Get The App

યે પોલ્યુશન કહાં સે ઉઠતા હૈ .

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
યે પોલ્યુશન કહાં સે ઉઠતા હૈ                           . 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

દિવાળીમાં ફટાકડાના ધૂમધડાકા અને ધુમાડા વચ્ચે ધૂમ્ર-ગાયન મહેફિલ યોજાઈ હતી. સૂરાવલીની સાથે વાતાવરણમાં ધુમાડાની ધૂરા-વલી રેલાતી હતી.

શામ ઢળતી હતી, સ્ટેજ પર શમા જલતી હતી, ગઝલની સૂરાવલી ધીમે-ધીમે ગળતી હતી અને હૉલની બહાર ટિકિટ મફતમાં મળતી હતી. પછી હું ઝાલ્યો રહું? અંદર જઈને બેઠો, પણ પાછળ બધું ખાલી હતું એટલે ધીરેકથી આગલી હરોળમાં પહોંચી ગયો. ખોંખારો ખાઈને ગઝલગાયક બેદાગ સફેદીવાલાએ ગઝલ છેડીઃ હા... હા... હા... યે પોલ્યુશન કહાં સે ઉઠતા હૈ...

આટલું સાંભળીને પોલ્યુશનને બદલે હું ઉઠવાની તૈયારીમાં હતો ત્યાં બાજુમાં બેઠેલા અદ્ભૂત અમદાવાદી નામના શાયરે પાછો બેસાડયો અને કહ્યું, 'બહાર ગરમીમાં શેકાવા કરતા અંદર બેસોને યાર?'

મેં કહ્યું, 'આવી કઈ ગઝલ છે? યે પોલ્યુશન કહાં સે ઉઠતા હૈ... આવું સંભળાય?'

અદ્ભુતે મને ચૂપ રહેવાનો ઈશારો કરી કહ્યું, 'આ ઉર્દૂ-અંગ્રેજીની  મિલાવટવાળી  ફયુઝન ગઝલ છે. બાકી ઓરિજિનલ શેર કંઈક આમ શરૂ થાય છેઃ યે ધૂંઆ કહાં સે ઉઠતા હૈ...'

મુંબઈમાં ગઝલની મહેફિલ જામે એટલે એમાં પોલ્યુશન વચ્ચે ન આવે એવું બને જ ક્યાંથી? એક પછી એક ગઝલ વહેવા માંડી. ઘડીકમાં માઈક બંધ થાય તો ઘડીકમાં ગાયક. બધું બરાબર ચાલે તો વળી સાંજિદા ખોટી લાઈન પર ચડી જાય. જાણકાર અદ્ભુત અમદાવાદીને મેં પૂછ્યું, 'આટલા ઉદાસ સૂરમાં ગાતા ગાયક બેદાગ સફેદીવાલા આંખો બંધ કરીને કેમ ગાય છે?'

અદ્ભુતે કાનમાં કહ્યું, 'તેમનાથી સામેવાળાનું દુઃખ જોયું નથી જતું.'

થોડીવાર પછી વળી ખણખોદ કરતાં સવાલ કર્યો, 'આ ગાયકની કોઈ સીડી બહાર પડે છે કે નહીં?'

અદ્ભુતે જવાબ આપ્યો, 'તેમની બધી જ સીડીના નામ 'ન'થી શરૂ થાય છેઃ નખરા, નબળાઈ, નખ્ખોદ, નામચીન વગેરે.  તેમની  ઈચ્છા તો ન-નામી કાઢવાની છે એટલે કે ન-નામી સિરીઝ બહાર પાડવાની છે.'

ગઝલ લખવી એ સહેલી વાત નથી. પકડો કલમ ને હાથ આખેઆખો બળે એમ પણ બને. આવી રીતે હાફ ફ્રાય નહીં, ફુલ ફ્રાય હાથે લખાયેલી ગઝલમાંથી દરદ નીતરતું હોય છે અને આ ગઝલને ગાવાવાળો જો  સરખો ન મળે તો દરદ બમણું થઈ જતું હોય છે. બીજા એક ગાયક સ્ટેજ પર આવ્યા- રમણ મરણવાલા. તેમણે હાર્મોનિયમ પર હાથ અજમાવ્યો અને પછી કહ્યું, 'દોસ્તો, તમે  જેને ગઝલ કહોય છો એ મારી જિંદગીની પઝલ છે.'

