Get The App

ઉમેદવારો ચૂંટાય પછી મતદારો કૂટાય .

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઉમેદવારો ચૂંટાય પછી મતદારો કૂટાય                       . 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

'કહેવત છે ને વાર્યા ન વળે હાર્યા વળે... ઘણાં હઠીલા માણસો હોય છે કે જે કોઈની સારી સલાહ કાને ન ધરે, પણ ફટકો ખાય કે હાર ખમે પછી ચૂપચાપ બેસી જાય. પશ્ચિમ બંગાળમાં બેફામ બનેલા મમતા દીદીનું એવું જ થયુંને? બંગાળ ગુમાવ્યું અને મોંઢામાં સત્તાધારી પક્ષ માટેની ગાળ રહી ગઈ શું ક્યો છો પથુકાકા?' રવિવારે રજાની નિરાંત હોવાથી હું અને કાકા હિંચકે બેસી ટોળટપ્પા કરતા હતા.

મારી વાત સાંભળી માથું હકારમાં હલાવતા પથુકાકા બોલ્યા કે 'વાર્યા ન વળે એમ કહેવાને બદલે મારી ભારેખમ ભાર્યા ન વળે... એમ કહેવું પડે...' મેં પૂછ્યું 'શું થયું છે (હો) બાળાકાકીને?' કાકા કહે વજન ઉતારવાનું ડોકટરે કહ્યું છે, કારણ શરીર આકાર ગુમાવી નિરાકાર સ્થિતિમાં આવી ગયું છે. એટલે તારી કાકીને મે ઘણી ના પાડી છતાં એલ્યુમિનિયમની સીડી પર ચડી અભરાઈ ઉપરથી મોટા તપેલા, સ્ટીલના ડબ્બા અને મોટી કડાઈ એ બધું ધરાર ઉતારવા માંડી છે. એને જો ટપારીએ તો એક જ વાતનું પૂંછડું પકડી રાખે છે કે ડોકટરે મને વજન ઉતારવાનું કહ્યું છે, એને કોણ સમજાવે કે શરીરનું વજન ઉતારવાનું કહ્યું છે, અભેરાઈ પરથી વજન ઉતારવાનું નથી કહ્યું.એટલે હું કહું છું કે મારા જીવનસાથી ભાર્યા વાર્યા ન વળે...

અમારી વાત સરવા કાને સાંભળી કાકી તરત જ પરસેવો લૂંછતા આગલા રૂમમાં આવ્યા અને કાકા સામે લટકો કરી બોલ્યા કે આ મારા ભત્રીજાને આપણાં લગનનું ફોટાનું આલ્બમ બતાવો, ખબર તો પડે કે લગ્ન વખતે હું કેવી પાતળી સોંટા જેવી હતી? આ તો પરણ્યા પછી છોકરા છૈયાં થયા એટલે ઘેરાવો વધી ગયો એમાં શી મોટી વાત છે?

પથુકાકા વાતનો તંતુ બરાબર પકડી લેતા બોલ્યા કે 'તારા એકની વાત નથી કરતો, ઘણી કન્યાઓના જ્યાં સુધી લગ્ન નથી થયા હોતા ત્યાં સુધી એક્સરસાઈઝ કરે, ડાયેટીંગ કરે, વોક લેવા જાય અને શરીર એકદમ સપ્રમાણ રાખે. પણ જેવી આ કન્યા કોઈ મૂરતિયાને પસંદ પડી જાય અને લગ્ન થઈ જાય પછી બિન્ધાસ્ત થઈ જાય છે. ખાધું, પીધું ને રાજ કીધું એમ સમજી ખાઈ પીને મોજ કરે છે. કારણ મૂરતિયાનું દિલ જીતવાનો મકસદ તો પાર પડી ગયો હવે શા માટે ચરી પાળવાની? એટલે જ પછી ફુગાવો વધતો જાય. આમ જ પછી, ફુગાવો ડબલ ફિગરમાં પહોંચી જાય એટલે જોની વોકરનું ગીત જરા ફેરવીને ગાયઃ

જાને કહાં મેરા

ફિગર ગયા જી

અભી અભી અચ્છા થા

બીગડ ગયા જી.

