કરો કેરીના અને વેરીના ઝીણા ઝીણા કટકા
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ઉનાળામાં અથાણાં (અચાર) બનાવવાની અચાર-સંહિતા પાડોશી પથુકાકાના ઘરમાં લાગુ થઈ ગઈ હોય એવું લાગ્યું. સવારમાં કાકાની ઓશરીમાં અથાણાં બનાવવાનો ધમધમાટ શરૂ થઈ ગયો. (હો)બાળાકાકીની રાડારાડ કાને ધરી કામે લાગેલા પથુકાકાનો આખા બિલ્ડિંગમાં સંભળાય એવો મોટો અવાજ આવવા માંડયોઃ 'આ... ઝીણા... આ... ઝીણા... આ... ઝીણા... આ... ઝીણા...'
કાકાનો આ ઝીણાનાદ સાંભળીને હું તરત એમના ઘરે ગયો અને મોટા અવાજે 'આ... ઝીણા'નું રટણ કરી કાચી કેરીના કટકા કરતા કાકાને મે મોટે અવાજે પૂછ્યું, 'સવારના પહોરમાં 'આ... ઝીણા'નો જાપ કેમ કરો છો? ભેજાનો કોઈ સ્ક્રુ ઢીલો થઈ ગયો છે કે શું?'
પથુકાકાએ કાકી તરફ આંગળી ચીંધી છણકો કરીને કહ્યું, 'આ તારી કાકીસ્તાની ત્રાસવાદી કાકીએ મને અથાણાની કેરી સુધારવા બેસાડયો અને સતત એક જ વાત કહેતી હતી કે ઝીણા કટકા કરજો... ઝીણા કટકા કરજો... એટલે તારી કાકીનું માથું ખાવા હું મોટા અવાજે 'આ... ઝીણા... આ... ઝીણા...' એવું રટણ કરવાં માડયો. હવે સમજાયું?'
મેં કહ્યુ,ં 'કાકા, તમે તો 'ઝીણા... ઝીણા...'નું રટણ કરી કાકીનું માથું ખાધું પણ 'ઝીણા'ને લીધે આખી દુનિયાનું માથું ખવાઈ ગયું એ નું શું?'
સાનમાં સમજી ગયેલા પથુકાકા હસીને બોલ્યા, 'તું પાકિસ્તાન ઊભું કરનારા કાયદે-આઝમ ઝીણાની વાત કરે છેને? હું સમજી ગયો. ઈ સાવ ઝીણકા ઝીણાએ ભારતનો એક કટકો કાપીને પેદા કર્યું પાકિસ્તાન અને પાકિસ્તાને પેદા કર્યા આતંકવાદી. હમણાં પહલગામમાં હિન્દુ ટુરિસ્ટોને નિશાન બનાવી હાહાકાર મચાવી દેનારા હરામજાદા પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા ટેરરિસ્ટો હાથમાં આવે તો એના આ કેરી જેવા ઝીણા ઝીણા કટકા કરી નાખવા જોઈએ એટલે પણ હું ઊંચા અવાજે 'આ... ઝીણા, આ... ઝીણા' એવું બોલીને દાઝ ઉતારૃં છું. બીજું, દુશ્મન દેશ પાડોશમાં ઊભો કરવા માટે અને એ ના-પાક દેશમાં આતંકવાદીઓના ઉછેરકેન્દ્રો શરૂ કરવા માટે 'આ-ઝીણા' જ જવાબદાર છેને? એટલે જ કેરીના કટકા કરતી વખતે આખી દુનિયા સાંભળે એમ બરાડું છું - 'આ... ઝીણા, આ... ઝીણા, આ... ઝીણા...' કેરીના અને વેરીના ઝીણાં ઝીણા કટકા જ કરાયને?'
