For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાકી અને કોંગ્રેસનો ખડે હાથ ત્યારે સહુ છોડે સાથ

Updated: Mar 5th, 2024

Article Content Image

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

સવારમાં કાકાને ઘરે ગયો. ઉંબરેથી જ હાંક મારી, 'કાકા છે ઘરમાં...?' જવાબમાં (હો)બાળાકાકીએ ઠેઠ બેડરૂમમાંથી સામી રાડ પાડી, 'કાકાનું ઘર છે તે કાકા ઘરમાં જ હોયને? સવારના પહોરમાં શું કામ પડયું કાકાનું? ઉંબરે ઊભો રહીને શું બૂમાબૂમ કરે છે?'

કાકીના મોઢેથી છૂટેલા કાકીસ્તાની સરફેસ-ટુ-સરફેસ મિસાઈલના પ્રહારથી હું બે ડગલાં પાછો ધકેલાયો. ત્યાં તો કાકીને વ્હીલ-ચેરમાં બેસાડીને બહાર લાવીને પથુકાકા હળવાશથી બોલ્યા , 'અત્યાર સુધી તે  કાકીનો વિલ-પાવર જોયેલો, હવે વ્હીલ-ચેર પાવર જો. હાથ ભાંગ્યો છતાં કેવી રાડો પાડે છે!' 

કાકીની દશા જોઈને મારા મોઢેથી હાયકારો નીકળી ગયો, 'હાય હાય... કાકી, આ શું થઈ ગયું?'

કાકા બોલ્યા, 'કાલે તારી કાકી લેડીઝ ક્લબની મિટિંગમાં હિલવાળાં સેન્ડલ પહેરીને લટક મટક કરતી ગઈ હતી. હોટેલની લોબીમાં પગ લપસ્યો અને પડી એમાં હાથ ખડી પડયો અને ઘૂંટણમાં ઈજા થઈ. એમાં વ્હીલ-ચેરમાં ફરવાનો વારો આવ્યો.' 

મેં કહ્યું,'કાકી અને કોંગ્રેસ બન્નેની રાશિ એક છે, 'ક' કાકીનો અને 'ક' કોંગ્રેસનો બંનેના 'હાથ' ખડી પડયા.'

પથુકાકા બોલ્યા, 'હવે તો 'હાથ'ના નિશાનની પાર્ટીવાળા ભગવી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે એ જોઈને મને તો જાણે ઊંચી પહાડી ઉપર ઊભો રહીને 'શોલે'નો ગબ્બરસિંહ ત્રાડ પાડીને એ યાદ આવે છેઃ ઠાકુર... યે હાથ મુઝે દે દે... ઠાકુર, યે હાથ મુઝે દે દે...'

મેં કહ્યું, 'જે રીતે કોંગ્રેસ છોડી છોડીને નેતાઓ જઈ રહ્યા છે એ જોઈને ભવિષ્યમાં કોંગ્રેસના ખાલી પડેલા વડા મથક સામે જોઈને 'શોલે'ના ગબ્બર સિંહનો જ ડાયલોગ કોઈ સવાલ કરશેઃ કિતને આદમી થે?'

ઉતરી ગયેલા હાથની પીડાને લીધે અત્યાર સુધી ચૂપ બેઠેલાં કાકી બોલ્યાં, 'મારા ઉતરી ગયેલા હાથના દુઃખાવાની પરવા કર્યા વિના શું રાજાકારણની વાતું કરવા માંડયા છો?' કાકાએ જવાબ આપ્યો, 'તારો તો ખાલી હાથ જ ઉતરી ગયો છે.  બાકી 'હાથ'ના નિશાનવાળી પાર્ટીના જ નહીં, મોટા ભાગની પાર્ટીના નેતાઓ આખેઆખા જનતાની નજરમાંથી ઊતરી ગયા છે એ પણ પીડાદાયક બાબત ગણાય કે નહીં?'

મેં કાકીનો પક્ષ તાણતા કહ્યું ,'કાકીને દુખાવો છે એ સહન કર્યે જ છૂટકો. જ્યાં સુધી હાથનું હાડકું જોડાય નહીં ત્યાં સુધી પીડા થવાની જ છે, બરાબરને?'

કાકા વળી બોલ્યા, 'દેશની જૂનામાં જૂની પાર્ટીવાળા હાથ છોડો આંદોલન છેડયું હોય એમ હાથ છોડીને જઈ રહ્યા છે અને એમના 'સદાયુવાન' નેતા 'ભારત જોડો... ભારત જોડો...'ના નારા લગાવતા નીકળી પડે છે. એને કોઈ હાથ જોડો અને સમજાવો કે ભારત જોડોના નારા લગાવવા કરતાં પક્ષની  છાવણીનો ગેટ બંધ કરવા દોડો.'

કાકાએ બારી ઉપર પડેલી એક આયુર્વેદિક તેલની શીશી ઉપાડી અને એમાંથી થોડું તેલ કાકીના ખભે ચોપડી માલીશ કરવા લાગ્યા. મેં પૂછ્યું, 'આ વળી કયું તેલ છે?' પથુકાકાએ શીશી પરના લેબલનું હિન્દી લખાણ મોટેથી વાંચ્યું, 'જોડો કે દર્દ કા ઈલાજ, જોડો કા દર્દ એટલે સાંધાની પીડા. 'ઈન્ડિયા'માં તોડો-જોડોના ખેલને લીધે જ પોલિટિકલ પીડા ઊભી થઈ છેને? એટલે જ કાયમ કહું છું ને કે નસીબ ફૂટે ત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે પછી કોણ ચૂંટે?'

