Get The App

એક શામ રામ કે નામ, એક શામ બામ કે નામ

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
એક શામ રામ કે નામ, એક શામ બામ કે નામ 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

'એક શામ રામ કે નામ' નહીં, પણ 'એક શામ બામ કે નામ' - આ સૂત્ર અપનાવી કાયમ બામ ભૂંસતા રહેતા બામના બંધાણી પથુકાકા હિંચકે બેઠાં બેઠાં છાતીએ બામ ચોળતા હતા.

મેં પૂછ્યું, 'શું થયું?' 

પથુકાકા પોતાની ૫૬ સેન્ટીમીટરની છાતી પર બામ ભૂંસતા બોલ્યા, 'છાતીમાં થોડો દુ:ખાવો છે.' મેં પૂછ્યું, 'ડોકટર શું કહે છે?' 

કાકા ઊંહકારો કરતા બોલ્યા, 'કોલેસ્ટેરોલ વધતું જાય છે એટલે હાર્ટનો થોડો પ્રોબ્લેમ છે. કાલે જ ડોકટરને તબિયત દેખાડી આવ્યો.'

મેં સવાલ કર્યો, 'ડોકટરે શું કહ્યું? ખાવાપીવામાં ચરી પાળવાની સલાહ આપી કે નહીં?' 

પથુકાકાએ જવાબ આપ્યો, 'ડોકટરે સલાહ આપી કે કોલેસ્ટેરોલ વધે છે એટલે ઘી થોડું ખાવ. બસ, આને લીધે જ ચિંતા વધી ગઈ એટલે ફરી છાતીમાં સણકા આવવા માંડયા.'

આ સાંભળી મને નવાઈ લાગી કે  ઘી થોડુ ખાવાનું કહ્યું એમાં કાકાની ચિંતા કેમ વધી હશે? મેં પૂછ્યું, ' ઘી ઓછું ખાવાનું કહ્યું એમાં વળી તમને શેની ચિંતા વધી ગઈ?' 

પથુકાકા બોલ્યા, 'આવી મોંઘવારીમાં ચોખ્ખા ઘીનું નામ લેવાય એમ નથી, પણ આ ડોકટરે સલાહ આપી કે ઘી થોડું ખાવ, એટલે હવે થોડું ઘી ખાવું પડશે, બાકી હું તો જરાય ઘી ખાતો નહોતો. પૈસા ખર્ચીને થોડું ઘી લઈ આવવું પડશેને? બસ એની જ ચિંતા છે.'

અમારી વાત ચાલતી હતી ત્યાં રસોડામાં ખખડાટ થવા માંડયો. જોયું તો (હો)બાળાકાકી ડગુમગુ થતાં ટેબલ પર ચડીને અભરાઈ ઉપરથી વજનદાર ડબ્બા નીચે ઉતારતાં હતાં. કાકીની આ કવાયત જોઈને મેં રાડ પાડીને પૂછ્યું, 'કાકી... કાકી... આ ઉંમરે  શું કરો છો? દિવાળી તો ક્યારની ગઈ, હવે આ શું કરો છો? રસોડાની સાફસફાઈ શરૂ કરી છે?'

(હો)બાળાકાકી જવાબ આપે એ પહેલાં પથુકાકા બોલ્યા, 'તારી કાકી પણ મારી સાથે ડોકટરને તબિયત દેખાડવા આવી હતી. ડોકટરે તનબદનમાંથી ટન-બદન થયેલી કાકીના શરીરની એકેય આકાર વિનાની નિરાકાર દશા જોઈને કહ્યું કે કાકી, વજન ઉતારવું પડશે. ડોકટરની સલાહ માનીને તારી કાકી સવારથી ટેબલ ઉપર ચડીને વજન ઉતારવા માંડી છે, બોલો!'

મેં ખડખડાટ હસીને કહ્યું, 'હે ભગવાન... કાકીને શરીરનું વજન ઉતારવાની ડોકટરે સલાહ આપી અને કાકી વજનદાર ડબ્બા ઉતારવા માંડયા?'  

