- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
રાજકોટ બસ ડેપોમાં હું લીંબડીની બસ આવે એની રાહ જોઈને ઊભો હતો. પાછળ પોટલાં લઈને બે-ચાર ગામડિયા ઊભા હતા. હું આમતેમ જોતો હતો ત્યાં પાછળ ઊભેલા ગામડિયાએ બૂમ પાડીઃ એ લઘરી આવી... એ લઘરી આવી...
આ સાંભળીને મને થયું કે આ ભાઈ કોને લઘરી લઘરી કહે છે? ત્યાં તો જોયું તો એસટીની જૂની લકઝરી રિવર્સમાં પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ એટલે સમજી ગયો કે આ ગામડાવાળા લકઝરીને એમની ભાષામાં લઘરી કહેતા લાગે છે... પરંતુ બસની હાલત જોઈને મેં વિચાર્યું કે આને લકઝરી ન કહેવાય, લઘરી જ કહેવાય.
બસનો કંડક્ટર રંગીલા મિજાજનો અને ગાવાનો શોેખીન લાગ્યો. એટલે રિવર્સમાં આવતી બસના ડ્રાઈવરને પ્લેટફોર્મ આવી ગયું તેની ખબર પડે એટલા માટે ટીન... ટીન... ટીન ઘંટડી વગાડતો હતો, પણ બરાબર તાલમાં વગાડીને ગાતો હતોઃ આજા સનમ મધુર ચાંદની મેં હમ, તુમ મિલે તો વિરાની મેં ભી આ જાયેગી બહાર...
ભસ્માસૂર નહીં પણ 'બસમાં સૂર' રેલાવતો કન્ડકટર ગાતો ગાતો મારી પાસે ટક... ટક... ટક કરતો ટિકિટ કાપવા માટે આવ્યો. મેં એને પૂછ્યું, 'ભાઈ, તું આ 'ચોરી ચોરી' ફિલ્મનું ગીત ગાય છે એ કોણે લખ્યું છે, ખબર છે?' જાણકાર કંડકટરે તડાક કરતો જવાબ આપ્યો, 'હા સાહેબ, આ ગીત હસરત જયપુરીએ લખ્યું છે.'
મેં ફરી પૂછ્યું, 'તારામાં અને હસરત જયપુરીમાં શું સામ્ય છે, ખબર છે?' સવાલ સાંભળીને જણ જરા મૂંઝવણમાં પડી ગયો અને માથું ધુણાવી ના પાડી. એટલે મેં કહ્યું, 'ભાઈ, તને ખબર છે? તારી જેમ હસરત જયપુરી ગીતકાર બન્યા એ પહેલાં મુંબઈની બેસ્ટ બસમાં કંડકટર હતા. તું જેમ અત્યારે ગાતો ગાતો ટિકિટ કાપે છે એમ હસરત જયપુરી પણ નવાં નવાં ગીતોનાં મુખડા ગણગણતા અને વપરાયેલી ટિકિટોની પાછળ લખતા. આમ કંડક્ટરમાંથી કેવા ટોચના ગીતકાર બની ગયા!'
કંડક્ટર બોલ્યો, 'સાહેબ, આ તો કમાલની વાત કરી તમે. હસરત જયપુરી સાહેબની વાત સાંભળીને કહેવું પડે કે એક જમાનામાં મારી જેમ જે ઘંટડી વગાડતા એણે જ એક દિવસ સંગીતની દુનિયામાં ડંકો વગાડયો.' મેં કહ્યું, 'દોસ્ત, તારો પણ એટલો સારો અવાજ છે કે તું પણ આજે ભલે ઘંટડી વગાડે છે, પણ રિયાઝ ચાલ ુ રાખીશ તો તું પણ ડંકો વગાડીશ.'
તારીફથી ખુશ થઈને હસરત સાહેબનું જ બંધબેસતું ગીત ઉપાડયું, 'જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના...' આમ ગાતો ગાતો આગળ વધી ગયો.
