ખેંચતાણ ઘણી ઘણી, ધન ખેંચે શહેર ભણી, ધણ ખેંચે ગામ ભણી
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
પાંજો કચ્છડો બારે માસ અને કોરોના ભારે ત્રાસ..... કોરોના મહામારી વચ્ચે જેમ શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા એમ કેટલાય શ્રીમંતો પણ શહેરથી દૂર પોતાના ગામડે પહોંચી ગયા. મોટા મોટા મહાનગરમાંથી વતનમાં આવેલા કચ્છીમાડુઓને લીધે કેટલાય ગામડા ધમધમી ઊઠયા. પોતાનું ગામડું કોને વ્હાલું ન હોય ? કહે છેને કે જેનું વાતાવરણ જોઇને મડુ પણ ગાવા માંડે એને કહેવાય ગામડું.
છેલ્લાં દસેક દિવસથી મૂળ કચ્છના વતની એવાં પથુકાકા દેખાતા નહોતા. એટલે ખબર કાઢવા માટે કાકાના ઘરે ગયો. મેેં ઓશરીમાં બેસી ઘઊં વિણતા (હો) બાળાકાકીને પૂછયું કે 'પથુકાકા કયાં છે ? કેમ દેખાતા નથી ?' કાકી છણકો કરીને બોલ્યા 'તારા કાકા બળદિયા છે બળદિયા, એની શું વાત કરૂં?' હું તો ઘડીભર સાંભળીને ચોંકી ગયો કે પોતાના ધણીને આટલી આસાનીથી બળદિયા કહે છે ?' મારા મનનો સવાલ પારખી કાકી હસીને બોલ્યા 'તારા કાકા બળદિયા છે એટલે શું ખબર છે ? કચ્છના બળદિયા ગામે એનાં બાપ-દાદાનું મકાન છે ત્યાં એકલા રહેવા ગયા છે.' મેં પૂછયું કે 'કાકાના જીગરજાન મિત્ર મુળજીકાકા પણ નથી દેખાતા એનું શું કારણ ?' કાકીએ જવાબ આપ્યો 'ઇ મુળજીભાઇ તો કયારના કપાયા છે તને ખબર નથી ?' હું તો સાંભળીને ઘડીભર ધુ્રજી ગયો એ જોઇ કાકીએ ફોડ પાડયો કે 'અમારા કચ્છના ગામડાનું નામ કપાયા છે તને ખબર નથી ? હવે સમજણ પડી કે નહીં ? કાકા બળદિયા છે અને મુળજીભાઇ કપાયા '.....
આ ગામડાના નામ સાંભળીને મને ભારે નવાઇ લાગી. એક કચ્છના જાણકારે કહ્યું કે 'માત્ર કપાયા નહી, કચ્છમાં તો નાના કપાયા અને મોટા કપાયા એમ જુદા જુદા ગામ છે ખબર છે ?' આ સાંભળીને મનમાં વિચાર આવ્યો કે આ મોંઘવારી, મહામારી અને અધૂરામાં પૂરૂં ઇંધણના દરવધારાને લીધે નાના અને મોટાના ખીસ્સા 'કપાયા' જ છેને? પેટ્રોલ અને ડિઝલનો ભાવ આમ જ વધતો રહ્યોને તો મોંઘી ગાડીઓને બદલે જતે દિવસે કચ્છના બળદિયા ગામનું નામ યાદ કરીને બળદ-ગાડામાં ફરવાનો વારો આવે તો કહેવાય નહી.
તમે જોજો કે પેટ્રોલ - ડિઝલના ભાવવધારાના વિરોધમાં ય ગામેગામ જુદી જુદી પાર્ટીવાળા બળદ-ગાડામાં બેસી મોરચા અને રેલી કાઢવા માંડયા છે બરાબરને ? કહે છેને પગ નીચે આવે મોંઘવારીનો રેલો ત્યારે સહુ કાઢે રેલી, જેથી કદાચ ધ્યાન આપે પ્રજાના 'બેલી'.....