પહેલો સગો પાડોશી નહીં, પણ પહેલો દગો પાડોશી
પહેલો સગો પાડોશી અને ક્યારેક પહેલો દગો પણ પાડોશી જ આપે.વસમો પાડોશી નસીબમાં ભટકાયો હોય તો ઈ ધર્મને નામે બજાવે. પાડોશીઓ વચ્ચે વાટકી વ્યવહાર હોય એ સમજી શકાય, પણ પાકિસ્તાને પહેલેથી જ ભારત જેવા ખમતીઘર પાડોશી સાથે વાટકી વ્યવહારને બદલે ખાટકી વ્યવહાર જ રાખ્યો. ખવડાવી-પીવડાવીને ખૂંટલ બનેલા ખાટકીઓને તે આપણા દેશમાં સરહદ પારથી ધકેલે છે. તમે નહીં માનો, કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવવામાં આવી એ પહેલાં શ્રીનગર ગયો ત્યારે લાલ ચોકના એક કોલ્ડડ્રિંક હાઉસમાં જવાનું થયું. પેટ જરા ભારે હતું એટલે મેં સોડા પીવાના ઈરાદે આદત પ્રમાણે ઓર્ડર આપ્યો, 'એક કાશ્મીરી સોડા દેના!'
આ સાંભળતાંવેંત ખભે બંદૂક લઈને ઊભેલા અને પહેલી જ નજરે ટેરરિસ્ટ જેવા લાગતા દાઢીધારી જુવાને કતરાઈને કહ્યું, 'જનાબ , કાશ્મીરી સોડા નહીં મિલેગી, આઝાદ કાશ્મીરી સોડા કહો.'
મેં તો જીવના જોખમે જીભાજોડી કરવાને બદલે વેઈટરે આપી એ સોડા ગટગટાવીને ચાલતી પકડી, પણ મનોમન થયું કે, 'પાક'-પાડોશી કેટલી હદે આવા કાશ્મીરી જુવાનિયાઓના કાનમાં ઝેર રેડે છે, જુઓ તો ખરા! આપણે ખાધેલું પચાવવા માટે કાશ્મીરી સોડા પીવી પડે છે અને આ બધાએ કાશ્મીરનો ભાગ એમ ને એમ પચાવી પાડયો છે.
મારા નસીબમાં પણ કોણ જાણે જે ગામ જાઉં ત્યાં વસમાં પાડોશી ભટકાય છે. ઝાલાવાડના લીંબડી ગામના એક આવા જ ગળે પડું પાડોશી યાદ આવે છે. આમ આપણું બધું કામ દોડી દોડીને કરી છૂટે, પણ એક જ ખોટી આદત - માગવાની. કહે છેને કે માગે એનાથી સૌ ભાગે. પણ હું તો પાડોશમાં ગુડાણો હતો એટલે ભાગીને જાઉં પણ ક્યાં?
એક વાર સવારના પહોરમાં આવીને તેઓ વરંડામાં રાખેલી આરામ ખુરશીમાં અ ડડ્ડો જમાવીને બેઠા. હું નાહીને બહાર નીકળ્યો એટલે સીધો જ મને સવાલ કર્યો, 'ભાઈ, તમે પુનર્જન્મમાં માનો છો? '
મેં ટુવાલથી માથું લૂંછીને જવાબ આપ્યો,'હું તો પુનર્જન્મમાં માનું છુ.'
તરત એમણે હાશકારો કરીને કહ્યું, 'ક્યાં બાત હૈ, તમે પુનર્જન્મમાં માનો છો એટલે આપણું તો કામ થઈ ગયું. જરા હજારેક રૂપિયાની સગવડ કરી આપોને!'
નવાઈ પામીને મેં પૂછ્યું, 'ભાઈ, પુનર્જન્મ અને પૈસાને શું સંબંધ છે?'
નકટા પાડોશીએ લુચ્ચું હસીને કહ્યું, 'સાહેબ, આ તો દાનતનો સવાલ છે. પૈસા પાછા ચૂકવવા માટે ખોટા વાયદા આપવાની મને ટેવ નથી. આ જન્મે નહીં તો આવતા જન્મે પાઈએ પાઈ દૂધે ધોઈને ચૂકવી દઈશ.' મારી દાનત ખોટી નથી !'
મનોમન મેં કહ્યું, 'તારા જેવા પાડોશી ભટકાયા પછી એક જન્મારો કાઢવો આકરો થઈ પડયો છે, ત્યાં જન્મોજન્મ તું જ ભટકાશે?'
