mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાતની સફરમાં હમસફરનાં નસકોરાં જગાડે ને ઊંઘ બગાડે

Updated: Jan 3rd, 2023

રાતની સફરમાં હમસફરનાં નસકોરાં જગાડે ને ઊંઘ બગાડે 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પથુકાકા અત્યાર સુધી વગર રિઝર્વેશને ગાડીની મુસાફરી કરીને એવાં થાક્યા હતા કે જ્યારે  બહારગામ જવાનું થાય ત્યારે કહેશે  કે આ યાત્રા નહીં યાતના છે. વળી, ઉમેરે પણ ખરા કે આ યાત્રા મારી અંતિમ-યાત્રા બની રહેશે. લાડીની જેમ ગાડી તરફ કાકાના અણગમાને પારખી મેં કાકા-કાકીને એરકંડિશન ટ્રેનમાં મુસાફરી કરાવવાનો સંકલ્પ કર્યો. અગાઉથી રિઝર્વેશન કરાવેલું એટલે નિર્ધારિત તારીખે પથુકાકા-કાકીને લઈને મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગયો.

કાકા ઉંચાનીચા થઈને પૂછ્યા કરતા હતા કે જગ્યા ક્યારે રોકવાની? કૂલીને પૈસા આપી દઈએ તો નીચેનું પાટિયું રોકી દેશે કે નહીં? મેં કહ્યું, 'કાકા, તમારા આ જૂના વસમા અનુભવો ઉપર જ  પાટિયું પાડો. આપણે તો રિઝર્વેશન કરાવ્યું છે, રિઝર્વેશન. સમજો છોને? આરક્ષણ...'

આરક્ષણ શબ્દ સાંભળી બાંકડા પરથી અડધા ઊભા થઈ ગયા અને બોલી ઊઠયા, 'હે ભગવાન... રેલવેની મુસાફરીમાં પણ આરક્ષણ? આ દેશમાં મત મેળવવા ખાતર રિઝર્વેશનનું રાજકારણ ખેલાય છે, બાકી રેલવેની મુસાફરીમાં  પણ આરક્ષણ?'  મેં કાકાને ટાઢા પાડતા કહ્યું કે રેલવેનું  રિઝર્વેશન એટલે અગાઉથી ટિકિટ બુક કરાવી લેવાની એટલે પછી  મુસાફરીના  દિવસે ચિંતા જ નહીં, કેવી રાહત?' કાકા કહે, 'રિઝર્વેશનથી રાહત થાય એ મેં પહેલીવાર સાંભળ્યું. બાકી તો રિઝર્વેશનના રાજકારણની જાહેરાતો  સાંભળી  સાંભળીને કાન પાકી ગયા છે.' મેં કહ્યું કે આપણે તમારા બાપાના ગામ હાપા જવાનું છે એટલે મેં પહેલેથી એ.સી.  સ્લીપરનું રિઝર્વેશન કરાવી લીધું હતું. જો કે સ્લીપર મેળવવામાં  બહુમુશ્કેલી પડી. કાકીએ ડબકું મૂક્યું, 'સ્લીપરને  બદલે  ચપ્પલ જ ચાલે,  નક્કામી  શુંમાથાકૂટ કરવાની?'

અમે એ.સી. થ્રી ટાયર કોચમાં  દાખલ થયા ત્યારે ઠંડીને લીધે જરાક ધુ્રજી ગયા અને પછી મજા  આવતા આખો ડબો સાંભળે એમ ગાઈ  ઉઠયા, 'એ.સી. લાગી લગન... ઠંડી હો ગઈ અગન...'

