Get The App

વેલણ બને જો વેરણ તો સંસાર થાય વેરણ-છેરણ

Updated: Dec 6th, 2022


Google News
Google News
વેલણ બને જો વેરણ તો સંસાર થાય વેરણ-છેરણ 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

'ઈન્ટરનેશનલ મહિલા દિન જે  રીતે ધામધૂમથી  ઉજવાય છે, એમ ઈન્ટરનેશનલ ભઈલા દિન કેમ વાજતેગાજતે  નહીં  ઉજવાતો હોય?' મારો સવાલ ઝીલી કાકાએ  જડબાતોડ જવાબ  આપતા કહ્યું, 'ભઈલા દિન આવે  અને જાય છતાં  તેની કોઈ  ખાસ નોંધ નથી  લેવાતી કારણ કે ભઈલા  આમેય 'દીન' જ  હોય છેને?'

મેં કહ્યું, 'વાત સાચી હો?  નારીવાદના  પક્ષમાં જે નારાબાજી સંભળાય છે એવો શોરબકોર ભાગ્યે  જ નર-વાદીનો  સંભળાય છે. હજી ગઈ  ૧૯મીએ જ આંતરરાષ્ટ્રીય  પુરૂષ દીન ગયો  છતાં  ક્યાં  ખાસ નોંધ લેવાણી? તમારી જ  વાત કરો ને? તમે  કેવી રીતે ઉજવણી કરી?'

પથુકાકા ખોંખારો ખાઈને બોલ્યા,  'હું જેનો ચૂંટાયેલો નહીં પણ  કૂટાયેલો પ્રમુખ છું એ પીડિત  પતિ સંઘ તરફથી અનોખો  વેલણ-વિસર્જન કાર્યક્રમ રાખ્યો હતો.'

મેં નવાઈ પામી પૂછયું, 'વેલણ-વિસર્જન એટલે શું?' કાકા પોરસાઈને બોલ્યા, 'જેમ ગણ-પતિ વિસર્જન હોય  છે એમ બધાં પીડિત પતિ તરફથી વાજતે ગાજતે  વેલણયાત્રા કાઢવામાં આવી અને પછી દરિયામાં  પધરાવવામાં આવ્યા.'

મેં સવાલ કર્યો કે વેલણનું વિસર્જન  કરવાનું કારણ શું? કાકાએ  જવાબ આપ્યો, 'મોટાભાગના   પીડિત પતિદેવોએ  વહુના હાથના વેલણનો સ્વાદ ચાખ્યો જ હોય છે. દશેરામાં શસ્ત્રપૂજન  વખતે પત્નીઓ વેલણની શસ્ત્રરૂપે પૂજા કરે છે, એમ  અમે પીડિત  પતિદેવોે એ  રસોડામાંથી  મિસાઈલની  જેમ છૂટતા વેલણના મારમાંથી બચાવ થાય એવી ભાવના સાથે વેલણનું  વિસર્જન  કર્યું.  વેલણના પ્રહાર  તારી જેવાં વાંઢા શું  જાણે? એટલે જ  કહું છું કે વેલણ બને વેરણ ત્યારે સંસાર થાય વેરણ-છેરણ...'

મેં પૂછ્યું, 'વેલણ આમ તો પત્ની તરફથી પતિ પર થતા પ્રહારનું  પ્રતીક છે, બરાબરને?  ઠીક ત્યારે,  વેલણ-વિસર્જન ઉપરાંત બીજું શું કર્યું?'

કાકા બોલ્યા, 'અમે અબ્દુલ કલામ સાહેબના ફોટા ને હારતોરા પહેરાવ્યા.' મેં કહ્યું, એમાં વચ્ચે કલામસાહેબ ક્યાંથી આવી ગયા?' હસીને કાકા કહે, 'અબ્દુલ કલામસાહેબે મિસાઈલ-મેન તરીકે ખ્યાતિ મેળવી હતી એ ખબર છેને? અમારૂં  માનવું છે કે રસોડામાંથી છૂટ્ટા ફેંકાતા વેલણ પરથી જ  તેમને કદાચ  સ્વદેશી મિસાઈલ બનાવવાની પ્રેરણા મળી હશે.'

