Get The App

ગેસ કન્ટ્રોલ અને ગેસ્ટ કન્ટ્રોલ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ગેસ કન્ટ્રોલ અને ગેસ્ટ કન્ટ્રોલ 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

દેશભક્તિની સાથે ચારે તરફ જોવા મળતી ગેસ-ભક્તિના માહોલમાં મેં સવારે આપણા પરમ પરાક્રમી પથુકાકા અને કાયમ હડબડાટી કરતા (હો)બાળાકાકીને નવાનક્કોર ડ્રેસમાં એકદમ બની ઠનીને હાથમાં ટિફિન લઈ ઘરમાંથી નીકળતા જોયાં. તરત મેં બિલાડી નહીં પણ બિલાડો આડો ઉતરે એમ આડા ઉતરીને અધવચ્ચે આંતર્યાં. 

કાકાને પૂછયું, 'આમ ફૂલફટાક થઈને હાથમાં ટિફિન લઈને કાકીની કંપનીમાં ક્યાં નીકળ્યા?' 

પથુકાકાને હસીને કહ્યું, 'તારી કાકીની તો 'લિમિટેડ' કંપની છે. આજે અમે ગીધુભાઈના એકના એક દીકરાના પહેલાં લગ્ન માણવા જઈએ છીએ.'

મને નવાઈ લાગતા સવાલ કર્યો,  'લગનમાં જાવ છો એ બરાબર, પણ આમ હોસ્પિટલમાં કોઈ દરદીને ભાણું પહોંચાડવા જતા હો એવી રીતે ભેગું ટિફિન લઈને કેમ નીકળ્યા એ તો ખુલાસો કરો!'

પથુકાકાએ ઘૂંઘવાઈને ખરજના સૂરમાં સાયગલનું ગીત જરા ફેરવીને રેલાવ્યું, 'હમ જીકે ક્યા કરેંગે.... જબ ગેસ હી ખૂટ ગયા.... માલૂમ ના થા ઈતની મુશ્કિલ હૈ ગેસ કી લાઈને...' પથુકાકાને અધવચ્ચે અટકાવી પૂછયું,'લગ્નમાં ટિફિન લઈને શું કામ જાવ છો એની તો સ્પષ્ટતા કરો?'

પથુકાકા બોલ્યા, 'ગીધુભાઈએ દીકરાનાં લગ્નમાં ૨૦૦ મહેમાનોને નોતર્યા હતા અને મોટાપાયે જમણવાર હતો, પરંતુ ગેસની કટોકટી ઊભી થતાં કેટરિંગ સર્વિસવાળો છેલ્લી ઘડીએ ફસકી ગયો અને કહ્યું કે ૨૦૦ જણની રસોઈ થાય એટલા ગેસના બાટલા નથી, એટલે તમારો ઓર્ડર કેન્સલ કરું છું. સાવ છેલ્લી ઘડીએ કેવી દશા થાય? એટલે ગીધુભાઈએ જેમને આમંત્રણ આપ્યા હતા એ બધા મહેમાનોને વોટ્સએપ પર મેસેજ મોકલી દીધો કે, 'લગ્નમાં જરૂર પધારજો પણ સાથે દાળ, ભાત, શાક, રોટલી ભરેલું ટિફિન લેતા આવજો, મીઠાઈ અને ફરસાણ અમારા તરફથી આપવામાં આવશે. દરગુજર માફ કરશોજી.' બસ, આ મેસેજ મળતા હું અને તારાં (હો)બાળાકાકી પોતપોતાનાં ટિફિન લઈને જઈએ છીએ લગ્નના જમણવારમાં.'

કાકા-કાકીની જોડીને લગ્નના જમણવારમાં જતા જોઈ રહ્યો હતો એ વખતે શેરીને નાકે ગેસના બાટલા માટે લાગેલી લાંબી લાઈન જોઈને વધુ એક ગીત ફેરવીને મનોમન ગાયું- 'જીયા બેકરાર હૈ, ગેસ કી તકરાર હૈ.... આજા મોરે બાલમા તેરા ઈન્તઝાર હૈ...' આ સાથે જ અમારા બિલ્ડિંગવાળાં રમુબેનને લાઈનમાંથી રિલીવ કરવા માટે પહોંચેલા તેમના ઘરધણી નહીં, વરધણીને જોઈને જાણે રમુબેન જ ગાતાં હોય એવી અનુભૂતિ થઈ કે આજા મોરે બાલમાં તેરા ઈન્તેઝાર હૈ...