મુંબઇમાં તો થોડા વખત પહેલાં દેશની જૂનામાં જૂની પાર્ટીએ બળદ-ગાડામાં રેલી કાઢી હતી. એક એક ગાડામાં ૨૦-૨૫ જણ ચડી બેઠા હતા અને સરકાર વિરૂધ્ધ જોરશોરથી સૂત્રો પોકારતા હતા. આટલા બધાનો ભાર વેંઢારીને બીચ્ચારા બળદિયાના મોઢામાં ફિણ આવી ગયા હતા. સૌથી આગળના ગાડામાં પણ કેટલાય નેતાઓ ઉભા ઉભા ઘોષણાબાજી કરતા હતા. પણ ભાર વધી જતા કડેડાટી સાથે ગાડુ તૂડયું અને નેતાઓ નીચે ફેંકાયા. બળદિયા પણ પડખાભેર પડયા. એ ઘડીએ કપડાં ખંખેરીને ઉભા થતા નેતાઓને જોઇને પથુકાકાએ ટકોર કરેલી કે 'અમથાય આ પાર્ટીના કેટલાય નેતાઓ ફેંકાઇ ગયા છે, એટલે આમાં કંઇ નવાઇ જેવું નથી. બાકી તો કહેવત છેને કે ઘરડાં ગાડા વાળે..... એમાં ઉમેરો કરીને કહી શકાય કે ઘરડા ગાડા વાળે અને જુવાન ગાડા ઊંધા વાળે બરાબરને ? ગાદી ઉપર હોય એ ફેંકયા કરે..... અને ગાદી ગુમાવી હોય ફેકાયા કરે રાજકારણને રસ્તે આવું ચાલ્યા જ કરે મારા ભાઇ, એટલે જ કહું છું :
શહેર છોડી હાલો ગામડે
સંધાય જણ
ટેસથી ફરો ગાડામાં અને
જુઓ ગોવાળિયાને ધણ
પછી બળતરા નહી કરાવે
આ મોંઘા ઇં-ધણ
મેં કહ્યું 'કાકા ગાડી અને ગાદીમાં શું સામ્ય છે ખબર છેને ? ગાડી હોય કે ગાદી આવે ત્યારે માણસ હરખાય અને જાય ત્યારે મુંઝાય.'
આ સાંભળી કાકાએ ડબકું મૂકયું કે 'અસલના વખતમાં કેવી રાજનીતિ હતી ? અત્યારે તો નીતિ વગરનું જ રાજ છેને? અગાઉ ગાદી ઉપર ખાદીના કવર જોવા મળતા અને અત્યારે કવરને બદલે ગાદીના લવર (સત્તાપ્રેમી) જોવા મળે છે.'
મેં કહ્યું 'ગાંધીબાપુ કહેતા કે ગામડા ધબકતા રહેવા જોઇએ અને ગામડાવાળાને ઘરઆંગણે જ રોજગારી મળવી જોઇએ જેથી કમાવા માટે ગામડાને છોડીને શહેરમાં જવું ન પડે.'
પથુકાકા કહે 'અસલના વખતમાં બહારવટિયા ગામ ભાંગવા આવતા યાદ છેને ? અત્યારે ગામડાના અંદરવટિયા જ ગામ છોડીને શહેર ભણી હાલતા થાય છે એટલે ગામ એની મેળે ભાંગતા જાય છે.'
મેં કહ્યું 'કાકા શહેરમાં જઇને જે બે પાંદડે થાય છે એ ગામડાને ભૂલી શકતા નથી. પૈસાનું પાણી કરીને વિલેજ રિસોર્ટમાં જાય છે. ત્યાં ફરવા માટે બળદગાડા હોય એમાં ફરવાની મજા લે છે. ઝાડ નીચે ખાટલા પાથર્યા હોય એમાં ટેસથી લાંબા ટાંટિયા કરી એસીને બદલે દેશી હવા ખાતા પડયા રહે છે. જમવામાં પણ અસલ દેશી ખાણું ઝાપટે છે. રોટલા, રિંગણાનો ઓળો અને કચ્છી બિયર તરીકે ઓળખાતી છાશના ઘૂંટડા ભરી પેટે ડાઢક કરે છે. લંગડી અને ખો-ખો દેશી રમતો રમે છે અને ગામડાના માહોલમાં જલસા કરે છે.'
કાકા છણકો કરીને બોલ્યા 'આ બધા શહેરીઓ દસ-વીસ હજાર ખર્ચીને એકાદ-બે દિવસ ગામડાનો માહોલ માણવા જાય છે એનાં કરતાં ગામડામાં રહ્યા હોત તો શું ભૂંડા લાગત ? આટલા પૈસામાં ગામડામાં તો આખા મહિનાનો ખર્ચો નીકળી જાય ખબર છે ? પણ મને લાગે છે કે ઇંધણના દર આમ જ વધતા રહ્યાં ને મોંઘવારી વધતી જ રહી તો ધીરે ધીરે શહેરમાં પણ લોકોને બળદ-ગાડામાં કે સાયકલ પર ફરતા જોઇને, રિક્ષાને બદલે ખરેખર હોર્સ-પાવરથી ચાલતી ઘોડાગાડીઓને ફેરા કરતી જોઇને અને દિલ્હીની ભાગોળે કિસાનો ફેરવે છે એવાં ટ્રેકટર ઘરઘરાટી કરતા જોઇને ગામડાની લાઇફનો જ અનુભવ થશે જોજો તે ખરા?'