મેં પૂછ્યું, 'એ વાત સાચી  બાકી  કલામસાહેબ તો આજીવન અપરણિત જ રહ્યાં  હતા એ તમને ખબર  છે કે નહીં?'  ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'અમને ખબર છેને! કલામ સાહેબ  પતિ ન બન્યા એટલે રાષ્ટ્રપતિ  બની શક્યાને? અમારી  જેવાએ  પતિ બની  ફુલહાર  સ્વીકારી  જ્યારે કલામસાહેબને અપરણિત રહ્યાં એટલે  ફૂલ-હાર  જ ચડાવવા પડેને?'

મેં કહ્યું, 'કાકા, વેલણને તમે સ્વદેશી  મિસાઈલનું  સારૂં નામ આપી દીધું હો? અત્યારે  આમ પણ મેક ઈન ઈન્ડિયાનો જ પવન ચાલે છેને?' કાકાએ છણકો કરીને કહ્યું કે મેક ઈન ઈન્ડિયાની જેમ ફેંક-ઈન- ઈન્ડિયાની પણ  હવા ચાલે છેને? કોઈ વેલણની ફેંકાફેંંક કરે તો કોઈ વાણીથી  ફેંકમફેંક કર્યા  કરે. એટલે જ  કહેવું પડે ને કે-

ફેંકમફેંક ઉપર

ક્યાં કોઈ ચેક છે?

પીડિત પતિ અને પ્રજાની 

દશા એક છે,

ક્યાંક વેલણની તો 

ક્યાંક વાણીની ફેંકમફેક છે.

મારી અને કાકાની એકધારી   વેલણવાણી સાંભળી (હો)હાળાકાકી રસોડામાંથી હાથમાં વેલણ લઈન ેબહાર ઘસી આવ્યાં અને કાકા સામે વેલણ ઉગામી તાડૂક્યાં, 'અસુરોના વધ માટે  જેમ દેવીના હાથમાં  શસ્ત્ર હોય છે એમ તમારા જેવા અપલખણાઓને સીધાદોર  કરવા પત્નીઓના હાથમાં  વેલણાસ્ત્ર  હોય છે, સમજી ગયા?'

કાકીનું રૌદ્ર રૂપ જોઈ મેં એમના પક્ષમાં  પલટી મારવાનું ડહાપણ અજમાવી  કહ્યું કે  'કાકી, તમારી વાત સો ટકા સાચી  છે હો? વેલણથી રોટલી  સરસ મજાની ગોળ થાય  છે, અને  કાકા જેવાં  અપલખણા  પતિ સીધાદોર થાય છે.'

કાકી પોરસાઈને બોલ્યાં, 'જરા યાદ કરો, સિત્તેરના  દાયકામાં  અનાજના ભાવ આસમાને ગયા હતા અને રેશનિંગનું  અનાજ કાળાબજારમાં વેંચાતું હતું  ત્યારે  મુંબઈમાં  મૃણાલ ગોરે  અને બીજી મહિલા રણરાણીઓ હાથમાં વેલણ લઈ મેદાને પડી હતી.  એટલે લગભગ  અડધી  સદી પહેલાં  વેલણ મોરચાની   શરૂઆત થઈ. મોંઘવારીના  વિરોધમાં, કાળાબજારિયાની સાન ઠેકાણે  લાવવા અને ગાદી  પર બેસી  જનતાની ચિંતા કરવાને બદલે ખુદને સ્વાર્થ સાધવામાં  શૂરા નેતાઓ સામે  મહિલાઓએ  એલાન-એ-જંગ નહીં  પણ વેલણ-એ-જંગ ઉપાડતાં  ખળભળાટ  મચી ગયો હતો.  વેલણને મરાઠીમાં લાટણ કહે છે એટલે  હાથમાં મોટાં મોટાં  વેલણ લઈ  રસ્તાઓ  પર ઉતરી  પડતી આ લેડીઓની લાટણ-ગેન્ગ નારાબાજી  કરતી કે-

હર જોર જુલ્મ કે ચક્કર મેં,

કોઈ નહીં બચેગા બેલન કી ટક્કર મેં.'