મજાની વાત એ છે કે ગેસ એજન્સીએ દુકાન પર બોર્ડ માર્યું હતું કે, 'હમારે યહાં ઓનલાઈન ગેસ દિયા જાયેગા... કૌંસમાં લખ્યું હતું (મતલબ જો લાઈન મેં ખડા રહેગા ઉસે ગેસ મિલેગા).'

કાકાની અને કાકીની આ ટિફિનયાત્રા જોઈ એના બીજા જ દિવસે મારે એક લગ્નમાં જવાનું થયું. કંકોતરીમાં લગ્ન બાદ જમણ-વાર બપોરે એક વાગ્યે એવું લખેલું હતું. હસ્તમેળાપ અને ફેરા ફરવાની વિધિ પતી ગયા પછી પણ જમણવારને લગતી કોઈ હલચલ દેખાતી નહોતી. બુફેના ટેબલ ઉપર સ્ટીલનાં વાસણો ખાલી પડયાંહતાં. કકડીને ભૂખ લાગી હતી. મેં ધીરજ ન રહેતાં વરપક્ષના એક ઓળખીતાને કોણી મારી પૂછયું ,'આ તો બહુ વાર લાગી, કેમ આટલું મોડું થયું?' ઓળખીતા ભાઈ દાઢમાંથી બોલ્યા કે, ગેસના ચાર બાટલા ખલાસ થયા એમાં અડધી જ રસોઈ થઈ એટલે વધુ ચાર બાટલા કાળાબજારમાંથી લાવવાની તજવીજ ચાલી રહી છે એમાં મોડું થયું. એટલે જ અમે કંકોતરીમાં જમણ-વાર લખ્યું હતું એમાં ખાસ જમણ અને વાર વચ્ચે ડેશ રાખ્યો હતો, એટલે સહુ સમજી જાય કે જમણમાં વાર લાગશે, હા-હા-હા...'

આ જવાબ સાંભળી મેં મનોમન વિચાર કર્યો કે આ અમેરિકા અને અને ઈરાનવાળા એકબીજા પર વાર કરે એમાં આપણે જમણવારમાં વાર સહન કરવાની? જય યો- ગેસ- વર... આ ઈરાન- અમેરિકાએ તો આખી દુનિયાને ગેસ પર મૂકી દીધી છે. દેશ એવો વેશ નહીં પણ દેશ એવો ગેસ કહેવાનું ટાણું આવ્યું છે.

ગેસ કન્ટ્રોલથી સાથે હવે ગેસ્ટ કન્ટ્રોલ અમલમાં મૂકવાની નોબત આવી છે. વેકેશન ગાળો શરૂ થતાની સાથે જ પથુકાકા અને (હો)બાળાકાકીએ સગાસંબંધીઓને જણાવી દીધું ,'ભલે શરૂ થયો હોય વેકેશન- ગાળો, પણ ગેસ વિના રાંધવાનું મુશ્કેલ છે એટલે વેકેશનમાં આવવાનું ટાળો, નહીંતર વિના કારણ અમારે વેકેશનમાં સહેવી પડશે તમારી ગાળો.'

