For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સર્વ-પક્ષી અભયારણ્યમાં 'પોપટ'ની પટપટ અને પક્ષોમાં ખટપટ

Updated: Oct 4th, 2022

Article Content Image

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

જુદા જુદા  પક્ષવાળા  વચન પાળે  કે ન  પાળે  પણ કોઈ પક્ષ  વગર કાકા પક્ષી  જરૂર  પાળે. પહેલાં કાકાકૌઆને પિંજરામાં  પાળીને રાખ્યું હતું.   એટલે  જે કોઈ પક્ષીનું નામ લે એમાં આગળ  કાકાનું નામ લે. બાકી આમ તો દુનિયાભરના  કાગડા  કાકાને નામથી  ઓળખે છે  એટલે આખો  દિવસ કા... કા... કા...કા...નો કકળાટ કરીને  માથું  કાણું કરતાં  રહે છેને? તો પણ કાકા કાગડાને  પક્ષી  નહી વિ-પક્ષી ગણે છે.

આઝાદીના  અમૃત મહોત્સવની  ઉજવણીનો  રંગ જામ્યો હતો   અને કાકાના   દરવાજે પણ  આઝાદીની  આલબેલ  પોકારતો    તિરંગો   શોભતો   હતો. એ  વખતે અચાનક   કાકાને  ત્યાં જઈ  ચડયો. અંદરથી જાણે પોપટ  ગાતો હોય એવો અવાજ   સંભળાયોઃ  અબ કોઈ  ગુલશન ન ઉજડે  અબ વતન  આઝાદ હૈ...

દરવાજો હડસેલી અંદર ગયો  અને જોયું તો  કાકા દિવાનખંડમાં  ટીંગાડેલા નવાનક્કોર  પાંજરામાં  બંધ   પોપટને  લીલા અને  તીખ્ખાં  મરચાં  ખવડાવતા હતા અને  આઝાદીના  ગીત ગાતાં શીખવતા  હતાઃ હમ અપની આઝાદી કો હરગીઝ મીટા સકતે નહીં...

મેં તરત કાકાને ટપાર્યા,'પોપટને પાંજરામાં પૂરી એની આઝાદી છીનવી, પાછા  એને જ  મોંઢે આઝાદીનાં ગીત ગવડાવો  છો?' કાકાએ પિંજરું સાફસૂફ કરતાં કહ્યું, 'આમ તો આત્મા પણ  આપણા શરીરમાં કેદ  છેને?  છતાં  આપણે  ગાતા જ  રહીએ છીએને?   પંખીડાને આ પિંજરું જૂનું જૂનું  લાગે...'

મેં કહ્યું, 'તમને  યાદ  છે? દેશ આઝાદ  થયો  ત્યારે પંડિતજી  કબૂતર  ઉડાડતા?' કાકા બોલ્યા, 'અત્યારે  પંડિતજીની  પાર્ટીવાળા  ઉડવા માંડયા છે. હા... હા... હા...'

મેં કહ્યું, 'પક્ષીને ભલે સોનાના  પિંજરામાં રાખો છતાં  ખરા દિલથી  આઝાદીના  ગીત ગાઈ નથી શકતા.' આ સાંભળી તરત જ કાકા દાઢમાંથી   બોલ્યા,'એમ તો સત્તાધારી   પક્ષના 'પક્ષીઓ'. આઝાદ છે છતાં   ક્યાં એમનો  અવાજ  સંભળાય  છે?'

મેં કહ્યું, 'કાકા, ક્યારેક પક્ષીઓ વધુ પડતો અવાજ  કરેને તો પણ વાતનું વતેસર  થતાં વાર ન લાગે હો?'

કાકાએ  સવાલ કર્યો 'એવું તે વળી શું વાતનું વતેસર થયું? એની  માંડીને  વાત તો કર?'