પથુકાકાને  પહેલેથી થયું હતું કે સ્લીપર બર્થનું રિઝર્વેશન છે,  અને એકથી ત્રણ નંબરની ત્રણેય બર્થ આપણી  છે. આમ છતાં બધું પાક્કેપાક્કું કરી લેવા  ખિસ્સામાંથી બર્થ-સર્ટિફિકેટની ઝેરોક્સ કાઢી ત્યાં અટેન્ડન્ટને  બતાવી બોલ્યા, 'સાહબ, એક નંબર કી બર્થ મેરી હૈ બરાબર? યે તો ઈસ ડિબ્બે કા 'બર્થ-કન્ટ્રોલ' આપકે હાથ મેં હૈ ઈસ લિયે બોલા...' આ ડાયલોગ સાંભળી આજુબાજુવાળા ખડખડાટ હસી પડયા. એટલી વારમાં હુ પ્લેટફોર્મ પરથી પાણીની બોટલ લઈને આવ્યો. કાકા તો એ.સી.માં  બેસી હરખાતા હરખાતા બોલ્યા, 'વાહ... વાહ તેં તો જલસો કરાવી દીધો હો? આવી ટાઢી ટાઢી બર્થ નસીબમાં હશે  એ સપનામાં પણ નહોતું  વિચાર્યું, હેપ્પી બર્થ-ડે... હેપ્પી બર્થડે...' મેં હસીને પૂછ્યું કાકા બર્થ કેવી છે?' પથુકાકાએ  રંગમાં આવી જવાબ દીધો, ' બર્થ-પ્લેસ ઈઝ બર્થ પ્લેસ કહેવું પડે... યે રાત યે જર્ની ફિર કહાં સૂન જા દિલ કી દાસ્તાં...'  રાતના અંધારાને  ચીરતી  સુપરફાસ્ટ ટ્રેન ધડબડાટી કરતી ધસમસતી  દોડયે  જતી હતી.  થ્રી-ટાયરમાં  અમે ત્રણેય  થાકીને થ્રી-ટાયર થઈ ગયા હતા. અમે ઝોકાં ખાતા હતા. (હો)બાળાકાકીની સૌથી નીચેની લોઅર બર્થ, પથુકાકાની વચ્ચેની મિડલ બર્થ  અને મારી સૌથી ઉપરની  અપર બર્થ હતી. અમે થેપલાં અને શાક પેટ ભરીને  ખાધાં.  કાકાએ ધરાઈને એવડો મોટો ઓડકાર ખાધો કે  સામેની બર્થમાં  એક બેન બાળકને સૂવડાવવાની કોશિશ  કરતાં હતાં એ ભડકીને બેઠું  થઈ ગયું ને ભેંકડો તાણી  રોવા માંડયું.  પથુકાકાના ગેસ સ્ટેશનનો  આવો  પરચો  અનુભવ્યા પછી  મને તો  'મુગલ-એ-આઝમ'ની કવ્વાલી  યાદ  આવી ગઈઃ  'જબ રાત હૈ ઐસી મતવાલી ફિર સુબહ કા આલમ ક્યા હોગા...'

પથુકાકા ઓડકાર ખાઈ ખાઈને વધુ વાયુ-પ્રવચન સંભળાવે  એ પહેલાં (હો)બાળાકાકી સમજીને સૂવાની તૈયારી કરવા માંડયાં. રેલવે તરફથી મળેલા ચાદર, બ્લેન્કેટ, ઓશિકાની બરાબર ગણતરી કરી લીધી. ત્યાં હું વોશરૂમમાં  જઈને પાછો ફર્યો. કાકીએબધા સાંભળે એમ મોટા અવાજે સવાલ કર્યો, 'હવે તમે ઉપર ક્યારે જવાના?' મેં જરા  આંચકો  લાગ્યો હોય એવો દેખાવ કરી કહ્યું, 'કાકી, કોણ ક્યારે  ઉપર જશે એની કોઈને  ક્યાં  ખબર હોય છે?' ભોંઠા પડેલા કાકી બોલ્યાં, 'વાઈડાઈ કરો મા... હું તો  પૂછું છું કે તમે  ઉપલી બર્થ પર ક્યારે જવાના? આમ બધાની વચ્ચે ભોંઠી પાડતા શરમાતા  નથી?' અમારી અને કાકી વચ્ચે વાત  ચાલતી હતી ત્યાં  નસકોરાંનો અવાજ કાને પડતા જોયું તો કાકા તો વચલી  સીટમાં  ઘોરવા  માંડયા હતા. ખરેખર મને તો કાકાની  આ નસકોરેદાર તત્કાળ  ઊંઘની અદેખાઈ  આવી એટલે એમને  ઊઠાડીને સળી કરવા ગયો.   ત્યાં કાકીએ  મને ચેતવણીના સૂરમાં કહ્યું, 'એ વચેટિયાને વતાવતા નહીં. કાચી નિંદરમાંથી જાગી જશે ને તો આપણી ઊંઘ બગાડશે.' કાકીની ચેતવણી કાને ધર્યા પછી મને વિચાર આવ્યો કે રેલ હોય કે રાજકારણ, બન્નેમાં  'વચેટિયા' જ જલ્સા કરતા હોય છેને? 