યોગાનુયોગ હું મુંબઈની બેસ્ટમાં જ સફર કરતો હતો ત્યારની વાત છે. મુંબઈના ચોમાસામાં ખાડે જતા રસ્તા પરથી બસમાં પ્રવાસ કરવો એટલે સફર સફરિંગ બની જાય છે. સિંગલ-ડેકર બસમાં ડ્રાઈવરની પાછળની જ સીટમાં હું બેઠો હતો. સુકલકડી ડ્રાઈવર ખાડાથી બચાવીને બસ હંકારવાનો વ્યર્થ પ્રયાસ કરતો હતો. છતાં ધડાધડ કરતી બસ ઊછળતી હતી. ડ્રાઈવરે ટિકિટ આપીને પરવારેલા કંડકટર સામે જોઈને નિસાસો નાખતા કહ્યું, 'ખડ્ડે કી વજહ સે તો સારા બદન તૂટતા હૈ.... ઘર જા કે ચંપી કરવાને કા મન હોતા હૈ...' આ વાત સાંભળતાની સાથે જ કંડકટર ગાવા માંડયો ,'માલીશ... તેલમાલીશ... સર જો તેરા ચકરાવે યા દિલ ડૂબા જાયે આજા પ્યારે, પાસ હમારે, કાહે ગભરાયે કાહે ગભરાયે...'
મેં કંડકટરને પૂછ્યું, 'ભાઈ, તને ખબર છે, તું તેલમાલીશનું જે ગીત ગાય છે એ સ્ક્રીન પર કોણે ગાયેલું?' કન્ડકટર સ્માર્ટ હતો. એણે જવાબ આપ્યો, 'જોની વોકરે ગાયેલું. મને ખબર છે?' મેં ફરી પૂછ્યું, 'જોની વોકર પણ બેસ્ટના કંડકટર હતા એ તને ખબર છે?' કંડકટર બોલ્યો, 'શું વાત કરો છો? હું તો એમનો જબરજસ્ત ફેન નહીં ટેબલ-ફેન છું ! આજે પણ હું જોની વોકરના કોમેડી ગીત ગાઉં છું -
જાને કહાં મેરા
જીગર ગયા જી
અભી અભી યહાં થા
કિધર ગયા જી.
મેં કંડકટરને કહ્યું, 'જે મહિલાઓ શરીરનું ધ્યાન ન રાખે અને આકાર ગુમાવી નિરાકાર સ્થિતિમાં આવી જાય એ મોડે મોડે જીમમાં જાય અને પછી જીમના મોટા અરીસામાં જોઈને મનોમન ગણગણવા માંડેઃ
જાને કહાં મેરા
ફિગર ગયા જી
અભી અભી અચ્છા થા
બિગડ ગયા જી...'
કંડકટર પણ ફિલ્મનો શોખીન લાગ્યો એટલે એણે કહ્યું, 'સાઉથના સુપરસ્ટાર શિવાજીરાવ ગાયકવાડ પણ બેંગ્લોરમાં કંડકટર હતા, તમને ખબર છે?' મેં કહ્યું, 'ભાઈ, મેં તો સાઉથના શિવાજીરાવ ગાયકવાડ નામના કોઈ સુપસ્ટારનું નામ નથી સાંભળ્યું.' આ સાંભળીને કંડકટર જરા પોરસાઈને બોલ્યો, 'સાહેબ, રજનીકાંતનું નામ નથી સાંભળ્યું? એની જ વાત કરૂં છું. રજનીકાંતનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ હતું. આપલા મરાઠી માણૂસ...'
આ વાત સાંભળીને મેં ફરી મારૂં વાક્ય દોહરાવ્યું,'કંડકટર તરીકે ઘંટડી વગાડનારાએ કલાકાર તરીકે દુનિયામાં ડંકો વગાડયો હો...'