તાળીઓ પાડી અને ઈર્શાદ... ઈર્શાદના પોકારો થયા એટલે રમણ મરણવાલાએ આગળ ચલાવ્યું, 'અસલમ અમીરીની એક ગઝલ પેશ કરું છું. શાયરના નામનું રહસ્ય કહી દઉં. કેટલાય સ્લમ હટાવી ઊંચાં મકાનો બાંધી અમીર થયેલા આ શાયરે પોતાનું નામ જ રાખ્યું છે અ-સ્લમ અમીરી.'

માંડ આખી ગઝલ પૂરી થઈ. વચ્ચે દુબારા... દુબારાનો પોકારો થાય એટલે શેર રિપીટ થાય. પાંચ મિનિટની ગઝલ પંદર મિનિટે પૂરી થઈ. બેકસ્ટેજમાં જઈને ગાયકે હરખાઈને કહ્યું, 'લોકોએ દુબારા... દુબારા કહીને એટલી બધી વાર દાદ આપી કે મારે ફરી ફરીને ગાયા વિના છૂટકો નહોતો.'

ઓર્ગેનાઈઝરે દાંત ભીંસીને દબાયેલા અવાજે કહ્યું, 'ઓડિયન્સ બહુ સમજદાર છે એટલે તમે જ્યાં સુધી શેર બરાબર રજૂ ન કરો ત્યાં સુધી દુબારા... દુબારા કહીને ફરી વાર ગવડાવતું હતું, સમજ્યા?'

મને વિચાર થાય છે કે ગુજરાતી ગઝલ દોઢસો વર્ષથી લખાય છે, પણ એ ગઝલને ખરેખર-ગઝલની રીતે તરન્નુમમાં રજૂ કરે એવા ગાયકો કેટલા? હમણાં ક્યાંક સુગમ ગઝલ સંભળાય છે. સાંભળનારને શું ગમ પડે સુગમ  ગઝલમાં?

આ મહેફિલે ગઝલનો ઈન્ટરવલ પડયો, મને થયું કે બહાર જઈને જરા ચા-પાણી પી સિગારેટના બે કશ ખેંચી આવું. એક્ઝિટ ડોર તરફ ગયો. ડોરકીપરે કહ્યું, 'બહાર નહીં જઈ શકાય. ઓર્ગેનાઈઝરે મનાઈ કરી છે.'

મેં ધૂંધવાઈને પૂછ્યું, 'બહાર ન જવા દેવાનું કોઈ કારણ?'

ડોરકીપર બોલ્યો, 'બહાર જાય એ પાછા ન આવે તો?'

મને કોઈને શેર યાદ આવ્યો, 'મહેફિલથી ઉઠી ચાલ્યા જવું મુશ્કેલ હતું, અહી આવો કહી બોલાવનારે રંગ રાખ્યો છે.'

પાછો ફરીને સીટમાં બેઠો ત્યાં બાજુમાં કોઈ અજાણ્યા વેપારી જેવા ભાઈ આવી ગયા હતા. મહેફિલનો બીજો દોર શરૂ થયોે. સંચાલક સરસ શેર સંભળાવ્યોઃ 

કેમ ખોવાઈ ગયા લાગો છો, 

ચોટ કંઈ ખાઈ ગયા લાગો છો, 

આટલાં જતન હોય કંઈ પડદાના,

 ક્યાંક દેખાઈ ગયા લાગો છો.

મારાથી પણ બોલાઈ ગયું. 'વાહ કયા શેર હૈ.'

આ સાંભળીને બાજુવાળા વેપારીએ મોઢું બગાડી કહ્યું, 'શેરમાં ક્યાં દમ છે? હમણાં ગાબડું પડયું છે.'

હું સમજી ગયો કે મહાશય નક્કી શેરબજારવાળા લાગે છે.  