હું સૌથી ઉપલી બર્થમાં રેલવેના ધાબળામાં ઢબુરાઈને સૂવાની કોશિશ કરતો હતો ત્યાં સૌથી નીચલી બર્થ પર સૂતેલાં કાકીની અને વચલી બર્થ પર છૂટ્ટા મૂકેલા પોટલાની જેમ પડેલા પથુકાકાના  નસકોરાની જુગલબંધી શરૂ થઈ.  પહેલાં કાકી નાકમાંથી ધ...ર...ર...ર... કરતો સૂર છેડે પછી જવાબમાં કાકા ખ...ર...ર... ખ... ર... ર... કરતો સૂર છેડે. નાકેથી ચાલતી  આ સૂરાવલીથી મારી એકલાની નહીં  આજુબાજુવાળાની પણ ઉંધ બગડતી હતી. એક ભાઈએ તો ટકોર કરી કે નાકેથી હવે દરબારી કાનડા નહીં દરબારી નાકડાની સૂરાવલી બંધ કરો, આવી આકરી જુગલબંધી કરીને અમને ઉજાગરો કરાવવાનો વિચાર છે? આ ટકોર સાંભળી  જાગી ગયેલા કાકા બોલ્યા ,'જાગતા નર સદા સુખી. ઓલી કવિતા  નથી સાંભળી? આપણામાંથી કો'ક તો જાગે...' કાકા વધુ દલીલબાજી  કરે એ પહેલાં  એમને નાકનાં ટીપાં આપી દીધા એટલે સૂઈ ગયા.

કાકાનાં નસકોરા બંધ થયાં, પણ કાકીનાં નસકોરાંનો  સિલસિલો ચાલુ જ હતો. નસકોરે તોબા સંગઠનના આ સૂતેલા સ્લીપર સેલના ઊંઘનાશક હુમલાથી ત્રાસેલા એક ઝાલાવાડી  બાપુ ઊભા થઈને તાડૂક્યા, 'અમે સ્લીપર બર્થના  પૈસા  સૂવા માટે  ખર્ચ્યા છે. તમારા ં નસકોરાંથી  જાગવા માટે નહીં સમજ્યા?  મારા મોબાઈલમાં તમારા નસકોરાની જુગલબંઘીનું રેકોર્ડિંગ કરી લીધું છે. હાપા પહોંચીને રેલવેપાસે  સ્લીપરના રિઝર્વેશનનું રિફંડ ન માગુંને તો મારું નામ નહીં.'

વાત વધી પડશે એવું લાગતા મેં કાકા-કાકી બન્નેના નાકમાં ટીપું ટીપું દવા  નાખી દીધી અને નાકના બન્ને ફોણિયામાં  રૂના પૂમડા  ભરાવી દીધાં. 

સવાર પડી એટલે પથુકાકા બેઠા થયા અને શંકા નિવારણ જવા માટે વચલી સીટ પરથી નીચે  ઠેકડો માર્યો એમાં  પગ છટકતાં ધડામ કરતા પડયા. અવાજ થતા કાકી આંખો  ચોળતાં જાગીને  બોલ્યાં, 'સવાર પડી?' કણસતા અવાજે  કાકાએ  જવાબ આપ્યો,  'સવાર એકલી નથી પડી, ભેગો  હું પણ પડયો. જરા જોતો ખરી?'

હાપા આવવાને હજી વાર  હતી એટલે અમે ત્રણેય જણ ગરમાગરમ ચાની ચૂસ્કી  લેતા રેલવેએ  શરૂ કરેલી નવી નવી ટ્રેનોની વાતે વળગ્યા. કાકા બોલ્યા, 'રેલવેએ દોડતી કરેલી  આ સુપરફાસ્ટ એસી ટ્રેનો બાકી ધડબડાટી બોલાવે છે, હો?  હવે એકવાર ઓલી સતા-બદી  ટ્રેનમાં  અમદાવાદ લઈ જજે.'

મેં હસીને  કાકાનું વાક્ય સુધારતા  કહ્યું કે, 'એ ટ્રેનનું  નામ સતા-બદી નહીં પણ શતાબ્દી છે, પડી  સમજ?' કાકા ભૂલ સ્વીકારવાને  બદલે  પોતાનો જ  કક્કો ખરો કરતા બોલ્યા, ' જ્યાં સત્તા હોય ત્યાં પણ બદી જોવા મળે છેને? એટલે સત્તા-બદી નામ વાપરવામાં શું વાંધો છે?'

મેં કહ્યુ,ં 'કાકા, તમને તો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં  મુસાફરી કરાવીશ, જોજો તો ખરા?' કાકા છણકો કરી બોલ્યા, 'અરે ભાઈ એનું નામ બુલેટ ટ્રેનથી બદલી  શું કરવું પડશે, ખબર છે? 'બહુ-લેટ' ટ્રેન! મને તો વિચાર આવે છે કે મારા નામની આગળ લેટ (સ્વર્ગસ્થ) લાગે એ પહેલાં  બુ-લેટ દોડતી થશે!'

અંત-વાણી

આ સલાહ છે ઘરડા માડીની

કોઈદી અડફેટે ચડવું નહીં

રેલગાડીની અને વિફ-રેલ  લાડીની.

Gujarat