ભૂવા ભગાડે ભૂત, ભિંડા ભગાડે પૂત .
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
પત્ની શાક સુધારે અને પત્ની શકથી પતિને સુધારે એ ઉક્તિ સાચી પાડવા માટે (હો)બાળાકાકી હિંચકે બેસીને દૂધી સુધારતાં હતાં. હું કાકાના ઘરમાં દાખલ થયો એટલે કાકી તરત જ બોલી ઉઠયાં, 'જો બેટા, મારે તો બેવડી જવાબદારી નિભાવવાની, શાકભાજી પણ સુધારવાના અને કાકાને પણ સુધારવાના.'
કાકીએ હજી તો વાક્ય પૂરૃં કર્યું ત્યાં પથુકાકાએ નો-એન્ટ્રીમાંથી ઓચિંતી એન્ટ્રી મારી અને તાડૂક્યા, 'મને સુધારવાના શું વાત કરે છે? રોજેરોજ દૂધી ખવડાવી ખવડાવીને મારી હાલત બગાડી નાખી છે.'
કાકી બોલ્યાં, 'દૂધી કેવી ગુણકારી છે, ખબર છે? દૂધીથી બુદ્ધિ આવે,એ કહેવત તમે નથી સાંભળી?'
કાકા બોલ્યા, 'તું વાટકા ભરી ભરી દૂધી ખાય છે છતાં તારામાં ક્યાં બુદ્ધિ આવી કે, ધણીને એકનું એક શાક ન ખવડાવાય?'
(હો)બાળાકાકી લટકો કરી બોલ્યાં, 'એકનું એક દૂધીનું શાક ખવડાવવાને બદલે દૂધીનાં થેપલાં, દૂધીના મુઠિયા, દૂધીનાં ભજિયાં કે દૂધીનો હલવો ખવડાવીશ. હવે તો રાજીને?'
આ સાંભળી પથુકાકા કપાળ કૂટીને નિસાસો નાખ્યો, 'હે ભગવાન! મને દૂઝણી ગાય આપવાને બદલે આ 'દૂધીણી' બાઈ કાં આપી? વટલાયેલા જ્યારે ઘરવાપસી કરી હિન્દુ ધર્મમાં પાછા ફરે ત્યારે શુદ્ધિકરણ કરવામાં આવે છે, જ્યારે આ તારી કાકીએ મારૃં દૂધીકરણ કરી નાંખ્યું છે.'
મેં કાકાને કહ્યું , 'તમે દૂધી ન ખાવાની બાધા લઈ લ્યોને?'
પથુકાકા બોલ્યા, 'તું આડી ચાલતી મારી આ લાડીને ઓળખતો નથી? હું દૂધી ન ખાવાની બાધા લઈશને તો ઈ કાલથી રોજેરૅોજ રિંગણાનું શાક ખવડાવી ખવડાવીને મને રિંગ-માસ્ટર નહીં પણ 'રિંગણ માસ્ટર' બનાવી દેશે!'
મેં કાકાને કહ્યું , 'ગયા મહિને નાગપુરના સમાચાર વાંચેલા કે નહીં? સંતરાના શહેર તરીકે જાણીતા નાગપુરમાં એક તરૂણ ભીંડાના શાકથી એવો કંટાળી ગયો કે ઘર છોડીને ભાગી ગયો હતો. ભીંડાથી ભડકીને ભાગી છૂટેલા આ ભડવીરને ગોતવા પોલીસની કેટલીય ટીમ આખા ભારતમાં ફરી વળી હતી. ભારે દોડધામ બાદ આખરે દિલ્હીથી આ ભિંડાવિરોધી ભડવીરનો પત્તો લાગ્યો હતો. પોલીસે પૂછપરછ કરી કે શું કામ ભાગ્યો હતો? ત્યારે તેણે રડમસ ચહેરે જવાબ આપ્યો કે મમ્મી રોજ ભિંડાનું શાક બનાવતી. એકલા ભિંડાનું શાક, ભિંડા-બટેટાનું શાક, ભિંડા-ચણાનું શાક, ભરેલા ભિંડાનું શાક, ભિંડી-ફ્રાય અને ભિંડી-પનીર જેવાં ભિંડાયુક્ત શાક ખાઈને એવો ત્રાસી ગયો કે ઘરેથી ભાગી છૂટયો હતો.'
આ વાત સાંભળતાની સાથે જ ખડખડાટ હસીને તત્કાળ બનાવેલી કહેવત ફફડાવી દીધી, 'ભૂવા ભગાડે ભૂતને અને ભિંડા ભગાડે પૂત (પુત્ર)ને...'
ઈન્ડોલોજીને બદલે અમારી ભિંડોલોજીની ચર્ચા ચાલતી હતી ત્યાં અમારા પંજાબી પાડોશી અરોરાજી આવી પહોંચ્યા. અમારી ભિંડોલોજીની વાતનો તંતુપકડી બોલી ઉઠયા, 'એકની એક ચીજ ખાઈને કંટાળી જ જવાયને? મને ડોકટરે સલાહ આપી છે છતાં રોજેરોજ ઈંડા ખાવાનો કંટાળો આવે છે. એટલે કોઈ ભાગે ભિંડાથી તો કોઈ ભાગે ઈંડાથી, બરાબરને?'
