Get The App

સાચે રસ્તે ચડે ખોટા, પછી કરે ગડબડ ગોટા

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
સાચે રસ્તે ચડે ખોટા, પછી કરે ગડબડ ગોટા 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પૂછી પૂછીને પ્રભુ પાસે પહોંચાય એ વાક્ય મમળાવતા હું અને પથુકાકા ટુરિસ્ટ ટેક્સીમાં અમદાવાદથી વડોદરા પહોંચ્યા. એ વખતે કાંઈ અત્યાર જેવી જીપીએસ સિસ્ટમ નહોતી એટલે પછી પૂછી પૂછીને જ આગળ વધવું પડે ને? 

જમણવારમાં નાની પૂરી હોય એમ વડોદરામાં મોટા પુરા હોય છે. એટલે 'સુભાનપુરા પોલીસ ચોકી ક્યાં આવી?' એમ અમે ટેક્સી ઊભી રાખી રસ્તે જતાં એક માણસને પૂછ્યું. માણસે કહ્યું, 'તમે ખોટ્ટા આયા (ખોટા આવ્યા)... સામેના રસ્તે જાવ.' 

અમે સામેના રસ્તે ટેકસી વાળી અને રસ્તા પર ફ્રુટ વેંચતા ફેરિયાને પૂછયું કે સુભાનપુરા કંઈ તરફ? ફેરિયો બોલ્યો, 'તમે ખોટ્ટા! આયા... સાવ ખોટ્ટા આયા... ટર્ન લઈને લેફ્ટમાં જાવ.' 

'ઠીક છે ભાઈ...'કહીને  ટેક્સી ડ્રાઈવરે ટેક્સી વાળી અને ડાબી બાજુએ દોડાવી મૂકી. અડધો કિલોમીટર  ગયા પછી અમને લાગ્યું કે આમાં ક્યાંક સુરતી વાનગી (લોચો) લાગે છે, કોઈને પૂછીએ તો સારૂં.

એટલે ટેક્સી રોકીને મેં બારીમાંથી માથું બહાર કાઢીને એક જુવાનિયાને પૂછ્યું કે ભાઈ, સુભાનપુરા કઈ તરફ આવ્યું? જુવાનિયો બોલ્યો, 'તમે તદ્દન ખોટ્ટા આયા...' 

આ જવાબ  સાંભળીને  પથુકાકાએ પિત્તો ગુમાવ્યો. તેઓ તાડૂક્યા, ' બધાં શું ખોટ્ટા આયા... ખોટ્ટા આયા... ખોટ્ટા આયાની રેકોર્ડ વગાડો છો? અરે, અમે આ દુનિયામાં જ ખોટ્ટા આયા, બસ? હવે કહે તો ખરો કે સુભાનપુરા ક્યાં છે?' 

જુવાનિયો હસીને બોલ્યો, 'અડધો કિલોમીટર પહેલાં તમે જ્યાંથી ટર્ન  માર્યોને? એ જ સુભાનપુરા હતું, એટલે મેં કહ્યું કે તમે ખોટ્ટા આયા... હવે જાવ પાછા...'

ઘણા વખતે આ કિસ્સો યાદ કર્યો ત્યારે પથુકાકા હસીને બોલી ઉઠયા, 'આમ તો નાનાને સાચવવા આયા રાખવામાં આવે છે, પણ વડોદરામાં એ દિવસે 'ખોટ્ટા આયા... ખોટ્ટા આયા' કહી કહીને જાણે મોટાને પણ આયાને હવાલે કરી દીધા હોય એવું લાગેલું, બરાબરને?'

મેં કહ્યું, 'આજુબાજુ નજર દોડાવીએ તો 'રાજમાર્ગ' એટલે રાજકારણના માર્ગ પર પણ કેવા કેવા ખોટ્ટા આયા છે? ખોટ્ટા આયા છે એટલે ખોટી દિશામાં આવ્યા એમ નહીં, પણ સાચી દિશામાં ખોટ્ટા આયા છે... એટલે જ આવાંને આયારામ-ગયારામ કહે છેને?' 

પથુકાકા બોલ્યા, 'હા ભાઈ હા, તારી સાચી વાત છે હો! આળ કે ગાળની પરવા કર્યા વિના મુઠ્ઠીઓ વાળી સત્તાની ખુરશી ભણી દોટ મૂકે જેને ઢાળ મળે છે. એટલે જ હું કહું છું ને કે-

જેને માથે આળ એની જ 

થાય આળપંપાળ,

જેણે ખાધી ગામ આખાની ગાળ

એની જ મેળવાય ભાળ,

સત્તાધારીઓના ઝાડ પર 

સોને કી ચિડિંયાં ડાળ ડાળ,

દગાબાજો ને સગાબાજોને દોડવા

કેવો મળી જાય છે ઢાળ!'

અરે દીવાનો 

મુઝે પહચાનો

ઘણીવાર એવું બને કે સવારમાં મોબાઈલ રણકે અને હેલ્લો કરીને પૂછીએ કે કોણ બોલો છો? ત્યારે સામેવાળો કહેશે, 'હું કોણ બોલું છું? ચાલો કહી દો તમે, અવાજ નથી ઓળખતા?' 