કાકા મારી વાત સાંભળી મસ્તીના મૂડમાં અનાડીનું  ગીત લલકાર્યું : 'સમજને વાલે સમજ ગયે હૈ... ના સમજે વો ઈલાસ્ટીક હૈ...' મેં પૂછ્યું, 'ના સમજે વો ઈલાસ્ટીક હૈ એટલે શું?' કાકા બોલ્યા, 'નાડી ન હોય ત્યાં ઈલાસ્ટીક હોય, એટલે નાડી વગરના અ-નાડી ઈલાસ્ટીક જ કહેવાયને?'

અમારી મન કી બાત અને તન કી બાતમાં ઓચિંતું  ઝંપલાવતાં (હો)બાળાકાકી બોલ્યાં, 'મને તો અમારા ઝાલાવાડના ગામનો જૂનો કિસ્સો યાદ આવે છે. ગામમાં એક નાડી-વૈદ્ય હતા. ઘરના બારણે પાટિયું ઝૂલે એ નાડી-વૈદ્યનું. એક વાર મારા બાપુજી નાહીને નીકળ્યા ત્યારે નવો લેંંધો પહેરવા ગયા પણ અંદર નાડી નહીં, એટલે તરત મને  કહ્યું, જા ગગી, સામેથી નાડીવૈદ્યને ત્યાંથી લેંધાની નાડી લઈ આવ...'

કાકીનો કિસ્સો સાંભળી અમે ખડખડાટ હસી પડયા. કાકાને ભેજામાં કંઈક નવો ફટાકડો ફૂટયો અને બોલ્યા, 'જેવા બાપ એવી બેટી, ભલે હોય શક્કરટેટી...' 

મેં પૂછ્યું,'બાપ એવી બેટીનો અર્થ શું? જરા ફોડ પાડીને કહો તેો ખરા?' 

પથુકાકા બોલ્યા, 'ગયા અઠવાડિયે તારી કાકીને પેટનો દુ:ખાવો ઉપડયો. બહારની પાવભાજી, ભેળ, વડા-પાંઉ અને બીજો કચરો ખાઈ ખાઈને પેટમાં દુ:ખાવો ન ઉપડે તો બીજું શું થાય? અડધી રાત્રે કાકીથી દુ:ખાવો સહન ન થતાં મને કહે કે ઝટ ડોકટર પાસે લઈ જાવ. મેં કહ્યું, મધરાતે કયા ડોકટર પાસે લઈ જાઉં? ત્યારે કાકીએ ઊંહકારા કરતાં કહ્યું કે આપણી શેરીના નાકે પેટ-ડોકટરનું દવાખાનું છે અને પેટ-ડોકટર દવાખાનાની ઉપર જ રહે છે, ત્યાં લઈ જાવને! આ સાંભળી મેં માંડ હસવું રોકીને કહ્યું કે બાળા... બાળા... બાળા... જરા સમજ તો ખરી? પેટ-ડોકટર એટલે શું, ખબર છે? પેટ-ડોકટર એટલે પેટના ડોકટર નહીં, પણ પેટ એટલે પાળેલા પ્રાણીના ડોકટર... બોલ, હવે લઈ જાઉં તને?'

આ સાંભળી મેં કહ્યું, 'વાહ, બાપ એવી બેટી એ સાચું હો! બાપાએ નાડી-વૈદ્ય પાસેથી મગાવી નાડી અને બેટીએ પેટ-ડોકટરને બનાવ્યા પેટના ડોકટર...'

'ના સમજે વો ઈલાસ્ટીક હૈ...' એ કાકાના ગીતને ગણગણતો હતો ત્યાં ડોકટરની સલાહનું અક્ષરસ: પાલન કરતાં ડોશીમાની તબિયત કેવી રીતે વધુ બગડી એ કિસ્સો યાદ આવ્યો.

