mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કોઈ શાકાહારી તો કોઈ માંસાહારી, જલસા કરે ઘાસાહારી

Updated: Jun 4th, 2024

કોઈ શાકાહારી તો કોઈ માંસાહારી, જલસા કરે ઘાસાહારી 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'જે ખંધા અને ખૂંટલ ચીનાઓ ભારતની હજારો માઈલની જમીન પચાવી શકે એને માટે આ બધાં પ્રાણી, પશુ, પક્ષી અને જીવજંતુ પચાવવાનું અઘરૃં નથી. એટલે જ કહેવું પડે ચાયના સામે કોઈથી બ-ચાય ના...'

કાકાને માથે જાણે તકલીફના તાકા પડયા હોય એવો હાયકારો નાખીને બોલ્યા, 'હાય રે કિસ્મત! આ તારી કાકીનું શું કરવું? જાતી જિંદગીએ નોનવેજ ખાવાને રવાડે ચડી ગઈ છે, એનું હવે શું કરવું?'

મેં તો આ સાંભળી જોરદાર આંચકો અનુભવતા પૂછ્યું, 'કાકા, તમે શું વાત કરો છો?કાકી ક્યાં નોનવેજ ખાય છે?'

કાકા લુચ્ચું હસીને બોલ્યા, 'અરે ભાઈ, રોજ ઊઠીને મારૃં માથું ખાઈ જાય છે અને લોહી પી જાય છે એ નોનવેજ  ખાધું જ કહેવાયને? અને આખો દિવસ લોહી પી જાય છે એ લટકામાં.'

મેં કાકાને પૂછ્યું, 'વાર-તહેવારમાં તો કાકી માથું નથી ખાતાને? બ્રેક લે છે કે નહીં? નોનવેજ ખાવામાં બ્રેક લે છે કે નહીં?' પથુકાકા બોલ્યા, 'તહેવારમાં તો તારી કાકી ઈંડાં મૂકે છે, બીજું કાંઈ નહીં.' આ સાંભળીને હું તો ચોંકી ગયો. મેં પૂછ્યું ,'કાકી ઈંડાં મૂકે છે? તો કાકી વહુ છે કે મરધી?' 

મારો સવાલ સાંભળી ખડખડાટ હસી કાકાએ જવાબ આપ્યો, 'અરે મૂરખ, તારી કાકી ઈંડાં મૂકે છે એટલે તહેવારમાં ઈંડાં ખાવાનું મૂકે છે. બાકી તો ડોકટરે કહ્યું છે એટલે નિર્જીવ ઈંડાં બે હાથે ખાય છે. આ નિર્જીવ ઈંડાં ખાવામાં વાંધો નહીં એમ ગાંધીબાપુએ કહેલું એ તારી કાકીએ ક્યાંક વાંચ્યું. બસ, ત્યારથી ઈંડા-આહાર ચાલુ છે. બસ, બાકી તો તારી કાકી શુદ્ધ શાકાહારી અને શકાહારી છે, સમજ્યો?'

મેં સવાલ કર્યો, 'કાકા, શાકાહારી તો સમજ્યો, પણ શકાહારી એટલે શું?' કાકા બોલ્યા, 'નાની નાની વાતે મારી ઉપર શક કર્યા કરે. શાક લેવા મને મોકલે ત્યારે એક-બે વાર વીડિયો કોલ કરીને બરાબર ધ્યાનથી જાપ્તો રાખે કે હું કોઈ લેડી સાથે વાત-બાત તો નથી કરતોને? આવો શકી સ્વભાવ હોય એને શકાહારી જ કહેવાયને?'

ઘણાં વર્ષો પહેલાં સિંગાપોર જવાનું થયું ત્યારનો કિસ્સો યાદ આવે છે. સિંગાપોરના ઈન્ડિયન રિપોર્ટર મિત્ર સાથે ચાયના ટાઉન એરિયામાં ફરવા નીકળ્યો. ચાઈનીઝ હોટેલોમાં કાચની પેટીમાં માછલીઓ તરતી હોય. કસ્ટમરો જે માછલી ઓર્ડર કરે એ તરત કાચની પેટીમાંથી ફ્રાય કરીને આપે. જાત જાતના કરચલા અને સફેદ ઉંદરની ડિશ પણ મળે. મને તો ઉબકા આવવા માંડયા. મેં કહ્યું, આ માંસાહારી ચીનાઓ આવું બધું ખાય છે? ત્યારે રિપોર્ટરે જવાબ આપ્યો કે ચીનાને તમે શું સમજો છો? જમીન પર ફરતાં, પાણીમાં તરતાં અને આકાશમાં ઉડતાં તમામ પ્રાણી, પશુ, પક્ષી, જીવ-જંતુ અને સાપ સુદ્ધાં ખાઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગધેડાને રાંધીને પણ ખાય છે આ ચીનાઓ મેં પૂછ્યું, આવું બધું આ ચીનાઓ પચાવી કેમ શકે?ત્યારે રિપોર્ટરે હસીને જવાબ આપ્યો કે જે ખંધા અને ખૂંટલ ચીનાઓ ભારતની હજારો માઈલની જમીન પચાવી શકે એને માટે આ બધાં પ્રાણી, પશુ, પક્ષી અને જીવજંતુ પચાવવાનું અઘરૃં નથી. એટલે જ કહેવું પડે ચાયના સામે કોઈથી બ-ચાય ના...'

