Get The App

કપટી પાર્ટી મુર્દાબાદ... ટી-પાર્ટી ઝિંદાબાદ

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
કપટી પાર્ટી મુર્દાબાદ... ટી-પાર્ટી ઝિંદાબાદ 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

મે મહિનાની અધવચ્ચે આવતા વિશ્વ   ચા દિન એટલે કે વર્લ્ડ ટી ડેની ઉજવણી વખતે  ચા રસિયાએ બનાવેલી ટી-પાર્ટીના  અમારા મેમ્બરોએ ચાય-મિલન સમારંભ રાખ્યો. સંગીતમાં હરિપ્રસાદ ચોરસિયાનું નામ છે. ે અમે એકમેક હળીમળીને ચાની ચુસ્કીઓ લગાવીએ એટલે અમે કહેવાઈએ સંગતમાં ચા-રસિયા.

અમારી બિનરાજકીય ટી-પાર્ટીના સૌથી સિનિયર મેમ્બર પથુકાકાને અમે બે શબ્દ બોલવા વિનંતી કરી. પથુકાકા ટેબલની ઉપર રાખેલા ચાના કપની ચુસ્કી મારી બોલવા ઊભા થયા. 

કાકા બોલ્યા, 'સહુ ચાના ચાહકોને વર્લ્ડ ટી ડે... વિશ્વ ચા દિન... જાગતિક ચા દિન મુબારક. હિન્દી ભાષી મેમ્બરો મને માનપૂર્વક ચાચા કહીને બોલાવે  છે એમાં બે કપ ચા એટલે ચા-ચા આવી જાય  છે એ કેવો સંયોગ કહેવાય! બીજું, આપણામાં  કેટલાક પીડિત પતિદેવો અહીં મોજુદ છે, એમનો નાતો પણ ચા સાથે જોડાયેલા છે, કારણ પતિ અને ચાયની પત્તીના ભાગ્યમાં કાયમ ઉકળવાનું જ લખ્યું હોય છે. જરા શબ્દ રમત કરીને કહું તો ચાયના આપણું દુશ્મન છે, પણ આપણે સહુ ચાય-ના રસિયા છીએ. એટલે ડોકટરો ભલે કહે કે ચાય શરીર માટે દુશ્મન છે, પણ આપણે દુશ્મન (ચાયના)ને છોડશું નહીં. આ સાથે હું એક નવી પાર્ટીની ઘોષણા કરૃં છું - રાષ્ટ્રીય ટી પાર્ટી. આઝાદી પછી કેટલીય કપટી પાર્ટી આવી ગઈ સત્તા પર, પરંતુ આપણે તો એક એક કપ-ટી પીને દેશના હિતની વાત કરીશું અને ટી-પાર્ટીનો પરચમ લહારવીશું અને ચાના ગુણગાન ગાઇશું:

હમ અપની ચા કી

ચાહ કો હરગીઝ મીટા 

સકતે નહીં,

સર કટા સકતે હૈ લેકિન

કપ હટા સકતે નહીં.

બોલો કપટી પાર્ટી મુર્દાબાદ... ટી-પાર્ટી ઝિંદાબાદ...'

લાંચનો રાષ્ટ્રીય કોડવર્ડ 'ચાય-પાની'

જે જન કાયમ રહે સફરમાં એને તો સફર-જન કહેવાયને? મને પણ સફરનો શોખ. હું તો સફર કરું છું ,પણ કોઈને રિંગ પહેરાવવાની ડેરિંગ નથી કરતો. નહીં તો સફરિંગની નોબત આવે.બસ, એકલો જાને રે... ગાતો ગાતો એકલો જ સફર કરું છું. હજી થોડા દિવસ પહેલાં જ મુંબઈથી રાતની ટ્રેનમાં ગુજરાતની સફરે નીકળ્યો.