પથુકાકાએ એ વેલણધારી  વીરાંગનાઓને  યાદ કરી ટાપશી પૂરી, 'એ વખતે  હિન્દી ગીતોની  પરોડી પણ મહિલાઓ ગાતી -

હમ લાયે હૈ

બેલન કો ઘર સે નિકાલ કે,

ઈસ 'દર' (ભાવ) કો 

રખના મેરે લુચ્ચોં સંભાલ કે...'

મેં કહ્યું, 'ખરેખર આ  વેલણાસ્ત્રનો મહિલાઓએ જોરદાર ઉપયોગ કર્યો હતો એ  જાણીને આજની પેઢીને  નવાઈ લાગે હો?  વેલણનો ટુ-ઈન-વન ઉપયોગ  કમાલ કહેવાય. પતિને  અને ગાદીપતિને  બન્નેને પાંસરા કરી નાંખે.'

કાકાએ ડબકુંં મૂક્યું કે, 'વેલણની આ કમાલ  જોઈને જ મેં નવું જોડકણું  કમ તોડકણું  લખેલું કે-

પ્રજા અને પત્નીની

છોડાવશો નહીં જો પીડાતી પોટલી,

તો યાદ રાખજો વેલણવાળીના

હાથમાં જ છે પતિ-ગાદીપતિની ચોટલી...'

મેં તોડકણાંને  દાદ આપીને  કહ્યુ,   'વેલણની આ  પ્રહારશક્તિ પીછાણીને જ નવા જમાનાનાં જુવાનિયા મેરેજ કર્યા પછી પહેલું કામ  વાઈફને રોટલીનું મશીન ખરીદી આપવાનું  કરે છે. ટૂંકમાં- 

ન વાગે વેલણ કે વાંસળી,

ભાંગે નહીં ધણીની પાંસળી...'

પથુકાકા બોલ્યા, 'થોડા વખત પહેલાં ડોમેસ્ટીક  વાયોલન્સનો સર્વે  થયો હતો   એમા ંપતિ  દ્વારા  પત્નીની મારપીટની જેમ પત્ની દ્વારા પતિની મારપીટના  છૂટાછવાયા કિસ્સા પણ બહાર આવ્યા  હતા, યાદ છે?'

'બરાબર યાદ છે. એ વખતે તમે જ  મારકણી  ધણિયાણી સામે ખોટી  શેખી કરતા ધણીની જેમ  શેરમાં  શબ્દોની  તોડફોડ કરી સવા-શેર સંભળાવેલો-

હું  હાથને મારા ફેલાવું

તો તારી 'પીટાઈ' દૂર નથી,

પણ હું ભાગું ને 

તું મારી  દે, એ વાત મને મંજૂર નથી.'

અંત-વાણી

જેકર ઝુલાવે પારણું

એ જ નઠારાને દેખાડે બારણું.

**  **  **

જ્યારે વહુ વટકે

ત્યારે હાથથી વેલણ છટકે,

ઘરનારીના  પ્રહારથી  બચવા

પીડિતો અહીં-તહીં ભટકે.

**  **  **

નાગર સ્ત્રી નાગરાણી,

રાજાને જેની સાથે પટે 

તે પટરાણી,

રાજાને જેની સાથે ન પટે તે

ખટપટ-રાણી.

**  **  **

વેલણથી વણાય

પતિને 'હણાય' નહીં.

**  **  **

વેલણ-યુદ્ધવિરામ થાય તે માટે 

ઓમ શાંતિને બદલે હોમ-શાંતિના

જાપ કરો.

Tags :