મુંબઈ આવ્યા પછી પણ પાડોશીઓના ત્રાસમાંથી છુટકારો ન થયો. વેસ્ટર્ન સબર્બમાં મારી બાજુમાં એક માગેશ્રી પાડોશી રહે. ભૂલતો ન હોઉં તો ભાઈનું નામ ચંદુભાઈ અને ભાભીનું નામ રંજનબહેન. જોકે સોસાયટીવાળાએ તેમની હાસ્યાસ્પદ હરકતોને લીધે નામ બદલીને રંજનમાંથી મનોરંજનબહેન કરી નાખ્યું હતું. સવાર પડતાંની સાથે જ ચા, ખાંડ, તેલ અને મીઠું એવી પરચૂરણ ચીજો તો વારંવાર આવીને મનોરંજનભાભી લઈ જાય. એક વાર સવારમાં આવ્યાં. મારી વાઈફને કહે, 'બહેન, આજે મહેમાન આવવાના છે એટલે જરા તમારું પેલું મવાલી કૂકર આપજોને?'
મેં નવાઈ પામીને પૂછયું, 'રંજનબહેન, પ્રેશર કૂકરને મવાલી કૂકર કેમ કહો છો?'
રંજનબહેને જાણે રૂપ ઢોળાઈ જતું હોય એમ સાડલાથી મોઢું ઢાંકીને શરમના શેરડા સાથે કહ્યું, 'કેમ? રસોડામાં બૈરાને જોઈને સીટી વગાડે એને મવાલી કૂકર જ કહેવાયને?'
એ દિવસ અને આજની ઘડી. અઢી વર્ષ થયાં. એ વાતને. કૂકર ગયું એ ગયું. સવારે પાડોશીને ત્યાં અમારા કૂકરની સીટી વાગે એટલે મારી વાઈફ અચૂક મોં કટાણું કરીને કહે, 'જો આપણો મવાલી પારકે ઘેર કેવી મજેથી સીટિયું વગાડે છે!'
મુંબઈમાં આવ્યા પછી સવારના પહોરમાં ડોરબેલ વાગે એટલે હું સમજી જાઉં કે માગવાની રાષ્ટ્રીય નીતિ અપનાવનાર પાડોશી સિવાય બીજું કોઈ ન હોય. મેં જ પૂછી નાખ્યું, 'બોલો રંજનબહેન, તમારી શું સેવા કરું?'
રંજનબહેન આગ્રહભર્યા અવાજે બોલ્યાં, 'પ્લીઝ, આજનો દિવસ તમારાં ત્રણેય બાળકો આપોને!' માગણી સાંભળીને મને એવો આંચકો લાગ્યો કે બે ડગલાં રિવર્સમાં ચાલ્યો ગયો. જરા ખીજવાઈને મેં પૂછયું, 'તમે શેની માગણી કરો છો એનું કંઈ ભાન છે? અમારાં ત્રણ છોકરાનું શું કામ છે?'
રંજનબહેન ધીરેથી બોલ્યાં, 'આ સ્કૂલ ઊઘડયા પહેલાં અમારી નાત તરફથી મફત નોટબુકોનું આજે વિતરણ થવાનું છે. બાળકદીઠ બે-બે ડઝન મફત નોટ મળવાની છે એટલે અમારાં બે બાળકો સાથે તમારાં ત્રણેય ટેણિયાંઓને લઈ જઈને લાઈનમાં ઊભાં રાખું તો અમારા ભાગે એટલી વધુ નોટબુકો આવે ને?' મને વિચાર આવ્યો કે રાજ કપૂરે અમારા પાડોશીને જોયા હોત તો 'જાગતે રહો'ને બદલે કંઈ ફિલ્મ ઉતારત, ખબર છે? 'માગતે રહો.'
ભારતને પાકિસ્તાન જેવા વસમાં પાડોશી ભટકાયા છે ત્યારે કહેવું પડે કે-
ભલે પાડોશી હોય વસમા
પણ ભારત એને કરશે 'વશમાં'
અંત-વાણી
વસમા પાડોશી પાકિસ્તાન સાથે વાટકી વહેવાર નહીં ખાટકી વહેવાર જ રખાય.