અમારી વાતમાં ડબકું મૂકતા કાકીએ અરોરાજીને પૂછ્યું,'તમારા વાઈફને ઈંડા ભાવે?'
અરોરાજી બોલ્યા, 'મારી વાઈફને ઈંડા બહુ ભાવે, પરંતુ શ્રાવણમાં એ ઈંડાં મૂકે...'
આ સાંભળતાની સાથે જ કાકાએ સવાલ કર્યો, 'શું વાત કરો છો? શ્રાવણમાં તમારા વાઈફ ઈંડા કેવી રીતે મૂકે?'
શર્માજી જરા શરમાઈને બોલ્યા, 'વાઈફ ઈંડાં મૂકે એટલે કે શ્રાવણ મહિનામાં ઈંડા ન ખાય.'
અમે અલકમલકની વાતો કરતા બેઠા હતા એમાં અરોરાજીએ પથુકાકાને પૂછ્યું,'કાકા, તમે તો ચુસ્ત શાકાહારી છોને?'
માથું ધુણાવી કાકાએ જવાબ આપ્યો, 'હું ફક્ત ચુસ્ત શાકાહારી નહીં, પણ ધાકાહારી પણ છું. ધાકાહારી એટલે શું, ખબર છે? ધણિયાણીની ધાકને લીધે જે શાક બનાવે એ ચૂપચાપ ખાઈ લેવું પડે એને ધાકાહારી કહેવાય.'
આ સાંભળી (હો)બાળાકાકી ટીવીમાં જોયેલા સમાચાર યાદ અપાવતા બોલ્યાં, 'ચીનના સમાચાર જોયા કે નહીં? વહુએ એના ધણી માટે બનાવેલું શાક એટલું તીખ્ખું હતું કે ચીનાએ શાક ભરેલા કટોરાનો ઘા કર્યો. આને કારણે વિફરેલી ચીનીએ રીતસર તરાપ મારી ચીનાનું નાક કરડી ખાધું અને નાકનું ટીચકું વાઢીને હાથમાં આપી દીધું હતું.'
આ સાંભળી કાકા બોલ્યા, 'ખંધા અને ખૂંટલ ચીબા ચીના અમથાય નકટા જ છેને?'
કાકી બોલ્યાં, 'ચીની અને ચીનાની આ ઘટના પરથી ધડો લઈને જે શાક બનાવું એ ચૂપચાપ ખાઈ લેજો અને આ જોડકણું ગોખી રાખજો કે-
ફરિયાદ કરશો જો શાકની
તો પછી ગેરન્ટી નહીં નાકની,
ભાષા સમજજો ધમકી અને ધાકની.
અંત-વાણી
માણસ શાક સુધારે
માણસને શક સુધારે.
* * *
ભિંડાને બનારસમાં રામતરોઈ, છત્તીસગઢમાં રામકલીય, ઉત્તર પ્રદેશમાં લોકી, ગુજરાતીમાં ભિંડા અને મરાઠીમાં ભેંડી કહે છે.
* * *
ભિંડાનું શાક ન ભાવતું હોય એ એમ કહે કે ભિંડો મારો દુશ્મન છે, પરંતુ ઘણાને ખબર નહીં હોય કે આપણાં કટ્ટર દુશ્મન પાકિસ્તાનનું રાષ્ટ્રીય શાક ભીંડો છે.
* * *
ભિંડાને અંગ્રેજીમાં લેડીઝ ફિંગર કહે છેને? એટલે એક છાપાના ગુગલ-એ-આઝમ ટ્રાન્સલેટરે માથું ભાંગે એવું મથાળું બાંધ્યું ઃ સ્ત્રીઓની આંગળીના દરમાં વધારો.
* * *
એક ફળનું નામ છે નાસપાતી, આના પરથી પત્નીના શાકથી ભડકી જે ધણી આઘોે ભાગે એને શું કહેવાય ખબર છે? નાસ-પતિ.
* * *
ભેંસ, ભામણ અને ભાજી એ
ત્રણેય પાણી જોઈ રાજી.
* * *
સાડાછ દાયકા પહેલાં બનેલી 'અજી બસ શુક્રિયા' ફિલ્મનું લતા મંગેશકરે ગાયેલું અમર ગીત 'સારી સારી રાત તેરી યાદ સતાયે...' ગીત કોણ ભૂલી શકે? 'અજી બસ શુક્રિયા' ફિલ્મ વિશે લેખ લખતી વખતે નવા નિશાળિયા ટ્રાન્સલેટરે ફિલ્મનું નામ શું લખ્ય ખબર છે? 'આજે બસ શક્કરિયા.'
* * *