મેં સવાલ કર્યો કે ' બે વર્ષ પહેલાં અમેરિકાથી તમારો ગ્રાન્ડસન ઇન્ડિયા આવ્યો ત્યારે તેને ગામડાના જીવનનો પરિચય કરાવવા બળદિયા લઇ ગયેલાં એ અનુભવ કેવો રહ્યો ? આ વચમાં કોરોનાએ મેથી મારી એમાં એ પૂછવાનું રહી જ ગયું.'
ખોંખારો ખાઇને કાકા બોલ્યા ' હા તેં સારૂં યાદ દેવરાવ્યું. મારો પોતરો (ગ્રાન્ડસન) સની આવ્યો ત્યારે તેને ગામડે લઇ ગયો એ વખતે અને ભારે મજા પડી ગઇ. ગામડામાં ચક્કર મારવા નીકળ્યા ત્યારે એક જગ્યાએ ગાયોને ગમાણામાં ઊભી ઊભી ખોળ ખાતી હતી. આ જોઇ સની બોલી ઉઠયો સી..... સી દાદુ કાઉ-બુફે કાઉ. બુફે. થોડે આગળ ગયા ત્યાં ભેસનો તબેલો આવ્યો. ભેંસો પણ હારબંધ ઊભી ઊભી ખાતી હતી. એટલે સની ફરી બોલ્યો દાદુુ સી..... સી બફેલો બુફે. પછી પોતે જ બોલી ઉઠયો કે દાદુ હવે મને ખબર પડી કે આપણી સોસાયટીમાં ઊભા ઊભા ખાવાની બુફેની ફેશન કયાંથી આવી. એટલે બુફેમાં જે ઉભા ઉભા ખાતા હોય તેને હું બુફેલો..... કહીશ બુફેલો ઓકે ?' કાકાએ કહ્યું હું મનોમન બોલ્યો કે 'બેટમજી આ ઇન્ડિયા છે, ઇન્ડિયા. ઊભા ઊભા ખાણાંની કયાં વાત કરે છે? અહીં ઉભા ઉભા નાણાં હજમ કરવાવાળાનો તોટો નથી. કામ કઢાવવા માટે ઊભાઊભા ખાણું નહીં નાણું ખવરાવવું પડે, નીચે ઊભો (અન્ડર-સ્ટેન્ડ?) કે નહીં ?'
ગ્રાન્ડસનની વાત આગ વધારતા કાકા કહે કે 'એક જગ્યાએ ભેંસ દોહવાતી જોઇ સનીએ હઠ પકડી કે તેને પણ ટ્રાય કરવી છે ભેંસ પાસે લઇ જઇને દૂધવાળાને રિક્વેસ્ટ કરી કે આને જરા ટ્રાય કરવા આપોને ? ભલાભોળા દૂધવાળાએ સનીને પડખે બેસાડયો અને ભેંસના આંચળમાંથી દૂધ કાઢી તાંસળીમાં કેમ સેર પડે એ શીખવ્યું. પણ અજાણ્યા હાથને પારખી ભેંસ પાછલા પગ પછાડવા માંડી. પણ સની કેમેય કરી આંચળ મૂકે નહીં. એટલે રંગીન મિજાજના દૂધવાળાએ સની સામે જોઇને લલકાર્યું : છોડ દો ''આંચળ'' ઝમાના કયા કહેગા.....'
ભેંસના તબેલામાંથી બહાર નીકળીને મેં ગ્રાન્ડસનને સાનમાં સમજાવ્યું કે 'દોહવાનું સહેલું નથી સમજ્યો બચ્ચુ ? પશુને જ નહીં પ્રજાને દોહતા આવડી જાય એ ડેમોક્રસીમાં કયાંના કયાં પહોંચી જાય છે ખબર છે ?'
કાકાનો કિસ્સો સાંભળી હું બોલ્યો કે 'મને તો નાનપણ સાંભળેલું બાળકનૈયાનું ગીત અડધુંપડધું યાદ આવે છે : કાનુડો કામણગારો ગૈયાને દોહે કુમળા કર (હાથ)થી..... પણ આજે સરકાર પ્રજાને દોહે છે. આકરા 'કર' થી.....'
