'પીકે' ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- કોર્ટમાંય કકળાટ અને એલફેલ બોલતા આ પિયક્કડોનો અવાજ વધી જતાં મેજિસ્ટ્રેટે ટેબલ પર હથોડી પછાડી રાડ પાડી, 'ઓર્ડર... ઓર્ડર...' તરત એક જણે થોથવાતી જીભે ઓર્ડર આપ્યો, 'દો લાર્જ પેગ રમ, પ્લીઝ...'
થર્ટીફર્સ્ટ નાઈટ સેલિબ્રેટ કરી ફુલ ટાઈટ થઈને શોખીનો ઘરે પાછા ફરતા હતા. હાજી અલીના રોડ પર જબરજસ્ત કારચેઝિંગનો સીન જોવા મળ્યો. આગળ ફુલ સ્પીડમાં મારુતિ દોડે અને પાછળ સાઈરન વગાડતી પોલીસની જીપ. નવા વર્ષમાં સૌથી વહેલા પહોંચવાની ઉતાવળ હોય એમ મારુતિ દોડતી હતી.
પોલીસની જીપે મારુતિને ઓવરટેક કરી માંડ-માંડ ઊભી રાખી. જોયું તો એક અલ્ટ્રા મોડર્ન છોકરી નશામાં ચકચૂર આંખે સ્ટીયરિંગ પર બેઠી હતી. ટ્રાફિક પોલીસ ધીરે-ધીરે વાંકો વળીને છોકરીના મોઢા સુધી પોતાનું મોઢું લઈ જવા માંડયો. તમાશો જોવા ભેગા થયેલા લોકોએ બૂમાબૂમ કરી, 'અરે... ક્યા કરતા હૈ.'
પોલીસનું મોઢું લગોલગ આવ્યું ત્યારે અલ્લડ છોકરીએ ઝપ્પ... દઈને કિસ ચોડી કહ્યું, 'હેપી ન્યુ યર... સાહબ, ઈતની-સી બાત કે લિએ ઈતના ચેઝિંગ કિયા?'
હેબતાઈ ગયેલા પોલીસે માંડ-માંડ જાતને કન્ટ્રોલ કરતાં રુઆબથી કહ્યું, 'અરે મેડમ, આપ પીકે કાર ચલા રહી થી, વો મૈં સૂંઘ કે ચેક કર રહા થા. આલ્કોહોલ મીટર બિગડ ગયા ઈસ લિએ મેન્યુઅલ ચેકિંગ ચાલુ કિયા હૈ...'
ખુલાસો સાંભળી ખડખડાટ હસી છોકરીએ કાર આડીઅવળી મારી મૂકી. ટોળામાંથી કોઇએ લલકાર્યું ઃ 'પીકે' ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી...
નશામાં ધૂત થઈને ડ્રાઈવિંગ કરતા કેટલાયને પોલીસે પક્ડયા.તત્કાળ અનાડી કોર્ટમાં એકબીજાના ટેકે ખડા કર્યા. કોર્ટમાંય કકળાટ અને એલફેલ બોલતા આ પિયક્કડોનો અવાજ વધી જતાં મેજિસ્ટ્રેટે ટેબલ પર હથોડી પછાડી રાડ પાડી, 'ઓર્ડર... ઓર્ડર...'
તરત એક જણે થોથવાતી જીભે ઓર્ડર આપ્યો, 'દો લાર્જ પેગ રમ, પ્લીઝ...'
નવા વર્ષે તમે જ કહો, લો એન્ડ ઓર્ડર ક્યાંથી જળવાય? તમે મસ્તી ખાતર એક વાર કંઈક લો પછી વારંવાર ઓર્ડર આપવાનું મન થાયને?
બાંદરાના જૂના પાડોશી પાસ્કલ ડિસોઝા સવારના પહોરમાં હેપી ન્યુ યર... હેપી ન્યુ યર કરતા આવીને ઊભા રહ્યા. મેં પૂછ્યું 'કેમ, બે દિવસે હેપી ન્યુ યર વિશ કરવાનો ટાઈમ મળ્યો?'
ત્યારે પાસ્કલે કહ્યું, 'શું કરું? થર્ટીફર્સ્ટની પાર્ટીમાં ખાઈ-પીને જલસા કર્યા પછી દોઢ દિવસ સૂવામાં જ ગયો.'
વળી મેં પૂછયું, 'બાંદરાની ખાડીના મચ્છર સૂવા કેમ દે છે?' થર્ટી-ફર્સ્ટ નાઈટ પછી એકાદ-બે ચટકા ભરીને લથડિયાં ખાઈ પડવા માંડયા. એમની કેપેસિટી નહીં અને પીવા જાય પછી શું થાય? આપણી તો નસ-નસમાં નશો વહેતો હતો.'
પાસ્કલ ડિસોઝા કાયમ પરમ પિતાને યાદ કરે અને ન્યુ યરની પાર્ટી નજીક આવે ત્યારે રમ પીતાને યાદ કરે. ફરેલ ખોપડીનો પાસ્કલ (પા-સ્કલ) કાયમ કહે, 'અમારા ધરમમાં જ રમ (એટલે કે શરાબ) પીવાનું લખ્યું છે, રમ ન પીએ તે તમારા જેવા ન-રમ રહે, ખબર છે?'