મેં કાકાની વાત સાંભળીને કહ્યું કે 'આપણાં દેશમાં ચુનાવી રાજકારણમાં પણ આવું જ ચાલે છે. રાજ્યમાં ચૂંટણી જીતવા માટે કેવાં કેવાં નુસ્ખા અજમાવાય છે? મોંઘવારી જરાય ન વધે તેનો ખ્યાલ રાખવામાં આવે છે, ખોટા ખર્ચા પર કન્ટ્રોલ રાખવામાં આવે છે, મતદારોને હથેળી પર રાખવામાં આવે છે. પછી જ્યારે ચૂંટણીમાં જીતી જાય ત્યારબાદ જોતજોતામાં ફુગાવો અને મોંઘવારી વધતાં જ જાય છે. જે સ્ટેટમાં સત્તા મેળવી હોય ત્યાંના લોકો સહિત આખા દેશને મોંઘારતના સપાટામાં લઈ લેવામાં આવે છે, એ જોઈ કહેવું પડે કે પાડાને વાંકે પખાલીને ડામ? ક્યારે કાબૂમાં આવશે વધતાં દામ?'

મારી વાત સાંભળી પથુકાકા બોલ્યા 'ચુનાવી રાજકારણમાં આવું જ થાય છે હો? પતે ચૂંટણી પછી જનતાની થાય ચટણી, સત્તાધારી ચૂંટાય અને નોંધારી જનતા કૂટાય, બરાબરને?'

મેં ભાવવધારાની ધૂણતી ભૂતાવળ વચ્ચે કાકાને ઉખાણું પૂછ્યું કે 'ગુજરાતના એવાં કયાં બે ગામ છે જેના નામમાં ભાવ વધારાનો પડઘો સંભળાય છે?' માથું ખંજવાળીને પથુકાકા બોલ્યા કે તું મારી અક્કલની કસોટી કરવા માગે છે? તો સાંભળ કે એવાં બે ગામ છે ભાવ-નગર અને દામ-નગર સાચું કે નહીં? બાકી તો આ ભાવવધારાની ભૂતાવળથી ભડકીને શેરીના ડાધીઆ, લાલીઆ અને ભૂરીઆ કૂતરા પણ આખી રાત ગુજરાતી અને અંગ્રેજીમાં સવાલ કર્યા કરે છે કે આવો આ ભાવવધારો કેમ થયો હશે?'

મેં કહ્યું 'કાકા આ તો તમે નવી જ વાત લાવ્યા. કૂતરા વળી કેવી રીતે અંગ્રેજી અને ગુજરાતીમાં સવાલ કરે છે? જરા મને સમજાય એ રીતે કહો તો ખરા?'

પથુકાકા બોલ્યા તને ખબર છે ને કે રાતે આ રઝળતા કૂતરા ભૂતપ્રેત જોઈને ભડકતા હોય છે? હવે આ કૂતરાય ભાવની ભૂતાવળથી ભડકીને ભસે છે. ધ્યાનથી સાંભળજે એ ભસને અંગ્રેજીમાં પૂછે છે હાઉ... હાઉ... હાઉ અને ગુજરાતીમાં ય પૂછે છે ભાવ... ભાવ... ભાવ... એટલે આટલા ભાવ કેવી રીતે વધી ગયા... હાઉ... હાઉ... ભાવ... ભાવ...

મને યાદ આવતા કાકાને કહ્યું કે  'હવે તો ડોગ બિસ્કિટના ભાવ પણ વધી ગયા છે ખબર છે ને? હમણાં જ મારા પાળેલા અને પંપાળેલા આળસું ''આળશેસિયન'' માટે ઈંમ્પોર્ટેડ ડોગ બિસ્કિટ લેવા ગયો ત્યારે ખબર પડી કે ભાવ વધી ગયા છે.