દુલ્હા મેરા બસ મેં
લગ્નમંડપમાંથી વિદાય લેતી કન્યાને માતાએ સવામણની સલાહ આપી, 'બેટી, શુરૂ સે હી તુમ અપને દુલ્હે કો બસ મેં રખના.' આ સલાહ સાંભળી હિબકા ભરતી કન્યાએ જવાબ આપ્યો, 'મા, તુમ નહીં જાનતી? દુલ્હા તો બસ મેં હી રહતા હૈ, વો કંડકટર હૈ, પહેલે આઠ ઘંટે ડયુટી મ- ેં બસ મેં રહતે થે, અબ બાકી સોલહ ઘંટે અપને બસ મેં રખૂંગી...'
દીકરી બિચ્ચારી ગરીબ ગાય જેવી હોય તો પતિના પ્રભાવ તળે આવીને નર-વશ બની જતી હોય છે, પણ નારી સ્વાતંત્ર્યના ફૂંકાતા વાયરા વચ્ચે હવે વરને વશમાં રાખે એવી વહુઆરૂઓ જોવા મળે છે, આ નારીઓ મક્કમતાથી કહેતી હોય છે કે કોઈક વાર ભલે નર્વસ થવું પણ નર-વશ કે વર-વશ ન થવું.
આપણે શરૂઆતમાં જે કન્યાની વાત કરીને, એનું પિયર પથુકાકાના મકાનમાં જ છે. 'બેસ્ટ'ની બસમાં રોજ અવરજવર કરતા કંડક્ટરને દિલ દઈ બેઠી અને દિલમાં પ્રેમની ઘંટડી વાગવા માંડી. એટલે પછી કન્ડકટર સાથે જ લવ-મેરેજ કરવાનું નક્કી કર્યું. માતા-પિતાએ મંજૂરી આપી એટલે પછી ધામધૂમથી લગ્ન યોજાયા. હું અને કાકા તેમ જ આડોશીપાડોશી પણ લગ્નમાં ગયા.
લગ્નમંડપમાં સોળે શણગાર સજીને કન્યા અને વગર યુનિફોર્મે કંડક્ટર રાજા પણ શોભતા હતા. લગ્નની વિધિ શરૂ થઈ. મુંબઈના ટ્રાફિકના પોલ્યુશનથી ટેવાયેલા વરરાજા લગ્નની વેદી પાસે આંખો ચોળ્યા વગર બેઠા હતા. ગોર મહારાજે ફેરા ફરવાનો સમય થતા બન્નેને ઊભા કર્યા. મંત્રોચ્ચાર સાથે સાત ફેરા ફરવાનો સંકેત આપતા વરરાજાએ આદત પ્રમાણે કુર્તામાં હાથ નાખી અંદર જનોઈ બે વખત ખેંચી મનોમન ટીન... ટીન... બોલી ફેરા ફરવાની શરૂઆત કરી. સાતમો ફેરો પૂરો થયો એટલે વળી એક વાર જનોઈ ખેંચી ઊભા રહ્યા.
કંડકટર દોસ્તના લગ્ન માણવા બસના ડ્રાઈવરો પણ આવેલા. એક ટીખળી ડ્રાઈવરે કહ્યુંં, 'કંડકટરને કેવી મજા? આમ ડયુટી બજાવતા બજાવતા બ્યુટી સાથે આંખ લડી જાય તો સંસારમાં થાળેય પડી જાય. અમારા આવા નસીબ ક્યાંથી? કંડકટરને લાડી ભટકાઈ જાય, જ્યારે અમારે તો ગાડી ભટકાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે છે...'
અંત-વાણી
૨૦૨૫ની વિદાય અને ૨૦૨૬ના આગમન ટાણે જુદી જુદી રીતે નવવર્ષની શુભકામનાઃ
સહુ વર્ષભર ખુશખુશાલ રહે
એ માટે હેપ્પી ન્યુ યર.
યાર-દોસ્તોના નવા સંબંધ
બંધાય માટે હેપ્પી ન્યુ યર.
સગાસંબંધી નજીક રહે એ
ભાવના સાથે માટે હેપ્પી ન્યુ યર.
જનતાની ફરિયાદ કાને ધરે
માટે સરકારને માટે હેપ્પી ન્યુ યર.