કોઈક ચિંતકે કહ્યું છેને કે ધરમ પણ એક જાતનો નશો જ છે. મને વિચાર આવ્યો કે ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીએ ઘણી સેવાભાવી સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે એવી રીતે ન્યુ યરને દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે તો? તો અડધોઅડધ બોટલો હોસ્પિટલને બદલે વાઈન શોપ્સમાં મોકલવી પડે. બ્લડ ગુ્રપમાં કંઈક આવા રીમાર્કસ મૂકાય, એ-પોઝિટીવ (બીયર અને બકાર્ડી પોઝિટિવ) આર-એચ પોઝિટિવ (રમ એન્ડ હેવર્ડ પોઝિટિવ) વગેરે વગેરે...
કહેવાય છે કે મુંબઈમાં એક રાતમાં કરોડો રૂપિયાનો દારૂ પીવાયો. પુરુષો જ નહીં, મહિલાઓ પણ પીવામાં પુરુષ સમોવડી બની ગઈ છે. અમુક મોંઘી પાર્ટીઓમાં તો દસ-પંદર હજાર રૂપિયા ખર્ચીને કપલો ખાવા, પીવા ને ઝૂમવા ગયાં હતાં. પાર્ટી એનિમલ તરીકે જાણીતાં અમારી સોસાયટીનાં સંજુ અને સોની ભૂલવાનીએ સી-સાઈડ કલબની પાર્ટીની વાત કરી. સંજુ કહે 'અરે સાહેબ, ન્યુ યરની કપલ્સ પાર્ટીની મોજમસ્તીની શું વાત કરું? આખો માહોલ કઈ રીતે બદલાયેલો લાગતો હતો?'
સંજુ બોલ્યો, 'અરે કપલ્સ જ બદલાઈ ગયાં હતાં. અદલાબદલીમાં ક્યારે સવાર પડી એ જ ખબર ન પડી.'
મને તો અદલાબદલીની વાત સાંભળીને ઓલું ગીત યાદ આવી ગયું, 'એક રાત મેં દો-દો ચાંદ ખીલે, એક ઘૂંઘટ મેં એક 'બદલી' મેં...'
મંદિરમાં ચંપલ બદલાય અને મિજબાનીમાં કપલ બદલાય.
ગુજરાતના ડ્રાય એરિયામાંથી પણ કેટલાય ડ્રાય-ક્લીનરો ગળું ભીનું કરવા નવા વર્ષે અચુક મુંબઈ પહોંચી જાય છે. ગ્રાન્ટ રોડ પાસેથી પસાર થતી વખતે આવા જ બે શોખીનો સુરતી ભાષામાં થોથવાતી જીભે ગાળો સોફાવતા, લથડિયાં ખાતા જોયા. કેમેય કરીને સ્ટેશનનો રસ્તો નથી સૂઝતો એ ખબર પડી ગઈ. અચાનક પોસ્ટ ઓફિસ પાસે લાલ અને લીલા રંગના પોસ્ટના બે ડબ્બા જોઈ બેઉ રંગમાં આવી ગયા. આડાઅવળા થતા ડબ્બા પાસે જઈને કાગળ નાખવાની જગ્યાએ માથું ખોસવા માંડયા. એક બોલ્યો, 'પાછા સુરત જવા ફલાઈંગના રિઝર્વેશનની માથાકૂટ કોણ કરે? ચાલ પોસ્ટમાં જ આરામથી પહોંચી જઈશું.'
બેઉ દારૂડિયાનો ખેલ જોઈ હવાલદાર નજીક આવ્યો અને નવા ફાઈબર ગ્લાસના દંડૂકા બેઉની બેઠકના ભાગ પર માર્યા. દંડૂકો વાગતાં એક દારૂડિયાએ હરખાઈને પોતાના સાથીને કહ્યું, 'એમ ને એમ રહેજે, આપણે પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા, જો હમણાં વાંસે સિક્કો માર્યોને?'
અમુક શોખીનોએ તો શહેરથી દૂર ન્યુ યરની કોકટેલ પાર્ટી રાખી હતી. તાનસા સરોવર નજીક આવી જ એક પાર્ટીમાં જવાનું થયું. દારૂની રેલમછેલ વચ્ચે આખી રાત નાચગાન અને મોજમસ્તીમાં વિતાવી. સૂર્યોદય થતાં એકબીજાને હેપી ન્યુ યર વિશ કરીને બધા પોતપોતાને રસ્તે જવા માંડયા, પણ ચાર-પાંચ દોસ્તોથી એટલો પીવાઈ ગયો હતો કે ઊભા થવાનીયે ત્રેવડ નહોતી. અથડાતા-કૂટાતા તાનસા સરોવરનાી કિનારે જઈ બે જણ કમર સુધી પાણીમાં ઉતરી ગયા. કોઈનું ધ્યાન જતાં બૂમાબૂમ કરી, 'એય... આ શું કરો છો? તળાવમાં ડૂબી જશો.'
આ સાંભળી એક જણે કહ્યું, 'ડૂબી જઈએ તો શું વાંધો છે? સવારે વહુ ઘરનો નળ ખોલશે એટલે સીધા ઘરમાં નીકળીશું.'
અંત-વાણી
સવળા શબ્દને અવળા વાંચો તો થાય ભાન
નશાથી ભલભલા ગુમાવે શાન.