હું એક જ જવાબ આપું કે ભાઈ, તમે કાંઈ અમિતાભ બચ્ચન છો કે અવાજ ઉપરથી ઓળખી શકું? નામ બોલો ભાઈ નામ...

પથુકાકા મારા ઘરે બેઠા હતા ત્યારે તેમને પણ આવો જ ફોન  આવ્યો અને ફોન કરવાવાળાએ પૂછ્યું, 'હલ્લો... કાકા કેમ છો? હું કોણ બોલું છું? જરા ગેસ કરો.' 

પથુકાકા તાડૂક્યા કે 'તારૂં નામ જાણવા હું મારા પેટમાં શું કામ 'ગેસ' કરું? હું આવી કોઈ ગેસ-ટ્રબલ ઊભી કરવા નથી માગતો હો!  ગેસ કરો... ગેસ કરો... શું મંડી પડયો છે? ફોન મૂક.' 

ફોન કટ કરીને પછી ધૂંધવાયેલા પથુકાકા બોલ્યા, 'આવાને આવા હાલી મળે છે... ઓળખો છો? ઓળખો છો? એમ પૂછી પૂછીને ગંધ કાઢી નાખે. અરે ભાઈ, માણસ પોતાની જાતનેય પૂરેપૂરો ઓળખી નથી શક્તો ત્યાં પારકાને ઓળખવાની ક્યાં વાત કરવી?'

મેં કાકાની વાતમાં સૂર પૂરાવતા કહ્યું, 'સાવ સાચી વાત છે હો? આપણા લોકશાહી દેશમાં મતદારો નેતાને ઓળખવામાં થાપ ખાઈ જાય છે એમાં જ આપણે સહન કરવાનો વારો આવે છેને?'

કેટલાક માણસોને ખોટી બડાશ હાંકવાની ટેવ હોય છે. ઘરે આવવાનું આમંત્રણ આપે અને આપણેે એડ્રેસ માગીએ તો કહેશે કે, 'એડ્રેસની શું જરૂર છે? સુરેન્દ્રનગર સ્ટેશને ઉતરીને ગમે  તેને પૂછજો કે ધનુભાઈ ધંધાવાળા ક્યાં રહે છે? તરત બતાવશે.'

ખરેખર કોઈ કામસર સુરેન્દ્રનગર જવાનું થયું. સ્ટેશનની બાહર નીકળીને કરિયાણાવાળાને પૂછ્ કે 'ધનુભાઈ ધંધાવાળા ક્યાં રહે છે?' 

સવાલ સાંભળીને વેપારીએ મારી સામે જોઈને સામો સવાલ કર્યો ,'ધનુભાઈ તમારા પણ પૈસા ખાઈ ગયા છે? તમે લેણિયાત છો? અમારા ગામના કૈંકના પૈસા ચાંઉ કરી ગયા છે, એટલે બધાને એનું ઘર ખબર છે, એટલે એ ધનુભાઈ ધંધાવાળા નહીં ઊંધા ધંધાવાળા તરીકે ઓળખાય છેં. જાવ સામેની શેરીમાં  છેલ્લું મકાન ધુનભાઈનું છે.'

ધનુભાઈને ઘરે પહોંચ્યો ત્યારે તેમણે ઉમળકાભેર આવકાર આપ્યો અને તરત પૂછ્યું, 'ઘર શોધવામાં વાંધો ન આવ્યોને? મેં નહોતું કીધું કે ગામ આખું મને ઓળખે છે?'

મેં એટલું જ કહ્યું, 'ગામ આખું તમને ઓળખે છે એમ નહીં પણ ગામ આખું તમને ઓળખી ગયું છે એમ કહેવાય.'

પથુકાકાને આ કિસ્સો સંભળાવ્યો  ત્યારે બોલ્યા, 'જો ભાઈ, ઓળખાણ એ ભલે ખાણ કહેવાય, પણ ઓળખાણની ખાણમાંથી કોલસો પણ નીકળે અને હીરા પણ નીકળે.'

અંત-વાણી

'મોજાં' મળે સરખાં

એવાં ક્યાં નસીબ છે હરખાં,

અહીં તો સભામાંય

ઉડીને મળે છે નોખાં પગરખાં

***

દુઃખ કે વક્ત મિત્ર હી

મિત્ર કે કામ આતા હૈ

ઈસી લિયે હર મિત્ર

અપને મિત્ર કી શાદી મેં જાતા હૈ.

***

ડાલી ડાલી પે નજર ડાલી

કિસીને અચ્છી ડાલી 

કિસીને બુરી ડાલી

પર હમને જીસ ડાલી 

પે નઝર ડાલી

સૈયાદને ઉસે હી કાટ ડાલી.

***

પરણે એ ચડે રણે

પછી સંસારી મેદાનમાં

સમસ્યાના શરણે.

***

ખુદના પક્ષને જે તોડે

એ કયા મોઢે ભારત જોડે?

નઠારાઓ જનતાને 

ભરમાવવાનું છોડે

નહીંતર ક્યાંક ફટકારશે 

જોેડે જોડે

***

સાચા રસ્તે ચડે ખોટા

પછી કરે ગડબડ ગોટા

વામણાઓ વટ દેખાડી ચાલે

જ્યારે દૂર હડસેલાય મોટા.