mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચૂંટણી પહેલાં તડામાર ઉદ્ઘાટનોની ભરમાર

Updated: Apr 2nd, 2024

ચૂંટણી પહેલાં તડામાર ઉદ્ઘાટનોની ભરમાર 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

મેળે મેળે મોરલડી હેલે ચડી... હલકદાર અવાજે ગાતાં ગાતાં પથુકાકા મને પરાણે મેળામાં લઈ ગયા. મેળામાં હૈયેહૈયું દબાય એવી ભીડ જામી હતી. મોતના કૂવામાં મોટરસાઈકલ ફેરવવાના ખેલ ચાલતા હતા, જાદુગરો અવનવા કરતબ દેખાડતા હતા અને નટબજાણીયા દોરડા ઉપર ચડીને વાંસડો ઝાલીને જીવ અધ્ધર થઈ જાય એવી કરામત દેખાડતા હતા.

લોકસભાની ચૂંટણી જાહેર થઈ તેના થોડા દિવસ પહેલાં શિવરાત્રીના મેળામાં ફરતાં ફરતાં અમે બે જણ થોડે દૂર ગયા ત્યાં નાનું સરખું કુંડાળું નજરે પડયું. ઢોલ-તાંસા પર પીટાતી દાંડીના તાલ સાથે તાળીઓના ગડગડાટ સંભળાતા હતા. જોયું તો બે હટ્ટાકટ્ટા પહેલવાનો અજબ ખેલ દેખાડતા હતા. વારાફરતી હવામાં નાળિયેર ઉછાળે અને પછી જેવું નીચે આવે ત્યારે માથેથી ફોડી નાખે. માથેથી નાળિયેરના કાચલા ઉડાડતા જોઈને લોકો તાલીઓના ગડગડાટ કરે અને ચિચિયારીઓ પાડે.ખેલ પૂરો થાય એટલે બધા પાંચ રૂપિયા... દસ રૂપિયા... વીસ રૂપિયા આપીને વિખરાતા જાય.

હું અને કાકા પણ આ માથેથી નાળિયેર ફોડતા આ માથાભારે પહેલવાનોને વીસ-વીસ રૂપિયા આપી  તેમની બહાદુરીને બીરદાવી આગળ વધ્યા. મેં કહ્યું,'કાકા, કેવો અજબનો ખેલ કહેવાય! મારા બેટા માથેથી નાળિયેર ફોડતા હતા. કમાલ કહેવાયને?'

પથુકાકા બોલ્યા, 'નજીક આવતી ચૂંટણીની તડામાર વચ્ચે, ઉદ્ઘાટનોની  ભરમાર વચ્ચે નેતાઓએ પણ કદાચ માથેથી નાળિયર ફોડવાનો વારો આવે તો કહેવાય નહીં.'

મેં સવાલ કર્યો, 'નેતાઓએ શા માટે માથેથી નાળિયેર ફોડવા પડે?' કાકાએ નાળિયેર જેવા લંબગોળ માથે હાથ ફેરવીને કહ્યું, 'જો ભાઈ, દરેક નેતા ચૂંટણી પહેલાં પોતે કેટકેટલું કામ કરે છે એ દેખાડી દેવાની અને મતદારોની વાહવાહી  મેળવવા માંડયા છે ધડાધડ ઉદ્ઘાટનો કરવા, લાલ રિબનો કાપી યોજનાઓ શરૂ કરવા અને શ્રીફળ વઘેરી વઘેરીને નવાં નવાં  કામોના શ્રીગણેશ કરવા. રોજેરોજ  હજારોના હિસાબે ઉદ્ઘાટનો કયાંર્ એમાં નાળિયેરના વેપારીઓને ચાંદી થઈ ગઈ. હવે જ્યારે શ્રીફળ વધેરી ઉદ્ઘાટનો કરવા માટે કાંઈ બાકી નથી રહ્યું અને આચાર-સંહિતા લાગુ થઈ છે ત્યારે આ નેતાઓ શું કરશે? મેળાના પહેલવાનોની જેમ હવામાં નાળિયેર ઊછાળીને પોતાના માથાથી જ ફોડશેને?'