મહેફિલનો બીજો દોર શરૂ થયો એ પહેલાં આખો શો જેમના જોખમે અને ખર્ચે ગોઠવાયો હતો એવાં ચીફ ગેસ્ટ (સોરી, પેઈંગ ગેસ્ટ) મિસ ગોલ્ડી વર્કર. (સુવર્ણા કામદારનું અંગ્રેજીકરણ જોયું?)સ્ટેજ પર આવ્યાં. અત્યાર સુધીમાં ત્રણ-ચાર વાર પરણી ચૂકેલાં મિસ વર્કરને આમ તો ઘણા વર-કર તરીકે પણ ઓળખે છે. માઈક સામે આવ્યાં અને બે શબ્દ બોલવાનું શરૂ કર્યું. બહેનબાનુે ગઝલની ઝાઝી ગતાગમ નહીં એ તેમણે શરૂઆત કરી ત્યાં જ ખબર પડી ગઈઃ

'આ ગઝલ નાઈટની જે ગોઠવણ થઈ છે એના માટે પડદાની પછળ ઘણું-ઘણું થયું છે, ઘણાએ મહેનત કરી છે, હું તો માત્ર નિમિત્ત છું. કેટલા નામચીન ગાયકો સ્ટેજ પર છે. એ બધાનાં નામ બહુ ગવાઈ ગયાં છે. ગુજરાતી ગઝલની દુનિયા માટે મારી ઈચ્છા એક વ્યવસ્થિત દવાખાનું બનાવવાની છે, કારણ કે મને લાગે છે કે શાયરોને યોગ્ય સારવાર  મળવી જોઈએ. મરીઝ પણ આવે છે, ઘાયલ પણ આવે છે એમ હમણાં કોમ્પેયરે કહ્યું એટલે મને પ્રેરણા મળી. બાકી તો હું ગઝલમાં વધુ શું સમજું? ગઝલનો પહેલો શેર માટલા જેવો ટકોરાબંધ હોવો જોઈએ એટલે પહેલા શેરને  માટલા કહે છે...' 

કોઈએ પ્રોમ્પિંગ કર્યું કે માટલા નહીં, મતલા કહો મતલા...  

આ ભાષણ સાંભળીને આદિ ગઝલકાર બાલાશંકરની ગઝલ યાદ આવી-'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે.'

જગતના નાથ કરતાં સમજણ વગરના આ અ-નાથ આપણા માથે જ ગુજારે છે એ  બહુ આકરું થઈ પડે છે. આમ ને આમ ત્રણ કલાકની મહેફિલ પૂરી થઈ. બહાર નીકળતી વખતે દરવાજે જ ઊભેલા ઓર્ગેનાઈઝરે પૂછયું 'કૈસા લગા?'

હું મનોમન બોલ્યો, 'મૂઢ માર લગા.'

જોરથી તો બોલાય નહીં, કારણ કે તેમણે જ મને મફતિયો પાસ આપ્યો હતો એટલે મેં હસીને કહ્યું, 'ફીલ ગુડની જેમ મહે-ફિલ ગુડનો અનુભવ થયો.'

અંત-વાણી

સઃ દિલ્હીમાં એર-પોલ્યુશન અને વોટર-પોલ્યુશન ઉપરાંત કયું પોલ્યુશન નડે છે?

જઃ પોલિટિકલ-પોલ્યુશન

*** 

ચૂંટણી ટાણે મતદારોને રમાડો,

સત્તા ખાતર કરો પૈસાનો ધૂમાડો.

**  **  **

એક મહેફિલમાં રોકડા પૈસા ચૂકવી માનવંતા 'પેઈંગ-ગેસ્ટ' બનેલા પથુભાઈ પથેન્દ્રએ માઈકમાં ગોખેલો શેર ફફડાવ્યોઃ

ના ગીલા કરતા હૂં

ના સુખા કરતા હૂં,

તુમ સાલા મત રહો

મે યે દાવા કરતા હૂં.

હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું, એટલે મુંઝાયેલા 'પથેન્દ્ર' સમજી ગયા કે લોચો થયો છે. એટલે જાકીટના ખિસ્સામાંથી કાપલી કાઢી વાંચી વાંચીને શેરબોલ્યાઃ

ના ગીલા કરતા હૂં 

ના શીકવા કરતા હૂં 

તુમ સલામત રહો

મેં યે દુઆ કરતા હૂં.