Get The App

હાય ગરમી કેવી વધેલી, વર તપેલા વહુ તપેલી

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
હાય ગરમી કેવી વધેલી, વર તપેલા વહુ તપેલી 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ઉનાળો એટલે અથાણાની મોસમ કહેવાય, પણ કાકા-કાકી માટે ઉનાળો એટલે અથડામણની મોસમ. હજી તો ભરબપોરે કપાળેથી પરસેવો લૂછીને આવું કંઈક વિચારતો જ હતો ત્યાં કાકા-કાકીની રાડારાડ સંભળાઈ અને સાથે જ મિસાઈલની જેમ સામસામા વાસણો ફેંકાવાના અવાજ આવતાંની સાથે જ હું દોડી ગયો અને બન્ને વચ્ચે ઊભો રહીને યુદ્ધવિરામની વ્યર્થ કોશિશ કરીને બોલ્યો, 'હા... હા... હા... ફેંકાફેંકી રહેવા દો, આ ઉંમરે આમ બાઝી પડો એ સારું લાગે છે? બન્ને માથા પર બરફ રાખીને જરા ટાઢા પડો...'

(હો)બાળાકાકી તાડૂક્યાં, 'તું ડહાપણ ડહોળ મા. માથે બરફ ક્યાંથી રાખે? આ તારો કાકો ફ્રિજમાં બરફ રહેવા જ નથી દેતો એનો તો ઝઘડો છે. આખો દિવસ છાશમાં બરફ નાખે, લીંબુના પાણીમાં બરફ નાખે, ખસના ને વરિયાળીના શરબતમાં બરફ નાખે... પછી મારા માટે ફ્રિજમાં ક્યાંથી બરફ વધે? આ તારા કાકાને દર ઉનાળે હિમાલયમાં જ ધકેલી દેવા જોઈએ હિમાલયમાં...'

કાકા અકોણાઈ દેખાડતા બોલ્યા, 'અમે બરફના પંખી... તારી કાકીને ભલે જે કહેવું હોય એ કહે, જીભથી ડંખી.. અમે બરફના પંખી...'

કાકી હજી કંઈક બોલવા ગયાં અને ત્યાં જ તેમને ઉબકો આવ્યો અને થોડી ઉલટી થઈ. આ જોઈને કાકા બોલ્યા, 'જોયુંને ગરમ થવાનું પરિણામ? કાકીને જ્યાં સુધી ઉલટી ન થાય ત્યાં સુધી ઈ 'સીધી' ન થાય.'

મેં પૂછયું, 'કાકા, કેમ ઉલટી થઈ કાકીને?'

પથુકાકા આવી સિચ્યુએશનમાં પણ ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં બોલ્યા, 'બીજું કાંઈ નથી આ સમપત છે સમપત.'

મેં સમજાયું નહીં એટલે ફરી સવાલ કર્યો, 'સમપત છે એનો શું અર્થ થાય?'

કાકા કહ્યું, 'ઉનાળાની ગરમીમાં પિત્ત થાય ને એટલે મેં ગુજરેજીમાં કહ્યું સમર-પિત્ત છે સમર-પિત્ત.'

મેં કાકા-કાકીને ઠંડી છાશ પીવડાવી ટાઢા પાડયા પછી કહ્યું, 'ઉનાળાની ગરમીમાં મગજ તપી જાયને તો થોડો કન્ટ્રોલ કરતા શીખવું જોઈએ. આમ ગરમીમાં બાખડતાં જ રહેશો તો શું થશે તમારું?'

પથુકાકા બોલ્યા, 'ઉનાળાની ગરમીમાં તપેલા-તપેલી ખખડયા વગર રહે જ નહીંને?'

મેં પૂછયું, 'કાકા, તપેલા-તપેલી એટલે શું?'