સામાન્ય રીતે જંગમાં કાપાકાપી ચાલતી હોય છે, પણ અત્યારે ચૂંટણી જંગમાં કાપાકાપી ચાલે છે. નાના-મોટા પ્રોજેકટ શરૂ કરવા લાલ ફિતી કે રિબનો કપાય છે, લડવા માટે થનગનતા હોય એવા કેટલાય થનગન ભૂષણોથી ટિકિટો કપાય છે અને કાળા ધંધા કરીને આખેઆખા ખરડાયા હોય એવા કેટલાય દાગીઓ સત્તાધારી પક્ષમાં જોડાય એટલે મૂળમાંથી નાક કપાય છે. ચુનાવી આપાધાપી અને એમાં ચાલે આવી કાપાકાપી. આવી દશામાં ક્યાંથી સંતોષ પામીએ? કોને વોટ આપીએ?

પથુકાકા વળી નવી વાત લાવ્યા, 'સ્વાર્થીય જનતા પાર્ટીના એકમાત્ર નેતા અને એકમાત્ર સભ્ય મગનજી મોકાવાળા આજ સુધી કેટલીય ચૂંટણી લડયા છે છતાં એક પણ વાર ચૂંટાયા નથી. બધી ચૂંટણીમાં ડિપોઝીટ ગુમાવી છે છતાં આ વખતે ફરીથી લડવા માટે ઊંચાનીચા થાય છે. સમાજના અને જ્ઞાાતિના સમારંભોમાં સામેથી આમંત્રણ માગી ગેસ્ટ તરીકે જાય છે, ડોનેશન આપી 'પેઈંગ-ગેસ્ટ' બની લાલ પટ્ટી કાપી ફોટા પડાવે છે અને ચોપાનિયાંમાં ફોટા છપાવી કોલર ઊંચા કરી ચાલે છે.'

મેં કહ્યું, 'ચુનાવી રાજકારણમાં જીતે એના ગળામાં ફૂલહાર અને બાકી  મોકાબાજ. મગનજી મોકાવાળા જેવાની 'ફૂલ-હાર' ચૂંટણી નજીક આવે એટલે સવારથી ઉદ્ઘાટનો કરવા નીકળી પડે છે. રાત્રે સૂતી વખતે પણ રિબન કાપવાની કાતર ખિસ્સામાં જ લઈને સૂવે છે એ તમને ખબર છે?'

કાકા ખડખડાટ હસીને બોલ્યા, 'એનાથી આગળની મજેદાર ઘટનાની વાત તને નહીં ખબર હોય. હમણાં એકવાર રાતે ખિસ્સામાં કાતર લઈને સૂતા હતા. એમાં ઉદ્ઘાટનનું જ સપનું આવ્યું. લાલ પટ્ટી કાપતા હોય એમ તાલીઓના ગડગડાટ સાથે વટથી ખચાક કરીને લાલ પટ્ટી કાપી. તાલીઓના ગડગડાટ વચ્ચે ગાલે સણસણતો તમાચો વાગતા ઊંઘમાંથી બેઠા થઈ ગયા. જોયું તો બાજુમાં સૂતેલી પત્નીએ કાળો કકળાટ કરી મૂક્યો કે હાય  હાય હાય... તમે કાતરથી મારો ચોટલો કાપી નાખ્યો, જુઓ તો ખરા! આવું છે ,બોલો. ચૂંટણી પહેલાં ઉદ્ઘાટનોની ભરમાર અને ઢંગધડા વિનાના ધણીએ ખમવો પડે માર. આવી દશામાંથી કોણ લગાડે પાર?'

