો હિંસાનો ખેલ ખેલતી પોતપોતાની હંસાના જોડાનો માર ખમીને જ્યારે  'ભારત-જોડો' યાત્રો કાઢશો ત્યારે અમે કયું ગીત લલકારશું, ખબર છે? 'દો હંસો કા જોડા બિછડ ગયો રે ગજબ ભયો રામા જુલમ ભયો રે...'

પથુકાકા ખીજાઈને બોલ્યા,'હવે તો તારી કાકી મારી ઉપર ચપ્પલથી પ્રહાર કરશેને તો હું સીધો જ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરીશ કે મારી ઉપર 'ચપ્પલાસ્ત્ર'થી હુમલો કર્યો.'

મેં કહ્યું, 'કાકા ફરિયાદ કરવાનું રહેવા દેજો હો? હમણાં જ મહારાષ્ટ્રનો એક કેસ આવ્યો હતો. સગા ભાઈ અને ભાભીએ નાના ભાઈને કોલ્હાપુરી ચપ્પલથી એવો માર્યો એવો માર્યો કે વાત ન પૂછો. નાના ભાઈએ જઈને ફરિયાદ કરી કે ભાઈ-ભાભીે કોલ્હાપુરી ચપ્પલથી મારી ઉપરહુમલો કર્યો. આ  કેસ ચાલ્યો અને છેવટે  કોર્ટે શું  ફેંસલો સુણાવ્યો, ખબર છે? કોર્ટે ચુકાદો  આપ્યો કે  કોલ્હાપુરી ચપ્પલ એ કાંઈ જીવલેણ હથિયાર ન ગણાય, એટલે આ કેસ રદબાતલ કરવામાં આવે છે.'

કાકા કહે,'તું ધીમે બોલ, ધીમે બોલ... તારી (હો)બાળાકાકી સાંભળી જશેને તો મારા માટે ગમે ત્યાંથી કોલ્હાપુરી ચપ્પલની    જોડી લઈ આવશે અને પછી  એનાથી જ મને  ઝૂડી નાખશે. એને કોલ્હાપુરી ચપ્પલ હથિયાર નથી એ ખબર પડશેને  તો તો પછી ઘરમાં જ  નહીં  ઘરની બહાર  પણ ધજાગરો કરવા મને કોલ્હાપુરી ચપ્પલથી ફટકારશે, એ કેવી 'કોલાહલ-પૂરી' છે તું તો એને ઓળખે છે...'

મેં કહ્યું, 'કાકા, પતિ-પત્નીની જોડી સ્વર્ગમાં જ નિર્માઈ હોય છે, શું કરીએ?' કાકા બોલ્યા,'પતિ-પત્નીની જોડી  ભલે સ્વર્ગમાં  નિર્માઈ હોય, પણ પતિને ઝૂડવા કોલ્હાપુરીની જોડી તો  ધરતી પર જ મળે છેને?'

મેં કહ્યું, 'કાકા, જેવાં જેના નસીબ, બીજું શું? કોઈને ઘરરખ્ખુ પત્ની મળે તો કોઈને 'પગરખ્ખુ', બરાબરને?'

પથુકાકાને કંઈક યાદ આવતા બોલ્યા કે  આપણી ભાષામાં જૂતાં માટે જાડાં શબ્દ વિચિત્ર છે હો? જોડો એટલે જોડવાનું  નહીં પણ તોડો એટલો તોડવાનું પણ કામ કરે છે, તને ખબર છે?'

મેં પૂછ્યું, 'કાકા, કોની વાત કરો છો?' કાકા બોલ્યા,'બીજા કોની વાત કરૂં? આ મારા સોળે સરાવેલા અમદાવાદવાળા સાઢુભાઈની જ વાત કરું છું. સાધુ ચલતા ભલા અને આ સાઢુ મચલતા ભલા એમ કહી શકાય એવાં રંગીલા. અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે રહે છે. કાપડ બજારમાં નાની દુકાન છે  એ રાત્રે વધાવીને સીધા ઘરે  જવાને બદલે સીધા કોઈ કલબમાં પત્તાં રમવા પહોંચી જાય. એક વાત યાદ રાખ કે પત્તાં રમવાના શોખીન પત્તાવાળા  અને  સત્તા ભોગવવાના શોખીન સત્તાવાળાને સમયનું   ભાન નથી રહેતું . એમાં જ માર ખાય છે. મારા સાઢુભાઈ અડધી રાત્રે સ્કૂટર ઉપર માથે હેલ્મેટ પહેરીને પોતાના હેલ્મેટ  સર્કલ પાસેના ઘરે પહોંચે.  સ્કૂટર  પાર્ક કરીને પછી હેલ્મેટ ન ઉતારે,  બીતા બીતા ઘરે પહોંચી બેલ વગાડે, ગુસ્સામાં સાળી દરવાજો ખોલે અને એક હાથમાં તૈયાર રાખેલો જોડો સાઢુભાઈને માથે ફટકારે. હેલ્મેટ ઉપર જોડાનો ઘા  ઝીલી સાઢુભાઈ ચૂપચાપ બેડરૂમમાં ચાલ્યા જાય.'

મેં કહ્યું, 'કાકા, જોડાથી પ્રહાર કરે ત્યારે હેલ્મેટથી સાઢુભાઈનું માથું ભાંગતા તો  બચેને?' કાકા બોલ્યા, 'જોડાના રોજબરોજ  થતા પ્રહારથી હેલ્મેટને લીધે માથું  તો બચ્યું, પણ સંંસાર ન બચ્યો.  સાઢુભાઈએ કંટાળીને  વહુને છૂટાછેડા  આપી દીધા, બોલો.  એટલા માટે જ કહું છું જોડાં જોડવાનું નહીં, ક્યારેક  તોડવાનું ય કામ કરે છે. જોડાંને સંસાર કો ઐસા તોડા કી બરબાદી  કી તરફ મુખ મોડા...'

મેં કહ્યું, 'કાકા, માત્ર સંસારમાં  જ નહીં, રાજકારણમાં પણ જોડો અને તોડોની રાજનીતિને લીધે જ ભંગાણ પડે છેને?' 

અંત-વાણી

આવ ભાઈ હરખા

આપણે બેઉ સરખા

સભામાંય ફેંકાય છે

જુદા પગરખાં.

**  **  **

પગને જાળવે પગરખાં

પદને જાળવે પદ-રખા.

**  **  **

રસ્તા પર પહેરાય પદત્રાણ

રાજકારણના રસ્તે પદ-તાણ.

Gujarat
News
News
News
Magazines