બારી પાસેની બર્થ મળી હતી. સવારે છ વાગ્યા હશે અને ગુજરાતના કોઈ સ્ટેશને જેવી ગાડી ઊભી રહી કે કાનમાં રીતસર વાગે એટલા જોરથી કોઈ ફેરિયો બરાડતો હતો... લોચા... લોચા... લોચા! મારા કાન  ચમક્યા. ઘડીકવાર થયું કે આ કૌભાંડી અને લોચાવાળા રાજમાં  વળી કોઈ નવો લોચો બહાર આવ્યો હશે એટલે છાપામાં એ લોચાના સમાચારનું  મથાળું જોરજોરથી બરાડી છાપાવાળો વેચવા નીકળ્યો લાગે છે, પરંતુ ખાખી કપડાંવાળો એ જણ નજીક આવ્યો  ત્યારે મને નવાઈ લાગી.એના હાથમાં ચાની કીટલી અને બે કાચના ગ્લાસ હતાં.

મેં એને બોલાવી પૂછ્યું, 'રાષ્ટ્રીય લોચાના સમાચાર આપવાને બદલે તું લોચા... લોચાની બૂમાબૂમ કરીને કેમ ચા વેચે છે?' 

સ્માર્ટ ચા વાળો બોલ્યો, 'સાહેબ, ચા તો હવે રાષ્ટ્રીય પીણું બની ગઈ છે, ખબર છે ને? એટલે હું ટ્રેનના પેસેન્જરોનું  ધ્યાન ખેંચવા માટે લોચા... લોચા  એમ બરાડું છું. એનો મતલબ સમજાવું? લોચા એટલે સહુને કહું છું કે લો-ચા  મારી પાસેથી લો-ચા. હવે પછી એમ બોલીશ કે લો રાષ્ટ્રીય ચા... લો રાષ્ટ્રીય ચા.' 

મેં કહ્યું, 'એના કરતાં એમ બરાડજે કે રાષ્ટ્રીય લો-ચા... રાષ્ટ્રીય લો-ચા... કારણ કે રાષ્ટ્રીય સ્તરે રોજ નવા નવા લોચા જ બહાર આવે છે ને!' 

એ ગીત હજી કાનમાં ગુંજે છે: દુનિયા  યે પુકાર ઊઠી,લો-ચા નિકલ આયા...

બહારગામથી પાછા ફરી પથુકાકાને મળવા તેમના ઘરે ગયો. બહારથી જ ખબર પડી કે કોંગ્રેસની જેમ કાકાના ઘરમાં આંતરિક ખટપટ ચાલે છે.

કાકી ઉંચા અવાજે બરાડતાં હતાં અને કાકા ઘૂંઘવાઈને સામનો કરતા હતા. મેં બહારથી જ જરા મજાકમાં બૂમ પાડી , 'ચાચા ઓ ચાચા...' 

બૂમ સાંભળીને ચાચાને બદલે ચાચી બહાર ધસી આવ્યાં અને મને નિશાન  બનાવી તાડૂક્યાં: 'શું ચા... ચા... ચા... ચા કરે છે? જોતો નથી? સવારમાં ચાને લીધે તો તારા ચાચાએ રામાયણ કરી છે.' 

મેં પૂછ્યું,'શું થયું?' 

ચાચી બોલ્યાં, 'સવારમાં ઊઠીને તારા કાકાએ બે કપ ચાનો ઓર્ડર છોડયો.   પણ દૂધ ફાટી ગયું હતું, એટલે ખિજાઈને કાકાએ ચાના કપનો ઘા કર્યો. એમાંથી જ તારા કાકા અને મારી વચ્ચે રામાયણ નહીં, ચામાયણ શરૂ થઈ ગઈ. તને તો ખબર છે તારા કાકાનો સ્વભાવ ચા ન મળે ત્યારે કેવા ચીડિયા થઈ જાય છે. ગામથી ઊંધા એવા આ ચાના શોખીન તારા ચાચાને એટલે જ હું ચામા-ચીડિયા કહું છું ...'

મામલો શાંત પાાડવા મેં કાકાને બહાર ચાની રેંકડી પર જઈ  મેં ચાનો ઓર્ડર આપ્યો.

મેં કાકાને કહ્યું, 'ચાના વાવેતરને ૨૧૨ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે એપ્રિલ ૨૦૧૩થી ચાને રાષ્ટ્રીય પીણાનો દરજ્જો  અપાયો હતો. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, રાષ્ટ્રીય પક્ષી મોર છે એમ હવે રાષ્ટ્રીય પીણું ચાને કહેવાય. પડી સમજ?' 