મેં કહ્યું, 'તમે જેમ  ઘરમાં પોપટ પાળ્યો છે ને?  એમ મહારાષ્ટ્રના એક ગામમાં  એક જણે  પોપટ પાળ્યો છે. આમ તો  પોપટ મીઠું મીઠું  બોલે,  પણ પુણેનો પોપટ જરા  અકોણો અને અળવીતરો.  એટલે પાડોશમાં રહેતા સિનિયર સિટીઝન ઘરમાંથી  બહાર નીકળે એટલે કાળી કિકિયારી  કરવા માંડે અને  જોર  જોરથી   સિસોટી  વગાડવા માંડે.  સિનિયર  સિટીઝને  પોપટના માલિકને  વારંવાર  ફરિયાદ કરી કે મને  જોઈ પ્રેશર કૂકરની જેમ  કાયમ સીટી વગાડતા આ  'પરાક્રમી' પોપટને  ઘરના કોઈ ખૂણે પિંજરામાં  રાખોને? આમ ક્યાં  સુધી પોપટનો  ત્રાસ સહન કરવો?'

કાકા બોલ્યા, 'પછી શું થયું આ સીટી  વગાડયા કરતા 'સીટી-ઝન' પોપટનું?'  

મે ંકહ્યું, 'સિનિયર સિટીજનની સહનશક્તિની  હદ આવી  ગઈ ત્યારે  દોડયા પોલીસ સ્ટેશને અને ત્રાસવાદી  પોપટના માલિક  વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને  જ ઝંપ્યા, બોલો! પછી તો  જો કે પોલીસે સમજાવટથી   કામ લઈ પોપટ-પારાયણ  પર પડદો  પાડ્યો.  પણ વાત  એમ છે કે  પોપટ જેવાં  પક્ષીનો મામલો  પોલીસમાં  પહોંચે  ત્યારે કેવી  નવાઈ લાગે?'

પથુકાકા મારી વાત કાને  ધરી ટીવીમાં ચાલતી ડિબેટની  રાડારાડી  ભણી ઈશારો  કરતા બોલ્યા, 'પોપટ જેવાં સાચા પક્ષીની ક્યાં  વાત કરવી?  આ  બધા પક્ષોએ પોતાના પક્ષને  લગતી 'પક્ષી-લક્ષી' વાતો કરવા  આવાં 'પક્ષી' તૈયાર  રાખ્યા જ  હોય  છેને?  એમના  મામલા  પણ  પોલીસને ચોપડે  ચડેજ છેને?  પહેલાં આપણે  નાનપણમાં  કહેતા કેઃ પોપટ પઢો લીમડે  ચઢો... હવે  મોટપણમાં વધુ પડતા  બોલકા  પોપટોને ચિલ્લાતા સાંભળી   કહેવું પડે  છે કેઃ  પોપટ પઢો... (પોલીસને) ચોપડે ચઢો...'

મેં કહ્યું, 'કાકા, મહારાષ્ટ્રમાં  સિનિયર સિટીઝનને  સિટી વગાડી   હેરાન કરવાનું   પોપટને ભારે  પડયું  એમ પ્લેનમાં પ્રવાસ કરતા એક સિનિયર  સિટીઝનને  પોપટની જેમ સિસોટી  વગાડવાનું  કેવું ભારે પડયું હતું એ  ટુચકો  સાંભળ્યો છે?'

કાકાએ જરાક ટટ્ટાર બેસીને  ફરમાઈશ કરી, 'સંભળાવ... સંભળાવ, મજા આવશે.'

મેં કહ્યું,  'તમારી જેવા  જ એક  સિનિયર  સિટીઝન   કાકા પ્લેનમાં  અમેરિકા જતા હતા. બાજુમાં  બેઠેલા પેસેન્જર પાસે રંગબેરંગી  મકાઉ પેરટ એટલે પરદેશી પોપટ હતો. જેવી  સુંદર એર-હોસ્ટેસ નજીક આવી એટલે પોપટે સીટી  મારી  મીઠા અવાજમાં 'હાઈ...' કહ્યું. એરહોસ્ટેસ એટલી ખુશ થઈ ગઈ કે  પોપટને કિસ કરી અને પછી  આખા પ્લેનમાં  ફેરવ્યો.'

