Updated: Feb 7th, 2023
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
કામધેનુ ગાય જેવા ઘર-કામધેનુ ભાઈ જોવા હોય તો પથુકાકાના ઘરમાં ડોકિયું કરવું પડે. કાકી હસબન્ડ પાસે હોમ-વર્ક એટલે ઘરકામ કરાવે અને પોતે નિરાંતે હિંચકા ઉપર બેસી ગળું છૂટ્ટું મેલીને ગાતા જાય -
નંદલાલ નહીં રે
આવુંને ઘરે કામ છે
કામ છે, કામ છે, કામ છે
હો વ્હાલા
નંદલાલ નહીં રે આવું
ઘરે કામ છે.
રવિવારે રજાને દિવસે પથુકાકાને ઘરે સવારે ગયો ત્યારે પણ પથુકાકાને રસોડામાં બેસી ઘરકામ કે વર-કામ કરવામાં વ્યસ્ત હતા. (હો)બાળા કાકી હિંચકે બેસી ઓર્ડર કરતાં જતાં હતાં અને કાકા નીચી મૂંડી કરી 'બાઈ-ઓર્ડર' કામ કરતા જતા હતા. કરિયાણાની દુકાનેથી જે માલ આવ્યો હતો એ કાકા એકસરખી કાચની બરણીમાં ભરતા જતા હતા અને એની ઉપર અંદર કંઈ ચીજ છે તેનું લેબલ ચોંટાડતા જતા હતા.
મેં રસોડામાં જઈ પૂછ્યું, 'કાકા, આમ સવારના પહોરમાં શું કામે વળગી ગયા છો?' ત્યાં કાકીએ હિંચકા પરથી મને કહ્યું,'તારા કાકા અત્યારે કામમાં કામાતુર છે, હમણાં એને વતાવતો નહીં.'
મેં તો કાકીની સ્ટેચ્યુટરી વોર્નિંગ અવગણી કાકાને અડપલું કરતા પૂછ્યું, 'રવિવારે રજાને દિવસે પણ તમારે ઘરનું કામ કરવું પડે છે?' પથુકાકા બોલ્યા, 'તું આખી જિંદગી વાંઢાજનક સ્થિતિમાં રહ્યો ને એટલે તને નહીં સમજાય, બાકી મારા જેવા જે પરણે એ સમસ્યાને શરણે, સમજાયું ? કોમવાદી દેશને નડે અને આ તારી કાકી હોમ-વાદી એટલ કે મને કનડે. એટલે જ કહું છું - યા 'હોમ' કરીને પડો, ફટકા છે આગે...'
પથુકાકા કાગળની કોથળીમાંથી કાઢીને એક સરખી બરણીમાં દાળ, ચોખા, કઠોળ ભરતા જતા હતા અને અંદર શું છે એના નામના લેબલ ચોંટાડતા જતા હતા. એક બરણીમાં ખાંડ ભરી અને બહારની તરફલેબલ ચોંટાડયું - કડવું કરિયાતું. બીજી બરણીમાં ગોળ ભર્યો અને એની ઉપર લેબલ ચોંટાડયું - મેથી.
મેં કાકાને સવાલ કર્યો, 'તમારું માથું ફરી ગયું છે કે શું ? ખાંડની બરણી ઉપર કડવું કરિયાતું અને ગોળની બરણી ઉપર મેથીનું લેબલ કેમ ચોંંટાડયું?'
પથુકાકાએ હસીને જવાબ આપ્યો, 'કીડી ન થાય એટલા માટે ખોટા લેબલ લગાડયા છે. મારી અક્કલને દાદ તો દે?'
મેં કહ્યું, 'કાકા, જરાક દિમાગ તો દોડાવો? કીડી કાંઈ લેબલથોડી જ વાંચવાની છે? એ તો ખાંડ અને ગોળ ભરેલો હોય એ બરણી તરફ આકર્ષાવાની જ છે.'
સાચા માલ અને ખોટા લેબલની વાતને માથું ખંજવાળી ટ્વિસ્ટ આપતા પથુકાકા બોલ્યા, 'તારી વાત સાચી હો? રાજકારણમાં ગણ્યાગાંઠયા સાચા નેતાઓ છે તેની ઉપર વિરોધીઓ ખોટા ખોટા લેબલ લગાડે છે કે એ હુકમશાહી ચલાવે છે, દંભી છે, પ્રસિદ્ધિ-પુરૂષોત્તમ છે, દેખાડો કરે છે, વગેરે વગેરે. તો પણ માણસો અને મતદારો એની તરફ જ આકર્ષાય છેને?'
મેં કહ્યું, 'કાકા, હવે અક્કલ આવીને? એક વાત ધ્યાનમાં રાખો કે લેબલ ભલે લગાડાય ખોટાં, પણ ખોટાં લેબલ એનું સાચું કામ બોલશે ચડીને ટેબલ...'
કાકા બોલ્યા, 'તેં કહ્યું એમ, સાચાં ઉપર ખોટાં લેબલ લગાડાય છે, તો બીજી બાજુ જે ખોટાં હોય એની ઉપર સાચા લેબલ લગાડાય છેને?'
મેં માથું ધુણાવી કહ્યું, 'કાકા, ધરમ ધૂતારા હોય એની ઉપર ધરમ ધૂરંધરનું લેબલ, એન્ટિ-સોશિયલ હોય એની ઉપર સોશ્યલ-વર્કરનું લેબલ, ચેલકીઓ સાથે ચમનિયા કરતા હોય અને બ્રહ્યચર્યને બાળી નાખ્યું હોય એની ઉપર બાળ-બ્રહ્મચારીનું લેબલ... જનતાને મૂર્ખ એટલે 'ફૂલ' બનાવવામાં કરતા નેતાઓની ઉપર 'પાવર-ફુલ' નેતાનું લેબલ લગાડાય છેને?'