હમણાં એક બુફેમાં જવાનું થયું. આમ તો શુદ્ધ શાકાહારી પરિવારને ત્યાં લગ્નનું જમણ હતું એટલે નોનવેજ ડિશ ભૂલમાં ખવાઈ જશે એવો ડર નહોતો. હાથમાં ડિશ લઈ ટેબલો પર ગોઠવેલી જાતજાતની વાનગીઓ ડિશમાં લેવા હું અને કાકા આગળ વધ્યા. દરેક વાનગીની સામે ટેગ લગાડેલું એટલે ખબર પડે કે કઈ વાનગી છે. પહેલું જ ટેગ વાંચ્યું - ચાઈનીઝ ચાઉ ચાઉ. કાકાએ ગભરાઈને પૂછ્યું કે આ નોનવેજ નથીને? ત્યારે કાઉન્ટર સંભાળતા શખસે હસીને કહ્યું, 'કાકા, નોનવેજ નહીં પણ વેજ ડિશ છે. એક યાદ રાખો કો વેજ ચાઈનીંઝમાં વાંદા ન હોય અને કાંદા ન હોય. આ વાનગી ચવડ છે એટલે બહુ ચાવવી પેડ એમ છે. એટલે ચાઈનીઝ ચાવ... ચાવ... પરથી અમે નામ રાખ્યું છે ચાઈનીંઝ ચાઉ ચાઉ.' 

આ સાંભળી કાકાએ ટકોર કરી, 'ચાઈનીઝ ચાઉ ચાઉ નહીં પણ ચાઈનીઝ લુચ્ચાઉ લુચ્ચાઉ રાખવું જોઈએ નામ. કારણ, હિન્દી-ચીની ભાઈ ભાઈ કરીને પછી ધાંઈ... ધાંઈ ગોળીબાર કરતા લુચ્ચા ચીનાઓ કેવા છે એ એના નેતાના નામ પરથી જ ખબર પડે. ચાઉ-એન-લાય ચાવો, પારકી જમીન પચાવો અને જુઠ્ઠાણા ચલાવો ચાઉ-એન-લાય.'

બુફેમાં હું અને કાકા આગળ વધતા ગયા અને વાનગીનાં નામો વાંચી ભારે તાજ્જુબ થયું. લખેલું - હાલ-ફ્રાય-ફિશ. દાળના વડાં તળીને માછલીના આકારમાં ગોઠવેલાં. એક વાનગીના તપેલા પાસે લખેલું - કિચન-તંદુરી. ઉતાવળે વંચાયું - ચિકન તંદુરી. ધ્યાનથી જોયું તો રંગીન તંદુરી રોટી હતી. એક ટેગ વાંચી નવાઈ લાગી. તપેલામાં માણસના મગજના આકારના ફુલવડા તળીને રાખેલા અને ટેગમાં લખેલું 'સ્પેશિયલ ભેજા ફ્રાય વિથ કર્ડ'. આ વાંચી કાકા બોલ્યા, 'તારી કાકી મારા ભેજાનું દહીં કરી નાખે છેને? એવી જ કોઈ વાનગી લાગે છે!'

 આગળ વધતા ગયા ત્યાં વળી એક ટેગ વાંચવા મળ્યું - ખમણ-ખીમા. ખીમાનું નામ વાંચીને જ ધુ્રજારી છૂટી ગઈ કે અરરર કીમાની વાનગી શેનાથી બનાવી હશે? પણ અમારી મુંઝવણ આસાન કરતા કાઉન્ટર અટેન્ડન્ટે કહ્યું, 'આ તો સુરતી શાહી ખમણ છે, ખમણ ચોળીને એની ઉપર સેવ, ટમેટા, દાડમના દાણા નાખ્યા છે.'

હું અને કાકા તો શાકાહારી ભોજન અને વાનગીનાં માંસાહારી નામો વાંચી વાંચી અડધું પડધું ખાઈને પાર્ટીમાંથી રવાના જ થઈ ગયા. બહાર નીકળી કાકા બોલ્યા, 'વેજ ડિશનાં નોનવેજ નામો રાખતા કેટરર્સ સામે જોરદાર વિરોધ થવો જોઈએ, શું કહેવું છે તારૂ?' મેં કહ્યું, 'મુંબઈમાં વિરોધ થયા પછી ઘણા કેટરર્સ સીધાદોર થઈ ગયા છે. ખાના-ખરાબીની જેમ કોઈ ખાણાં-ખરાબી કરે એ કેમ ચલાવી લેવાય?'

રિક્ષામાં હું અને કાકા ઘર તરફ આવતા હતા. રસ્તામાં સુધરાઈએ બાંધેલા પહેલવહેલા પ્રાણીના સ્મશાન તરફ મારી નજર ગઈ. મેં આંગળી ચીંધી કાકાને કહ્યું, 'જુઓ, કોઈ પણ પ્રાણી મરી જાય ત્યારે તેને આ સ્મશાનમાં લાવવામાં આવે છે.'

મારી વાત સાંભળીને કાકા દાઢમાંથી બોલ્યા, ' હરતાં ફરતાં પ્રાણીના સ્મશાન તો ઠેર ઠેર જોવા મળે છે એ તને ખબર નથી?'

માથું ધુણાવીને ના પાડી મેં કહ્યું, 'પ્રાણીના હરતાંફરતાં સ્મશાન એટલે વળી શું?' કાકા હસીને કહે, 'આ બધાં પ્રાણીઓને મારીને એને રાંધીને ખાય છે અને પેટમાં પધરાવે છે. એટલે નોનવેજ ખાનારાના પેટને હરતાં ફરતાં પ્રાણીનાં સ્મશાન જ કહેવાયને? એક તરફ કાયદાથી પ્રાણી-પક્ષીનું રક્ષણ થાય અને બીજી તરફ ટેસથી અને ટેસ્ટથી પ્રાણી-પક્ષીનું ભક્ષણ થાય!'

અંત-વાણી

કોઈ શાકાહારી તો કોઈ

વળી માંસાહારી, કરોડોની રોકડ      

પચાવે, લાલુછાપ ઘાસાહારી.

Gujarat