હવે તો એક જગ્યાએ બટન દબાવી સો-સો ઠેકાણે ઉદ્ઘાટનો થાય છે. આ વર્ચ્યુઅલ ઈનેગ્યુરેશનનો એવો તો વાયરો વાય છે કે વાત ન પૂછો. વતન-પરસ્તી જેવી આ બટન-પરસ્તી જોઈને ગાવાનું મન થાય કે, 'બટન' પે જો ફિદા હોગા અમર વો નૌજવાં હોગા... ઉદ્ઘાટન કરીને જતા નેતાશ્રીઓ ગાશે કેઃ કર ચલે હમ ખુલા પ્લાન-બાન સાથિયોં, અબ તુમ્હારે હવાલે બટન સાથિયોં...

પથુકાકા ચૂંટણીલક્ષી ઉદ્ઘાટનબાજી અને લોકાપર્ણના ખેલ જોઈને બોલી ઉઠયા, 'આને લોકાપર્ણ નહીં, મોકાર્પણ કહેવાય. મોકા જોઈને મારવાના હોય ચોક્કા, મોકેબાજો કો  કિસને રોકા?'

કેવી નવાઈ લાગે! દોઢસો-બસોની વસતીવાળા ગામડાની નિશાળ ખુલ્લી મૂકવા, બે-ચાર વ્હીલચેરનું દિવ્યાંગજનોને લોકાપર્ણ કરવા, ડાયાબિટીસના દરદીઓ માટે કારેલાપાકના નિઃશુલ્ક કેન્દ્રના ઉદ્ઘાટન સમાજ-કંટકો માટે ફૂલવાડી ખુલ્લી મૂકવા અને પીડિત પતિદેવો માટે નાઈટ શેલ્ટર કે ફાઈટ શેલ્ટરના  ઈનોગ્યુરેશન માટે નેતાઓ દોડી જતા હોય છે.

હું અને કાકા હંમેશની જેમ મોર્નિગ વોકમાં નીકળ્યા. અલકમલકની વાતો કરતા જતા હતા ત્યાં રસ્તામાં ઝૂંપડપટ્ટી વિસ્તાર આવ્યો. ત્યાં મોટું હોર્ડિંગ લગાડી એના ઉપર લોકલ નેતાજીના ફોટા સાથે લખેલું હતું-

'આપણા વિસ્તારના માનવંતા

મગનજી મોકાવાળા શૌચાલય

ખુલ્લું મૂકશે.'

આ લખાણ વાંંચી હાયકારો કરીને પથુકાકા બોલી ઉઠયા, 'આ માનવંતા મોકાવાળાને કાઈ શરમબરમ છે કે નહીં? શૌચાલયનું બારણું ઉઘાડું રાખીને જાહેરમાં શૌચક્રિયા કરશે?'

મેં ખડખડાટ હસીને કહ્યું, 'શૌચાલય ખુલ્લું મૂકશે એટલે કે દસ સીટની સગવડવાળા સાર્વજનિક શૌચાલયનું ઉદ્ઘાટન કરશે. સમજાયું હવે?' 

પથુકાકા છણકો કરીને  બોલ્યા, 'દસ હજારની વસ્તી વચ્ચે દસ સીટવાળા શૌચાલયમાં ક્યારે આરો આવે?  લાંબી લાંબી લાઈન લાગશે. કમોડની સીટ પર માંડ બેસીને પ્રોડકશનની શરૂઆત કરશે ત્યાં પાછળવાળા બારણું ખખડાવીને સીટ ખાલી કરવા દબાણ કરશે. ઓછી હોય સીટ અને ઝાઝા હોય બેસનારા, એમાં ક્યાંથી આવે આરો અને ક્યાંથી આવે વારો...'

મેં કહ્યું, 'કાકા, આજના ડર્ટી-પોલિટિક્સમાં કે સાર્વજનિક શૌચાલયોમાં સીટ-એડજેસ્ટમેન્ટ કર્યા વિના ક્યાં છૂટકો છે?'

અંત-વાણી

ગંદા રાજકારણમાં 

બધે ઘાણ છે,

જુઠ્ઠાણાની ભરમાર અને 

સચ્ચાઈની તાણ છે.

નીતિ વિનાના રાજની

છે રાજનીતિ જાણે, 

નીતિ-મૂલ્યોના રાજકારણની

આ કાણ છે.

Gujarat