કાકાને વાત ગળે  ઉતરી. થોડું વિચારીને બોલ્યા, 'ચાને રાષ્ટ્રીય પીણાનો દરજ્જો  અપાય એ બહુ યોગ્ય કહેવાય.  શું કામ ખબર છે? આ દેશમાં નાનું કે મોટું કોઈ કામ ચા-પાણી (લાંચ) આપ્યા વિના નથી થતું. કામ કઢાવવા માટે આખા રાષ્ટ્રમાં ચા-પાણી આપવાનો રિવાજ હોય ત્યારે ચાને જ રાષ્ટ્રીય પીણાનો દરજ્જો અપાય ને? હવે મને સમજાયું.'

થોડી વાર પછીપથુકાકાએ ઉમેર્યું, 'મને તો નવું ઉખાણું સૂઝ્યું. ચાઈ અને માણસની લુચ્ચાઈ એ બન્નેનો અર્થ ફક્ત ત્રણ અક્ષરમાં જ નીકળે અને સવળેથી અને અવળેથી સરખું જ વાંચી શકાય એવો કયો શબ્દ છે .બોલ? જો જવાબ આપીશ તો મારે તને બાદશાહી ચા પિવડાવવાની  નહીંતર તારે મને પિવડાવવાની બોલ એવો ક્યો શબ્દ છે?' 

મેં માથું ખંજવાળ્યું. કંઈ ન સૂઝયું એટલે હાર સ્વીકારીને કાકાને કહ્યું, 'હવે તમે જ જવાબ આપો.' 

હરખાઈને કાકા બોલ્યા, 'એટલું ય નથી આવડતું? એ ત્રણ આર છે. ચાલુચા. ચીનનો માલ જેમ ગળે પડે છે એમ ચાના શોખીન ચીનાઓ મેં સિંગાપોરમાં જોયા. દૂધ વગરની કાળી ચા અને અંદર લીંબું નાખેલું હોય. આ તૈયાર ચાર ભરેલી કોથળીઓ પણ ચાયનાટાઉનમાં તૈયાર મળે.  ચીનાઓ કામ ધંધે નીકળે ત્યારે ચાની કોથળી માળાની જેમ ગળે ટીંગાડે. આ કોથળીમાં એક નળી હોય. સ્ટ્રરો જેવી નળી મોઢામાં મૂકીને હરતાંફરતાં ચાની ચુસકી મારતા રહે. પહેલાં તો પીળાશ પડતાં પ્રવાહીની કોથળી સાથે ફરતા ચીનાઓને જોઈને મને થયું કે આ બધાને કિડનીની તકલીફ હશે? પેશાબની તકલીફ હશે એટલે ઘણા દરદીઓ  બાંધે છે એવી કોથળી બાંધી હશે? પણ પછી થયું કે કોથળી ગળે શું કામ બાંધતા હશે? ત્યારે એક ચીની દોસ્ત હિંગ-લે (ગેસ ટ્રબલ વગર હિંગ-લે)એ કહ્યું કે, આ બધાં ટી-લવર્સ છે.'

દૂધ, ખાંડ, ગેસ અને ચાની પત્તી બધું જ મોંઘુ થવાથી ચા પીવાનું પણ સામાન્ય માણસને પોષાતું નથી. કાકા એટલે જ ધૂંઘવાઈને બોલ્યા, 'આ સરકારના રાજમાં તો મોંઘવારીએ માઝા મૂકી છે. ચા પીવાવાળા ગધેડા કેવા વધતા જાય છે!'

મેં પૂછ્યું, 'કાકા તમારું ભેજું ફરી ગયું છે કે શું?ગધેડાને વળી ચા પીતાં ક્યાં જોયા?' ઉખાણાને રવાડે  ચડેલા કાકા ઉકેલ આપતા બોલ્યા, 'ગધેડાને ખર પણ કહે છે એટલી તો ખબર છેને? એટલે મારે કહેવાનો અર્થ એ છે કે ખર-ચા વધતા જાય છે ખર-ચા.'

અંત-વાણી

ચા રાષ્ટ્રીય પીણું બનવાની છે ત્યારે સરકાર કયા કયા પ્રકારની ચા પાછળ સમય અને પૈસો વેડફે છે ખબર છે?

એક તો ચર-ચા...

અને બીજું, ખર-ચા!