પથુકાકા જરા ખીજાઈને બોલ્યા કે 'હું પણ મારા ડોગી માટે ડોગ બિસ્કિટ લેવા ગયો હતો. પેટ-ફૂડ સ્ટોરના માલિકને મેં ઓર્ડર આપ્યો કે એક કિલો ડોગ બિસ્કિટ આપો, ત્યારે એ વાયડા દુકાનદારે પૂછ્યું કે અહીં ખાવા છે કે ઘરે લઈ જશો... મને એનાં સવાલથી એવી દાઝ ચડીને કે ડોગ બિસ્કિટ ખરીદ્યા વિના જ પાછો આવી ગયો.'

મેં કાકાને ટાઢા પાડતા કહ્યું કે 'કાકા કૂતરા છે એ માણસના સૌથી વફાદાર મિત્ર છે. એટલે મિત્ર જે ખાય એ પોતે ખાવામાં કંઈ વાંધો નહીં હો!' મારી વાત સાંભળી પથુકાકા તાડૂકયા રે 'તું ડાહ્યો થા મા.... ઓલા મતદારોને વફાદાર ન રહેતા હોય એવાં લીડરોને ડોગ બિસ્કિટ ખવરાવી આવ... ડોગ બિસ્કિટ ખાઈને ભલે એનામાં વફાદારીના ગુણ ખીલે...'

મેં કહ્યું 'કાકા આપણે વસમો પાડોશી દેશ પાકિસ્તાન આખી દુનિયા પાસે માગી માગીને ભીખીસ્તાનમાં જ ફેરવાઈ ગયો છે નેૈ? એટલે હવે તેને ભીખ આપી આપીને થાકેલા દેશો ભીખીસ્તાનના વડાના હાથમાં ગલગલીયા કરીને રાજી કરી દે છે ને?'

પથુકાકાએ રેમન્ડ હિચકોકનું ક્યાંક વાંચેલું અને ગોખી રાખેલું સુવાક્ય સંભળાવ્યું કે 'અ મેન ઈઝ નોટ પૂઅર, ઈફ હી કેન સ્ટીલ લાફ... માણસ જ્યાં સુધી હસી શકે છે ત્યાં સુધી એ ગરીબ નથી.'

મેં કાકાને પૂછ્યું કે 'સાચું કહેજો તમે આ સુવાક્ય કોની પાસે સાંભળેલું?' કાકા બોલ્યા 'ચમત્કારિક બાબા બેકારનાથના મોઢેથી આ વાક્ય સાંભળેલું બસ?' મેં કહ્યું બાબા બેકારનાથ વળી શું ચમત્કાર કરે છે એ કહો તો ખરા?' કાકા કહે કે 'જે બેકારીમાં દિવસો ગુજારતા હોય, બેરોજગાર હોય એ બાબાએ આપેલું તાવીજ બાંધે એટલે જોબ મળી જાય છે એવું મનાય છે.'

મેં વધુ ચીકાશ કરી પૂછ્યું કે 'બાબા પોતે સંન્યાસ લઈને કેમ બેકારનાથ બાબા બન્યા?' પથુકાકાએ ધીમેકથી જવાબ આપ્યો કે 'બાબા બેકારનાથ રોજગારી મેળવવા ચંપલ ધસી ધસીને થાક્યા, ક્યાંય પાટો બાજતો નહોતો, છેવટે  ભટકી ભટકીને ભૂખે મરવા કરતાં બેકારનાથ બાબા બનીને તાવીજ આપવા માંડયા. બસ હવે એમની દુકાન ધમધોકાર ચાલવા માંડી છે.

પથુકાકાની આ વાત સાંભળીને તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં ઝડપાયેલા ગુરુઘંટાલ બાબા યાદ આવ્યા અને મે ચાર લાઈના સંભળાવીઃ

બની બેઠેલા બાબાઓની જ

આજ બોલબાલા છે

જેને નમે નેતા, નેતી અને 

નઠારાઓ એવાં બદમાશો કેવાં

કિસ્મતવાલા છે?

અંત-વાણી

બારી બારી સબ કી બારી

મહંગાઈ પડતી સબકો ભારી

**  **  **

મોંધી જણસ, સસ્તા માણસ

**  **  **

પછી દેખાય નઠારાની નકટાઈ

ઉમેદવારો ચૂંટાય ને પછી

મતદારો કૂટાય.