પથુકાકા દાઢમાંથી બોલ્યા, 'ઉનાળામાં વર તપેલા હોય અને વહુ તપેલી હોય, એટલે પછી તપેલા-તપેલી વચ્ચે ખખડાટ થયા વિના રહે જ નહીંને? હું તો એટલે જ કહેતો હોઉં છું કેઃ ગરમીમાં જે તપેલા-તપેલી છે એણે ઘરની શાંતિ આઘી ઠેલી છે ગરમાવામાં શરમાવા જેવું થાય શું શરમને નેવે મેલી છે?'

અમારા પાડોશી વકીલબાબુ ભારે રમૂજી સ્વભાવના. પોતાની ઓળખાણ આપે 'આઈ એમ સીક્સ ગન છેડા'. સીક્સ ગન એટલે છગન છેડા. ઉનાળો આવે એટલે કાયમ કહે કે ઉનાળામાં લોકો બહુ માંદા પડે એટલે ડોક્ટરોની સીઝન કહેવાય. એવી જ રીતે ઉનાળાની ગરમીમાં હસબન્ડ-વાઈફ વચ્ચે ગરમાગરમી બહુ થાય એટલે અમારા જેવા વકીલોની પાસે છૂટાછેડાના વધુ કેસ આવવા માંડે. એટલે ઉનાળો એ મારી જેવા વકીલોની પણ સીઝન કહેવાય. પથુકાકા તો છેડા સામે મળે એટલે તરત જ એક હાથ બનાવટનું જોડકણું કે સંબંધનું તોડકણું સંભળાવેઃ કોઈના સંસારમાં ભેગા થાય નહીં બે છેડા, જ્યારે આપણા છેડા ભલભલાને અપાવે છૂટાછેડા.

મેં કહ્યું, 'કાકા, છેડા અપાવે છૂટાછેડા અને પછી ટેસથી ખાય પેડા. એટલે જ હું તો કાયમ કહું છું કે ઉનાળામાં ઘરમાં એરકંડિશન ચાલુ રાખો તો વાતાવરણ કૂલ કૂલ રહે અને ધણી-ધણિયાણીનાં માથાં ઠંડાં રહે તો ઝઘડા ઓછા થાય, શું ક્યો છો, કાકા?'

પથુકાકા બોલ્યા, 'અરે ભાઈ ઘણા કેસમાં તો એસી કે કૂલર પણ કામ ક્યાં આવે છે? એસી લગાડયું હોય એવા ઘરમાં મહાસત્તાઓની વચ્ચે ચાલે છે એવું 'શીતયુદ્ધ' શરૂ થઈ જાય છે ખબર છે? સંસારનું હવામાન ક્યારે પલ્ટો લે એની કોને ખબર પડે? એટલે જ હું ગાઉં છું - અચ્યુતમ કેશવમ ઘરની રામાયણમ્, ઠામની ફેંકા ફેંકમ્ ટાલકાં તૂટતાં તૂટમ્. શીત વાછૂટમ્ તોય થાય ધનાધન ઘરકી રામાયણમ્, જાન-કી ખતરાયણમ્.'

મેં કહ્યું, 'કાકા, અમેરિકા અને ઈરાન જેવા દેશો વચ્ચે અથડામણ થાય ત્યારે આખી દુનિયાએ સહન કરવું પડે, જ્યારે ઉનાળામાં વર-વહુ બાખડે ત્યારે આડોશી પાડોશીએ સહન કરવું પડે છે ને?'

(હો)બાળાકાકી અમારી વાતોમાં વચ્ચે ડબકું મૂકતાં બોલ્યાં, 'પાડાને વાંકે પખાલીને ડામ એ કહેવતની જેમ આ મોટા દેશો બાખડે એમાં ગેસ ટ્રબલ આપણે સહન કરવી પડે છે ને?'

પથુકાકા મસ્તી કરતા બોલ્યા, 'ગોરાણી ગેસ ટ્રબલ હોય તો સોડા પી લ્યોને? હમણાં ઓડકાર આવશે અને ગેસ ટ્રબલ ગાયબ થઈ જશે.'