ગ્રામોધ્ધારની મોટી મોટી યોજનાઓ જાહેર થાય છે છતાં કેટલાંય ગ્રામજનોએ આજેય ઉધાર લઇને જેમતેમ ગાડું ગબડાવવું પડે છે એવી ટકોર કરતા પથુકાક કહે કે 'વિના ઉધાર નહી ઉધ્ધાર..... એવી દશા છે. આ ગામડાના ખેડૂતોનો જ દાખલો લ્યોને ? એમને માટે અબજો રૂપિયાની સહાય યોજનાઓ જાહેર થાય છે.
છતાં એમની આત્મહત્યાના કિસ્સા ઓછા થયા છે ? મહારાષ્ટ્રના વિદર્ભના ગરીબ ખેડૂતો બીચ્ચારા કહેતા હોય છે કે આ વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટવા અગ્નિસ્નાન કરવાનું વિચારીએ ત્યારે મનમાં થાય કે મોંઘુ પેટ્રોલ કયાંથી લાવશું ? અમારા ભાગ્યમાં તો જીવતા જ મફતમાં બળવાનું લખ્યું છે. એવા સૂત્રો પોકારાય છે દેશ કી શાન કિસાન..... પણ આ બધા ખેડૂતો મનોમન પોકારતા હશે દેશની શાન કિસાન..... ઠેકાણે લાવે લીડરોની 'સાન'.....'
મેં કહ્યું આજે અડધા ખાલી પેટે રહેતા કરોડો લોકો ગામડામાં વસે છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું હતું. બીજી બાજુ સરકાર ગામડે ગામડે ઘર ઘરમાં ટોઇલેટની ઝુંબેશ ચલાવે છે ખબર છેને ? પણ આ અડધા ભૂખ્યાના ઘરમાં ટોઇલેટ બાંધીને એનો શું ઉપયોગ ? જો ખાશે નહી તો 'જાશે' કયાંથી ? અંદર આંટો મારીને 'સાભાર પરત' થશે કે બીજું કાંઇ ?'
પથુકાકા બોલ્યા તારી આ વાત પરથી કોઇ ડાયરામાં સાંભળેલું વાકય યાદ આવ્યું. શહેર અને ગામડા વચ્ચે શું ફરક છે ? વિશે હાસ્યકલાકારે કહેલું કે બહારનું ખાઇ ઘરમાં 'જાય' એ શહેરી અને ઘરનું ખાઇ બહાર (લોટે) જાય એ ગામડિયા.
મેં કાકાને યાદ અપાવ્યું કે 'તમારા ગ્રાન્ડસન સની સાથે વિલેજ - વિઝીટની વાત તમે અધૂરી મૂકી એ પૂરી તો કરો ?' કાકા એકદમ તોરમાં આવી બોલી ઉઠયા કે 'ગામડાની શેરીઓમાંથી હું અને મારો પોતરો ફરતા હતા ત્યાં સનીની નજર માટીના ઘરોની માથે સૂકવેલા છાણા ઉપર પડી. તરત સની બોલી ઊઠયો કે સિટીના લોકો કરતાં આ વિલેજના 'કેટલ' કેટલી ડિસિપ્લીન મેન્ટેન કરે છે જુઓ તો ખરા ? રોડ ડર્ટી ન થાય માટે છાપરા પર 'પોટી' કરી છે, વેરી સરપ્રાઇઝીંગ' પછી મારે એેને સમજાવવું પડયું કે ગાય-ભેંસના છાણમાંથી છાણાં બનાવી તેનો ચુલામાં ઇંધણ (ફયુઅલ) તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ જવાબ દીધા પછી મને મનમાં વિચાર આવ્યો કે ઇંધણના ભાવ આસમાને ગયા પછી અને રાંધણ ગેસની કિંમત ઊંચે ગયા પછી આમ જ રાં-ધણનું ઇં-ધણ ધણમાંથી મેળવવું પડશે.'
મેં કાકાને દાદ દેતા કહ્યું કે 'છાપરા માથે છાણાં થાપવાનો તમે કમાલનો કિસ્સો સંભળાવ્યો હો ?' કાકા બોલ્યા મોંઘવારી આમને આમ વધતી જતી હોવાથી અત્યારે છાપરાને માથે જ નહીં પણ નેતાઓને માથે પણ છાણા થપાય છેને ?
અંત-વાણી
ખેંચતાણ ઘણી ઘણી
ધન ખેંચે શહેર ભણી
'ધણ' ખેંચે ગામ ભણી