કાકી વળી વચ્ચે તાડૂક્યાં, 'હવે સત્તા-બત્તાની વાત છોડો. મારો એક હાથ હાલતો નથી, જુઓ છોને? મને એક હાથમાં કેટલું દુખે છે જોતા નથી?' કાકા બોલ્યા, 'તારી જેમ જેણે 'એકહથ્થુ' સત્તા રાખી એણે વ્હેલા-મોડા સહન કરવું જ પડયું છેને? આવી ેએકહથ્થુ સત્તાના મદમાં ને પદમાં મહાલનારાના હાથ  ખડી પડયા છે, એટલે જ હું કાયમ આ જોડકણું નહીં પણ તોડકણું સંભળાવું છું કે-

'હાથ' ખડે જ્યારે

પાછલી ખટ(પટ) ઘડી,

(તક)સાધુ પુરૂષએ

સાથ ન રહેવું...'

મેં કહ્યું, 'સો ટકા સાચું છે આ તોડકણું. 'હાથ' ખડયો એટલે બધા સાથ છોડી નાસવા લાગ્યા, આ તો હાથના કર્યા હૈયે વાગ્યા અને ગરજ સરી ત્યારે પહેલાં ભાગ્યા'...

તાતા બોલ્યા, 'સત્તામાં ભાગ મેળવવા જે આ પાર્ટીમાંથી પેલી પાર્ટીમાં  ભાગમભાગ કરે એને ભાગ્યશાળી નહીં, પણ શું કહેવાય ખબર છે? ભાગ-શાળી, અને સત્તાપક્ષમાં જોડાઈ જેનાં ડાઘ ધોવાઈ જાય એને કહેવાય દાગ-શાળી.'

મેં કહ્યું, 'ખુરશીની જ આખી ખેંચાખેંચ ચાલે છેને? એટલે જ એક હિન્દી હાસ્યકવિએ ડેમોક્રેસી શબ્દનું શબ્દવિચ્છેદન કરી લખ્યું છે દે-મોહે-કુર્સી.'

પથુકાકાના ભેજામાં નવો ફણગો ફૂટયો અને જૂની વાત યાદ કરતા બોલ્યા, 'અમારા ઝાલાવાડમાં રાજઘરાણામાં એક વટવાળા વૃદ્ધા હતાં. આ 'ટન-બદન'વૃદ્ધાના શરીરનો ઘેરાવો ખૂબ હતો. સવારે પેલેસના ગાર્ડનના તડકો ખાવા નેતરની ખુરશીમાં બેસે. તડકો ખાઈ લીધા પછી જેવાં ઊભા થાય ત્યારે નેતરની ખુરશી પણ પાછળના ભાગમાં ચોંટી ગઈ હોય એ ઊંચી થાય. એ વખતે પસાયતો દોડીને પાછળથી ખુરશી ખેંચી નીચે મુકે. રાજાશાહી જેવી જ દશા લોકશાહીમાં પણ જોવા મળે છેને? બધાને ખુરશી સાથે જ ચોંટી રહેવું છે. એટલે જ આ દેશ કૃષિ-પ્રધાનની સાથે કુર્સી-પ્રધાન દેશ બની ગયો છે. ખરૃં કે નહીં?'

મેં કહ્યું ,'ખરેખર આ ચેર ખાતર બંધાતા વેર જોઈને કહેવાનું મન થાય છે કે-

ચેર ખાતર બંધાય છે વેર

પદ અને પૈસાના કંકાસ ઘેર-ઘેર,

સાચાને બેસવા આસન ન મળે

અને ખોટા માટે અનામત ચેર.'

પથુકાકા બોલ્યા, 'રાજકારણમાં તો મ્યુઝિકલ ચેરની ગેમ જ ચાલે છેને? જેવી ચૂંટણીની ઘંટડી વાગવા માંડે એટલે ખાલી ખુરશી જોઈને એની ઉપર ચડી બેસવાની દોડાદોડ શરૂ થઇ જાય છે. દરેક નેતા બીજાની ચેર ખેંચી લેવા ટાંપીને બેસે છે. આ ચેરના ચાહકોને શું કહેવાય ખબર છે?ચેરન-જીવી!'

મેં કહ્યું, 'હવે તો એવા દિવસો આવશે કે જોડ-તોડ અને ખુરશી-ખેંચની નીતિ વિનાની રાજનીતિમાં કોઈ ચેર ખેંચી ન જાય માટે આ 'ચેરન-જીવી' નેતાઓ કાકીની જેમ વ્હીલ-ચેર'માં જ ફરવા માંડશે.'

અંત-વાણી

સઃ ખુર્શીની ખેંચાખેંચ જોઈને કોઈ નવું ટાઈટલ સૂઝે છે?

જઃ ઝેર તો પીધાં જાણી જાણી ઉપરથી નવું ટાઈટલ - 'ચેર તો લીધી તાણી તાણી...'

Gujarat