કાકાની વાત સાંભળતાની સાથે જ ઉખળી ઊઠેલા કાકી તાડૂક્યાં, 'હે ભગવાન, હું ગેસની કોઠીની અછતની વાત કરું છું અને તમે ક્યાં પેટના ગેસની ટ્રબલની વાત કરો છો?'

મેં કાકીને કહ્યું, 'મહારાષ્ટ્રમાં વિદર્ભ વિસ્તાર ઉનાળામાં ધગધગતી ભઠ્ઠીમાં ફેરવાઈ જાય છે, ખબર છે ને? એટલે ત્યાંના લોકો ગેસ ટ્રબલની પરવા કર્યા વગર કેમ રોટલી શેકે છે. ઘરના ઓટલા પર લીસ્સા પથ્થર રાખીને તાતડિયે તડકે રોટલી વણીને એ પથ્થર ઉપર ચોડવે છે, બોલો! કેટલાંય બૈરાંઓ તો ટાલકું તોડી નાખે એવા તડકામાં ડોસા પણ બનાવવા માંડયા છે, ખબર છે?

મારી વાતમાં સૂર પુરાવતા કાકા હસીને બોલ્યા, 'સાવ સાચી વાત છે હો! વિદર્ભમાં તો ૪૪-૪૫ ડિગ્રી ગરમી પડે છે એમાં શું થાય છે ખબર છે? જે લોકો ઈંડાં ખાતા હોય એને બહુ રાહત થઈ ગઈ છે, કારણ કે મરધીઓ ઈંડાં મૂકવાને બદલે સીધી આમ્લેટ જ મૂકવા માંડી છે... હા-હા-હા...'

મેં કાકીને કહ્યું, 'તમે કાકાની વાતનું માઠું ન લગાડતા હો! કાકાને તો દરેકની ઠેકડી ઉડાડવાની અને મજાક કરવાની આદત છે. કાલે કાકા મારી કારમાં પેટ્રોલ ભરાવવા માટે ભેગા આવ્યા હતા. પમ્પ ઉપર પહોંચ્યા ત્યારે પમ્પના કર્મચારીએ પૂછયું કે કેવું પેટ્રોલ નાખું? ત્યારે કાકાએ કહ્યું, ઝાઝો બધો બરફ નાખીને આપજે હો!'

કાકા બોલ્યા, 'ઈંધણના ભાવ દઝાડવા માંડયા છે એટલે બરફવાળું જ પેટ્રોલ ભરાવવું પડેને?'

મેં વાત આગળ ચલાવતા કહ્યું, 'પેટ્રોલ ભરાવીને પાછા આવતી વખતે સિગ્નલ પર ગાડી ઊભી રહી. કાકાની નજર રેડીમેડ ગાર્મેન્ટની દુકાન પર પડી. મોટા બોર્ડ ઉપર લખ્યું હતું 'સમર-વેર'. આ વાંચતાની સાથે જ કાકાના ફળદ્પ ભેજામાંથી ફણગો ફૂટતા બોર્ડ તરફ આંગળી ચિંધીને ધ્યાન ખેંચતા બોલ્યા, ઉનાળામાં ધણી-ધણિયાણી વચ્ચે કંકાસ થાય અને વેરઝેર ઊભા થાય એ તારી વાત સાવ સાચી. જો સામે બોર્ડ ઉપર ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં લખ્યું જ છે ને કે સમર-વેર. સમર એટલે અંગ્રેજીમાં ઉનાળો બરાબરને? અને વેર એટલે ગુજરાતીમાં દુશ્મનાવટ, વેર. સમર-વેર લખ્યું જ છેને?'

અંત-વાણી

ઉનાળે ઉકળાટ

ઘરમાં કકળાટ.

***

સવાલઃ સગા દીકરા મા બાપને જાકારો આપે તેને ઈંગ્લિશમાં શું કહેવાય?

જવાહઃ 'સન'-સ્ટ્રોક.