કાકાએ અધીરાઈથી પૂછયું, 'પછી શું થયું  એ  ઝટ કહે  તો ખરો?' મેં આગળ ચલાવ્યું, 'પોપટને સીટી વગાડવા બદલ એર હોસ્ટેસ તરફથી આટલો પ્રેમ મળ્યો એ જોઈને સિનિયર  સિટીઝન કાકાએ  પણ એરહોસ્ટેસ સામે જોઈને  સીટી મારી.  માથાની ફરેલ એરહોસ્ટેસ પાછી ફરી અને  સિનિયર સિટિઝનને  તમાચો ચોડી   દીધો.   

બબાલ વધી પડી.  પ્લેનનો  કેપ્ટન કોકપિટમાંથી  બહાર  આવ્યો  અને બબાલનું  કારણ જાણી  સવાલ કર્યો કે પહેલી સીટી  જેણે મારી  એ પોપટને  અને બીજી સીટી  મારી એ સિનિયર સિટીઝન બન્નેને પ્લેનનો  દરવાજો  ખોલી બહાર  ધકેલી દો.  બે  કેબિન ક્રુએ  દરવાજો  ખોલ્યો અને  પોપટને  બહાર  ધકેલ્યો. પોપટ તો ટેસથી ઉડવા  માંડયો,  જ્યારે  સિનિર  સિટીઝનને  દરવાજા પાસે  લઈ ગયા  ત્યારે જોરજોરથી  રડવા માંડયા. આ જોઈ પ્લેનની  લગોલગ ઉડતા  પોપટે કહ્યું  કે મારી જેમ  ઉડતા નહોતું  આવડતું તો  પછી એરહોસ્ટેસને  સિસોટી  મારવાનું  જોખમ કેમ  લીધું?  હવે  ભોગવો... અલવિદા...'

આ ટુચકો  સાંભળી તરત કાકા બોલી ઉઠયા, 'પોપટની વાત સાવ સાચી. પાંખ વિના  પરાક્રમ કરાય જ નહીં. રાજકીય પક્ષોના 'સર્વ-પક્ષી' અભયારણ્યમાં  જુઓ   છોને?  ઉપરની  ફરે આંખ તો પોતાના 'પક્ષી'ની  કાપી નાખે પાંખ...'

મેં કહ્યું, 'કાકા , પ્રવકતાને  ક્યારેક 'પોપટતા' નડેને?  એટલે જ કહેવું પડે કે-

ઉપરીની જો ફરે આંખ

તો પરીની પણ કાપે પાંખ,

કાતર ન ચલાવે તો શું કરે?

જ્યારે પક્ષની  બચાવવી હોય  શાખ.'

કાકાએ પણ છેલ્લું જોડકણું સંભળાવ્યું -

'બધા પક્ષના સર્વપક્ષી    અભયારણ્યમાં

કાયમ ચાલે  ખટપટ,

અને બોલકા પોપટની પટપટ

એમાં જ થાય છે કેવાં

જમેલા ઝડપટ.'

અંત-વાણી

સાચા પક્ષીને થાય બર્ડ-ફલૂ

રાજકીય પક્ષીને થાય વર્ડ-ફલૂ

**   **   **

હરખપદુડાની હડબડાટી

વાદળાની ગડગડાટી

વાચાળની બડબડાટી

**   **   **

બિહારમાં છે પટના

જ્યાં કાયમી કિસ્સા ખટ-પટના

જાળવે નહીં જો જીભ

તો હાલ થાય પાર્ટી પો-પટના.

**   **   **

સાચને ન આવે  આંચ

જૂઠને વાગે ચાંચ

**   **   **

આમ-આદમી તો વચનબોજાથી

હવે થાક્યો  છે બાપ,

જે સતત કરે છે આપ આપ

આપના પોપટ-જાપ.

Gujarat