આમ તો રાજકારણના રસોડે બધા નેતાઓ પોતપોતાની રોટલી શેકવાનાં જ પડયા હોય છે, પણ ખરેખરી રોટલી શેકવા માટે તો ગેસ અથવા સગડીની જરૂર પડેને? ગેસની ગેસાયણને લીધે ગેસને બદલે સગડી કે પછી ચૂલામાં કોલસા બાળીને ઉપર તાવડી મૂકી રોટલી શેકવી પડે છે, પરંતુ મહારાષ્ટ્રના નાગપુર સહિતના વિદર્ભ ક્ષેત્રમાં ઈંધણ વિના અને તાવડી વિના રોટલી પકાવવાનો કીમિયો અજમાવવામાં આવે છે. મેં પથુકાકાને આ વાત કહી ત્યારે તેને વાત ગળે ન ઉતરી. એટલે શંકા દર્શાવતા કહ્યું કે સગડી કે તાવડી અને ઈંધણ વિના રોટલી શેકાય એ કેવી રીતે પોસિબલ છે?'

કાકાની નાની અમથી આ 'લઘુશંકા'નું નિવારણ કરવા માટે વિદર્ભની એક વીડિયો ક્લિપ બતાવી. કાકા વીડિયો જોઈને દંગ રહી ગયા. એમાં કેટલીક મહિલાઓ ઘરમાંથી રોટલી વણીને લાવતી જોવા મળી અને રસ્તાના એક સાફ કરેલા ભાગમાં ભરબપોરે શેકવા મૂકી. ગણતરીથી સેકન્ડમાં રોટલી શેકાઈ ગઈ. બીજી વીડિયોમાં કેટલાંક ભેજાબાજો પાર્ક કરેલી કારના ધગધગતા બોનેટ પર વણેલી રોટલી શેકતા નજરે પડયા. આ જોઈને કાકા તો મોઢામાં આંગળી નાખી ગયા અને તરત જ પથુકાકા બોલી ઉઠયા, 'ઈંધણ વિના સીધેસીધી રોડ પર જ શેકાય એને રોટલી નહીં પણ 'રોડલી' કહેવાય, બરાબરને?'

મેં હકારમાં માથું ધૂણાવીને કહ્યું, 'કાકા, વિદર્ભમાં વાડામાં મરઘીઓ રાખેલી હોય છે ને? ઈ મરઘીઓ ભરબપોરે ઈંડાં આપવાને બદલે સીધે સીધી આમલેટ જ આપે છે, ખબર છે?'

 આ સાંભળતાવેંત મને જોરદાર ધબ્બો મારી કાકા બોલ્યા, 'ગપ્પોડી સાવ ગપગોળા છોડવા માંડયા છે તે તને શું કંપવા નહીં પણ 'ટ્રમ્પ-વા' થયો છે? કાલ સવારે તું વધુ એક ગપ્પું મારીશ કે વિદર્ભની ભેંસો ભરઉનાળે સીધે સીધું ગરમાગરમ દૂધ જ આપે છે! આંચળમાંથી દૂધ ઉભરાય એટલે બોધેણામાં ભરી લેવાનું. ગરમ- બરમ કરવાની ઝંઝટ  જ નહીં, બરાબરને?'

મેં કાકાને કહ્યું ,'ગેસ, સગડી કે પછી ચૂલા પર રોટલી શેકતા જવાનું અને રાંધે જવાનું. ગેસની, કટોકટી વચ્ચે ભૂખ્યા થોડા જ રહેવાય?' 

કાકા બોલ્યા, 'સાવ સાચી વાત છે. બસ, રાંધતા જ રહેવાનું એવા ભાવનો પડઘો પાડે એવા નામનું ગુજરાતમાં ક્યું ગામ છે, ખબર છે? એ ગામ છે ગાંધીનગર બાજુ આવેલું ગામ રાંધેજા.'

અંત- વાણી

મચ્છર ભગાડવા પેસ્ટ કન્ટ્રોલ

મહેમાન ભગાડવા ગેસ્ટ કન્ટ્રોલ

* * *

જૂની કહેવતઃ મહેમાન અને માછલાં ત્રણ દિવસ પછી ગંધાયા વિના રહે જ નહીં.

* * *

સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં હવે સામેથી પૈસા આપી મુખ્ય મહેમાન તરીકે મંચ પર બેસવાનું માન મેળવનારા વધતા જાય છે. આવા મહેમાનને અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે? પેઈંગ- ગેસ્ટ.

* * *

ગેસ સળગે,

ગેસ્ટ વળગે.