કાકા બોલ્યા, 'નિર્બલ કે બલ રામ એ પંક્તિ ફેરવીને કહેવું પડે કેઃ નિર્બલ કે લે-બલ કામ... એને લેબલ જ કામ આવે છે.'
મેં કાકાને યાદ અપાવ્યું , 'વર્ષો પહેલાં જેના ભવાડા બહાર આવતા ધમાલ મચેલી એ સદાચાર બાબાના કરતૂતો યાદ છેને?'
હકારમાં માથું ધૂણાવતા કાકા બોલ્યા, ' ઓલી કહેવત છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત સદાચાર બાબાનાં કરતૂતો જોયા પછી મેં ફેરવીને કહેલી કે, ભોગવ્યું હોય તો ભવાડામાં આવે.'
મેં કહ્યું, 'એ સદાચાર બાબાનું મૂળ નામ નમરૂ બાબા હતું, પણસદા-ચાર બાબાનું લેબલ કેમ લાગ્યું ખબર છે? આ બાબા સદા ચાર ચેલકીઓ સાથે રહેતા એટલે નામનું લેબલ લાગી ગયું, સદા-ચાર બાબા.'
કાકા કહે, 'જ્યારે સદા-ચાર બાબાના ભવાડા બહાર આવ્યા અને ધમાલ થઈ ત્યારે બાબાને મળવા ગયેલા પત્રકારે સવાલ કર્યો કે તમે સંસાર છોડયો પછી કેમ કોઈને છોડતા નથી? બાબાએલૂલો બચાવ કરતા કહ્યું, મારામાં જરાય કામુકતા નથી. ટીખળી પત્રકાર બોલ્યો, તમારામાં કામુકતા નથી તો પછી (ચેલકીઓને) કાં-મૂક્તા નથી?'
મેં કહ્યું, 'જીવતા માણસને જાતજાતનાં લેબલ લાગે છે એમ કોઈ કમનસીબને મરણ પછી ખોટાં લેબલ કનડે છે, ખબર છે?'
કાકાએ પૂછ્યું, 'એ વળી કેવી રીતે?'
મેં કહ્યું, ' થોડા વખત પહેલાં જ એસટી બસને અકસ્માત થયો. એમાં ભૂલતો ન હોઉં તો દસેક જણ મોતને ભેટયા હતા. જોરદાર અથડામણનો ભોગ બનેલા મૃતકોના મૃતદેહ પણ ઓળખાય એવા રહ્યા નહોતા. એમાં પોસ્ટ મોર્ટમ પછી દૂધાસિંહના નામનું લેબલ બુધાસિંહને માથે અને બુધાસિંહનું લેબલ દૂધાસિંહના માથે લગાડવામાં આવ્યું . આ ગડબડની ખબર ક્યારે પડી, ખબર છે? ગામના એકના એક સ્મશાનમાં જ્યારે અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે દૂધાસિંહના મોંઢામાં તુલસીનું પાન મૂકતી વખતે ચોંકી ગયેલા દીકરાએ રાડ પાડી કે આ મારા બાપુજી નથી. મારા બાપુજીના મોંઢામાં તો સોનાના ત્રણ દાંત હતા. એટલું સારું થયુંં કે બાજુની ચિતા પર સાચા દૂધાસિહનું બોડી રાખવામાં આવેલું. એટલે દૂધાસિંહ અને બુધાસિંહના પરિવારજનો ત્યાંંને ત્યાં શિફટ થઈ ગયા અને પછી પોતપોતાના પરિવારના મૃતકને અગ્નિદાહ આપ્યો.'
પથુકાકા બોલ્યા, 'ભૂલતો ન હાઉં તો ગાંધીજીના પુત્ર હરિલાલ મુંબઈની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે તેમને પણ બિનવારસ ગણીને અંતિમવિધિ કરવામાં આવેલીને?'
મેં ટાપશી પૂરી , 'બાપુએ ખોટાને આગળ કરી સાચાને પાછળ રાખ્યા એમાં જ સહન કરવાનો વખત આવ્યોને?' વાતાવરણ હળવું બનાવવા માટે પથુકાકા બોલ્યા, 'થોડા વખત પહેલાં આપણી સોસાયટીમાં રહેતા નાનુભાઈ ગડા (ના.ગડા)ના રેડીમેડ ગાર્મેન્ટના સ્ટોરમાં રાત્રે ત્રણેક ચોર ઘૂસ્યા. સ્ટોરમાં ચારેય ખૂણે સીસીટીવી કેમેરા ગોઠવેલા એટલે ખેલ જોવાની મજા આવી. ચોરનો સરદાર એક પછી એક ડ્રેસ કાઢતો જાય અને પ્રાઈઝનું લેબલ વાંચી બોલતો જાય - જીન્સ પેન્ટ બે હજાર રૂપિયા, જીન્સ જેકેટ ત્રણ હજાર રૂપિયા, મિની-સ્કર્ટ પાંચ હજાર રૂપિયા, વેડિંગ ડ્રેસ સાત હજાર રૂપિયા... આ ભાવ સાંભળીને ચોરોના સરદારનો ડેપ્યુટી ચોરબોલી ઉઠયો કે આ વેપારીઓ લૂંટવા જ બેઠા છેને?'
અંત-વાણી
સાચાં ખોટાં લેબલ
જ ખવડાવે થાપ,
પછી એ ભાજપ હોય કોંગ્રેસ
હોય કે પછી આપ.
** ** **
ખોટાં લેબલથી ભરમાતા નહીં
સાચાં લેબલથી શરમાતા નહીં
વગર લેબલે તાજા રહો,
કરમાતા નહીં.