ત્રણ દીકરા ઘરડા માજીને દવાખાને લઈ ગયા. ડોકટરે પૂછ્યું, માજી શું તકલીફ છે? માજીએ અસ્સલ કાઠિયાવાડીમાં તકલીફ વર્ણવવા માંડી કે જરાક હાડકચર જેવું લાગે છે, નાક સતત ટપકે છે, ઊભી થાઉં તો કૈડમાં કડાકા બોલે છે, ખાઉં તો પેટ ફૂલીને પટારો થઈ જાય છે અને ઊઘરસ ખાઉંં તો છાતીના પાટિયા બેસી જાય છે.

માજીની તકલીફો સાંભળીને એમબીબીએસ ડોકટરનું માથું ચકરાવે ચડી ગયું, કારણ કે મુંબૈયા ડોકટરે મેડિકલ સાયન્સનાં કૈંક થોથાં વાંચી નાખ્યા હતા, પણ ડોશીમાએ વર્ણવી એવી બીમારી આજ સુધી જાણી નહોતી. ડોકટરની મૂંઝવણ સમજીને ત્રણમાંથી એક ડાહ્યા મનાતા દીકરાએ કહ્યું કે માજીને શરદી, ખાંસી અને ઝીણો તાવ છે અને ઉંમરને લીધે ખાવાનું પચતું નથી એટલે ગેસ થાય છે.

ખડખડાટ હસીને ડોકટરે ગોળી અને સિરપ આપતાં કહ્યું કે ઘરે જાવ અને માજીને કંઈક ખવડાવીને પછી દવા આપજો. સવાર-બપોર-સાંજ ગોળી ખવડાવજો અને પછી માજીને બરાબર હલાવીને સિરપ પીવડાવજો. બે દિવસમાં માજી સાજા થઈ જશે.

બીજે દિવસે સવારના પહોરમાં માજીના દીકરાએ ડોકટરને ફોન કર્યો કે સાહેબ તમે કીધેલું કે બે દિવસમાં ડોશીમાં સાજા થઈ જશે, પણ આ તો  આજે એમની તબિયત વધુ બગડી છે.

ડોકટરે પૂછયું કે ગોળી અને સિરપ બરાબર આપ્યા હતા? તો પછી કેમ તબિયત બગડી? દીકરાએ કહ્યું કે ડોકટર સાહેબ તમે કહેલું ને કે માજીને હલાવીને સિરપ પીવડાવજો? એટલે ત્રણેય ભાઈઓએ ભેગા થઈ માજીને ઉપાડીને  ખૂબ હલાવ્યા અને પછી સીરપ પીવડાવ્યું, બસ ત્યારબાદ માજીની તબિયત બગડી, હવે શું કરીએ?'

ડોકટરે રાડ પાડી કે અરે અક્કલના ઓથમીરો... મેં  સિરપની શીશી હલાવીને માજીને પીવડાવવાનું કહેલું, માજીને હલાવીને  સિરપ પીવડાવવાનું નહોતું કહ્યું... હવે બીજી વાર આવી ભૂલ કરતા નહીં, સમજાયું? 

અંત-વાણી

સુરતની એક હોસ્પિટલની બહાર બોર્ડ ઉપર ચોકથી સૂચના લખેલી: દરદીઓને મરવાનો સમય સાંજે ૪થી ૬. આ વાંચીને આંચકો લાગ્યો એટલે એક સુરતી લાલાને પૂછ્યું ત્યારે તેણે સમજાવ્યું કે સુરતમાં 'ળ'નો  ઉચ્ચાર 'ર' કરે છે. એટલે બોર્ડ પરના લખાણનો અર્થ એ થાય કે દરદીઓને 'મળવાનો' સમય સાંજે ૪થી ૬.

***

સ: સામાન્ય દરદી તબીબી સારવાર મેળવે પણ જેની પત્ની લેડી ડોકટર હોય એ સારવાર મેળવે એને શું કહેવાય?

જ: બીબી-સારવાર.